Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:સવાસો વર્ષેય પૂર્ણપણે ન ઓળખાયેલા જ્યોતીન્દ્ર દવે

    1 day ago

    લલિત ખંભાયતા ‘હિંદુ શબ્દનો ઇતિહાસ પણ બહુ રસિક છે. પણ એની ચર્ચામાં અહીં ઊતરવાની જરૂર નથી પરંતુ ધર્મની પેઠે જ હિંદુ શબ્દનો અર્થ-વિસ્તાર પણ મોટો છે. ‘ખ્રિસ્તી’, ‘મુસ્લિમ’, આદિ શબ્દો પેઠે એ માત્ર અમુક ધર્મના અનુયાાયીઓ માટે જ વપરાતો નથી. હિન્દુ માબાપને જન્મેલો હિન્દુસ્તાનનો નિવાસી ને હિંદુ ધર્મ પાળનારો એમ બેવડો અર્થ એ દર્શાવે છે.’ ગુજરાતીઓ જેમને હાસ્યલેખક અને માત્ર હાસ્યલેખક જ તરીકે ઓળખે એ જ્યોતીન્દ્ર દવેનું આ લખાણ છે. કોઈ રાજકીય પક્ષના નેતાનું નથી કે નથી કોઈ સંગઠનના મુખિયાનું. *** જ્યોતીન્દ્ર દવેની વાત આવે એટલે પાતળા બાંધો, મોટું માથું, ચહેરા પર કરચલીઓ, માથે ટોપીધારી સજ્જન યાદ આવે. વધુમાં તેમના નિબંધો ખોટી ‘બે આની’, ‘?’ ‘મારી વ્યાયામસાધના’, ‘બાટલીનું ઉદઘાટન’ વગેરે યાદ આવે. સવાસોમા જન્મ દિવસ નિમિત્તે જાણવાનો પ્રયાસ કરીએ કે જ્યોતીન્દ્ર શું શું હતા, કે પછી શુું ન હતા? ધર્મધુરંધર छछ: લેખની શરૂાતમાં જે વાત ટાંકી એ જ્યોતીન્દ્ર દવેના લેખ ‘હિન્દુ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો બહિરંગ દૃષ્ટિએ’માંથી લેવાયેલો છે. એ લેખ જેમાં છે એ કૃષ્ણવીર દીક્ષિત સંપાદિત પુસ્તકનું નામ છે ‘ભક્તિયોગ અને ધર્મચિંતન.’ જ્યોતીન્દ્ર દવે આવા વિષયો પર પણ લખી ચૂક્યા છે. એમના આવા જ ધર્મ-ચિંતન ધુરંધર લેખોને કૃષ્ણવીરે ‘વાડ્મયચિંતન’ નામે બીજા સંગ્રહમાં સમાવ્યા છે. મુંબઈમાં યોજાતી પ્રતિષ્ઠિત ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનશ્રેણી’માં તેમણે રસશાસ્ત્ર વિસે આપેલાં પાંચ વ્યાખ્યાનો પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ થયાં છે. પરિષદ-ફાર્બસ સભા પ્રમુખ : રમણભાઈ પછી બીજા હાસ્યકાર હતા, જેમને ગુજરાતી સાહિત્યએ પ્રમુખપદ (1966માં) માટે યોગ્ય ગણ્યા હતા. પ્રમુખ તરીકે તેમણે આપેલું વ્યાખ્યાન ‘સાહિત્યવિચાર’ નામે સંગ્રહાયેલું છે. જ્યોતીન્દ્ર દવે શું હતા એનો જવાબ એ લેખ વાંચવાથી પણ મળી આવે છે. આજે લગભગ નિષ્ક્રિય હાલતમાં કહી શકાય એવી ગુજરાતી ભાષાની આદ્ય સંસ્થા ‘ફાર્બસ ગુજરાતી સભા’ના જ્યોતીન્દ્ર વર્ષો સુધી પ્રમુખ હતા. એ ઋણ ઉતારવા માટે રમણલાલ ચી. શાહ પ્રમુખ હતા ત્યારે ‘વાડ્મયચિંતન’ ગ્રંથ સભાએ પ્રગટ કર્યો હતો. હાસ્યનવલકથાકાર : ‘બીજે કે ત્રીજે યત્ને મેં એક બહુ નાના અંગવાળા પુરુષને બહુ મોટા ટેબલ પાછળ એક ખુરશીમાં બેઠેલો જોયો. એડગર એલન પોના ઈંડાકૃતિ જેવા માથાને યાદ દેવડાવે તેવા માથા ઉપર તે વેળા પણ વાળ ઓછા જણાતા હતા. વિશાળ કપાળ, તીક્ષ્ણ નાસિકા, વદનના પ્રમાણમાં સહેજ મોટા કાન, ઊપસેલી આંખો, તે ઉપર સાદામાં સાદી ચશ્માંની ફ્રેમ, ગાલમાં ખાડા, ચીક બોન્સ ઊપસેલ, લાંબુ ગળું અને ગળાંનો હાડિયો આગળ તરી આવતો સાદામાં સાદે પોષાકે એમનું નેવું રતલનું શરીર ઢાંકેલું...’ જ્યોતીન્દ્ર દવે સાથેની પ્રથમ મુલાકાત પછી ધનસુખલાલે પોતાની આત્મકથા ‘આથમતે અજવાળે’’માં આ વર્ણન લખ્યું છે. ઓળખાણ થઈ, પરસ્પર જામ્યું એટલે મિત્રતા થઈ. પછી નિયમિત રીતે ગુજરાતની ઓફિસમાં બેસીને વાતો કરતા એમાંથી ખ્યાલ આવ્યો કે બંનેએ પોતપોતાની રીતે સુરત શહેર વિશે ગ્રંથ લખવા નોંધો કરી છે. એ પછી બંનેએ સ્વતંત્ર નહીં ભેગા મળીને ગ્રંથ લખી નાખ્યો. ગુજરાતી ભાષાની અપ્રતિમ હાસ્યનવલકથા, નામ ‘અમે બધાં’. પછી તો ધનસુખલાલે ‘અતીત ઉલેચું છું’ નામે સ્મરણકથા લખી તો જ્યોતીન્દ્રએ ‘વ્યતીતને વાગોળું છું’ નામે થોડાંક સંસ્મરણો લખ્યાં છે. એ વેળાએ ધનસુખલાલને પૂછાતું કે તમારા બેમાંથી વધારે લોકપ્રિય કોણ? ધનસુખલાલનો હંમેશાં જવાબ રહેતો, જ્યોતીન્દ્ર! કવિ : દેહ દાતણના જેવો, મન મર્કટ સમું / આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો. રણજિતરામ ચંદ્ર સ્વીકારતી વખતે આત્મપરિચય આપતું કાવ્ય રચ્યું જેમાં અનુષ્ટુપ, ઉપજાતિ, શાર્દૂલ વગેરે છંદોનો ઉપયોગ કર્યો હતો. એની જ આ પંક્તિ છે. નિયમિત રીકે કવિ સંમેલનનું સંચાલન કરતા હતા. પ્રેક્ષકોને મજા કરાવવા સ્ટેજ પર જ શીઘ્ર કવિતા રચી રજૂ કરી દેતા હતા. જેમ કે પ્રજારામ રાવળના પરિચય માટે લખ્યું: હશે સીતા, નથી ધોબી, નથી રાજ, પ્રજા હશે / પ્રજાના રામ આ હસ્તે ધરે કાવ્ય, ન બાણને. નાટ્યરંગી : સુરતના સર્જકો હોય અને નાટકમાં રસ ન હોય એવુ તો ભાગ્યે જ બને. ગુજરાતી નાટ્યમંડળના મુખપત્ર ‘ગુજરાતી નાટ્ય’ના જ્યોતીન્દ્ર દવે તંત્રી રહ્યા હતા. જ્યોતીન્દ્ર દવેએ નાટકો લખ્યાં હતાં, ભજવ્યાં હતાં. ‘બલિદાન’, ‘કાકાની શશી’, ‘આગગાડી’ વગેરે નાટકોમાં ધનસુખલાલ, ચં. ચી. મહેતા વગેરે સાથે કામ કર્યુ હતું.એક વખતે નાટકની શરૂઆતમાં યુવતી ચાલી આવતી હતી. જ્યોતીન્દ્રે ધનસુખલાલને પૂછ્યું, ‘આ કોણ છે?’ ધનસુખલાલે કહ્યું, ‘ફલાણી યુવતી’. તો જ્યોતીન્દ્રે ખખડાવતા કહ્યું, ‘મૂર્ખા! એને તો હું જન્મી ત્યારથી જાણું છું. નાટકમાં એનું નામ શું એમ પૂછું છું?’ ફિલ્મ લેખક : નવેમ્બર, 2005માં જ્યોતીન્દ્ર વિશે ‘આરપાર’ સામયિકનો નમૂનેેદાર વિશેષાંક પ્રગટ થયો હતો. તેમાં નોંધ્યા મુજબ ફિલ્મ સર્જક મનહર રસકપૂરને કોમેડી હાસ્ય ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો ત્યારે તેમણે જ્યોતીન્દ્ર દવે પાસે સંવાદો લખાવ્યા હતા. ‘કહ્યાગરો કંથ’ અને ‘કન્યાદાન’ એવી બે ગુજરાતી ફિલ્મો જ્યોતીન્દ્ર-ધનસુખલાલ બેલડીનાં નામે બોલે છે. હાસ્યની સોળ કળા : જ્યોતીન્દ્ર દવેની પ્રમુખ અને મૂળભૂત ઓળખ હાસ્યલેખક તરીકેની છે. એમાં જરાય માર્ક કપાતા નથી. ચૈતાલી ઠક્કરે તૈયાર કરેલા શોધનિબંધમાં જ્યોતીન્દ્ર દવેએ હાસ્ય ઉપજાવવા વાપરેલી સોળ યુક્તિઓ લખી બતાવી છે. જેમ કે પોતાની જાત પર કટાક્ષ, ભાષા દ્વારા, પ્રસંગ દ્વારા, શરીરના અંગ દ્વારા, તુલના દ્વારા વગેરે રીતે. *** રામપ્રસાદ બક્ષી, જેમણે પોતાની શક્તિનો પૂરો લાભ ગુજરાતી ભાષાને આપ્યો નથી એવા ત્રણ વ્યક્તિને ગુનેગાર માનતા. એક ધનસુખલાલ, બીજા ભાનુશંકર વ્યાસ અને ત્રીજા જ્યોતીન્દ્ર. બકુલ ત્રિપાઠી, તારક મહેતા, રતિલાલ બોરીસાગર એ સર્વે હાસ્યલેખકોએ જ્યોતીન્દ્ર દવેને ગુજરાતી હાસ્યલેખનમાં પ્રથમ ક્રમ આપી રાખ્યો છે. વાચકોએ પણ બરાબર એ જ ક્રમ આપી રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:સમય: કાળનો નાનામાં નાનો અંશ
    Next Article
    દર મહિને 50,000 રૂપિયાનું પેન્શન જોઈએ છે?:તો રિટાયરમેન્ટ પછી નિયમિત આવક માટે અત્યારથી જ પ્લાનિંગ કરો, જાણો કઈ ઉંમરે કેટલું રોકાણ કરવું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment