Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:શું બ્રહ્મ કવિ છે?

    1 week ago

    ભાગ્યેશ જહા નવરાત્રિ એક રીતે મનુષ્યની ઊર્મિલતાને અભિવ્યક્ત કરવાનો ઉત્સવ છે. સ્થળ-કાળ પ્રમાણે પ્રગટતા અવાજો ક્યારે કોલાહલમાં પરિવર્તિત થાય તેની ખબર ન પડે, પણ ભક્તિ શબ્દોને ઓળંગીને આંસુમાં સરી પડે ત્યારે એક અંતરયાત્રા જરૂર શરૂ થાય. દુર્ગાષ્ટમીની રાત્રે ગાંધીનગરમાં ‘કલ્ચરલ ફોરમ’ના બહુ જ મોટા ગરબામાં મહાઆરતી થાય છે, દર વર્ષે આરતીના દીવડાઓથી માતાજીની કોઈ આકૃતિ બને છે. આ વર્ષે વીણાવાદિની સરસ્વતીની સરસ આકૃતિ બની, હું જ્યારે આવું લખું છું કે આકૃતિ બની ત્યારે આકૃતિ પૂરેપૂરી દેખાય એ આખી પ્રક્રિયા માણવા જેવી હોય છે. એકદમ લાઇટો બંધ હોય, 2 મિનિટ પહેલાં જે ઝળહળ હતું, અચાનક દીવાઓના અજવાળે લટકતું અંધારું થઈ ગયું. આકાશ મુખોમુખ થઈ ગયું, ‘અખંડ બ્રહ્માંડ નીપાવ્યા, પડવે પંડિત..’ એવા શબ્દો છેક હૃદયની શેરીને ઝંકૃત કરવા લાગ્યા, માર્કંડેય મુનિ જે જગદંબાને ‘શબ્દાત્મિકા’ કહે છે, તે અચાનક જ શબ્દાતીત થવા લાગ્યા. હજારો લોકોથી છૂટા પડીને એક દીવાથી શણગારેલો સ્વયંનો અંધારઘેરો ટાપુ બની જવાયું. સમૂહમાંથી છટકીને સ્વયંમાં સ્થિર થવું સહજ બન્યું, એનું કારણ ઘટાટોપ સંગીત તો ખરું, ‘મા’ની દુર્ગાસ્વરૂપા વિરાટ આકૃતિ જાણે આકાશ બની ગઈ હોય! થોડી ક્ષણો ધ્યાનની હતી, સ્થિર બની ગયેલું અંધારું, એમાં લીલા લીસોટા જેવા ડ્રોન-સમૂહની દોડાદોડ, જોકે એ ગતિ ત્યારે ઓલવાઈ ગયેલી લાગી જ્યારે મહાકાય સ્ક્રીન પર વીણાવાદિની દેખાયાં. હતું તો એક ચિત્ર, પણ એમાં અનેકોની શ્રદ્ધાનું અજવાળું છલકતું હતું, આકાશ હતું તેના કરતાં ગંભીર બની ગયું હતું. આ એ જ આકાશ હતું જેણે પહેલી વાર માહેશ્વરસૂત્રોથી ઘડાતી ભાષા જોઈ હશે, આ એ જ આકાશ જ્યાં પહેલી વાર વીણાના તંતુઓથી સ્વર એક અલૌકિકતાથી વહેતા થયા હશે. હું જરા આંખ ખોલીને આજુબાજુનો માહોલ વાંચવા મથું છું ત્યારે આસપાસ 4-5 જણની આંખમાંથી આંસુ વહેતાં હતાં. મારાં આંસુની એકલતા આવી રીતે રેલાઈ જશે એની ખબર નહોતી. પણ વીણાવાદિનીનું દૃશ્ય હવે સ્થિર હતું, ભાષા જેટલું, અંધારાને ઉલેચવા મથતા દીવાઓ જેટલું. એક અબોલ આશ્ચર્ય શાંત સમુદ્ર જેવું લાગતું હતું. જેમણે ચિત્ર દોર્યું હતું, એમની આંખોમાં આંસુ હતાં, સંગીતકારો આંસુ રોકી શકતા નહોતા. શું હતું આ? વીણાવાદિનીનો પ્રતાપ કે શ્રદ્ધાના હર્ષાશ્રુ! ‘વાઉ’નિર્માત્રી પણ વીણાવાદિની જ હતી! મારે મન આ આરતીમાં સમાયેલી ગહનતા હશે, જેમાં કાળ અને સંગીતના બે ભરપૂર પ્રવાહોની મેળવણીનું માસૂમ વહેણ હતું. આદ્યશક્તિનું એવું પાતળું અવતરણ હશે જ્યાં સ્વયં વીણાવાદિની ભાષાભીના આશાતંતુને જોતાં હશે. શ્રદ્ધા તો ચોતરફ હવાની જેમ પથરાઈ હતી. આવી ક્ષણે ઉપનિષદનો મંત્ર ગૂંજે છે, જે કહે છે, कविर्मनीषी परिभूः स्वयम्भूः। એ બ્રહ્મ સ્વયંભૂ છે, એમની કોઈ જન્મતારીખ કે મરણતારીખ નથી. એ પરિભૂ છે, સર્વવ્યાપક છે, બ્રહ્માંડના કણેકણમાં ધબકી રહ્યા છે. એ મનીષી છે, કારણ કોઈ મહાન સ્થપતિની રચના જેવું આ જગત રચાયું છે. એ કવિ છે. બ્રહ્માંડના રચયિતા કવિ છે. પરમ ચૈતન્ય બ્રહ્મ કવિ છે. આ કવિ શબ્દ સ્મરણમાં આવતાં જ પેલાં વીણાવાદિની જાણે કે મહાકાય સ્ક્રીનમાંથી નીકળીને એ આદિકવિની પંક્તિઓ પ્રગટાવવા લાગ્યા! ઍન કાર્સન કહે છે તેમ હવે પદ્ય કે ગદ્ય એવા ભેદમાં નથી પડવું, આપણે તો આ મહાકાવ્યને વાંચવું છે, જેની પંક્તિઓ આકાશ બનીને ખૂલી રહી છે, જેનું સંગીત રાત-દિવસ ગવૈયાની જેમ ગાતા રહેતા સમુદ્ર દ્વારા ગવાઈ રહ્યું છે. જે પુષ્પમાં ઊગે છે, જે ઘેર આવતી ગાયોની આંખમાં આથમે છે. આ કવિની કવિતા એ પંક્તિઓ વિનાનું મહાકાવ્ય છે. એ લખાયા વિનાનો લય છે, અને મહેનત કર્યા વિના મનનો વિલય થતો હોય એવી આદિયોગીની સમાધિની ક્ષણની જાગૃતિ છે. યાદ આવે છે ભારતના ઋષિએ કોઈ વખત ગાયેલું, पश्य देवस्य काव्यं महित्वा, न ममार, न जीर्यते ।। આ દેવનું એવું કાવ્ય છે જે કોઈ દિવસ મરતું નથી, કે નથી ઘરડું થતું. આ વીણાવાદિનીની નિશ્રામાં જાગતું કાવ્ય છે, એ ખળખળ વહેતા ઝરણાની ગતિ છે, સ્થિર બેઠેલા મુનિની મતિ છે. અને કલ્યાણનો મંત્ર બોલતા કોઈ રાજર્ષિની પ્રગતિ છે. આ પલાંઠી વાળીને યુગોથી બેઠેલા પર્વતોની વાણી છે, કશા કારણ વિના વહેતી લોકમાતાનું વહેણ છે. એ વૃક્ષોની શતસહસ્ર જીભોની જેમ નાચી ઊગતાં પાંદડાઓનું સંગીત છે, કાળાંભમ્મર વાદળોથી ઘેરાયેલું આકાશ જ્યારે એક પુષ્પના સ્મિત સામે હારી જાય છે, ત્યારે એ સ્મિતમાં સંતાયેલો શબ્દ એ આ કવિતાનો શબ્દ છે, ઝાડનો ખભો પકડીને ઊભેલી વેલની ખુમારી છે, એ ઝાડ પર ડાળ પર બેઠેલી કોઈ ખિસકોલીનો વિશ્વાસ છે, તો એ જ ડાળ પર નાનકડો માળો બાંધીને રહેતી ચકલીની નાનકડી પાંખોમાં ઊડવાનાં સપનાંનો પગરવ છે. આ બધું છે, જે દેખાય છે અને જે દેખાતું નથી, એ બધામાં કશુંક ધબકે છે, કારણ કે કવિ સચરાચર સૃષ્ટિના પ્રાણનો ધબકાર છે. ઊંચા પર્વતની સૌથી ઊંચી ટોચ પર ઊગેલી એક કૂંપળની સૂર્ય સાથે થતી વાતચીતમાં આવતું અલ્પવિરામ છે, તો ખૂબ જ અંધારી ખીણમાં કાળાં પાણીની પથારી પર નિરાંતે ઊંઘેલા કોઈ અજગરની આંખમાં ચમકતું પૂર્ણવિરામ છે. કારણ બ્રહ્મ કવિ છે.
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:દંડકારણ્યના દ્વારપાલ : જ્યાં વનશ્રી, વનવાસી, રાજધર્મ અને રાષ્ટ્રભક્તિનો સુભગ સંગમ થાય છે
    Next Article
    કવર સ્ટોરી:સ્થૂળતા ભારતના GDPને પણ ભારે પડે છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment