Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાનખર: ખરી રહેલા પર્ણનો સંદેશ આપતી ઋતુ:સૌંદર્ય હંમેશા કાયમી હોવું જરૂરી નથી, ક્યારેક ક્ષણિકતા જ તેને વધુ અદભૂત બનાવે છે

    7 hours ago

    શાળા સમયે ગુજરાતી વિષય જ એટલે પ્રિય હતો કે પરીક્ષામાં નિબંધ લખવાનો મોકો મળે અને વર્ષમાં ત્રણ કે ચાર વખત લેવાતી પરીક્ષા જે અલગ અલગ ઋતુ દરમિયાન આવે અને નિબંધ માટે અપાતા વિષયોમાં એક વિષય 'શિયાળાની સવાર','વસંતનો વૈભવ','ઉનાળાની બપોર' કે પછી 'પાનખરનું સૌંદર્ય' પર અચૂક હોય જ. એ વખતે ફક્ત 3 ઋતુઓ જ સમજાતી, શિયાળો, ઉનાળો અને ચોમાસું. અમેરિકામાં આવ્યા પછી અને યુરોપના અમુક દેશોની મુલાકાત પછી વસંત ઋતુ, પાનખર ઋતુ જેવી ઋતુઓ પણ છે અને એનો અનુભવ અને સૌંદર્ય કંઇક અલગ જ છે એ સમજાયું. આમ પણ પશ્ચિમના દેશોમાં અલગ અલગ ઋતુઓ ટ્રોપિકલ દેશો કરતા વધારે તીવ્રતાથી અનુભવાય છે. એમાં પણ ત્વચા ચીરીને આરપાર નીકળી જતી ઠંડીની વિદાય પછી આવતો ઉનાળો અહીં જાણે 6 મહિના ચાલતી ઉજાણીની ઋતુ છે પણ શિયાળા અને ઉનાળા પછી આવતી પાનખર ઋતુ જેને અહીં 'ફોલ' કહે છે, જે આવે છે એ અપ્રતિમ સુંદરતાની સાથે એક જાતની ઉદાસી પણ લઇને આવે છે. પાનખરની શરૂઆતમાં વૃક્ષ પરથી એક પછી એક ખરી રહેલા પાંદડા જાણે કંઇક સંકેત આપી રહ્યાં હોય એવું લાગતું હોય છે. અમેરિકામાં સામાન્ય રીતે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન પાનખરનો અનુભવ થાય છે. ઋતુ શાસ્ત્ર પ્રમાણે પાનખરની શરૂઆત સપ્ટેમ્બરથી થાય છે. આ સમયે દિવસ અને રાતનો સમય લગભગ સરખો હોય છે. એક જ ઋતુમાં પણ વૈવિધ્ય હોય છે પૃથ્વીના દરેક તત્વમાં વિવિધતા ભરી દેનારી કુદરત એક જ ઋતુમાં પણ વૈવિધ્ય લાવે છે માટે વૃક્ષ, છોડ વગેરેના રંગોમાં પરિવર્તનનો સમય પણ અમેરિકાના પ્રદેશ પ્રમાણે જુદો હોય છે. એમાંય અમેરિકાના ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ, મેઇન અને ન્યૂયોર્ક જેવા રાજ્યો પાનખરના અદભૂત રંગો માટે ખાસ જાણીતા છે. અહીંના જંગલો લાલ, નારંગી અને સોનેરી રંગોથી છલકાઇ ઊઠે છે. આ દૃશ્યને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. વૃક્ષોની વચ્ચે વળાંક લેતા રસ્તાઓ, પર્વતો પરના વૃક્ષો અને એ પર્વતોથી ઘેરાયેલા સરોવરોમાં પડતાં વૃક્ષોના રંગીન પ્રતિબિંબો પ્રવાસીઓને જાણે મંત્રમુગ્ધ કરી દે છે. કેલિફોર્નિયામાં પણ પાનખરની પોતાની આગવી સુંદરતા છે. સિલિકોન વેલી અને સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં હવામાન સામાન્ય રીતે ભારતના દક્ષિણમાં આવેલા શહેર બેંગાલુરૂની માફક આખા વર્ષ દરમિયાન લગભગ સમતોલીત રહે છે. અહીં ન્યૂ ઇંગ્લેન્ડ જેવી વ્યાપક લાલ-કેસરી રંગછટા દરેક જગ્યાએ જોવા મળતી નથી પરંતુ સાન ફ્રાન્સિસ્કો બે એરિયા પણ ઉનાળામાં સુકા ભઠ્ઠ થઇ જતાં પર્વતોની વચ્ચે આવેલી ખીણમાં આવેલું છે જેથી અહીં નાની નાની ટેકરીઓ પણ આવેલ વાઇન કન્ટ્રીનાં દ્રાક્ષનાં ખેતરો, પર્વતીય વિસ્તારો અને બગીચાઓમાં પાનખરનો સુંદર અનુભવ થાય છે. નાપા અને સોનોમા વિસ્તારમાં દ્રાક્ષની લણણીનો સમય પણ આ ઋતુને વિશેષ બનાવે છે. પાનખરના રંગો પણ દરેક વર્ષે એકસરખા નથી હોતા સ્વાભાવિક રીતે જ જેના નામમાં જ પાન છે એ પાનખરનું સૌથી મોટું આકર્ષણ વૃક્ષોના પાંદડાના બદલાતા રંગો છે પરંતુ આ રંગો પાછળ એક રસપ્રદ વૈજ્ઞાનિક પ્રક્રિયા છુપાયેલી છે. ઉનાળામાં પાંદડાંમાં રહેલું ક્લોરોફિલ નામનું લીલું રંગ દ્રવ્ય સૂર્ય પ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરે છે. દિવસ ટૂંકો થવા લાગે અને તાપમાન ઘટે ત્યારે વૃક્ષો ક્લોરોફિલનું ઉત્પાદન ધીમું કરે છે. પરિણામે પાંદડાંમાં રહેલા પીળાં અને નારંગી રંગ દ્રવ્યો દેખાવા લાગે છે. કેટલાક વૃક્ષોમાં એન્થોસાયનિન નામનું રંગ દ્રવ્ય બને છે. જે લાલ અને જાંબલી રંગો માટે જવાબદાર છે પણ એનાથી પણ વધારે રસપ્રદ હકીકત કુદરતની એક ઓર કમાલ એ છે કે પાનખરના રંગો પણ દર વર્ષે એક સરખા હોતા નથી. ઉનાળામાં મળેલો વરસાદ, પાનખરનું તાપમાન, સૂર્યપ્રકાશ અને રાત્રિની ઠંડક રંગોની તીવ્રતા પર અસર કરે છે. બીજી રસપ્રદ વાત એ છે કે બધા વૃક્ષો પાનખરમાં પાંદડા ગુમાવતા નથી. સદાબહાર વૃક્ષો આખું વર્ષ લીલા રહે છે. જ્યારે મેપલ, ઓક અને બિર્ચ જેવા ઘણા પાનખરનાં વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે અને આ પ્રક્રિયા વૃક્ષને શિયાળામાં પાણીની ખોટ ઘટાડવામાં મદદ કરે છે. આમ કુદરત નામના લેખકે એક એક પર્ણ, પાણી, થડ, સૂર્યપ્રકાશ દરેકે દરેકનું આ સૃષ્ટિ નામના સ્ટેજ પર નાનો પણ મહત્વનો રોલ આપીને વિરાટ રંગીન નાટક રચી આપ્યું છે. સૌથી અદભૂત સર્જન એવો મનુષ્ય પણ તહેવારો, પરંપરાઓ, ખાણી પીણી ને ઋતુઓ સાથે જોડીને એને ભરપૂર માણે છે. જેમ ભારતમાં મકરસંક્રાંતિ, વૈશાખી, ઓણમ જેવા તહેવારો ખેતરમાં લણાતાં પાક આધારિત છે એમ ઓક્ટોબરમાં પશ્ચિમના દેશોમાં બાળકો જે તહેવારની આખા વર્ષ રાહ જોવે છે એ હેલોવીનની ઉજવણી માટે ઘરની બહાર કોળાં મૂકવામાં આવે છે. દરવાજા પર કરોળિયાના જાળા અને ભૂતનાં શણગાર લગાવવામાં આવે છે અને બાળકો વિવિધ વેશભૂષામાં 'ટ્રિક ઓર ટ્રીટ' માટે નીકળે છે. ઓક્ટોબરથી વિવિધ તહેવારોની ઉજવણી કોળાને કોતરીને બનાવવામાં આવતા પ્રકાશિત ચહેરાને Jack-o’-lantern કહેવામાં આવે છે. આ પરંપરાનું મૂળ પાછું આયર્લેન્ડ અને યુરોપની જૂની લોક પરંપરાઓ સાથે જોડાયેલું છે. ઉપરાંત નવેમ્બરના ચોથા ગુરુવારે ઉજવાતો થેન્ક્સ ગિવિંગ અમેરિકાનો એક મહત્વનો તહેવાર છે. પરિવારજનો અને મિત્રો સાથે ભેગા થઈને ભોજન કરવાનો અને જીવનમાં મળેલી ખુશીઓ માટે ભેગા થઇને આભાર માનવાનો આ પ્રસંગ છે. ટર્કી (ઢેલ જેવું એક પક્ષી), મેશ્ડ પોટેટો, ક્રેનબેરી સોસ અને પમ્પકિન પાઈના સ્વાદિષ્ટ ભોજન દ્વારા કુટુંબો આ તહેવારની ઉજવણી કરે છે. અને ભોજન પછી વિશ્વ વિખ્યાત બની ગયેલા શુક્રવાર જે Black Friday તરીકે ઓળખાય છે, જ્યારે અનેક દુકાનો અને ઓનલાઈન સ્ટોર્સ વિશેષ ડિસ્કાઉન્ટ આપે છે, ત્યાં ખરીદી કરવા નીકળી પડે છે. આમ, પાનખરનો અંત અમેરિકામાં ખરીદીની મોસમની શરૂઆત પણ બની રહે છે. યુરોપમાં પણ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી પાનખર વિવિધ સ્વરૂપે ખીલે છે. જોકે, વિશાળ ભૌગોલિક વિવિધતા અને બદલાતા હવામાનના કારણે દરેક દેશનો અનુભવ અલગ હોય છે. નાનકડા યુરોપિયન દેશ સ્લોવેનિયાનું લેક બ્લેડ, જર્મનીનું બ્લેક ફોરેસ્ટ, સ્કોટલેન્ડના પર્વતીય પ્રદેશો અને ફિનલેન્ડના જંગલો પાનખરના રંગો માણવા માટે સુંદર સ્થળો છે. અહીં લીલા જંગલો ધીમે ધીમે સોનેરી અને લાલ રંગ ધારણ કરે છે. મધ્ય યુરોપમાં પર્વતોની આસપાસના જંગલો અને સરોવરોનું સૌંદર્ય પણ અત્યંત આકર્ષક હોય છે. ઇટાલીના ટસ્કની પ્રદેશમાં પાનખર દ્રાક્ષની લણણી, ઓલિવની ખેતી અને એ ઓલિવ અને દ્રાક્ષને લઇને બનાવાતા પારંપરિક ખાણીપીણી નો સમય છે. દ્રાક્ષનાં ખેતરો ઐતિહાસિક પગેરું ધરાવતા સદીઓ જૂના ગામડાં અને ધુમ્મસથી ઘેરાયેલી ટેકરીઓ જોઇને એમ થઇ જાય કે સ્વર્ગ આનાથી અદકેરું કેવી રીતે હોઇ શકે? વધુ શાંતિથી ફરવાનો મોકો મળે યુરોપમાં પાનખરનો એક મોટો ફાયદો એ છે કે ઉનાળાની સરખામણીમાં અનેક લોકપ્રિય સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઓછી થવા લાગે છે. ઐતિહાસિક કિલ્લાઓ, મ્યૂઝિયમ અને જૂના શહેરોની શેરીઓમાં વધુ શાંતિથી ફરવાનો મોકો મળે છે. ઠંડી સહન થતી હોય તો આ ઋતુ ગજવા અને ફરવા બને માટે શ્રેષ્ઠ ઋતુ છે. જોકે ઉત્તર યુરોપમાં દિવસો ઝડપથી ટૂંકા થાય છે અને ઠંડી તથા વરસાદ વધે છે. જ્યારે દક્ષિણ યુરોપના કેટલાક વિસ્તારોમાં ઓક્ટોબર સુધી ખુશનુમા હવામાન રહે છે. અમેરિકાના રંગીન રસ્તાઓ પર ફરવું હોય, કોળાના ખેતરોમાં પરિવાર સાથે સમય વિતાવવો હોય, થેન્ક્ સગિવિંગના ભોજનમાં સ્વજનો સાથે હાસ્ય વહેંચવું હોય કે યુરોપનાં ઐતિહાસિક ગામોમાં પાનખરની સુંદરતા માણવી હોય આ ઋતુ દરેકને પોતાની રીતે આનંદ માણવાની તક આપે છે. આગળ કહ્યું એમ પાનખરમાં ખરી પડતા પાંદડા જે એક સંદેશો આપવાનો પ્રયત્ન કરે છે એ સુંદર સંદેશ કદાચ પરિવર્તનનો છે. વૃક્ષો પોતાના પાંદડા છોડે છે પરંતુ જાણે કહેતા જાય છે કે આ અંત નથી; તે નવી વસંત માટેની તૈયારી છે. પ્રકૃતિ આપણને શીખવે છે કે જીવનમાં દરેક પરિવર્તન નુકસાનકારક નથી હોતું. ક્યારેક જૂનું છોડવાથી જ નવી શરૂઆત માટે જગ્યા બને છે. અંતે પાનખર માત્ર પીળા અને લાલ પાંદડાંની ઋતુ નથી. તે યાદો બનાવવાની, સંબંધોને વધુ ગાઢ કરવાની, કુદરતની નજીક જવાની અને જીવનની નાની ખુશીઓ માટે આભાર માનવાની ઋતુ છે. પવનમાં લહેરાતું એક સોનેરી પાંદડું પણ આપણને યાદ અપાવે છે કે સૌંદર્ય હંમેશા કાયમી હોવું જરૂરી નથી, ક્યારેક તેની ક્ષણિકતા જ તેને વધુ અદભૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    Papankusha Ekadashi 2026: पापांकुशा एकादशी आज, नोट करें पूजा का शुभ मुहूर्त, विधि और कथा
    Next Article
    સા.કાં.માં ડ્રોપ આઉટ 525 બાળકો ફરી શિક્ષણમાં જોડાશે:ધો. 10-12ની પરીક્ષા માટે ફોર્મ ભરાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment