Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઇટાલિયાના ભાજપ સરકાર પર પ્રહારો:'ગુજરાતમાં વીજળી-વોટર મેનેજમેન્ટ નથી, વાઇબ્રન્ટ સમિટના નામે વિદેશ જતા નેતાઓ શું દારૂ પી ને જ પાછા આવી જાય છે'?

    14 घंटे पहले

    રાજકોટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર વીજળી અને પાણીના મેનેજમેન્ટને લઈને આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં 30 વર્ષના શાસન છતાં વીજળીના ધાંધિયા, નવરાત્રિમાં ગામડાંઓમાં અંધારપટ અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પાણીનું સંકટ સર્જાઈ શકે છે તેને લઈ સરકારને ઘેરી હતી. એટલું જ નહીં, વીજળીની અછતને પહોંચી વળવા ઉદ્યોગોને ફરજિયાત ચાર કલાક ફેક્ટરી બંધ રાખવાની સૂચનાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. વિદેશ પ્રવાસ કરતા ભાજપના નેતાઓને સવાલ કરતાં ઇટાલિયાએ કટાક્ષ કર્યો કે, ભાજપના નેતાઓ વર્ષમાં 10- 10 વખત વાઇબ્રન્ટ સમિટ સહિતની યોજનાઓના નામે વિદેશ જાય છે. ત્યાં જઈને આ લોકો જોતા નહીં હોય કે ત્યાં વીજળી, પાણી, ગટર, રસ્તા, બ્રિજ, સરકારી સર્વિસ, પોલીસ અને રેવન્યુ અધિકારીઓ કેવા છે? કે પછી ખાલી દારૂ પીને પાછા આવી જતા હશે? હમણાં કોમનવેલ્થના નામે ભાજપના 500 વ્યક્તિઓ વિદેશ ગયા હતા. ત્યાં જોયું નહીં કે સીટી ટ્રાન્સપોર્ટેશન અને ક્લિનલીનેસ કયા પ્રકારની છે? વિદેશનું કંઈક સારું અહીં લઈ આવો બાકી અમારા પૈસે શા માટે ફરવા જાવ છો? ગુજરાતમાં વીજળી નથી. હવે બધું વાઇબ્રન્ટ કરવું છે પણ વગર વીજળીએ જો વાઇબ્રન્ટ કરવું હોય તો છાંટો પાણી નાખવું પડે. મને લાગે છે કે, વિદેશથી મહેમાનોને બોલાવી બે બાટલી પીવડાવીને ધુણાવવાનો ધંધો છે કે શું. જો વેપાર કરવાનો હોય વાઇબ્રન્ટ કામ કરવાના હોય તો વીજળી જોશે. કનેક્ટિવીટી જોશે. નવરાત્રીમાં હજારો ગામડાઓમાં અંધારપટ રહે છે: ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે ગુજરાત રાજ્ય કેટલી વીજળી કેટલા ભાવે અન્ય રાજ્યોને વેંચે છે. તેનો જવાબ મને ઉર્જા મંત્રીએ આપ્યો કે, ગુજરાતની ભાજપ સરકાર કરોડો રૂપિયાની વીજળી પાણીના ભાવે અન્ય રાજ્યો અને ખાનગી કંપનીઓને વેંચી નાખે છે અને તેમાંથી પૈસા કમાય છે. છેલ્લા 20થી 25 દિવસથી હું જોવ છું કે, હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રી દરમિયાન સાંજે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી હજારો ગામડાઓમાં અંધારપટ રહે છે. તાજેતરમાં જુનાગઢ વીજ કચેરીએ પહોંચી અધિક્ષક ઇજનેરને ફાનસ આપી અને કહ્યું હતું કે, હવે અંધકાર યુગ શરૂ થઈ ગયો છે અને તેથી લ્યો આ ફાનસ. ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ નાખવામાં આવે છે અને ખેડૂતો વિરોધ કરે તો ભાજપના અને સરકારના માણસો એવું કહે છે કે, થાંભલા નહીં નાખીએ તો લાઈટ ક્યાંથી આવશે. આવી દલીલો કરનારાને પુછવાનું છે કે, લાઈટ ક્યાં ગઈ. ભાજપના નેતાઓ ચંદ્ર અને મંગળ ઉપર શું ફાનસ લઈને જશે? તેમણે વધુમાં જણાવ્યું કે, રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગરમાં ઇન્ડસ્ટ્રીઝને એવું કહેવામાં આવે છે કે, તમારે ફરજિયાત ચાર કલાક ફેક્ટરી બંધ રાખવાની રહેશે. 30 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ લાઈટનું કોઈ મેનેજમેન્ટ જ નથી. સોલાર પાવર કંપનીઓ, પવન ચક્કીની કંપનીઓ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠના કારણે ખેડૂતો અને ઇન્ડસ્ટ્રીઝના લોકો ભોગ બની રહ્યા છે. ભાજપના નેતાઓ એવી વાતો કરે છે કે, ચંદ્ર અને મંગળ ઉપર જવું છે તો શું ત્યાં ફાનસ લઈને જશો? જેથી મારી ગુજરાતની ભાજપ સરકારને એક જ વિનંતી છે કે, તમારાથી કંઈ ન થતું હોય તો હસતા મોઢે રજા લઈ લો. તેમણે જણાવ્યું કે, રાજકોટ અને કાઠીયાવાડમાં બીજો પીવાના પાણીનો પ્રશ્ન છે. આ વખતે વરસાદ ઓછો થયો છે. શિયાળામાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન થશે જેનો અંદાજ સરકારમાં કોઈને નથી. અત્યારે ડેમ કે કેનાલોમાં પાણી નથી. ભારતીય જનતા પક્ષને એક જ વાત કહેવાની કે વીજળી અને પાણીની વ્યવસ્થા કરો નહિતર આમ આદમી પાર્ટી દ્વારા લોકોને સાથે રાખીને કાર્યક્રમ કરવાની ફરક પડશે. ‘સરકારથી કંઈ થતું ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ’ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, સોલાર પેનલ અને પવનચક્કીઓમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેનું સ્ટોરેજ કરવા માટે વિશાળ બેટરીઓ લાવી, બેટરીઓમાં પાવર સ્ટોરેજ કરવા માટે અને રાત્રિના સમયે જરૂર પડે ત્યારે તેને વાપરવા માટેની એક યોજના બે વર્ષ પહેલા આવી હતી, પરંતુ મને અંદરથી એવી માહિતી મળી છે કે, સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને બેટરી બનાવતી એજન્સી પાસેથી જોઈએ તેટલું કમિશન ન મળ્યું એટલા માટે એ બેટરીના પ્રોજેક્ટને ચાલુ જ થવા દેવાયો નહીં. સરકારના કોલસા અને પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરનારા પ્લાન્ટ પૂરતા નથી અને સોલારની મદદથી જેવી વીજળી ઉત્પન્ન થાય છે તેના સ્ટોરેજ માટેની વ્યવસ્થા નથી એટલે સરકાર પાસે વીજળીનું કોઈ મેનેજમેન્ટ જ નથી. જો સરકારથી કંઈ થતું ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. ‘ભાજપ સરકારને ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાનું સુઝતું નથી’ આ ઉપરાંત જણાવ્યું કે, સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ભાજપ સરકારને ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાનું સુઝતું નથી. હાલ ભાજપના કેટલાક કહેવાતા આગેવાનો હિન્દુ-મુસ્લિમ કરે છે ત્યારે મારે તેઓને કહેવું છે કે, દુષ્કાળના કારણે જેના ખેતરોમાં નુકસાન પહોંચ્યું તે ખેડૂતો હિન્દુ જ છે તો અમારા ખેડૂતો માટે સરકાર પાસે દુષ્કાળ જાહેર કરાવવાની કોશિશ કેમ નથી કરતા? ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોને દુષ્કાળ પેકેજ અંતર્ગત રાહત આપવામાં આવે તેવી અમારી માંગણી છે. અંતમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી યોદ્ધા ચૈતર વસાવાને ખોટી કાર્યવાહી અંતર્ગત જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે તેમને ન્યાય મળે તે માટે આગામી 24મી ઓક્ટોબરથી આદિવાસી ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે જે આદિવાસી સમાજના તમામ જિલ્લાઓમાં ફરશે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી જીતુભાઈ વાઘાણીની ભક્તિમય પહેલ:‘શ્રવણ યાત્રા’ અંતર્ગત ભાવનગરથી સોમનાથ માટે 38 બસો મારફતે 1908 બહેનો-કાર્યકર્તાઓ ધર્મયાત્રાએ ઊપડશે, 21મી ઓક્ટોબરે ભવ્ય પ્રસ્થાન
    Next Article
    આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં ₹100થી 150નો વધારો:સુરત-વડોદરામાં કિલો ફાફડાના ₹600થી 650, અમદાવાદમાં સૌથી મોંઘા; લાઈનમાં ઉભવું ન પડે તે માટે એડવાન્સ બુકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment