Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટર બનવાની તક છોડી, પૈસા કમાવવા ટ્રેનમાં ગીત ગાયું:'વિક્કી ડોનર'એ આયુષ્માનનું નસીબ બદલ્યું, અસામાન્ય ભૂમિકાઓ ભજવવાનું રિસ્ક લઈને સ્ટાર બન્યો

    16 hours ago

    આયુષ્માન ખુરાના આજે બોલિવૂડના એવા કલાકારોમાં ગણાય છે, જેણે પોતાની અલગ પ્રકારની ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે. પરંતુ આ મુકામ સુધી પહોંચવાની સફર સરળ નહોતી. ચંદીગઢથી નીકળેલા આયુષ્માને થિયેટર કર્યું, રેડિયો જોકી બન્યો, એમટીવી પર વીજે રહ્યો અને અનેક ઓડિશન આપ્યાં. તેને 'ઇન્ડિયન આઇડલ-2'માં પણ નિરાશા મળી હતી. 2012માં ‘વિક્કી ડોનર’થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ. પહેલી ફિલ્મ હિટ રહી. ત્યારબાદ સતત ત્રણ ફિલ્મો ચાલી નહીં. પછી ‘દમ લગા કે હઈશા’થી કારકિર્દીએ ફરી રફ્તાર પકડી. ત્યારબાદ ‘બરેલી કી બરફી’, ‘શુભ મંગલ સાવધાન’, ‘અંધાધુન’, ‘બધાઈ હો’, ‘આર્ટિકલ 15’, ‘ડ્રીમ ગર્લ’ અને ‘બાલા’ જેવી ફિલ્મોએ તેમને અલગ ઓળખ અપાવી. આજની સક્સેસ સ્ટોરીમાં આયુષ્માન ખુરાનાની કારકિર્દી અને અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... ચંદીગઢમાં થયો જન્મ, પિતા જ્યોતિષી આયુષ્માન ખુરાનાનો જન્મ 14 સપ્ટેમ્બર 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેનું પ્રારંભિક શિક્ષણ ચંદીગઢની સેન્ટ જોન્સ હાઈ સ્કૂલમાં થયું હતું. ત્યારબાદ તેણે ચંદીગઢની ડીએવી કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો અને પંજાબ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ કમ્યુનિકેશન સ્ટડીઝમાંથી પત્રકારત્વમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેના પિતા પી. ખુરાના જાણીતા જ્યોતિષી હતા, જ્યારે માતા પૂનમ ખુરાનાએ હિન્દીમાં એમ.એ. કર્યું હતું. પરિવારનું વાતાવરણ અભ્યાસ, સાહિત્ય અને કલા સાથે જોડાયેલું રહ્યું. આયુષ્માને કોલેજના દિવસોમાં થિયેટર કર્યું અને બે થિયેટર ગ્રુપ પણ બનાવ્યાં. ડૉક્ટર બનવાનું સપનું હતું, ડેન્ટિસ્ટની સીટ પણ મળી હતી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરતાં પહેલાં આયુષ્માને ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું. તેણે ધોરણ 11માં સાયન્સ લીધું હતું અને કર્ણાટકની એક ડેન્ટલ કૉલેજમાં તેને સીટ પણ મળી ગઈ હતી. પરંતુ તે જ સમયે તેનો રસ થિયેટર તરફ વધ્યો. તેણે મેડિકલનો અભ્યાસ છોડીને આર્ટ્સ અને થિયેટર પસંદ કર્યા. ડીએવી કૉલેજમાં તેણે થિયેટર ગ્રુપ બનાવ્યાં અને સ્ટ્રીટ પ્લે કર્યાં. થિયેટરમાં કામ કરતી વખતે આયુષ્માને સામાજિક મુદ્દાઓને સમજ્યા. આ જ અનુભવ આગળ જતાં તેની ફિલ્મોના વિષયોમાં પણ જોવા મળ્યો. રોડીઝ જીત્યો, પરંતુ તરત જ મુંબઈ આવ્યો નહીં 2004માં આયુષ્માને એમટીવી 'રોડીઝ સીઝન-2' જીત્યો. ત્યાર બાદ તેને ઓળખ મળવા લાગી, પરંતુ તેણે તરત જ મુંબઈ જઈને ફિલ્મોમાં નસીબ અજમાવ્યું નહોતું. પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન તેણે રેડિયોમાં કામ શરૂ કર્યું. બાદમાં તે એમટીવીનો વીજે બન્યો અને અનેક શો હોસ્ટ કર્યા. ફિલ્મોમાં આવતાં પહેલાં આયુષ્માને અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સના ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, આ સ્ટાર્સ સાથેની વાતચીતથી તેને સમજવામાં મદદ મળી કે સ્ટાર્સ પણ સામાન્ય માણસોની જેમ જ હોય છે. પિતાએ કહ્યું- 'અત્યારે મુંબઈ જા, નહીં તો બે વર્ષ સુધી નોકરી નહીં મળે' આયુષ્માને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે બે મહિનાનો બ્રેક લઈને એક્ટિંગની તૈયારી કરવા માગતો હતો પરંતુ તેના પિતાએ તેને તરત જ મુંબઈ જવા માટે કહ્યું. આયુષ્માનના જણાવ્યા અનુસાર, તેના પિતાએ કહ્યું હતું કે, જો તે હમણાં નહીં જાય તો બે વર્ષ સુધી નોકરી નહીં મળે. ત્યારબાદ તે મુંબઈ આવી ગયો. શરૂઆતના દિવસોમાં તેની પાસે રહેવા માટે જગ્યા પણ નહોતી. તે પોતાના ડૉક્ટર મિત્ર સાથે KEM હૉસ્પિટલના હોસ્ટેલમાં રહ્યો અને ઑડિશન આપતો રહ્યો. ટ્રેનમાં ગાઈને કમાયા પૈસા ફિલ્મ સ્ટાર બન્યો તેનાથી ઘણા સમય પહેલાં આયુષ્માન અને તેના મિત્રો ટ્રેનોમાં પરફોર્મ કરતા હતા. તેણે જણાવ્યું હતું કે, કૉલેજ દરમિયાન તે મિત્રો સાથે વેસ્ટર્ન એક્સપ્રેસમાં ચડતો અને અલગ-અલગ કોચમાં ગાવાનું તથા પરફોર્મ કરવાનું શરૂ કરી દેતો. મુસાફરો પાસેથી મળતા પૈસા એકત્ર કરવામાં આવતા અને આયુષ્માનના જણાવ્યા અનુસાર, એટલી કમાણી થઈ જતી હતી કે તેમના મિત્રોએ તેના પૈસાથી ગોવા ટ્રિપ પણ સ્પૉન્સર કરી હતી. 'ઇન્ડિયન આઇડલ'માંથી પણ થયો હતો રિજેક્ટ આયુષ્માનનો સંઘર્ષ માત્ર એક્ટિંગના ઑડિશન સુધી મર્યાદિત નહોતો. તેણે 'ઇન્ડિયન આઇડલ-2'માં પણ ભાગ લીધો હતો, પરંતુ તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તે મુંબઈ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો અને ત્યાં તેને રિજેકશન મળ્યું હતું. તેના જણાવ્યા અનુસાર, મુંબઈ આવતાં પહેલાં પણ તેને અનેક રિજેકશન મળી ચૂક્યાં હતાં. 2012માં આવી ‘વિક્કી ડોનર’, પહેલી જ ફિલ્મે જિંદગી બદલી નાખી 2012માં આયુષ્માને શૂજિત સરકારની ‘વિક્કી ડોનર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. ફિલ્મનો વિષય તે સમય માટે ઘણો અસામાન્ય હતો અને આયુષ્માને સ્પર્મ ડોનરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ સફળ રહી અને આયુષ્માનને રાતોરાત ઓળખ મળી. તેને ફિલ્મ માટે બેસ્ટ મેલ ડેબ્યૂ ઉપરાંત પ્લેબેક સિંગિંગ માટે પણ એવોર્ડ મળ્યો. પરંતુ પહેલી ફિલ્મની સફળતા બાદ તેની સફર બહારથી દેખાતી હતી એટલી સરળ રહી નહોતી. પહેલી ફિલ્મ બાદ સતત ત્રણ ફ્લોપ, કારકિર્દી પર લાગ્યો બ્રેક ‘વિક્કી ડોનર’ બાદ આયુષ્માનની ‘નૌટંકી સાલા!’, ‘બેવકૂફિયાં’ અને ‘હવાઈઝાદા’ બોક્સ ઑફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહીં. ખુદ આયુષ્માને સ્વીકાર્યું કે ‘વિક્કી ડોનર’ બાદ તે ઘણો કન્ફ્યૂઝ હતો. તેને સમજાતું નહોતું કે કયા પ્રકારની ફિલ્મો કરવી જોઈએ. તેણે બાદમાં જણાવ્યું કે, સતત ત્રણ ફિલ્મો સારું પ્રદર્શન ન કરી શક્યા બાદ તેનો દૃષ્ટિકોણ બદલાયો. ‘દમ લગા કે હઈશા’એ ફરી બદલી વાર્તા 2015માં આવેલી ‘દમ લગા કે હઈશા’ આયુષ્માનના કરિયરની મોટી ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ફિલ્મમાં તેણે એવા યુવકનું પાત્ર ભજવ્યું, જે અભ્યાસમાં નબળો છે અને જેના લગ્ન તેના કરતાં વધુ ભણેલી અને વધુ વજનદાર યુવતી સાથે થઈ જાય છે. ફિલ્મની વાર્તા સામાન્ય બોલિવૂડ રોમાન્સથી અલગ હતી અને આયુષ્માનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. આયુષ્માન કહે છે કે, ‘દમ લગા કે હઈશા’ રિલીઝ થયા બાદ તેના કરિયરની દિશા બદલાઈ ગઈ. ત્યારબાદ શરૂ થયો અલગ પ્રકારની વાર્તાઓનો દોર ત્યારબાદ આયુષ્માને એક પછી એક એવા વિષયો પસંદ કર્યા, જેનાથી મુખ્ય પ્રવાહના ઘણા કલાકારો અંતર જાળવતા રહ્યા હતા. ‘બેરેલી કી બરફી’માં નાના શહેરની વાર્તા, ‘શુભ મંગલ સાવધાન’માં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન જેવા સંવેદનશીલ વિષય, ‘અંધાધુન’માં અંધ પિયાનોવાદક, ‘બધાઈ હો’માં વૃદ્ધ માતા-પિતાની પ્રેગ્નન્સી, ‘આર્ટિકલ 15’માં જાતિગત ભેદભાવ, ‘ડ્રીમ ગર્લ’માં ફોન પર યુવતીનો અવાજ કાઢતો યુવક અને ‘બાલા’માં સમય પહેલાં વાળ ખરવાની સમસ્યા જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા. અહીંથી આયુષ્માનની એક અલગ પ્રકારની ફિલ્મી ઓળખ બનવા લાગી. આયુષ્માન કહે છે કે, તેની આખી કારકિર્દી જોખમોથી બનેલી છે અને તે સામાન્ય કમર્શિયલ ફિલ્મમાં પોતાને સરળતાથી જોઈ શકતો નથી. ‘અંધાધુન’ અને ‘બધાઈ હો’એ સ્ટારડમ મજબૂત કર્યું 2018 આયુષ્માનની કારકિર્દીના સૌથી મહત્વપૂર્ણ વર્ષોમાંનું એક રહ્યું. ‘અંધાધુને’ તેને એક્ટર તરીકે નવી ઊંચાઈ આપી, જ્યારે ‘બધાઈ હો’એ બોક્સ ઑફિસ પર મોટી સફળતા મેળવી. ‘અંધાધુને’ ભારતમાં જ નહીં, પરંતુ ચીનમાં પણ જબરદસ્ત કમાણી કરી. જ્યારે ‘બધાઈ હો’એ ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું. આ જ સમયગાળામાં આયુષ્માને સાબિત કર્યું કે, ઓછા બજેટ અને અસામાન્ય વિષયવાળી ફિલ્મો પણ દર્શકો સુધી પહોંચી શકે છે. પત્ની તાહિરાએ સ્ક્રિપ્ટ પસંદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી આયુષ્માન અને તાહિરા કશ્યપની મુલાકાત ટિનેજમાં થઈ હતી અને બંનેએ 2008માં લગ્ન કર્યા હતા. તાહિરા લેખક, ડિરેક્ટર અને ક્રિએટિવ પ્રોફેશનલ છે. આયુષ્માન ઘણી વખત જણાવી ચૂક્યો છે કે ફિલ્મ સાઇન કરતા પહેલાં તે તાહિરાનો અભિપ્રાય લે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, સ્ક્રિપ્ટ વાંચ્યા પછી તે તાહિરાને પણ સ્ક્રિપ્ટ આપે છે. બંને સ્ક્રિપ્ટ પર વિગતવાર ચર્ચા કરે છે અને મતભેદ થાય ત્યારે તેના ફાયદા-નુકસાન પર વિચાર કરે છે. આયુષ્માને તાહિરાને પોતાની ‘લાઇફ કોચ’ પણ ગણાવી છે. સફળતા પછી પણ ફ્લોપનો સમય આવ્યો આયુષ્માનની કારકિર્દીમાં માત્ર સફળતા જ નહોતી રહી. ‘ચંદીગઢ કરે આશિકી’, ‘અનેક’, ‘ડૉક્ટર જી’ અને ‘એન ઍક્શન હીરો’ જેવી ફિલ્મોને બૉક્સ ઑફિસ પર તેના સફળ સમયગાળા જેવી સફળતા મળી નહોતી. તેનાથી સ્પષ્ટ થયું કે, અલગ વિષય પસંદ કરવાનો અર્થ દર વખતે બૉક્સ ઑફિસ પર સફળતાની ગેરંટી નથી. પરંતુ આયુષ્માને પોતાની કારકિર્દીની દિશા સંપૂર્ણપણે બદલી નહોતી. તેણે અલગ-અલગ શૈલીઓ અને નવા પાત્રો અજમાવવાનું ચાલુ રાખ્યું. ‘દરેક ફિલ્મ જોખમભરી હતી, તેથી હવે ડરી શકતો નથી’ આયુષ્માનની કારકિર્દીની ખાસ વાત એ જ છે કે, તેણે શરૂઆત જ એક જોખમભર્યા વિષયથી કરી હતી. તેના શબ્દોમાં- ‘મારી દરેક ફિલ્મ જોખમભરી હતી, કદાચ બાકીના કલાકારોની સરખામણીમાં. હું જોખમ લઈને અહીં સુધી પહોંચ્યો છું, તેથી હું ડરી શકતો નથી.’ આ જ વિચાર તેની કારકિર્દીમાં વારંવાર જોવા મળે છે. ક્યારેક સ્પર્મ ડોનર, ક્યારેક નપુંસકતાથી ઝઝૂમતો યુવક, ક્યારેક અંધ પિયાનોવાદક, ક્યારેક જાતિગત ભેદભાવ સામે ઊભો રહેતો પોલીસ અધિકારી અને ક્યારેક માતા-પિતાની ગર્ભાવસ્થાથી પરેશાન પુત્ર. 40 વર્ષની ઉંમર પછી પણ પ્રયોગો ચાલુ આયુષ્માને ઉંમર વધવાની સાથે પોતાની કારકિર્દીનો વ્યાપ પણ વધાર્યો છે. ‘ડોક્ટર જી’ અને ‘એન એક્શન હીરો’ પછી તેણે અલગ-અલગ જૉનર અજમાવ્યા. 2025માં તે ‘થામા’માં જોવા મળ્યો હતો, જે મેડોક ફિલ્મ્સના હોરર-કોમેડી યુનિવર્સનો ભાગ હતી. ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના, પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી હતા. 2026માં પણ તેનો પ્રયોગ ચાલુ છે. તેની આવનારી ફિલ્મોમાં ‘યે પ્રેમ મોલ લિયા’ અને ‘ઉડતા તીર’નો સમાવેશ થાય છે. ‘ઉડતા તીર’ 9 ઑક્ટોબરે રિલીઝ થશે. જ્યારે રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ‘યે પ્રેમ મોલ લિયા’માં આયુષ્માન શર્વરી વાઘ સાથે જોવા મળશે. આ ફિલ્મ 27 નવેમ્બરે રિલીઝ થશે. તેનું ડિરેક્શન સૂરજ બડજાત્યાએ કર્યું છે. એક્ટિંગની સાથે સિંગિંગમાં પણ બનાવી ઓળખ આયુષ્માન ખુરાનાની ઓળખ માત્ર એક્ટર તરીકે જ નથી. તે સારો સિંગર પણ છે અને કોલેજના દિવસોથી જ સંગીત તેની કારકિર્દીનો હિસ્સો રહ્યું છે. તેણે ડીએવી કોલેજ, ચંદીગઢમાં અભ્યાસ દરમિયાન પોતાના મિત્ર રોચક કોહલી સાથે મળીને ‘પાની દા રંગ’ ગીત લખ્યું અને કમ્પોઝ કર્યું હતું. તેણે આ ગીત 2003માં લખ્યું હતું, પરંતુ તેને રિલીઝ થવાની તક લગભગ 9 વર્ષ પછી મળી. 2012માં ફિલ્મ ‘વિક્કી ડોનર’થી આયુષ્માને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું અને આ જ ફિલ્મના ગીત ‘પાની દા રંગ’ને પોતાનો અવાજ પણ આપ્યો. તેણે ગીત માત્ર ગાયું જ નહીં, પરંતુ રોચક કોહલી સાથે મળીને તેને કમ્પોઝ પણ કર્યું હતું. ગીત એટલું લોકપ્રિય થયું કે આયુષ્માનને બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો. ત્યારબાદ આયુષ્માને ‘નૌટંકી સાલા’, ‘બેવકૂફિયાં’ જેવી ફિલ્મો માટે પણ પ્લેબેક સિંગિંગ કર્યું. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પોતાને ‘એક્ટર-સિંગર’ માને છે અને સંગીતને પોતાની કારકિર્દીનો સમાંતર હિસ્સો સમજે છે. આયુષ્માનને સંગીતની તાલીમ પણ મળી છે. તેણે જણાવ્યું હતું કે, તે બાળપણથી ગાતો હતો અને તેને વોકલ ટ્રેનિંગ મળી હતી. જોકે, આ તાલીમ ઔપચારિક રીતે આપવામાં આવી નહોતી. તેના પિતાને પણ સંગીતમાં રસ હતો અને તેઓ વાંસળી વગાડતા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારતે એશિયન ગેમ્સમાં 17મો ગોલ્ડ જીત્યો:કુમકુમ મહિલા તીરંદાજી રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય બની; અત્યાર સુધીમાં 77 મેડલ
    Next Article
    મોડેલની રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીનો વડોદરામાં આત્મહત્યાનો પ્રયાસ:ICUમાંથી કહ્યું-માનસિક ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું, પત્ની બોલી-મારા પતિને ફસાવ્યા, ઘરેણાં-કોસ્મેટિક લેવડાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment