Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તનુશ્રી દત્તાએ નાના પાટેકરે ગંદી રીતે અડક્યાનો કર્યો હતો આક્ષેપ:નોકરાણીએ એક્ટ્રેસને મારી નાખવાનો પ્રયાસ કર્યો, સગી બહેનના જ લગ્નમાં ના ગઈ, બનેવી છે ગુજરાતી

    3 days ago

    આઠ ઓક્ટોબરે અચાનક જ બોલિવૂડના નટસમ્રાટ એટલે કે નાના પાટેકરના મોતના સમાચાર આવતા ચાહકોને ઘેરો આઘાત લાગ્યો. એ જ દિવસે મોડી રાત્રે નાના પાટેકરના પૈતૃક ગામ ડોંજેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. નાના પાટેકરના સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર થતાં ઘણા ચાહકોને આ વાત પસંદ આવી નહોતી. જોકે, નાના પાટેકરના અવસાન બાદથી બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા બેફામ નિવેદનો આપી રહી છે. એક્ટ્રેસે તો ત્યાં સુધી કહ્યું કે કોઈએ નાના પાટેકરની ડેડબૉડી પણ જોઈ નથી. તે ભાગીને વિદેશ જતા રહ્યા છે. તનુશ્રી ને નાના પાટેકરનો વિવાદ ખાસ્સા સમયથી ચાલે છે. તનુશ્રીએ નાના પાટેકર પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું દત્તા પરિવારની. તનુશ્રી દત્તાએ મિસ યુનિવર્સમાં કઈ જાણીતી હોલિવૂડ એક્ટ્રેસને પાછળ મૂકી? તનુશ્રીએ ગુજરાન ચલાવવા પાર્ટ ટાઇમ કઈ નોકરી કરી? તનુશ્રીએ આશ્રમો અંગે શું નિવેદન આપ્યું? તનુશ્રીને રાતમાં શું સપનું આવ્યું? એક્ટ્રેસ કેમ મુંડન કરાવ્યું? તનુશ્રીની બહે ઇશિતા ને વત્સલ શેઠની મુલાકાત કેવી રીતે થઈ? બંનેને એકબીજા માટે પ્રેમની લાગણી કેવી રીતે થઈ? ઇશિતાને 'દૃશ્યમ' કેવી રીતે મળી? બંગાળી હિંદુ પરિવારમાં જન્મ જમદેશપુરમાં તપન દત્તા LICમાં કામ કરતા હતા ને શિખા દત્તા હોમ મેકર હતા. તેમના 1984માં મોટી દીકરી તનુશ્રીનો ને છ વર્ષ પછી નાની દીકરી ઇશિતા જન્મ થયો. હિંદુ બંગાળી હોવાને કારણે નાનપણથી જ બંને દીકરીઓને કળા પ્રત્યે ઘણો જ લગાવ હતો. સૌ પહેલા વાત કરીએ પરિવારની નાની દીકરીની... 26 ઓગસ્ટ, 1990માં જન્મેલી ઇશિતા દત્તાએ જમશેદપુરની D.B.M.S. ઇંગ્લિશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. મોટી બહેન તનુશ્રી મુંબઈમાં હોવાથી ઇશિતા પણ બાર ધોરણ ભણીને સીધી મુંબઈ આવી ગઈ. મુંબઈ આવીને તેણે માસ કમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી લીધી. ઇશિતા સ્વભાવે શરમાળ હોવાથી તેણે ક્યારેય એક્ટિંગ વર્લ્ડમાં જવાનું વિચાર્યું નહોતું. જોકે, તનુશ્રીએ પ્રોત્સાહન આપતા ઇશિતાએ અનુપમ ખેરની એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી. ત્યારબાદ તેણે 2012માં તેલુગુ ફિલ્મ 'ચણક્યડુ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. ઇશિતાએ પછી ટીવી સિરિયલમાં કામ કર્યું. આ દરમિયાન 2015માં 'દૃશ્યમ'ના ઓડિશન શરૂ થયા. ઇશિતાએ પણ ઓડિશન આપ્યું અને તે સિલેક્ટ થઈ ગઈ. ફિલ્મમાં તેણે અજય દેવગનની દીકરી અંજુ સાલગાવકરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મના ત્રણેય ભાગ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહ્યા. પંખામાં સાડી ફસાઈ ને ઇશિતાને પ્રેમ થયો 2016માં ઇશિતા ટીવી સિરિયલ 'રિશ્તોં કા સૌદાગર'ના સેટ પર વત્સલ શેઠને મળી. બંને સાથે કામ કરતા હોવાથી તેમની વચ્ચે વાતચીતના સંબંધો હતા.સિરિયલના ગીતનું શૂટિંગ લખનઉમાં હતું. સેટ પર એક મોટો પંખો મૂકવામાં આવ્યો હતો અને તે પંખાની બાજુમાં ઊભેલી ઇશિતાની સાડી અચાનક જ પંખામાં ફસાઈ ગઈ હતી. ઇશિતાની સાડી ફસાતા તે પડી જવાની હતી, પરંતુ અચાનક જ ત્યાં વત્સલ શેઠ આવી ગયો ને તેને બચાવી લીધી. આ ઘટના બાદ બંનેને એકબીજા પ્રત્યે સોફ્ટ કોર્નર થયો. બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ. વત્સલ કરતાં ઇશિતા 10 વર્ષ નાની છે. અજય દેવગન બન્યો મેચમેકર એક દિવસ વત્સલ ને ઇશિતા ડિનર ડેટ પર ગયાં હતાં અને ત્યાં વત્સલે અચાનક જ ઇશિતાને લગ્ન અંગે પૂછ્યું હતું. લગ્નની એકદમ જ વાત આવી જતાં ઇશિતાએ વિચારવા થોડો સમય માગ્યો હતો. નવાઈની વાત એ હતી કે ઇશિતાએ 'દૃશ્યમ'માં અજય દેવગન સાથે કામ કર્યું હતું અને વત્સલ, અજયને પોતાના મેન્ટર માને છે. વત્સલે ઇશિતા ગમતી હોવાની વાત અજયને કહી હતી. અજયે પછી ઇશિતા ને વત્સલ વચ્ચે મેચ મેકિંગની ભૂમિકા ભજવી હતી. બંનેએ એકબીજાને છએક મહિના ડેટ કર્યા ને 28 નવેમ્બર, 2017માં મુંબઈમાં ઇસ્કોન મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા. બંને બહેનો વચ્ચે અણબનાવની વાતો વહેતી થઈ નાની બહેનના લગ્નમાં તનુશ્રી અમેરિકા હોવાથી આવી શકી નહીં. તનુશ્રી તે સમયે ન્યૂયોર્કમાં હતી અને ટ્રાવેલ પરમિટના ડોક્યુમેન્ટમાં ટેક્નિકલ સમસ્યા આવતા તે ભારત આવી શકે તેમ નહોતી. અલબત્ત, ઇન્ડિયામાં એ સમયે ચર્ચા હતી કે બંને બહેનોને બનતું નથી એટલે તનુશ્રી આવી નહીં. જોકે, આ વાતો માત્ર અફવા જ હતી. 2023માં ઇશિતાનું સીમંત હતું ત્યારે તનુશ્રી સાથે જ જોવા મળી હતી. ઇશિતાએ માર્ચ, 2023માં દીકરા વાયુને જન્મ આપ્યો. જૂન, 2025માં ઇશિતાએ દીકરી વેદાને જન્મ આપ્યો. વાત હવે દત્તા પરિવારના જમાઈ વત્સલ શેઠની... 5 ઓગસ્ટ, 1980માં મુંબઈમાં ગુજરાતી ચુસ્ત જૈન પરિવારમાં વત્સલ શેઠનો જન્મ થયો. તેને નાના બે ભાઈઓ છે. વત્સલ શેઠના પિતા ગિરીશ ને માતા નિશા શુદ્ધ શાકાહારી છે. વત્સલ અવાર-નવાર પેરેન્ટ્સની તસવીરો શૅર કરતો હોય છે. વત્સલે ઉત્પલ સંઘવી ગ્લોબલમાંથી સ્કૂલિંગ કર્યું ને પછી મીઠીબાઈ કોલેજમાંથી મેથેમેટિક્સમાં B.Sc કર્યું. વત્સલ સોફ્ટવેર એન્જિનિયર બનવા માગતો હતો. તેણે GW-BASIC અને Pascal માં કેટલીક ગેમ્સ પણ બનાવી હતી. વત્સલને ટીવી સિરિયલ 'જસ્ટ મહોબ્બત' મળી અને તેમાં તેણે જયનો રોલ પ્લે કર્યો. ત્યારબાદ તેણે અબ્બાસ મસ્તાનની ફિલ્મ 'ટારઝનઃ ધ વન્ડર કાર'માં લીડ હીરો તરીકે ડેબ્યૂ કર્યું. જોકે, વત્સલને હીરો તરીકે ખાસ સફળતા મળી નથી. વત્સલ હિંદી ફિલ્મ ઉપરાંત ટીવી સિરિયલમાં પણ કામ કરે છે. વત્સલે ગુજરાતી ફિલ્મ 'હું મારી વાઈફ ને એનો હસબન્ડ'થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તે બીજી ફિલ્મ 'ફિરકી'માં જોવા મળ્યો. હવે વાત કરીએ પરિવારની મોટી દીકરી તનુશ્રીની... 19 માર્ચ, 1984માં જન્મેલી તનુશ્રીએ સ્કૂલિંગ DBMS ઇંગ્લિશમાંથી સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ તનુશ્રી વધુ અભ્યાસ અર્થે પુણેની બૃહન મહારાષ્ટ્ર કોલેજ ઑફ કોર્મસમાં એડમિશન લીધું. તનુશ્રીને નાનપણથી જ ગ્લેમર વર્લ્ડમાં કામ કરવું હતું આ જ કારણોસર તેણે કોલેજમાં પહેલું વર્ષ ભણ્યા બાદ ભણવાનું અધ વચ્ચે જ છોડી દીધું. કોલેજ છોડ્યા બાદ તનુશ્રીએ સૌ પહેલા પોર્ટફોલિયો બનાવ્યો ને તે લોકલ લેવલે રેમ્પ શો, જાહેરાતો ને પ્રિન્ટ એડ્સમાં કામ કરતી હતી. પાર્ટ ટાઇમ જોબ શરૂ કરી તનુશ્રીએ નક્કી કર્યું હતું કે હવે તે પેરેન્ટ્સ પાસેથી પૈસા માગશે નહીં. આ જ કારણે તેણે પોતાનું ગુજરાન ચલાવવા પુણેમાં જ નોકરી કરવાનું નક્કી કર્યું. તે ઘરેથી પૈસા મગાવવા માગતી નહોતી. આ જ કારણે સ્થાનિક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે પાર્ટ ટાઇમ નોકરી કરી. મ્યૂઝિક વીડિયોથી ફેમસ થઈ આ દરમિયાન 2003માં તનુશ્રીએ હેરી આનંદના સુપરડુપર હિટ પોપ મ્યૂઝિક વીડિયો 'સૈયાં દિલ મેં આના રે...'માં કામ કર્યું. આ ગીત ખાસ્સું લોકપ્રિય થયું. આ ગીતને કારણે તનુશ્રીને બાંગ્લાદેશી એડ કેમ્પેઇન ને સ્ટેજ શોમાં પર્ફોર્મ કરવાની તક મળી. તનુશ્રીએ તે જ વર્ષે પુણેની લોકલ બ્યૂટી પેજન્ટ કોમ્પિટિશન જીતી હતી. આ જ કારણે પછી તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો. 2004માં તનુશ્રી મિસ ઇન્ડિયા બની. મિસ યુનિવર્સમાં ભારતને રિપ્રેઝન્ટ કર્યું તનુશ્રીએ બાદ ઇક્વાડોરમાં યોજાયેલી મિસ યુનિવર્સ કોમ્પિટિશનમાં ભારતને રિપ્રેઝન્ટ કર્યું. એ વાત અલગ છે કે તનુશ્રી ટાઇટલ તો ના જીતી શકી, પરંત તે ટોપ 10 ફાઇનાલિસ્ટમાં સામેલ થઈ. આટલું જ નહીં, તેણે 'વન્ડર વુમન' ફૅમ એક્ટ્રેસ ગેલ ગેડોટને મિસ યુનિવર્સમાં પાછળ રાખ દીધી હતી. મિસ યુનિવર્સમાં ટોપ 10માં આવ્યા બાદ તનુશ્રીને બોલિવૂડમાંથી ફિલ્મ્સ ઑફર થવા લાગી. તેણે તમિળ ફિલ્મ 'તીરાથા વિલાયત્તુ પિલ્લાઈ'થી 2005માં ડેબ્યૂ કર્યું. તે જ વર્ષે તનુશ્રીએ ઇમરાન હાશ્મી સાથે 'આશિક બનાયા આપને'માં કામ કર્યું. બોક્સઑફિસ પર આ ફિલ્મ હિટ હતી. તનુશ્રી બોલિવૂડમાં એક પછી એક ફિલ્મ કરતી હતી. 2008માં નાના પાટેકર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કર્યો 2008માં તનુશ્રી ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'માં કામ કરતી હતી. ફિલ્મના એક આઇટમ સોંગનું શૂટિંગ મુંબઈના ફિલ્મીસ્તાન સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું હતું. શૂટિંગ પહેલા ત્રણ દિવસ સુધી તનુશ્રીએ ડાન્સનું રિહર્સલ પણ કર્યું હતું. સેટ પર જ્યારે સોંગ શૂટ થવાનું હતું ત્યારે અચાનક જ સેટ પર બોલિવૂડ એક્ટર નાના પાટેકર પણ આવી ગયા. તેમણે આ ગીતમાં તનુશ્રી સાથે ડાન્સ કરવાની માગણી કરી હોવાની વાત એક્ટ્રેસે કરી હતી. તનુશ્રીની ઈચ્છા નાના પાટેકર સાથે ડાન્સ કરવાની નહોતી, પરંતુ પ્રોડ્યુસર ને કોરિયોગ્રાફરને કારણે તે ડાન્સ કરવા તૈયાર થઈ. હદ તો ત્યારે થઈ જ્યારે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે રિહર્સલ દરમિયાન કરેલા ડાન્સ સ્ટેપ શૂટિંગ દરમિયાન ચેન્જ કરી નાખ્યા. તનુશ્રીનો આક્ષેપ છે કે સોંગના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે એક સીનમાં ઇન્ટિમેટ થવાનો પ્રયાસ કર્યો અને તેને ગંદી રીતે સ્પર્શ કર્યો હતો. આટલું જ નહીં, જે સ્ટેપમાં તે અસહજ હતી તે જ સ્ટેપમાં વારંવાર રીટેક આપ્યા.. શરૂઆતમાં તનુશ્રીએ શૂટિંગ કર્યું, પરંતુ નાના પાટેકરનું વર્તન જોયા બાદ તેણે શૂટિંગ કરવાની ના પાડી દીધી. તનુશ્રી સેટ છોડીને સીધી પોતાની વેનિટી વેનમાં જતી રહી. કોરિયોગ્રાફર તથા પ્રોડ્યુસરે તનુશ્રીને મનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેણે વેનિટી વેનનો દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ ફિલ્મના કેટલાક લોકોએ તનુશ્રી બહાર આવે તે માટે સતત દરવાજો ખખડાવ્યો, પરંતુ તે માની નહીં. આ દરમિયાન એક ચર્ચા પ્રમાણે, પ્રોડ્યુસરે કેટલાક ગુંડાઓને બોલાવ્યા ને વેનિટી વેનનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ થઈ શક્યું નહીં. તનુશ્રીએ ફોન પર સેટ પર બનેલી આખી ઘટના પેરેન્ટ્સને કહી તો તેઓ કારમાં તેને લેવા આવ્યા. તનુશ્રીએ સેટ પર પેરેન્ટ્સ આવતા જ વેનિટી વેનનો દરવાજો ખોલીને સીધી પેરેન્ટ્સ સાથે કારમાં બેસી ગઈ. તનુશ્રીની કાર પર હુમલો કરવામાં આવ્યો આ સમય દરમિયાન અચાનક જ મનસેના કેટલાક કાર્યકર્તાઓએ તનુશ્રીની કાર પર હુમલો કર્યો. હુમલામાં તેમણે કારના વિન્ડ શિલ્ડ પણ તોડી નાખ્યા હતા ને ટાયરમાં પંક્ચર પાડી દીધું હતું અને શક્ય તેટલી રીતે કારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કારની અંદર તનુશ્રી પેરેન્ટ્સ સાથે હતી. ત્રણેય ઘણા જ ડરી ગયા હતા, ત્યાં બચાવવા માટે કોઈ નહોતું. અંતે પોલીસ આવી અને તમામને ત્યાંથી દૂર કર્યા ને તનુશ્રી પેરેન્ટ્સ સાથે સહી સલામત રીતે ઘરે જઈ શકી. તનુશ્રીના મતે, નાના પાટેકર જ મનસેના કાર્યકર્તાઓને ફોન કરીને બોલાવ્યા હતા. રિપોર્ટરે ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો આ સમયે સેટ પર રિપોર્ટર જૈનિસ સીકેરિયા હાજર હતી. તેણે સેટ પર તનુશ્રી સાથે કંઈક બન્યું હોવાનું જણાવ્યું હતું, જ્યારે આસિસ્ટન્ટ ડિરેક્ટર શયની શેટ્ટીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. સેટ પર તે સમયે એવી વાતો થઈ હતી કે એક્ટ્રેસ ડાન્સ સ્ટેપમાં કો-ઓપરેટ કરતી નથી ને તે શૂટિંગ છોડીને જતી રહી છે. તે સમયે જૈનિસે જ્યારે નાના પાટેકરને આ આખા ઘટનાક્રમ અંગે સવાલ કર્યો તો નાનાએ એવો જવાબ આપ્યો કે તનુશ્રી તો તેમની દીકરી જેવી છે, ખબર નહીં કેમ તે આવી વાતો કરે છે. થોડા દિવસ બાદ જૈનિસે તનુશ્રીને આ અંગે પૂછ્યું તો તેણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ડિરેક્ટર રાકેશ સારંગ, પ્રોડ્યુસર સામી સિદ્દીકી ને કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને બધી જ ખબર છે, પરંતુ તેઓ કંઈ જ બોલતા નથી. નાના પાટેકર એક્ટ્રેસિસને ફટકારે છે. ઇન્ડસ્ટ્રીની દરેક વ્યક્તિને ખ્યાલ છે કે હીરોઇન અંગે નાના પાટેકરનું વલણ આવું જ રહ્યું છે. ગણેશ આચાર્યે નાના પાટેકરનો કોઈ જ વાંક ના હોવાનું કહ્યું હતું, જેના પર તનુશ્રીએ આચાર્યને ખોટો ને દંભી ગણાવ્યો હતો. તનુશ્રીએ ત્યારે બોલિવૂડના એ લિસ્ટેડ કલાકારોને નાના પાટેકર સાથે કામ ના કરવાની વિનંતી કરી હતી. ઘણાં સ્ટાર્સે તનુશ્રીને સપોર્ટ કર્યો તો કેટલાંકે નાના પાટેકરની ઇમેજ ખરાબ કરવાનો આક્ષેપ કર્યો હતો. પછી આ ફિલ્મમાં રિમી સેનને લેવામાં આવી હતી અને આઇટમ સોંગ રાખી સાવંતે કર્યું હતું. આ ઘટના બન્યા બાદ તનુશ્રીએ બોલિવૂડમાંથી એક વર્ષનો બ્રેક લીધો હતો. ઇન્ડસ્ટ્રી તનુશ્રીને ડબલ પૈસા આપીને ફિલ્મમાં લેવા આતુર હતી, પરંતુ એક્ટ્રેસ હવે કોઈના પર વિશ્વાસ કરી શકે તેમ નહોતી. એક વર્ષ બાદ તનુશ્રીએ ફિલ્મ 'અપાર્ટમેન્ટ'થી કમબેક કર્યું. ફરીથી બ્રેક લીધો તનુશ્રીએ પાછો બ્રેક લીધો ને તેણે વિદેશી ઓથર્સને વાંચ્યા. ત્યારબાદ તેણે ન્યૂ યોર્ક એકેડેમીમાંથી શોર્ટ કોર્સિસ કર્યા. તેને ત્યાં એવું થયું કે બોલિવૂડ તેના માટે યોગ્ય જગ્યા નથી. તેણે મોટાભાગના પૈસા અમેરિકામાં વાપરી નાખ્યા. તેના પેરેન્ટ્સ ને મેનેજર સતત ભારત આવવાનું કહેતા હતા. અંતે તેમની વાત માનીને એક્ટ્રેસ મુંબઈ આવી, પરંતુ ડિપ્રેશનમાં સરી પડી. અમેરિકામાં વધુ પડતાં પૈસા વાપરી નાખ્યા હોવાથી પિતાએ તેની પાસે જેટલા પણ પૈસા વધ્યા હતા તે તમામ પોતાની પાસે લઈ લીધા. આ દરમિયાન ફ્રેન્ડના સજેશનથી તે કોઇમ્બતૂર સ્થિત ઇશા યોગ સેન્ટરમાં ગઈ. ત્યાં તે દોઢેક વર્ષ રહી. સેન્ટરમાં જતાં પહેલાં તનુશ્રીએ સુદર્શન ક્રિયાનો કોર્સ કર્યો હતો, પરંતુ તેનાથી તેને માથું દુખાતું હતું. તેને લાગ્યું કે તે કોઈકનાથી ભાગીને કોઇમ્બતુર ગઈ છે. ત્યાં તેને આધ્યાત્મિકતાનો પરચો થશે તેવી આશા હતી, પરંતુ તેની સાથે આવું કંઈ જ થયું નહીં. આશ્રમમાં 15-15 વર્ષથી રહેતા લોકો હતા અને તેમને આજ દિન સુધી એવો કોઈ અનુભવ થયો નહોતો. આ સમયે તનુશ્રીને લાગ્યું કે તે આશ્રમમાં આખી જિંદગી પસાર કરી શકશે નહીં. આશ્રમમાં રહીને તનુશ્રીને લાગતું કે તેણે મનની શાંતિ પણ ગુમાવી દીધી છે અને તેને ખરાબ સપનાઓ આવે છે ને તે કારણ વગર થાકી જતી હતી. તેને ત્યાં પુષ્કળ ભૂખ લાગતી ને તે સતત ખાતી જ રહેતી ને મોડે સુધી સૂતી રહેતી. જો તે ત્યાં રહીને અલગ અલગ ક્રિયા ના કરે તો તેને વધારે આળસ આવતી. જે લોકો આશ્રમ આવ્યા હતા તેઓ ત્યાં રસોઈ ને ગાર્ડનિંગ ને એવા બધા જ કામો કરતા હતા. તનુશ્રીને થયું કે બીજાના ત્યાં આવા કામ કરવા એના કરતાં પોતાના ઘરમાં જ આ કામ કરવા જોઈએ. અંતે તેણે ઘરે પરત ફરવાનુ વિચાર્યું. આ દરમિયાન આશ્રમમાંથી બધા માનસરોવરની યાત્રા પર જતાં હતાં અને તનુશ્રીને પણ ત્યાં જવાની ઈચ્છા થઈ. જોકે, તે માટે બે લાખ રૂપિયા આપવાના હતા. તનુશ્રીએ પિતા પાસે પૈસા માગ્યા, પરંતુ તેમણે ચોખ્ખી ના પાડી દીધી. નાની બહેન ને એક્ટ્રેસ ઇશિતાએ ફોન પર ત્યાં સુધી કહી દીધું કે પપ્પા તારી ચિંતામાં રાતોની રાત સૂતા નથી. તેમને હવે વધારે સ્ટ્રેસ આપીશ નહીં અને હવે જે તું ત્યાં જઈને બકવાસ કરી રહી છે તે જલ્દીથી પૂરો કર ને પાછી ઘરે આવી જા. બહેનની કડવી વાતો સાંભળ્યા બાદ તનુશ્રીએ ઘરે પરત આવવાનું નક્કી કર્યું. ઘરે આવ્યા બાદ તનુશ્રીને એ વાતનો અહેસાસ થયો કે પેરેન્ટ્સને દુઃખી કરીને ક્યારેય કોઈ આધ્યાત્મિક જ્ઞાન મેળવી શકાય નહીં. સપનામાં લદ્દાખનો નકશો આવ્યો ઘરે પરત ફર્યા બાદ તનુશ્રીને સપનામાં લદ્દાખનો નકશો આવ્યો અને કોઈકે ત્યાં જવાનું કહ્યું. તે મુંડન કરાવવા માગતી હતી. આથી જ તેણે મેલ સલૂનમાં જઈને ક્રૂ કટ હેર કપાવ્યા. પછી તેણે નાની બહેન ઇશિતાને માથા પરના તમામ વાળ કાઢી નાખવાનં કહ્યું. મુંડન કરાવ્યા બાદ તનુશ્રીએ પોતાને અરીસામાં જોઈ તો તેને લાગ્યું કે તેના તમામ બંધનો છૂટી ગયા છે. તેની આધ્યાત્મિક સફર હવે શરૂ થઈ. તે લદ્દાખ ગઈ ને ત્યાં બુદ્ધિસ્ટ મેડિટેશન સેન્ટરમાં રહી. ત્યાં બ્રિધિંગની સિમ્પલ ટેક્નિક શીખવવામાં આવી. ધીમે ધીમે તનુશ્રીને લાગ્યું કે તેના જીવનમાં શાંતિ પાછી આવી રહી છે. તેની ફૂડ હેબિટ્સ પણ ધીમે ધીમે સુધરી. કોઈએ વિપશ્યના કરવાની પણ સલાહ આપી હતી. તનુશ્રીને લાગ્યું કે તે લદ્દાખ ગઈ તે પહેલાં તેનામાં કોઈ વળગાડ હતો, પરંતુ ત્યાં ગયા બાદ તેની પરિસ્થિતિ સુધરી હતી. આ બધામાંથી તનુશ્રી એટલું શીખી કે આશ્રમોમાં જવાથી કોઈ જ્ઞાનપ્રાપ્તિ, નિર્વાણ કે મોક્ષ મળતા નથી... એ બધું તદ્દન બકવાસ છે! પતિઓ પત્નીઓને છોડી દે, સંતાનો માતા-પિતાને છોડી દે... આ કોઈ આધ્યાત્મિકતા નથી. આ તમામ કામો પરિવાર સાથે રહીને અને પોતાનું કામ જાતે કરીને પણ આધ્યાત્મિકતા મેળવી શકાય છે. જો આશ્રમમાં રહેવાનો આર્થિક ખર્ચ ઉપાડી ના શકે તે વ્યક્તિને આધ્યાત્મિક જ્ઞાન નહીં મળતું હોય? જો પિતાએ તેના પૈસા સંભાળ્યા ના હોત તો આજે તે રસ્તા પર આવી ગઈ હોત. લોકોનું ટોળું એ માન્યતા સાથે ગુરુઓ પાછળ જાય છે કે તેમને શાંતિ મળશે. હકીકતમાં આશ્રમોમાં શાંતિ મળવી એ સૌથી મુશ્કેલ બાબત છે. તનુશ્રી માને છે કે જે વ્યક્તિ પોતાને ગુરુ કહે છે પણ શું તે ખરેખર જ્ઞાની? તે જ્ઞાન આપવાને બદલે નેતાઓ અને સેલિબ્રિટી સાથે હળવા-મળવામાં વ્યસ્ત રહે છે. ઘણીવાર તો આવા આશ્રમોમાંથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. ભારતમાં #MeToo મૂવમેન્ટ શરૂ કરી 2018માં હોલિવૂડમાં #MeToo મૂવમેન્ટ શરૂ થઈ. આ મૂવમેન્ટમાં હોલિવૂડ એક્ટ્રેસિસે કરિયરમાં જેને પણ તેમની સાથે સેક્સ્યુઅલ અબ્યૂઝ કર્યું હતું તે તમામના નામ આપ્યા હતા. આ મૂવમેન્ટની શરૂઆત ભારતમાં તનુશ્રી દત્તાએ કરી હતી. તનુશ્રીએ એક ઇન્ટરવ્યૂમાં વર્ષો બાદ ફરી એકવાર નાના પાટેકર પર સેટ પર ઇન્ટિમેટ થવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ જ દરમિયાન CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન)એ તનુશ્રીની માફી માગી હતી કે તેઓ સેક્સ્યુઅલ હેરેમેન્ટ અંગે સ્ટેન્ડ ના લઈ શક્યા, પરંતુ આ વાતને ખાસ્સા વર્ષો થયા હોવાથી હવે તે કેસ રી-ઓપન થઈ શકે તેમ નથી તેવી વાત કરી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ તનુશ્રી દત્તા વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. તનુશ્રી દત્તાએ પછી નાના પાટેકર, ફિલ્મ ડિરેક્ટર રાકેશ સારંગ, પ્રોડ્યુસર સામી સિદ્દીકી તથા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ FIR કરી હતી. આ ઉપરાંત તનુશ્રીએ આ તમામના નાર્કો એનાલિસિસ, બ્રેન મેપિંગ ને લાય ડિટેક્ટર ટેસ્ટની પણ માગણી કરી હતી. તનુશ્રીએ મેટ્રોપોલિટન કોર્ટમાં પણ ફરિયાદ કરી હતી. મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે તનુશ્રીની અરજી ફગાવતા કહ્યું હતું કે આ ઘટના ઘણી જ જૂની છે અને ફરિયાદ નોંધવામાં ઘણું જ મોડું કરવામાં આવ્યું છે. પૂરતા પુરાવા ના હોવાથી આ કેસ બંધ કરવામાં આવે છે. આ ઉપરાંત જુલાઈ, 2019માં પોલીસે નાના પાટેકરને ક્લિન ચિટ આપી હતી. પોલીસે ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો હતો અને તનુશ્રીએ માત્ર બદલાની ભાવનાથી FIR કરી હોવાનું જણાવ્યું હતું. તનુશ્રી દત્તાએ પોલીસને આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. 2020થી લઈ 2024 દરમિયાન તનુશ્રીએ અનેકવાર બોલિવૂડ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેણે કહ્યું હતું કે તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોલિવૂડ માફિયાઓએ તેની કારની બ્રેક ફેઇલ કરી નાખી હતી. તેના ઘરની કામવાળીએ તેના પાણીમાં કંઇક ભેળવી દીધું હતું. નાના પાટેકરે તનુશ્રીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમને એમ કહ્યું હતું કે તેમના આટલા વર્ષોની કરિયરમાં ક્યારેય કોઈએ આ રીતનો આક્ષેપ કર્યો નથી, તેમને એક્ટ્રેસની વાતોથી ઘણું જ દુઃખ પહોંચ્યું છે. વિવેક અગ્નિહોત્રી પર પણ આક્ષેપો કર્યા તનુશ્રીએ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે 2005માં તેણે ફિલ્મ 'ચોકલેટ'માં કામ કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી હતા. જ્યારે તેણે ફિલ્મના એક સીનમાં શોર્ટ કપડાં પહેર્યા હતા તો તે સીન પૂરો થતાં વેનિટી વેનમાં આરામ કરવા જતી ને ત્યાં રોબ (લાંબો ને લૂઝ કુર્તા જેવું) પહેરીને રાખતી. જોકે, ડિરેક્ટરે તેને રોબ પહેરવાની ના પાડી દીધી અને આખા યુનિટની સામે શોર્ટ કપડાં પહેરીને ખુરસી પર બેસવા મજબૂર કરી હતી. આટલું જ નહીં તે રોજ સેટ પર લાઇટિંગ ગોઠવાઇ ના હોય તે પહેલા આવી જતી હતી, પરંતુ એક દિવસ તે સેટ પર માત્ર પાંચ દિવસ લેટ આવી હતી. આ સમયે વિવેક અગ્નિહોત્રીએ તેની પર બૂમો પાડી હતી અને તેને અનપ્રોફેશનલ કહી હતી. ડિરેક્ટરે શું કહ્યું? વિવેક અગ્નિહોત્રીએ તનુશ્રીના આક્ષેપો પર જવાબ આપતા કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કલાકારો સફળતા માટે સ્ટ્રેસમાં રહેતા હોય છે. ક્યારેક તેઓ હતાશામાં ધકેલાઈ જાય છે અને પોતાની માનસિક સ્થિતિ જાળવી શકતા નથી અને ઘણીવાર બેકાબૂ થઈ જાય છે. તેમને નથી લાગતું કે તેમણે આ બધી વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. તે આ બધી વાતોમાં પડવા માગતા નથી. લોકો શું કહે છે તેના પર રિએક્શન આપવાનું તેમના સ્વભાવમાં નથી તેમને માફી આપવાનું શીખી લીધું છે અને તેથી જ હવે તે આવી વાતને ધ્યાનમાં લેતા નથી. 2025માં ધ્રુસકે ધ્રુસકે રડતો એક વીડિયો શૅર કર્યો 2025માં તનુશ્રી દત્તાએ ​​​​​​ધ્રુસકે-ધ્રુસકે રડતાં સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે કહ્યું હતું, 'મિત્રો, છેલ્લાં પાંચેક વર્ષથી મારા ઘરમાં જ મારું શોષણ થઈ રહ્યું છે. પોલીસને ફોન કર્યો ને તેમણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરાવવાનું કહ્યું છે. મારી તબિયત સારી નથી. મને પાંચેક વર્ષમાં એટલી હેરાન કરવામાં આવી કે મારી તબિયત બગડી ગઈ છે. હું કોઈ કામ કરી શકતી નથી. મારું ઘર પણ વેરવિખેર પડ્યું છે. હું ઘરમાં નોકરાણી રાખી શકતી નથી. મને નોકરાણી સાથે ખરાબ અનુભવ થયા છે. તે ઘરમાં આવીને ચોરી કરે છે. મારે બધું કામ કરવું પડે છે. લોકો મારા દરવાજાની બહાર આવે છે. હું આ હેરાનગતિથી કંટાળી ગઈ છું. મારી સાથે આવું 2018થી આવું થઈ રહ્યું છે. મહેરબાની કરીને મારી મદદ કરો, મોડું થાય તે પહેલાં કંઈક કરો.' ત્યારબાદ અન્ય એક વીડિયોમાં તનુશ્રીએ કહ્યું હતું, '2020થી લગભગ દરરોજ મારા ઘરના ધાબા પર અને ઘરના દરવાજાની બહાર જોર જોરથી અવાજો આવે છે અને પછી ધડાકાના અવાજો આવે છે. હું બિલ્ડિંગ મેનેજમેન્ટને ફરિયાદ કરીને કંટાળી ગઈ હતી અને થોડાં વર્ષો પહેલાં હાર માની લીધી હતી. હવે હું ફક્ત શાંતિથી જીવવા માગું છું અને મારા મનને વિચલિત થતું અટકાવવા હિંદુ મંત્રો સાંભળું છું. આજે હું ખૂબ જ બીમાર હતી, કારણ કે તમે લોકો જાણો છો કે છેલ્લાં 5 વર્ષથી સતત તણાવ અને ચિંતાનો સામનો કરવાને કારણે મને ક્રોનિક ફેટિંગ સિન્ડ્રોમ થયો છે. હવે બધા સમજી ગયા છે કે હું કેવી સ્થિતિનો સામનો કરી રહી છું. FIRમાં હું ઘણીબધી બાબતોનો ઉલ્લેખ કરીશ.' નાના પાટેકરના મોત બાદ તનુશ્રીએ શું કહ્યું તનુશ્રીએ નાના પાટેકરના મોત બાદ સવાલ કર્યો હતો કે મીડિયા કે ઇન્ડસ્ટ્રીમાંથી કોઈએ નાના પાટેકરના મૃતદેહને જોયો નથી અને આટલા જલદી અંતિમ સંસ્કાર કેમ કરવામાં આવ્યા? હિંદુ ધર્મમાં સામાન્ય રીતે સૂર્યાસ્ત બાદ ક્યારેય અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી તો કેમ નાના પાટેકરના કરવામાં આવ્યા? રાતના અંધારામાં એવી તો શું ઉતાવળ હતી કે અંતિમ સંસ્કાર કરી નાખ્યા. તે જેટલા મોટા લિજેન્ડ ને મહાન વ્યક્તિ હતા તે રીતે તેમની ડેડબોડીને અંતિમ દર્શન માટે કેમ મૂકવામાં ના આવી? અનેક લોકોએ સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી, પરંતુ કોઈએ ડેડબોડી જોઈ નહીં. શું પરિવારે જોઈ હતી? કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા? કારણ કે ચહેરો તો ઢાંકેલો હતો તો બની શકે કે ગામના લોકો આવો સવાલો એકબીજાને પૂછતાં પણ હોય...એવું ના બને કે નાના પાટેકર સિંગાપોર કે મલેશિયા જતા રહ્યા ને ત્યાં જીવિત હોય. કાયદાકિય કાર્યવાહીથી બચવા મોતનું તરકટ કર્યું હોય ને પછી નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હોય. ડેડબોડીનો DNA ટેસ્ટ કરવાની જરૂર હતી. કેમ તેમને હૉસ્પિટલ લઈ જતા હોય તેવો એક પણ વીડિયો સામે આવ્યો નથી? તનુશ્રીની આવી વાતોની ઘણી જ ટીકા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીમાં ભક્તિ સાથે સેવાયજ્ઞ:25 જરૂરિયાતમંદ માતાને રાશનની કિટ અર્પણ
    Next Article
    પાલિકા પ્રમુખ માટે નવું વાહન અને શ્રીનિધિ લોનને બહાલી અપાઇ:પાલિકાની સામાન્ય સભામાં હિસાબો અને ઠરાવો મુદ્દે વિપક્ષે હોબાળો કરતા ઉતાવળમાં બહાલી આપ્યા વગર જ પ્રમુખે પૂર્ણ જાહેર કરી દીધી

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment