Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:દંડકારણ્યના દ્વારપાલ : જ્યાં વનશ્રી, વનવાસી, રાજધર્મ અને રાષ્ટ્રભક્તિનો સુભગ સંગમ થાય છે

    1 week ago

    વાંસદા તમે ન ગયા હો તો એક વાર જવા જેવું છે. વનવાસી અને વનમાળી વચ્ચે સેતુ રચી આપે તેવી વનશ્રી હજી થોડીક બચી છે. કાળવૃક્ષનું એક પાન હજી કરમાયા વગરનું રહ્યું છે. વાંસદાનો ઇતિહાસ એના વનવૈભવ જેવો ભવ્ય દીસે છે. વાંસદાનું મૂળ નામ હતું, વાસુદેવપુર. વાંસદાના મહારાજા ઇન્દ્રસિંહજી રાજકોટમાં રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ ન્હાનાલાલ એમના પ્રિય અને માનનીય અધ્યાપક હતા. કવિએ મહારાજાને ‘દંડકારણ્યના દ્વારપાલ’ તરીકે બિરદાવ્યા અને લખ્યું : ‘વાંસદા છે અંબિકાને આરે, વાંસની ઝાડીઓમાં દીપડોય ક્યારેક ગાજે! કુદરત ત્યાં ઢગલે ઢોળાઈ છે. બિલિમોરા થઈ જાવ તો માર્ગે નારિયેળી, કમલભર્યું ચીખલીનું કમલ સરોવર આવે, કાળા આંબે થઈ જાવ તો માર્ગે આવે દેવકી-ઉનાઈનાં ઉષ્ણોદક ઝરણાં. ડાંગ દંડકારણ્યનો વનમાર્ગ, વાંસદાની સીમમાં વહે છે. વાંસદાનાં વનોમાં પારસીઓ ભમ્યા છે, હુંય ભમ્યો છું. ડુંગરે આતાશ બહેરામ ચઢ્યા છે. હુંયે ચઢ્યો છું. વનરાઈઓ તો ગોરંભાતી લચી નમી જતી ઝોલાં ખાય. અંબિકાવન એટલે દંડકારણ્યનું દ્વાર.’ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો. વલ્લભભાઈ પટેલ એ લડતના સૂત્રધાર હતા. વાંસદાના મહારાજાએ બારડોલીની લડતમાં અત્યંત જુદી રીતે પોતાનો ફાળો આપ્યો. સત્યાગ્રહને કારણે કેટલાક ખેડૂતોની જમીન-જાયદાદ જપ્ત થયેલી. આ ખેડૂતો ક્યાં જાય? સ્યાદલાવાળા મોરારભાઈ વાંસદા જઈ ઇન્દ્રસિંહજીના દરબારમાં હાજર થયા. મહારાજાએ ખેડૂતોના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપતાં કહ્યું : હું તમને સીધેસીધી મદદ કરું તો અંગ્રેજ સરકારની આંખે આવીશ. તમે મારા અતિથિ તરીકે રાજ્યના ગેસ્ટ હાઉસમાં રહો. હું તમારે માટે સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં એવો માર્ગ શોધી કાઢું છું. આ જ અરસામાં સુરતના પોલિટિકલ એજન્ટ વાંસદાની મુલાકાતે આવવાના હતા. અગાઉ નક્કી કર્યા પ્રમાણે મહારાજા એજન્ટ સાથે બ્રેકફાસ્ટ લઈ રહ્યા હતા ત્યારે ખેડૂતોના પ્રતિનિધિમંડળે મળવા માટેની અરજ મોકલી. મહારાજા સાહેબે એ સૌને અંદર બોલાવીને વાતો સાંભળી. ખેડૂતો ગયા ત્યારે મહારાજાએ એજન્ટને કહ્યું : ‘સાહેબ! ખેડૂતો સરકારના કમાઉ દીકરા ગણાય. તેઓ આશ્રય માટે આવ્યા છે, પરંતુ આપની પરવાનગી વગર અહીં એમને મારાથી ન રખાય. આમાં તો હું બ્રિટિશ સરકારની મદદ કરી રહ્યો છું. આ ચળવળિયા લોકોને અહીં વસાવી દઈશ તો આપણે ત્યાંનો ઉત્પાત ઓછો થશે.’ વાત પતી ગઈ. મહારાજાએ વિસ્થાપિત ખેડૂતોને સાતસો એકર જમીન આપી. તે સમયની રાજકીય ભાષામાં એ જમીન ‘ઇસ્તાવા’ (રાહત દરે)થી આપવાનું નક્કી થયું. શરતો તો જુઓ : જમીન સંપૂર્ણતયા મફત આપવી. પાંચ વર્ષ સુધી મહેસૂલની સંપૂર્ણ માફી અને છઠ્ઠા વર્ષે અડધી માફી. જંગલ સાફ કરીને ટ્રેક્ટરથી ખેડીને આપવી. વિસ્થાપિત ખેડૂતોને રાજ્ય ઘર બાંધી આપે અને તેનું ભાડું મહિને રૂપિયા બે. વિસ્થાપિતોનાં ઘરો માટે કૂવા તથા હવાડાની વ્યવસ્થા રાજ્ય કરી આપે. એ જમાનામાં કયો મહારાજા સરદારના ચળવળિયાઓને આવી મદદ કરે? હરિપુરામાં કૉંગ્રેસનું એકાવનમું અધિવેશન ભરાયું. તે વખતે કૉંગ્રેસના પ્રમુખ રાષ્ટ્રપતિ કહેવાતા. હરિપુરાના અધિવેશન માટે વાંસદાના મહારાજાએ ખુલ્લો સહકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ સુભાષચંદ્ર બોઝ માટેનો શણગારેલો ભવ્ય રથ મહારાજાએ વાંસદાથી મોકલ્યો. હજી એ રથ વાંસદામાં સચવાયો છે. એકાવન જોડી બળદોની શોભાયાત્રા કાઢવામાં આવી પછી અધિવેશનમાં રાષ્ટ્રપતિના હસ્તે થનારા ધ્વજવંદનમાં સો ફૂટ ઊંચો વાંસ વાંસદાના મહારાજાએ મોકલેલો. આ ઉપરાંત રાજ્યના અમલદારો અને ડૉક્ટરોને વ્યવસ્થા માટે મોકલવામાં આવેલા. માનવામાં આવે છે કે મહારાજાએ સારી એવી ગુપ્ત આર્થિક સહાય પણ કરેલી. પોતે પણ અધિવેશનમાં હાજરી આપેલી. આ બાબતની જાણ મુંબઈ રાજ્યના ગવર્નરને થઈ હતી પણ મહારાજાએ પરવા ન કરી. આ હિંમત જેવી તેવી ન ગણાય. પંડિત નેહરૂએ મદનમોહન માલવીયજીના સ્મારક માટે દાન મોકલવા પત્ર લખ્યો ત્યારે મહારાજાએ સારી એવી રકમ આપેલી. એ જ રીતે સરદાર પટેલે પંજાબ રાહતનિધિ માટે દાન માટે વિનંતી કરેલી ત્યારે પણ સારી એવી રકમ મહારાજાએ આપેલી. રાષ્ટ્રીય આંદોલનમાં સીધેસીધા જોડાયા વગર આવી મદદ પહોંચાડનારા મહારાજા ઇન્દ્રસિંહજીને સલામ. સ્વરાજ મળ્યું અને સરદારે દેશી રાજ્યોનું વિલીનીકરણ કરીને ભારતના નકશાને આકાર આપ્યો. સરદારની પ્રતિમાના અનાવરણની વિધિ પછી તરત વાંસદાના લોકો આગળ સરદાર પટેલ અંગે મારું પ્રવચન ગોઠવાયું ત્યારે સભાના પ્રમુખસ્થાને યુવરાજ દિગ્વીરેન્દ્રસિંહજી હતા. તેમણે સરદાર સાહેબ અંગે એક વાત કરી. પરિવારમાં રાજકુમારીનાં લગ્ન હતાં ત્યારે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ ખાસ હાજર રહ્યા અને તેમના વિમાનના ઉતરાણ માટે એક નાનું કામચલાઉ ઍરપોર્ટ ઊભું કરાયેલું. મહારાજાએ રાષ્ટ્રીય લડતમાં અને પછી દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે જે સદભાવ બતાવેલો તેની કદર કરવાની સરદારની આ રીત હતી. રાજાઓ ગયા અને નેતાઓ આવ્યા. પણ સરદાર પટેલ ક્યાંથી લાવવા? વાંસદાના અનુપસિંહજી સોલંકીએ કહ્યું હતું કે વાંસદા રાજ્યની મુખ્ય આવક દારૂની હોવા છતાં દારૂના પીઠા સામે ઉનાઈ યાત્રાધામમાં જે પિકેટિંગ થયેલું તેમાં ગુપ્તવેશે વાંસદાના રાજવી તથા પ્રગટપણે સરદાર પણ જોડાયેલા. *** વડાપ્રધાન નરસિંહ રાવ થોડાક સમય પર સુભાષ બોઝ અંગેના કોઈ કાર્યક્રમ માટે કલકત્તા ગયેલા. એમણે પ્રવચનમાં જણાવ્યું કે 1938માં જ્યારે હરિપુરા કૉંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન ભરાયું ત્યારે તેઓ યુવાન સ્વયંસેવક તરીકે ત્યાં ગયેલા. આ વાત વાંચીને થયું કે એ અધિવેશનમાં હું પણ ગયેલો, પરંતુ ત્યાં નરસિંહ રાવને કે અન્ય કોઈને જોયાનું યાદ નથી. કારણ? કારણ એ જ કે તે વખતે હું માંડ એક વર્ષનો હતો. મારી બા મને અધિવેશનમાં રાંદેરથી લઈ ગયેલી. એણે વાત કરેલી કે ગાંધીજી પાસે પહોંચી જઈને એણે મને એમના હાથમાં આપેલો (કદાચ અડધી મિનિટ માટે). આ વાત આજે યાદ કરું ત્યારે થાય છે કે ગાંધીજીનો પાવન સ્પર્શ થયો તોય ખાસ ફેર ન પડ્યો! પાઘડીનો વળ છેડે મહારાજાઓ તો ગયા પરંતુ દેશને આજે ચૂંટાયેલા મહારાજાઓ સેવાના નામે પજવી રહ્યા છે. તેઓ પાસે ઇન્દ્રસિંહજી પાસે હતી એટલી સાહેબી તો છે, પરંતુ ઇન્દ્રસિંહજી પાસે હતી તેનાથી હજારમા ભાગની દેશપ્રીતિ નથી. અને હવે આપણી વચ્ચે સરદાર પણ નથી; તેથી ભ્રષ્ટાચારને નિરાંત છે. Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    Aaj ka Panchang 25 October 2026: पश्चिम दिशा में यात्रा करना पड़ सकता है भारी, पढ़ें 25 अक्टूबर का पंचांग
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:શું બ્રહ્મ કવિ છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment