Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયદો કોને? શંકરસિંહને, કોંગ્રેસને કે કોઈને નહીં:બાપુએ બ્રાહ્મણ, પટેલવાળું સ્ટેટમેન્ટ જાણી જોઈને કેમ આપ્યું; માથે મેલું ઉપાડવું એ શું હતું

    10 hours ago

    શંકરસિંહ વાઘેલા નવરાત્રીમાં કોંગ્રેસમાં જોડાશે એવી વાત છે. હજી ફાઈનલ નથી. કોંગ્રેસમાં જોડાતાં પહેલાં નર્મદા જિલ્લાના સાગબારામાં બાપુએ બ્રાહ્મણ, પટેલ અને વાણિયાને સંબોધીને એવું નિવેદન આપ્યું કે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 2027ની ચૂંટણી પહેલાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. શંકરસિંહે આ સ્ટેટમેન્ટ જાણીજોઈને આપ્યું? આમાં ફાયદો કોને? શંકરસિંહને, કોંગ્રેસને કે કોઈને નહીં? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : શંકરસિંહ સાગબારામાં શું બોલ્યા? જવાબ : બીજી ઓક્ટોબરે શંકરસિંહ વાઘેલા આદિવાસી જિલ્લો નર્મદાના સાગબારાના ખોપી ગામે સંમેલનમાં ગયા હતા. તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ હતા. શંકરસિંહે પોતાના પ્રવચનની શરૂઆત જ એવી રીતે કરી કે, આજે મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી છે. એક વાણિયા ને બીજા બ્રાહ્મણ. પછી આદિવાસીઓની સમસ્યા પર વાત કરી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આદિવાસી અલગ ભીલીસ્તાનની માગણી કરી રહ્યા છે. અલગ પ્રદેશને જ્યારે અમે સમર્થન કરીએ તો તેનું વજન વધી જાય. અહીં લાંબુ સમજાવાનું નથી. જાતે ફરિયાદ, જાતે જ નિવારણ. તમે જ આ જમીનના માલિક છો. આદિવાસી બાળકને ભણવાની સગવડ નથી. કોઈ બીમાર પડે તો હોસ્પિટલની સગવડ નહીં. ક્યું સુખ છે એ તો બતાવો. કુપુષોણમાં પણ આદિવાસી નંબર વન. જંગલની જમીનના સાચા માલિકો તો આદિવાસીઓ છે. જંગલ ખાતું માલિક નથી. આદિવાસીઓ 27 વિધાનસભા સીટના માલિક છે. શંકરસિંહ વાઘેલાએ અનામતની વાત કરતાં કહ્યું કે, અનામત એ કોઈએ મહેરબાની કરીને નથી આપેલી. આખી જિંદગી ભોગવ્યું છે. હું ઘણાબધાને કહું છું કે જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય પટેલ, બ્રાહ્મણ, વાણિયા કોઈપણ હોય, જે આના વિરોધી હોવ તો મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર પગાર હું તમને આપું. તમે આ લોકોનું મેલું ઉપાડો. આદિવાસી સમાજ જે હાલતમાં છે તે હાલતમાં તમે રહો, તમને ખબર પડે કે આ કઈ હાલત છે. એટલે આ લોકોએ જે ભોગવ્યું તેનું વળતર આ અનામત છે. શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઈબ, અધર બેકવર્ડ ક્લાસ... તમે 70 ટકા છો 70 ટકા... તમે માલિક છો ગુજરાતના. 2026 પૂરું થવા આવ્યું. 2027 આવશે ને જોતજોતામાં ઈલેક્શન આવી જશે. ઈલેક્શનમાં કોઈપણ જાતના દબાણ વગર, કોઈની શરમ વગર જે થવું હોય તે થાય પણ અમારે આ સરકાર નહીં જોઈએ, બીજી સરકાર લાવીશું એવું નક્કી કરો. આ સ્પીચ પછી શંકરસિંહ વાઘેલાના જે સ્ટેટમેન્ટથી વિવાદ થયો છે તે બ્રાહ્મણ, પટેલ અને વાણિયાનો વિવાદ છે. જેમાં શંકરસિંહે મેલું ઉપાડવાની વાત કરી છે. સવાલ-2 : મેલું ઉપાડવું એટલે શું? જવાબ : મેલું ઉપાડવું એટલે બીજાઓનાં મળમૂત્ર સાફ કરવા. ધૃણાસ્પદ અને માણસને આત્મસન્માનને હણી નાખતું કામ ભારતમાં દલિત ગણાતી આવતી કેટલીક જાતિઓ સદીઓથી કરતી આવી છે. પહેલાના સમયમાં ગટર તો નહોતી પણ ટોઈલેટ જવા માટે ડબ્બા સિસ્ટમ હતી. ઘરમાં નાની ઓરડી ટાઈપ જગ્યા હોય તેમાં પતરાંનો ડબ્બો પડ્ચો હોય. તેમાં ટોઈલેટ કરવાનું. આ ડબ્બો શેરીમાંથી ખેંચીને લઈ શકાય તેવી વ્યવસ્થા હતી. તેને 'ડબ્બા સંડાસ' કહેવાતું. જેમાં મળમૂત્ર સીધા નીચે રાખેલા ડબ્બામાં પડે, તે દૂર જઈને ફેંકવાના. કોઈ ડબ્બા જ લઈને ફેંકી આવતા, કોઈ ડબ્બામાંથી મળ (મેલું) ટોપલામાં ઠલવે ને તે ટોપલો ગામ બહાર નાખી આવતા. સમય જતાં સેપ્ટિક ટેન્ક આવી, પછી ભૂગર્ભ ગટર લાઈનો આવી પણ આજની તારીખે ગટર ઊભરાય કે ગટરમાં અંદર ઉતરીને સફાઈ કરવાની હોય તો દલિત સફાઈ કામદારોને જ બોલાવાય છે. “અદૃશ્ય ભારત' પુસ્તકમાં લેખિકા ભાષાસિંહે કેટલીક વાતો લખી છે. સવાલ-3 : શું શંકરસિંહે આ નિવેદન જાણીજોઈને આપ્યું? જવાબ : રાજકીય વિશ્લેષકો તો એવું જ કહે છે કે શંકરસિંહ વાઘેલાથી ભૂલથી બોલાઈ ગયું છે. તેમની જીભ લપસી છે એવું નથી. શંકરસિંહ ગુજરાતના દિગ્ગજ નેતા છે. પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમણે જીવનના સાડા છ દાયકા રાજકારણમાં આપી દીધા. એટલે શંકરસિંહ કોઈપણ નિવેદન કરે એ બહુ સમજી વિચારીને કરે. આ નિવેદન પાછળ તેમનું ચોક્કસ ગણિત હોવું જોઈએ. 1960થી 1990નું ગુજરાતનું રાજકારણ જુઓ તો દલિત, આદિવાસી અને આર્થિક રીતે પછાત વર્ગો કોંગ્રેસ સાથે હતા. પાટીદારો પણ 90ના દાયકા સુધી કોંગ્રેસ સાથે હતા. 1990 પછી પાટીદારોએ સ્ટેન્ડ બદલ્યું ને કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું. 1990ની ચૂંટણી જનતાદળ ગુજરાત અને ભાજપે સાથે જીતી હતી. શંકરસિંહે આ નિવેદન આપ્યું તે સ્થળ મહત્વનું છે. સાગબારાના ખોપી ગામે આદિવાસી સંમેલનમાં નિવેદન આપ્યું. એટલે તેમણે આદિવાસી, દલિત, પછાતવર્ગની વોટબેન્ક ભાજપથી વિમુખ થાય તેવો પ્રયાસ કર્યો છે. શંકરસિંહે આવું એટલા માટે કર્યું કારણ કે તે જાણે જ છે કે બ્રાહ્મણ, પટેલ, વાણિયા જેવા સવર્ણ મતદારો ભાજપથી ભલે નારાજ હોય પણ મત તો ભાજપને જ આપવાના છે. એટલે તેમના મતો અંકે કરવા મુશ્કેલ છે. બાકી રહ્યા પછાતવર્ગના મતદારો. જે બહાર નીકળીને લાઈનમાં ઊભા રહીને મતદાન કરે છે. આ મતદારો એક સમયે કોંગ્રેસની વોટબેન્ક ગણાતી પણ ધીમે ધીમે આ વર્ગ ભાજપ તરફ વળી ગયો. SC, ST કે પછાત વર્ગની વાત બહુ કોઈ કરતું નથી એટલે શંકરસિંહે તક જોઈને કૂકરી ફેંકી. બાપુએ આ વર્ગ માટે અવાજ ઉઠાવ્યો ને કહ્યું કે હું ગમે ત્યાં હોઉં તમારું સમર્થન કરીશ. શંકરસિંહ વાઘેલા સારી રીતે જાણે છે કે કઈ કૂકરી ક્યાં ફેંકવાથી કેવી અસર થાય. થયું એવું જ જે તેમણે ધાર્યું હતું. શંકરસિંહ પોતે કહી રહ્યા છે કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. એનો મતલબ એ થયો કે ગુજરાતના 15 ટકા આદિવાસીઓ, 7 ટકા દલિતો, 27 ટકા ઓબીસી છે. આ 48 ટકા મતદારો નિર્ણાયક છે એટલે તેમના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમાં 10 ટકા મુસલમાનો મતદારો ઉમેરો તો 58 ટકા મતદારોને પોતાની પડખે કરવા કોંગ્રેસે કમર કસી લીધી છે. સવર્ણ એટલે ઉચ્ચ જ્ઞાતિના મતદારો મતદાન માટે ઉત્સાહિત નથી હોતા. ઘરમાંથી બહાર કાઢવા અઘરા છે. એટલે તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને શંકરસિંહે જાણીજોઈને જ આ નિવેદન આપ્યું. કારણ કે તેમણે પછીનો જે વીડિયો પોસ્ટ કર્યો તેમાં આ વાત કરી છે. શંકરસિંહે બીજો વીડિયો રિલિઝ કર્યો તેમાં શું વાત કરી સાગબારાના ખોપી ગામે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યા પછી વિવાદે જોર પકડ્યું. એ પછી બાપુએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને નવો વીડિયો મૂક્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, કોઈ તો મને સમજાવે કે હું બ્રહ્મ સમાજનો વિરોધી હોઉં? પરશુરામ જયંતીની રજા કોણે આપેલી? પરશુરામ ભગવાનની જયંતીની રજા આપનાર માણસ તમારો વિરોધી હોઈ શકે ખરો? પટેલ સમાજનો કોઈ તો દાખલો આપે. અમરેલીની જમીન હોય કે બાકીના અન્ય પ્રસંગ હોય તો. મારો દરબાર સમાજ પણ મને કહે છે કે કોઈ સમાજની આડે નથી આવ્યા આપણે. મેં બાર મહિના પહેલા પણ આ વાત કરેલી. એ વખતે કેમ કોઈ ના બોલ્યું? ભાજપને પેટ ચોળીને પીડા ઊભી કરવાની ટેવ છે. અનામતના વિરોધી ભાજપવાળા છે. તમે પણ જો અનામતના વિરોધી હોવ તો તમને મુબારક. સમજ્યા વગર ચાલી રહ્યા છે બધા લખલખ કરવાવાળા (ટ્રોલર્સ), વિચારીને કોમેન્ટ કરજો. શંકરસિંહ વાઘેલા સામે મજાક નહીં કરતા. હું ચીલાચાલુ પોલિટિશિયન નથી. જે કહ્યું હોય તે ફેરવી તોળવા વાળો માણસ નથી. મેં જે કીધું છે તે ડંકાની ચોટ પર કીધું છે. દલિત સમાજના હક્કમાં કીધેલું, ટ્રાયબલના હક્કમાં કીધેલું, બક્ષીપંચ સમાજના હક્કમાં કીધેલું, મહિલાઓની અનામત હોય તો તેના હક્કમાં કીધેલું. પાટીદાર સમાજની અનામતની વાત હોય તો એના ય હક્કમાં છું આજે પણ. હાલી નીકળ્યા છે બધા જેમતેમ, ભાજપની બ્રીફ લઈને. ANIને આપેલી મુલાકાતમાં બાપુએ આ જ વાત કરી. તેમણે એક વાત એ કરી કે જેની નોંધ ભાજપે પણ લેવી પડે. શંકરસિંહે કહ્યું હતું કે જે-તે સમયે અમદાવાદના એરપોર્ટનું નામકરણ 'સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ' કરવાનું હતું. ત્યારે વડાપ્રધાન દેવગૌડા આવ્યા હતા. એ વખતે ભાજપના લોકો કાળા કપડાં લઈને વિરોધ કરવા પહોંચી ગયા હતા કે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામ કેમ આપ્યું. 86 વર્ષે ય ગર્જના કરતા શંકરસિંહનું રાજકારણ ઊતાર ચઢાવભર્યું રહ્યું છે. સવાલ-4 : કેવું રહ્યું છે બાપુનું રાજકારણ? જવાબ : ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જેવી રાજકીય કારકિર્દી ધરાવતા રાજકારણી કદાચ નહીં હોય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની તેમની લગભગ સાડા છ દાયકાની કારકિર્દીના પડદા પર બળવો અને રિસામણાના કેટલાય એપિસોડ આવ્યા અને જતા રહ્યા. રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું રિસાઈ જવું અને વિવાદમાં રહેવું જાણે એક રિવાજ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણમાં 'બાપુ' બની ગયા. કોલેજના સમયમાં આરએસએસ સાથે જોડાયેલા વાઘેલાને ઇમર્જેન્સીના સમયમાં ઇન્દિરા ગાંધી સરકારે જેલમાં પૂર્યા હતા અને આગળ જતા વાઘેલા એ જ કોંગ્રેસ સાથે જોડાયા હતા. જનસંઘ અને પછી ભાજપમાં પણ શંકરસિંહ વાઘેલા હતા. પોતાની રાજકીય મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવાનો ઇરાદો રાખનાર વાઘેલા રાષ્ટ્રીય જનતા પાર્ટી લોન્ચ કરી અને એનસીપીમાં પણ ગયા પણ આખરે ત્યાંથી પણ વિદાય લઈ લીધી. જ્યારે નરેન્દ્ર મોદી જનસંઘના એક સામાન્ય કાર્યકર હતા.ત્યારે વાઘેલા બાપુની સંઘમાં ભારે શાખ હતી. 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણી વખતે બાપુ જનતા દળની ટિકિટ પરથી કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. જોકે, 1980માં જનસંઘ 'ભાજપ' બની ચૂક્યો હતો. ત્યારે 11 વર્ષ સુધી વાઘેલા ભાજપના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રહ્યા. 1984માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી. શંકરસિંહ બાપુ અને મોદી વચ્ચે અંતર વધ્યું 1990 પછી જ્યારે લાલ કૃષ્ણ અડવાણી ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતા બન્યા ત્યારે નરેન્દ્ર મોદી તેમની નજીક હતા અને તેઓ એક સાથે ગુજરાતમાં ફરતા હતા. પરંતુ બાપુ સમજી ગયા હતા કે અડવાણીનો ઝુકાવ મોદી તરફ વધારે છે અને તેમના મિત્ર જ તેમના માટે જોખમ બની શકે છે. 1987માં સંઘના પ્રચારક તરીકે કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી. મોદીની કામ કરવાની પદ્ધતિ અને ભાજપને ચલાવવાની નીતિના પગલે શંકરસિંહ વાઘેલા અને મોદી વચ્ચે અંતર ઊભું થવાનું શરૂ થઈ ગયું. 1995માં ભાજપ ગુજરાતમાં 121 સીટો પર જીતી ગયો અને મોદીએ વાઘેલાની જગ્યાએ કેશુભાઈને મુખ્યમંત્રી બનાવી દીધા. વાઘેલાના મનમાં એ વાત ખટકી ગઈ કે નરેન્દ્ર મોદીને કારણે તેઓ મુખ્યમંત્રી નથી બની શક્યા. બાપુએ કેશુભાઈ અને સુરેશ મહેતાની સરકાર પાડી વાઘેલા નારાજ થઈ ગયા અને તેમણે જે કર્યું એ ભાજપ અને ગુજરાતમાં ક્યારેય નહોતું બન્યું. કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને શંકરસિંહ વાઘેલા મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો. આ બળવાને 'ખજૂરિયા-હજૂરિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર ભાંગી પડી. શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવા અને તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવા અને નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર કેન્દ્રમાં મોકલવાની માગ કરી. આ ત્રણેય માગો સંતોષાઈ ગઈ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો. સુરેશ મહેતાની સરકારથી નાખુશ વાઘેલાએ 1995માં સુરેશ મેહતાની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર પડી ગઈ. પોતાની અલગ પાર્ટી બનાવી કોંગ્રેસમાં જોડાયા 1996માં વાઘેલા ગોધરાથી લોકસભા ચૂંટણી હારી ગયા અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું. તેમણે તેમના 47 વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું 'રાષ્ટ્રીય જનતા પાર્ટી'. 1997-98 સુધી એક વર્ષ માટે કોંગ્રેસના ટેકાથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. આ સરકાર વધારે ન ચાલી અને દિલીપ પરીખને મુખ્યમંત્રીનું પદ મળ્યું. ત્યાર પછી વાઘેલાએ પોતાના પક્ષને કોંગ્રેસમાં ભેળવી દીધો. 2017 સુધી કોંગ્રેસમાં અલગઅલગ પદે કામ કરી ચૂકેલા વાઘેલા, મનમોહન સિંહની યૂપીએ પહેલીવારની સરકારમાં ટેક્સટાઈલ મંત્રી હતા. 2002 પછી ધ્રુવીકરણને કારણે ભાજપ મજબૂત થતો ગયો અને મોદીની સામે કોઈ વિકલ્પ ન મળતા સોનિયા ગાંધીએ વાઘેલાને નેતૃત્વ સોંપ્યું હતું. વાઘેલાના એક પછી એક નિર્ણય લેવાથી કોંગ્રેસને ફાળ પડી ગઈ કે જો આવી જ રીતે વાઘેલા સત્તા પર રહીને શાસન ચલાવશે, તો આગળ જતા મુશ્કેલી પડશે. વાઘેલા પણ કોંગ્રેસમાં સંતુષ્ટ નહોતા. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ વહેંચણી તેમના મત પ્રમાણે થાય એવી આશા જ્યારે પૂરી ન થઈ ત્યારે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો. તેમણે પોતાનો નવો પક્ષ રચ્યો જેનું નામ આપ્યું 'જન વિકલ્પ મોરચા.' આ પ્રયોગ નિષ્ફળ રહ્યો અને રાજકીય કારકિર્દી બચાવવા માટે તેઓ એનસીપીમાં જોડાઈ ગયા. ત્યાં પણ ગુજરાત પાર્ટી પ્રમુખ પદ પરથી તેમને હટાવવાથી અને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસવોટિંગથી તેઓ નારાજ હતા. હવે ફરી બાપુની કોંગ્રેસમાં જોડાવાની વાત ચાલી છે. સવાલ-5 : બાપુ કોંગ્રેસમાં જોડાશે કે નહીં? જવાબ : આમાં અત્યારે ચર્ચા એવી છે કે અત્યારે શ્રાદ્ધ પક્ષ છે એટલે શંકરસિંહ વાઘેલા હમણાં નહીં જોડાય. નવરાત્રીમાં જોડાશે. આ માહોલ અત્યારે બનેલો છે. આ અંગે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડો. જયનારાયણ વ્યાસ કહે છે, કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઈ ચહેરો નથી પણ શંકરસિંહ ગુજરાતમાં કોંગ્રેસનો ચહેરો બની શકે. તેમને પ્લેટફોર્મની જરૂર છે તે કોંગ્રેસ આપી શકે તેમ છે. તો વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે, શંકરસિંહ હજુ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા નથી. પણ માનો કે જોડાય તો બાપુએ આપેલા નિવેદનથી શંકરસિંહ કે કોંગ્રેસને કોઈ મોટો ફાયદો થાય એવું નથી. ટૂંકો સાર એટલો નીકળે છે કે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તો પણ તેમને વ્યક્તિગત ફાયદો નથી, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયાં નબળાં છે. કોંગ્રેસને પણ જોઈએ એવો ફાયદો નથી. કારણ કે શંકરસિંહ જોડાય તો તેમના સિવાય કોઈ લોકપ્રિય ચહેરો નથી. એટલે આમ જુઓ તો બંનેને નુકસાન પણ નથી ને ફાયદો પણ નથી. તો આખરે ફાયદો થશે કોને? આ સવાલનો જવાબ તો તમને આટલું વાંચ્યા પછી મળી જ ગયો હશે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાએ દિવ્ય ભાસ્કરને નામ ન આપવાની શરતે કહ્યું કે, કોંગ્રેસ સાથે બાપુ એકવાર વિશ્વાસઘાત કરી ચૂક્યા છે. એટલે હાઈકમાન્ડને તેમના પર ભરોસો નથી. બીજું, સોનિયા કે રાહુલ ગાંધીએ શંકરસિંહ સાથે ફોનમાં આ બાબતે વાતચીત કરી નથી. એટલે નોરતાંમાં પણ કોંગ્રેસમાં જોડાવાની વાતનો છેદ ઊડી જાય છે. પોલિટિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે શંકરસિંહ બાપુ અત્યારે લિટમસ ટેસ્ટ કરી રહ્યા છે. તે આ પ્રકારનું નિવેદન આપીને એ જાણવા માગે છે કે માહોલ કોના તરફી છે. આગળ શું કરી શકાય. અલબત્ત, શંકરસિંહ વાઘેલા ભલે કોંગ્રેસમાં જોડાવાની વાત કરતા હોય પણ કોંગ્રેસે આ બાબતે મગનું નામ મરી પાડ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    "બસ વરસાદ ન પડે તો જલસો પડી જાય!" , VIDEO:હજુ તો 9 હજારની જ શોપિંગ થઈ, રિલ્સ માટે સ્પેશિયલ આઉટફિટ બનાવડાવ્યું; નવરાત્રિ માટે અમદાવાદીઓમાં કેવો છે ક્રેઝ?
    Next Article
    ગરબામાં બોલ્ડ, બ્યુટીફુલ અને અનસ્ટોપેબલ બનવા Gen-Zમાં IV ડ્રીપનો ક્રેઝ:યુવતીઓ સાથે યુવકો પણ લાઈનમાં, 9 દિવસ વટ પાડવા 15 હજાર ખર્ચવા તૈયાર; અમદાવાદમાં ક્લિનિકો હાઉસફૂલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment