Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછામાં પારિવારિક કંકાસનો કરુણ અંજામ:પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિએ આપઘાતમાં ખપાવવાનો કારસો રચ્યો, પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

    8 hours ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ રૂપ ધારણ કર્યું છે. ઉમરવાડા સ્થિત ટાંકલી ફળિયામાં સામાન્ય બોલાચાલી અને રોજિંદા ક્લેશમાં આવેશમાં આવી ગયેલા 50 વર્ષીય પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ શાતિર પતિએ આ સમગ્ર બનાવને આપઘાતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી હત્યારા પતિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બેકાર પતિ ઘરમાં અવારનવાર ઝઘડા કરતો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, વરાછાના ઉમરવાડા પંચવટીવાડી સામે આવેલા ટાંકલી ફળિયાના મકાન નંબર 101માં સંજયભાઈ ચીમનભાઈ પટેલ (ઉં.વ. 50) પોતાના પરિવાર સાથે રહે છે. સંજય પટેલ કોઈ કામધંધો કરતો ન હોવાથી બેકાર હતો. આ આર્થિક તંગી અને બેકારીના કારણે ઘરમાં અવારનવાર પત્ની ઉષાબેન સાથે નાની-નાની બાબતોમાં ઉગ્ર બોલાચાલી તેમજ ઘરકંકાસ ચાલતો રહેતો હતો. આવેશમાં ગળું દબાવ્યું, મોત નીપજતાં બહાર આવી બેસી ગયો ગત તા. 7 ઓક્ટોબર, 2026ના રોજ સાંજના સુમારે પતિ-પત્ની વચ્ચે ફરી એકવાર કોઈ બાબતે ઉગ્ર તકરાર થઈ હતી. બોલાચાલી દરમિયાન સંજય પટેલે પોતાનો સંયમ ગુમાવ્યો હતો અને આવેશમાં આવી પત્ની ઉષાબેન પર હુમલો કરી બંને હાથે ગળું દબાવી દીધું હતું. થોડી જ વારમાં ઉષાબેનનું શ્વાસ રુંધાવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પત્ની મરી ગઈ હોવાની ખાતરી થતાં જ આરોપી પતિ ગભરાઈ જવાને બદલે ઘરનો દરવાજો ખુલ્લો રાખી બહાર ઓટલા પર આવીને શાંતિથી બેસી ગયો હતો. ‘તારી માતાએ ફાંસો ખાધો હતો એટલે મેં નીચે ઉતારી’ બનાવ સમયે કામધંધે ગયેલો પુત્ર નિકીલ સાંજે ઘરે પરત ફર્યો ત્યારે પિતાને બહાર બેઠેલા જોયા હતા. ઘરમાં જતાં પહેલાં જ પિતા સંજય પટેલે પુત્ર સમક્ષ ઉપજાવી કાઢેલી વાર્તા કહી કે, ‘તારી માતાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો, એટલે મેં તેને ફાંસેથી નીચે ઉતારીને ખુરશીમાં બેસાડી દીધી છે.’ આ સાંભળી પુત્ર અંદર દોડી ગયો હતો અને માતાને અચેત હાલતમાં જોઈ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. આમ, આરોપી પતિએ પત્નીની હત્યાને આપઘાતમાં ખપાવવાનો પૂરેપૂરો કારસો રચ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા, પીએમમાં ભાંડો ફૂટ્યો હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ ઉષાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકના ગળાના ભાગે શંકાસ્પદ ઈજાના ગંભીર નિશાન મળી આવ્યા હતા. તબીબોએ પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ કર્યું હતું કે આ બનાવ આપઘાતનો નથી પરંતુ ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, જેથી પતિના જૂઠાણાનો ભાંડો ફૂટી ગયો હતો. પુત્રએ પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાવી માતાના અકાળે થયેલા મોતના પગલે પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પિતાએ જ માતાનું કાસળ કાઢી નાખ્યું હોવાનું સ્પષ્ટ થતાં પુત્ર નિકીલ સંજયભાઈ પટેલે વરાછા પોલીસ મથકમાં પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલભેગો કર્યો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા, સેકન્ડ પીઆઈ એમ.જી. કરડાણી તથા પીએસઆઈ વી.ડી. માળી સહિતની સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ તેજ કરી હતી. બાતમીના આધારે પોલીસે છાપો મારી આરોપી સંજય ચીમનભાઈ પટેલને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. ગુનાનો ભેદ ઉકેલાયો, વૈજ્ઞાનિક તપાસ ચાલુ એસીપી પી. કે. પટેલે જણાવ્યું હતું કે, પારિવારિક ઝઘડામાં પિતાએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની ફરિયાદ પુત્રએ નોંધાવી છે. આરોપીએ હત્યા બાદ આપઘાતની ઉપજાવી કાઢેલી વાત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તબીબી તપાસ અને પોલીસની ઝીણવટભરી પૂછપરછમાં તેનો ભાંડો ફૂટી ગયો છે. હાલ આરોપી સંજય પટેલની ધરપકડ કરી ફોરેન્સિક પુરાવા એકત્ર કરવા સહિત આગળની કાયદેસરની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયમાં અરુણ બિન્નાડીની અધ્યક્ષતામાં સંગઠનાત્મક બેઠક:પ્રદેશ અને જિલ્લાના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા
    Next Article
    મનપાનાં ફૂડ વિભાગનું 39 પેઢીઓમાં ચેકીંગ:રાજકોટનાં કોઠારીયા રોડ આસપાસનાં વિસ્તારોમાંથી પંજાબી પફ, પંજાબી ગ્રેવી અને લાલ મરચાનાં નમુના લેવાયા, રિપોર્ટ બાદ ભેળસેળ સાબિત થયે કાયદેસરની કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment