Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના ગૃહકંકાસથી કંટાળી મહિલાનો આપઘાત:નાગલપરથી પીપરીયા ગામ જતા કોઝ વે પાસે બાઈક પર જતું દંપતિ ખાડામાં પડ્યું, પત્નીનું મોત

    9 hours ago

    રાજકોટના નાનામવા રોડ પર રહેતી 30 વર્ષીય પરણિતાએ ગૃહકંકાસથી કંટાળી ઝેરી દવા પી જતા તેનું સારવારમાં મોત નિપજ્યું હતું. જોકે તેને કારણે બે સંતાનોએ માતાની મમતા ગૂમાવી હતી. જ્યારે અન્ય બનાવમાં નાગલપરથી પીપરીયા ગામ જતા કોઝ વે પાસે બાઈક પર જતું દંપતિ ખાડામાં પડ્યું હતું. જેને કારણે ગંભીર ઇજાગ્રસ્ત પત્નીનું સારવારમાં મોત નિપજ્યું હતું. હરિદ્વાર હાઇટ્સ સામેના ગાર્ડનમાં ઘઉમાં નાખવાનો પાવડર પી જતી મહિલાનું મોત રાજકોટ શહેરના નાનામવા રોડ પર હરિદ્વાર હાઇટ્સ સામે આવેલા ગાર્ડનમાં ઝેરી પાવડર પી લેતાં 30 વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, મવડીના ઓમનગર ન્યૂ રાજદીપ સોસાયટી-1માં રહેતાં મિતલબેન અંકિતભાઈ બારડ (ઉ.વ. 30)એ ગઈકાલે તા.11 ઓક્ટોબરના બપોરે ગાર્ડનમાં ઘઉંમાં નાખવાનો પાવડર પી લીધો હતો. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મિતલબેનનાં લગ્ન સાત વર્ષ પહેલાં થયાં હોવાનું અને તેમને બે સંતાન હોવાનું જાણવા મળ્યું છે. પતિ-પત્ની વચ્ચે અવારનવાર થતા ઝઘડાને પગલે તેમણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કોઝ વે પાસે ખાડાને લીધે અકસ્માત, બે પુત્રો માતા વિહોણા રાજકોટ જિલ્લાના નાગલપરથી પીપરીયા ગામ તરફ જવાના માર્ગે કોઝવે પાસે બાઈક મોટા ખાડામાં પટકાતાં સર્જાયેલા અકસ્માતમાં વાંકાનેરના વણઝારા ગામની મહિલાનું મોત નીપજ્યું હતું. બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, વણઝારા ગામે રહેતાં કિરણબેન પાંચાભાઈ તલસાણીયા (ઉં.વ. 35) તેમના પતિ સાથે બાઈક પર પસાર થઈ રહ્યાં હતાં. સાંજે આશરે 4 વાગ્યે નાગલપર-પીપરીયા માર્ગ પર કોઝવે પાસે બાઈક મોટા ખાડામાં પટકાતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પાછળ બેઠેલાં કિરણબેન રસ્તા પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ કુવાડવાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. જૂની અદાવતમાં સમાધાનની વાતચીતમાં ઉગ્ર બોલાચાલી બાદ ધોકા-પથ્થરથી હૂમલો શહેરના ગુલાબનગર વિસ્તારમાં જૂની અદાવતના મામલે સમાધાન માટે એકત્ર થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રામકિશન શ્રીપાલ કુશવાહા અને સામા પક્ષના સભ્યો વચ્ચે અગાઉથી ચાલતા વિવાદના સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતાં સામા પક્ષના કેટલાક સભ્યોએ ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ હુમલામાં ફરિયાદી પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉપરાંત, મહિલાઓ સહિત પરિવારના સભ્યોને માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આજીડેમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પત્ની, સાસુ, સાળી, પત્નીની મિત્ર માનસિક ત્રાસ આપતાં હોવાથી યુવકનો આપઘાતનો પ્રયાસ શહેરમાં ઇન્દિરા સર્કલ અને આકાશવાણી ચોક વચ્ચે વહેલી સવારે એક યુવકે ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં પત્ની સહિત ચાર વ્યક્તિઓ સામે માનસિક ત્રાસના આક્ષેપ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.કટારિયા ચોકડી નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા જય જેઠાભાઈ સોલંકી (ઉ.વ. 26)એ સવારે આશરે 5.30 વાગ્યે ફિનાઈલ પી લીધું હતું. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.યુવક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં પત્ની જલ્પા, સાસુ રામેશ્વરીબેન, સાળી દીપાલી અને પત્નીની મિત્ર દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ચિઠ્ઠીમાં લગ્નજીવનમાં ચાલી રહેલા વિવાદ અને પોતાની જ્ઞાતિને લઈને અપમાનિત કરવામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે.જયના દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયાં હતાં અને તે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ફોટો ફ્લેશ નામનો સ્ટુડિયો ચલાવે છે. પોલીસે ચિઠ્ઠી કબજે કરી આક્ષેપોની સત્યતા ચકાસવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂડી ટોલનાકા પાસેથી સાયબર ફ્રોડના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો સાયબર ફ્રોડના બે ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો. આરોપી સામે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. રાજકોટ રૂરલ LCB એ બાતમીના આધારે ધોરાજીના મોટી પરબડીના રહેવાસી મયુર રાયસંગ ધરજીયા (ઉ.વ. 28)ને ભરૂડી ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો.આરોપી સામે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના બે ગુના નોંધાયેલા છે. આ બંને ગુનામાં તે છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો.આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોંડલ તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અળવ ગામે સતવારા સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો:ધારિયા પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન, વિદ્યાર્થી સન્માન અને સમૂહ ભોજન
    Next Article
    જામનગરમાં થાર કારથી આઈ-20ને ટક્કર મારી યુવકની હત્યા:3 આરોપી ઝડપાયા, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment