Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્કો રૂબિયો જામનગર કેમ ગયા:અમેરિકાની દાઢ કેમ ડળકી, શું ભારત-અમેરિકાના સંબંધો સુધારવામાં રિલાયન્સ રિફાઈનરી નિમિત્ત બનશે

    17 hours ago

    અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો દિલ્હી જવાના બદલે પહેલાં મુંબઈ ને પછી જામનગર રિલાયન્સ રિફાઈનરી જોવા પહોંચ્યા. તેના કારણે વિશ્વભરમાં ગુજરાત અને રિલાયન્સ રિફાઈનરીની ચર્ચા થઈ રહી છે. માર્કો રૂબિયો જામનગર કેમ આવ્યા? તેમનો હેતુ શું છે? શું ભારત- અમેરિકાના સંબંધો સુધારવામાં જામનગર નિમિત્ત બનશે? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : માર્કો રૂબિયોનો જામનગર એજન્ડા શું છે? જવાબ : આ સવાલના જવાબમાં માર્કો રૂબિયોએ સીએનએન ન્યૂઝ 18 સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ભારત રિફાઈનિંગ સુપરપાવર છે. રિલાયન્સ અત્યંત મહત્વપૂર્ણ કંપની છે અને તેની પાસે ક્રૂડ અને એનર્જીને રિફાઇન કરવાની જબરદસ્ત ક્ષમતા છે. પેટ્રોલિયમ ત્યાં સુધી નકામું છે જ્યાં સુધી તેને રિફાઇન કરીને ઉપયોગ લાયક બનાવવામાં ન આવે. અમને લાગે છે કે ભારતને તેની સપ્લાય ચેન અને ઊર્જાના પુરવઠામાં વિવિધતા લાવવામાં રિલાયન્સ આગળ પણ મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વેનેઝુએલા પોતાનું ઊર્જા ઉત્પાદન વધારી રહ્યું છે અને ભારત પાસે તેના કેટલાક ક્રૂડ ઓઈલને રિફાઇન કરવાનો લાંબો અનુભવ રહ્યો છે. રિલાયન્સ એ ગણીગાંઠી કેટલીક કંપનીઓમાં પણ સામેલ છે, જેમણે અમેરિકામાં રિફાઇનિંગ સેક્ટરમાં રોકાણ કર્યું છે. તેથી જ્યારે અમે આટલા નજીક આવ્યા. અમને લાગ્યું કે તેમની કામગીરી જોવા જવું જોઈએ અને તેમની સાથે થોડો સમય પસાર કરીને આ અંગે વાત કરવી જોઈએ કે આપણે સાથે મળીને વધુ સારી રીતે કેવી રીતે કામ કરી શકીએ. અમેરિકાએ વેનેઝુએલા પર કબજો કર્યો ત્યારે પુષ્કળ ઓઈલ ભંડાર તેના હાથમાં આવી ગયો. આટલા બધા ઓઈલનું કરવું શું? રશિયામાં ઓઈલ રિફાઈનરીઓ ઘણી છે પણ યુક્રેને તેને નષ્ટ કરી નાખી છે એટલે રશિયા મોકલી શકાય તેમ નથી. તો બચ્યું કોણ? જામનગરની રિલાયન્સ રિફાઈનરી. કારણ તે ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ-ડિઝલ, વિમાન ઈંધણ અને બીજી ઘણી પેટ્રોલિયમ પ્રોડક્ટ બનાવી શકે છે. ભારતની ઘણી રિફાઈનરીઓ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલને રિફાઈન કરી શકે છે. માર્કો રૂબિયોની જામનગર મુલાકાતનો આ હેતુ છે. તે ઈચ્છે છે કે વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ જામનગરમાં રિફાઈન થાય. અત્યારે વેનેઝુએલાની આર્થિક હાલત સારી નથી. અમેરિકાના સમર્થનવાળી વચગાળાની સરકાર દેશની બગડેલી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે ઓઈલની નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહી છે. વેનેઝુએલાના ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર અમેરિકા છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. તાજેતરના મહિનાઓમાં ભારતે વેનેઝુએલાથી રોજ આશરે 2.90 લાખ બેરલ ક્રૂડ ઓઈલ આયાત કર્યું, જેમાંથી 90 ટકા જામનગર રિફાઇનરીમાં આવ્યું. માર્કો રૂબિયો આ વખતે દિલ્હી નથી ગયા તેની ચર્ચા વધારે છે. પણ છ મહિનામાં કોઈ અમેરિકી વિદેશમંત્રી બીજીવાર ભારત આવે તે દેશના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. આનો મતલબ એવો કે અમેરિકાને હવે ભારતનું મહત્વ સમજાયું છે ને અમેરિકા હવે પોતાનો સ્વભાવ બદલી રહ્યું છે. સવાલ-2 : શું અમેરિકાનું વલણ બદલાઈ રહ્યું છે? જવાબ : અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, ભારતના ઓઈલ પુરવઠાના સોર્સ અને ખાસ કરીને રિલાયન્સની ઓઈલ ખરીદી, પહેલાં પણ ટ્રમ્પની જિયોપોલિટલ રણનીતિના કેન્દ્રમાં રહ્યા છે. રુબિયોની આ યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને ભારત એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલી વાટાઘાટો બાદ ટ્રેડ ડીલને આખરી ઓપ આપવાની નજીક છે. મંગળવારે 20 ઓક્ટોબરે વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડ ડીલની સંભાવનાઓ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, "અમે ટ્રેડ ડીલ કરીશું. હા, અમે ખૂબ નજીક છીએ. આ ઘણા અલગ પ્રકારની ડીલ હોઈ શકે છે. કેવા અલગ પ્રકારની ડીલ, તે અંગે ટ્રમ્પે ફોડ પાડ્યો નથી. આ વર્ષે પણ રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર રહ્યું. બ્લૂમબર્ગ મુજબ, રશિયાથી ઓઈલનો પુરવઠો વધીને રોજનો લગભગ 20 લાખ બેરલના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, જે ભારતની કુલ ઓઈલ આયાતના આશરે 40 ટકા જેટલો છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પહેલાં આ હિસ્સો માંડ બે ટકા હતો. બ્લૂમબર્ગે લખ્યું છે, વેનેઝુએલાથી ભારતને મોકલાતો ઓઈલનો પુરવઠો પણ 2019 પછીના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જોકે તેનું પ્રમાણ ઘણું ઓછું. રોજ આશરે 1.87 લાખ બેરલ છે. બીજી તરફ, અમેરિકાથી ભારતને મોકલાતો ઓઈલનો પુરવઠો લગભગ અડધો થઈને દરરોજ 1.65 લાખ બેરલ રહ્યો છે. તેનું કારણ ટ્રાન્સપોર્ટેશનની વધતી કિંમત છે, જેના કારણે અમેરિકન ઓઈલની સ્પર્ધાત્મકતા ઘટી ગઈ છે. ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને ભૂતપૂર્વ રાજદ્વારી કંવલ સિબ્બલે એક્સ પર લખ્યું છે કે, અમેરિકાએ રશિયન ડીઝલ પરના પ્રતિબંધોમાં જે છૂટ આપી છે, તેની 60 દિવસ બાદ સમીક્ષા કરવામાં આવશે. રુબિયોના આ નિવેદનથી થોડી રાહત મળી છે, પણ આગળની સ્થિતિને લઈને અનિશ્ચિતતા યથાવત છે. અમેરિકાના મીડ ટર્મ ઈલેક્શનને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ સ્ટ્રેટેજીકલી નિર્ણય છે. વર્તમાન અમેરિકન પ્રશાસન વારંવાર કહી ચૂક્યું છે કે તે પોતાનું વલણ બદલી શકે છે. આંતરરાષ્ટ્રીય બાબતોના એક્સપર્ટ જોરાવર દૌલતસિંહે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, રસપ્રદ વાત છે કે અમેરિકા ભારતની જમીન પર જ ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવવા કેટલા કોન્ફિડન્સમાં છે તે જોઈ શકાય છે. કારણ કે અમેરિકી વિદેશમંત્રી ભારત આવે છે તેની પહેલી જાહેરાત ભારતના એમ્બેસેડર સર્જિયો ગોરે કરી. ભારત યજમાન દેશ છે તો તેમાંથી કોઈએ જાહેરાત ન કરી. જ્યારે જ્યારે ભારતને બીજા દેશો સાથે સંબંધો સુધારવાના હોય છે ત્યારે ત્યારે બિઝનેસ ગ્રુપ સેતુ બની રહ્યા છે. સવાલ-3 : બે દેશના સંબંધો સુધારવામાં બિઝનેસ ડીલનો શું ઈતિહાસ રહ્યો છે? જવાબ : ઇન્ડિયન એક્સપ્રેસમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત સી. રાજામોહને લેખમાં લખ્યું કે આ મુલાકાત ભારત-અમેરિકા સંબંધો પર થતી સામાન્ય ચર્ચા કરતાં ઘણી વધારે મહત્વપૂર્ણ છે. જામનગર ભારતની જટિલ એનર્જી પોલિટિક્સને સમજવાની એક તક આપે છે. આ જ ઊર્જા રાજનીતિએ ભારત અને અમેરિકા, રશિયા અને ઈરાન સાથેના તેના સંબંધોને આકાર આપ્યો છે. મુંબઈમાં રૂબિયોની ટાટા અને અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત અને જામનગરમાં મુકેશ અંબાણી સાથેની વાતચીત એ પણ દર્શાવે છે કે ભારતીય બિઝનેસ વર્લ્ડ અને દેશની વિદેશ નીતિ વચ્ચેનું જોડાણ વધી રહ્યું છે. જેમ જેમ ભારતીય કંપનીઓનો આર્થિક પ્રભાવ અને પહોંચ વિશ્વભરમાં વધ્યા છે, તેમ તેમ તેઓ ભારતની કૂટનીતિનો મહત્વપૂર્ણ હિસ્સો બનતા જાય છે. જોકે તેના જવાબમાં ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને ભૂતપૂર્વ રાજદ્વારી કંવલ સિબ્બલે એક્સ પર લખ્યું કે આ સાચી વાત છે. ભારતના મોટા બિઝનેસ ગ્રુપ દેશની વિદેશ નીતિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પણ આ બિઝનેસ ગ્રુપોને એટલા શક્તિશાળી પણ બનવા દેવા જોઈએ નહીં કે તેઓ રાજકારણ અને સરકારી નીતિઓને કંટ્રોલ કરવા લાગે. અમેરિકામાં આર્મી અને બિઝનેસના જોડાણના કિસ્સામાં આવું જોવા મળે છે. એવું કંવલ સિબ્બલ લખે છે. ભારતીય રાજકારણમાં ભારતનો બિઝનેસ મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. 1973માં મિડલ ઈસ્ટના દેશોએ ઓઈલ સપ્લાય રોકી દીધી હતી અને ઓઈલની કિંમત આસમાને હતી. ઓઈલ સંકટ પછી હિન્દુજા ગ્રુપે પોતાના બિઝનેસના સંબંધોનો ઉપયોગ કર્યો અને તેના કારણે ભારત અને ઈરાનના સંબંધો સુધર્યા. 1998ના પરમાણુ પરિક્ષણો પછી પણ ભારતે બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર સાથે વાતચીત કરવા હિન્દુજા ગ્રુપની મદદ લીધી હતી. એ પછી ભારત અને બ્રિટન વચ્ચેના મતભેદ ઓછા થયા હતા. આ વખતે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ તણાવ, ડીલે થઈ રહેલી ટ્રેડ ડીલમાં જામનગરની રિલાયન્સ રિફાઈનરી કેન્દ્ર સ્થાને છે. સવાલ-4 : કેમ મહત્વની છે જામનગરની રિલાયન્સ રિફાઈનરી? જવાબ : જામનગરની રિફાઈનરી રશિયન યુરાલ ક્રૂડ ઓઈલને રિફાઈન કરતી ટોચની ત્રણ કંપનીઓમાં સામેલ છે. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી તો ખરી જ. તેની શરૂઆત 1999માં થઈ હતી અને 2008માં તેનો વિસ્તાર થયો. આ દુનિયાનું સૌથી મોટું સિંગલ-સાઇટ રિફાઈનિંગ કોમ્પ્લેક્સ છે, જેમાં એક્સપોર્ટ માટે અને ડોમેસ્ટિક માર્કેટ માટે બે અલગ-અલગ યુનિટ્સ છે. ક્લિક ઓઈલ એન્ડ ગેસ નામની વેબસાઇટ અનુસાર, માત્ર ક્ષમતાની બાબતમાં જ નહીં, પરંતુ તેના વિસ્તારની બાબતમાં પણ આ અનોખું રિફાઈનરી કોમ્પ્લેક્સ છે. તેનો વિસ્તાર 30 ચોરસ કિલોમીટર છે, જે મધ્યમ કદના કોઈપણ બ્રાઝિલિયન શહેર કરતાં પણ મોટો છે. પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા ક્લાઈમેટ ટ્રેસ અનુસાર, જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સ 7,500 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. તેની દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે, જે ટેક્સાસમાં ઉત્તર અમેરિકાની સૌથી મોટી ગેલ્વેસ્ટન બે રિફાઈનરીની ક્ષમતા કરતાં ડબલથી પણ વધુ છે. RPLના જામનગર કોમ્પલેક્સનો વિસ્તાર લંડનના ઐતિહાસિક ફાઈનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ, સિટી ઓફ લંડનના વિસ્તાર કરતાં 10 ગણાથી પણ વધુ મોટો છે. આજે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (RPL)ની જામનગર રિફાઈનરી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG), પ્રોપિલીન, નેફ્થા, પેટ્રોલ, જેટ અથવા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ, સુપિરિયર કેરોસિન ઓઈલ, હાઈ-સ્પીડ ડીઝલ, સલ્ફર અને પેટ્રોલિયમ કોકને પ્રોસેસ કરે છે અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. ડેટા ઉપલબ્ધ કરાવતી કંપની કેપ્લરના મુખ્ય રિફાઇનિંગ વિશ્લેષક સુમિત રિતોલિયા લખે છે કે ડીઝલનો 'ક્રેક સ્પ્રેડ' એટલે કે ઇંધણની જથ્થાબંધ કિંમત અને તેને બનાવવા માટે જરૂરી ક્રૂડ ઓઈલના ખર્ચ વચ્ચેનો તફાવત હાલમાં આશરે 63 ડોલર પ્રતિ બેરલ છે. આ યુદ્ધ પહેલાંના સ્તર કરતાં ત્રણ ગણો વધુ છે. ડીઝલનું ઉત્પાદન પણ વધવાની આશા છે. ભારતમાં ઓક્ટોબર-2026માં ડીઝલની નિકાસ વધીને રોજની આશરે 7.30 લાખ બેરલ થઈ શકે છે, જે એક વર્ષ પહેલાં રોજની 6.53 લાખ બેરલ હતી. તેમાં રિલાયન્સનો હિસ્સો આશરે 5.50 લાખ બેરલ પ્રતિ દિવસ રહેવાનો અંદાજ છે. રિતોલિયા લખે છે, એવું નથી કે રૂબિયોની મુલાકાત બાદ જામનગરમાં ડીઝલનું ઉત્પાદન બમણું કે ચાર ગણું વધી જશે. જામનગર પહેલેથી જ તેની મહત્તમ ક્ષમતા પર કામ કરી રહ્યું છે, કારણ કે જ્યારે આટલો સારો નફો મળી રહ્યો હોય, ત્યારે કોણ ઉત્પાદન કરવા નહીં ઇચ્છે? એટલે જ અમેરિકાને હવે ગુજરાતની ગરજ છે. કારણ કે અમેરિકાને પોતાની પાસે પોતાનું ક્રૂડ ઓઈલ છે. વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ પણ છે. બંને ઓઈલ અલગ અલગ જાતના છે. અને આ પ્રકારના ઓઈલ પ્રોસેસ કરવાની તાકાત માત્ર રિલાયન્સ પાસે જ છે. ધીરુભાઈ અંબાણીના સપના સમાન જામનગરની રિફાઈનરી ભારત- અમેરિકાના સંબંધો સુધારવામાં નિમિત્ત બનશે, જે ગુજરાત માટે બહુ મોટી વાત છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રૂબિયો અને રિલાયન્સ વચ્ચે મહત્વની મંત્રણા:અંબાણી પરિવારે રજૂ કર્યું ગીગા-ફેક્ટરીઝ-ડેટા સેન્ટર્સનું ફ્યુચરિસ્ટિક વિઝન, ડિજિટલ ઇન્ફ્રામાં ભાગીદારીના નવા દ્વાર ખુલશે
    Next Article
    "Politics Is Tough Business": JD Vance On Row Over Vivek Ramaswamy's Controversial Ad On Rival

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment