Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પતિના બીજા બંગલા પર પત્નીનો કબ્જો, પ્રેમી સાથે રહેવા લાગી':દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં હવે તારીખ પે તારીખ નહીં પડે! જાણો હાઇકોર્ટના પરિપત્રથી શું બદલાશે

    1 day ago

    કિસ્સો-1 અમદાવાદમાં એક સ્ત્રી બાળકની માતા હોવા છતાં તેના સાસરી પક્ષના લોકોએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં 498નો કેસ દાખલ કર્યો. તે કેસમાં આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી દેવાયા. ત્યારબાદ તે સ્ત્રીએ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો અને મેટ્રોપોલિટન કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ કર્યો પણ આજ સુધી તે આરોપીને સમન્સ આપવામાં કોઇને કોઇ અવરોધ કે અડચણ આવે છે. જેથી કોર્ટની નોટિસ કે સમન્સ તેને મળ્યાં નથી. આ કારણે તે સ્ત્રીને ન્યાય મળવામાં વિલંબ થયો છે. કિસ્સો-2 એક કેસમાં પતિને તેની પત્નીના વ્યભિચારની જાણ હતી એટલે પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી. જેથી પત્નીએ પતિ સામે 498નો કેસ કર્યો. આ ઉપરાંત પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો અને ઘરેલુ હિંસાનો કેસ પણ કર્યો. આ સ્ત્રીએ પતિના બીજા બંગલા પર કબજો જમાવી તેને ત્યાંથી કાઢી મૂક્યો અને બીજા પુરૂષ સાથે ત્યાં રહેવા લાગી.આ બાબતે કોર્ટમાં ઘણી વખત રજૂઆત કરી છતાં તેના પતિને કોઇ ન્યાય મળ્યો નથી. આપણા સમાજમાં બનેલા આ કિસ્સા કહી રહ્યાં છે અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વર દેસાઇ. તમારી આસપાસ ક્યાંક તમે એવો પરિવાર રહેતા જોયો જ હશે જેના ઘરમાં છૂટાછેડા થયેલા હોય અથવા તો પતિ-પત્ની વચ્ચે ખટરાગ ચાલતો હોય. જીવનસાથી વચ્ચેના આ ઝઘડા ઘરનો ઉંબરો ઓળંગીને પોલીસ સ્ટેશન અને કોર્ટના દરવાજે પહોંચે છે ત્યારે 2 પરિવારો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. ઘણી વખત ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે કેસ ખેંચાય છે. જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે ગુજરાત હાઇકોર્ટે દહેજ મૃત્યુ અને ઘરેલુ હિંસાના કેસોમાં ચાર્જશીટ બાદ આરોપ નક્કી કરવાની પ્રક્રિયા, સાક્ષીઓની જુબાની અને ઝડપી કેસ ચલાવવા માટે ખાસ ગાઇડ લાઇન જારી કરી છે. આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાત આ ગાઇડ લાઇનની અને તેના કારણે હવે શું અસર થઇ શકે છે તેની. દિવ્ય ભાસ્કરે ગુજરાત બાર કાઉન્સિલના કો-ચેરમેન અનિલ સી. કેલ્લા અને અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસિએશનના પ્રમુખ ઇશ્વર દેસાઇ સાથે વાતચીત કરીને આ મુદ્દે વધારે માહિતી મેળવી હતી. સૌથી પહેલાં તો એ જાણી લો કે ગુજરાત હાઇકોર્ટે જે ગાઇડ લાઇન જાહેર કરી છે તે શું છે અને તેમાં કહેવાયું છે શું. હાઇકોર્ટે આ ગાઇડ લાઇન જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓને મોકલી છે. જેમાં 3 વર્ષથી વધુ સમયથી પડતર કેસોની ઓળખ કરી તેની સમયાંતરે સમીક્ષા કરવાનું કહ્યું છે. સાથે જ સાક્ષીઓની જુબાની માટે અગાઉથી નક્કી કાર્યક્રમ તૈયાર કરવા અને કેસનો ઝડપી નિકાલ કરવાની તાકીદ કરી છે. નીચે આપેલા ગ્રાફિક્સથી એ ગાઇડ લાઇનને વિસ્તૃત રીતે સમજો. આગળ વધીએ તે પહેલાં દેશમાં દહેજ માગણી અને દહેજ મૃત્યુના કેટલા કેસ નોંધાયેલા છે તેના આંકડા પર એક નજર કરી લો. *** નવા પરિપત્ર અંગે શું કહે છે કાયદાના નિષ્ણાતો? હાઇકોર્ટના પરિપત્રનું યોગ્ય રીતે પાલન થાય તે માટે શું જરૂરી છે તેની વાત કરતાં એડવોકેટ અનિલ કેલ્લા કહે છે કે, દહેજ મૃત્યુ અને 498-Aના કેસોમાં સાક્ષીઓનાં નિવેદનો ઝડપથી લેવામાં આવે, પંચનામાં સમયસર કરવામાં આવે અને FSLનો રિપોર્ટ વહેલી તકે મેળવવામાં આવે તે જરૂરી છે. મૃત્યુની ઘટનાને લગતા પાડોશીઓનાં નિવેદનો સહિત જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ સમયસર એકત્રિત કરવા જોઇએ. "સામાન્ય કેસોમાં 60 દિવસની અંદર અને આજીવન કેદની સજાની જોગવાઇ ધરાવતા કેસોમાં 90 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવાની હોય છે એટલે તપાસની પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે. જો કોર્ટને લાગે કે કેસમાં જરૂરી દસ્તાવેજો કે પુરાવા રજૂ નથી કરાયા તો સંબંધિત અધિકારીને તાત્કાલીક જાણ કરીને તે પુરાવા કોર્ટમાં રજૂ કરાવવા જોઇએ." તેમણે ઘરેલું હિંસા કે દહેજ મૃત્યુના આવતાં કેસો વર્ણવતાં કહ્યું કે, લગ્નના 2-3 વર્ષ પછી સ્ત્રીઓએ નવા વાતાવરણમાં અને જુદા-જુદા લોકો સાથે રહેવાનું હોય છે. લગ્ન સમયે છોકરીના પિતાને પૈસા આપ્યા હોય અને તે પૈસા પાછા માંગ્યા તેવા નાનકડા પ્રશ્ન માટે પણ ઘણીવાર દીકરીઓને લાગી આવતું હોય છે. “લગ્નના શરૂઆતના ગાળામાં પિયરમાં લગ્ન પ્રસંગે કે વાર-તહેવારે જવાની માગણી વખતે સાસરિયા કે પતિ તરફથી સંજોગોવશાત્ આનાકાની થાય ત્યારે જો પરણિતા શોર્ટ ટેમ્પર્ડ હોય તો કેટલીકવાર આત્મહત્યાના કિસ્સાઓ પણ જોવા મળે છે. સમાજના કેટલાક વર્ગમાં શિક્ષિત યુવાનો માટે પણ તેમના કુટુંબીજનો તરફથી લગ્ન સમયે સારી એવી માગણી કરવામાં આવે છે પરંતુ અગાઉ જે બનતા હતા એના પ્રમાણમાં હવે આવા કિસ્સાઓ ઓછા જોવા મળે છે. 7 વર્ષની અંદર થતા તમામ અપમૃત્યુના કિસ્સાઓમાં દહેજ માટે માગણી કરાતા આત્મહત્યા કરી હોય તેવું હંમેશા નથી બનતું.” પહેલા દહેજની માગણીનો કેસ કલમ 498-A હેઠળ નોંધાતો હતો પણ હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ-85 હેઠળ નોંધાય છે. 'કેસ લંબાય તો સાક્ષીઓ વિગતો ભૂલી જાય છે' હવે દહેજ મૃત્યુનો કેસ BNSની કલમ-80 હેઠળ નોંધાય છે. જે પરિવારમાં દહેજ મૃત્યુની ઘટના બને છે તેની સ્થિતિની વાત કરતાં અનિલ કેલ્લા કહે છે કે, આ ખૂબ દુઃખદ સ્થિતિ હોય છે. નાની ઉંમરમાં પોતાનું સંતાન કે પરિવારના કોઇ સભ્યને ગુમાવવાથી પરિવારજનો માનસિક રીતે વ્યથિત હોય છે. મૃત્યુ પામનારના સાસરિયાં સામે રોષ હોય છે અને તેઓ ઇચ્છતા હોય છે કે આરોપીઓ સામે ઝડપથી કેસ ચાલે અને દોષિતોને વહેલી તકે સજા મળે પણ જ્યારે કેસ લાંબા સમય સુધી ચાલે છે, ત્યારે ઘણી વખત સાક્ષીઓ અને મૃત્યુ પામનારના સગાંસંબંધીઓ કેટલીક મહત્વની હકીકતો ભૂલી જતા હોય છે. તેની અસર કેસની કાર્યવાહી અને પરિણામ પર પણ પડી શકે છે. કેસની કાર્યવાહી કેવા સંજોગોમાં લંબાય છે તે અંગે તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે એવું મનાય છે કે આરોપીઓ અથવા તેમના વકીલો વારંવાર મુદ્દત માગતા હોવાથી કેસમાં વિલંબ થાય છે પરંતુ દરેક કેસમાં આવું હોય તે જરૂરી નથી. કોર્ટોમાં કામનું વધુ પડતું ભારણ, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને સમન્સની સમયસર બજવણી ન થવાના કારણે પણ કાર્યવાહી લંબાય છે. ઘણી વખત જજ રજા પર હોય છે. તપાસ અધિકારી અન્ય કેસની તપાસમાં વ્યસ્ત હોય છે અથવા અન્ય સ્થળે ફરજ પર હોય છે. કેટલીક વાર સાક્ષીઓ પણ સમયસર કોર્ટમાં હાજર રહી શકતા નથી. આવાં ઘણા કારણો પણ હોય છે. તેમણે આગળ એ પણ કહ્યું કે, મારી 44 વર્ષની વકીલાત દરમિયાન આવા અનેક કેસો આવ્યા છે. જોકે દરેક કેસના સંજોગો અલગ-અલગ હોય છે. તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ અને પુરાવાના આધારે બચાવ પક્ષના વકીલ આરોપીનો પક્ષ રજૂ કરે છે. બીજી તરફ જે પરિવાર અથવા વ્યક્તિ સામે આરોપ હોય તેના સંબંધમાં પણ કાયદાકીય રીતે બચાવની દલીલો થાય છે. કલમ 498 ના કેસોનું પ્રમાણ વધતું ગયું હોવાનો સ્વીકાર કરતાં તેઓ કહે છે કે, સુપ્રીમ કોર્ટ પણ હવે થોડી કડક થઇ છે. કોઇ પરીણિત સ્ત્રીને તેના પતિ અને સાસરિયા તરફથી શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવે તો તે કલમ 498 હેઠળ કેસ કરી શકે છે. ઘણીવાર પતિથી સાસરિયા અલગ રહેતા હોય, નણંદના લગ્ન થઇ ગયા હોય કે કાકા-કાકી, માસા-માસી અલગ રહેતા હોય તો પણ તમામ કુટુંબીજનોને સંડોવવા માટે ખોટી રીતે કેસોમાં નામ લખાયાના કિસ્સા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. આ અંગે બિહારના અર્નેશ કુમારના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપેલો કે 7 વર્ષ સુધીની સજાના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આપીને જામીન પર છોડી દેવાય. આ કિસ્સામાં નણંદ લંડન રહેતી હોવા છતાં ત્રાસ આપતી હતી તેવો આરોપ કરવામાં આવ્યો હતો. 'કેસ વધવા પાછળ ફિલ્મો અને ટીવી પણ જવાબદાર' આવા કેસની વધતી સંખ્યા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું, સમાજમાં એક કે બે બાળકોવાળા નાના કુટુંબો થઇ ગયા હોવાથી પિયરમાં દીકરીની વધારે કેર રાખવામાં આવે છે. સાસરે ગયા પછી પણ પિયર પક્ષ તરફથી તેની સંભાળ લેવા માટે વારંવાર જાણકારી મેળવાય છે. ભણતરનું પ્રમાણ વધી ગયું છે તેમજ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક કિસ્સાઓમાં જાગૃતિ આવી છે પણ કેટલાક કિસ્સાઓમાં ફિલ્મ અને ટીવી પણ આવા કેસો માટે જવાબદાર છે. એડવોકેટ ઇશ્વર દેસાઇના મતે, આ પરિપત્રથી ભોગ બનનારને ઝડપી ન્યાય મળશે અને આવા કેસમાં જલ્દી રાહત મળશે. ઘરમાં રહેતી મહિલાઓને મ્હેણાં-ટોણા કે હેરાન કરાય તો તેને પણ આ કેસમાં ઝડપી ન્યાય મળશે. મહિલા પોતાનું પતિનું ઘર ત્યજીને આવે અને તેની પાસે આજીવિકાનું કોઇ સાધન ન હોય ત્યારે બને એટલો ઝડપી ન્યાય મળે અને આજીવિકાનું સાધન મળી રહે તે રીતે ન્યાય કરવામાં આવશે. “498 અને દહેજ સંબંધિત કલમોના કેસમાં ઘણી વખત સ્ત્રીઓને ખૂબ શોષણનો સામનો કરવો પડે છે કારણ કે તે સામાજિક બંધનોથી જોડાયેલી હોય છે. પોતાના કુટુંબ અને સાસરી પક્ષમાં કોઇ જાતની હેરાનગતિ ન થાય તે માટે તે યાતના સહન કરે છે.” હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ કેસોના ઝડપી નિકાલથી અન્ય કેસોની સુનાવણી પર પ્રતિકૂળ અસર ન થવી જોઈએ. આ બંને બાબતો વચ્ચે સમાનતા જાળવવી વકીલો માટે કેટલી પડકારજનક છે? તે અંગે તેમણે જણાવ્યું કે, અમે વકીલો જ્યારે પણ કેસ લઇએ છીએ ત્યારે બધા કેસ પડકારજનક જ હોય છે. પરંતુ વકીલો દરેક કેસમાં પડકાર ઝીલીને પોતાની કાર્યપ્રણાલી પ્રમાણે કામ કરતા હોય છે. આવા કેસના લીધે બીજા પક્ષકારોના અન્ય કેસો પર કોઇ પ્રતિકૂળ અસર ન થાય તે રીતે કામ કરીશું. કાયદાનો આશય હંમેશા પીડિતને સમયસર ન્યાય અપાવવાનો અને નિર્દોષને ખોટી કાનૂની ગૂંચવણોમાંથી ઉગારવાનો હોય છે. હાઇકોર્ટના આ નવા પરિપત્રથી ખોટા કેસો અને ન્યાયમાં વિલંબનો ભોગ બનતા નિર્દોષ પક્ષકારોને પણ મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ગ્વાલિયર- ટ્રકે 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 12નાં મોત:2 પોલીસકર્મીઓ સહિત 33 ઘાયલ; બધા શીતલા માતા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા
    Next Article
    ગાંધીનગર મનપાનાં પરિણામો બાદ 2027માં કોંગ્રેસ-AAPના ગઠબંધન પર ચર્ચા:રાજકીય વિશ્લેષકે કહ્યું- કોંગ્રેસ-AAP અલગ લડશે તો ભાજપને ફાયદો, ગઠબંધન કરે તો સત્તા માટે પડકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment