Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાના સિનિયર કેર સેન્ટર:વૃદ્ધાવસ્થાને 'જીવનનો નવો અધ્યાય' બનાવતી વ્યવસ્થા, 'મુજ વીતી એ તુજ વીતશે, ધીરી બાપુડિયા'

    6 hours ago

    આજકાલ બોલિવુડની લોકપ્રિય અભિનેત્રીઓ જેમ કે ઐશ્વર્યા રાય, કેટરિના કૈફ, કિઆરા અડવાણી વગેરે બાળકના જન્મ બાદ એમના શારીરિક દેખાવમાં આવેલા બદલાવ અંગે ચર્ચામાં છે. ખાસ કરીને ઐશ્વર્યા અને કેટરિનાના વધેલા વજન અંગે જાતભાતની ટીકા-ટિપ્પણી કરવાનો હક દુનિયા આખીના સિનેમા પ્રેમીઓએ લઈ લીધો છે. એ લોકો ભૂલી જાય છે કે, એક અભિનેત્રી પણ અંતે માણસ છે જે મા બને છે, ઉંમરના મધ્યાંતરે પહોંચી શકે છે, એનામાં પણ વય વધવાની સાથે બદલાવ આવી શકે છે જે આપણે સમાજ તરીકે સ્વીકારવો જોઈએ. જેની સામે હોલિવૂડમાં કેમરૂન ડિયાઝ, મેરીલ સ્ટ્રીપ, મેગ રાયન, જુલિયા રોબર્ટ્સ જેવી અભિનેત્રીઓ ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે સફેદ વાળ અને ચહેરા પરની કરચલીઓને લઈને મીડિયા સમક્ષ વ્યક્ત થાય છે અને લોકો એ સહજતાથી સ્વીકારે છે. અને ફક્ત અભિનેત્રીઓ કે અભિનેતાઓ નહિ પણ પશ્ચિમના દેશોમાં વધતી વયને ગૌરવપૂર્વક અને સહજતાથી સ્વીકારવું સામાન્ય છે પણ વધતી વય સાથે જિંદગી રોકાઈ નથી જતી અને જિંદગીને ખુલ્લા મન અને શરીરે માણવાનું પણ એ સ્વીકારવું અને એ પ્રમાણે જીવવું પણ એટલું જ સહજ છે. અને એમાં એમના બાળકો, કુટુંબ, સહકર્મીઓ, ઉપરાંત સરકાર પણ એ સિનિયર થયેલા એમના સિટીઝન્સ ગરિમાપૂર્ણ જીવી શકે એ માટેની સગવડો કરી આપે છે. ‘વડીલોની સંભાળ તો બાળકો જ રાખે ને’ કહેવાય છે કે અમુક દાયકાઓમાં ભારત દેશ સૌથી વધારે યુવાન ઉંમરના નાગરિકો ધરાવનાર દેશ બની જશે અને જાપાન વગેરે સૌથી વધુ વૃદ્ધ ધરાવનાર દેશ. અને માટે જ આ બંને સ્થિતિ સરખી રીતે જાળવી લેવાના અને એ લોકો સરસ રીતે જીવી શકે એનો રસ્તો કરી આપવાની વાત ખૂબ અગત્યની બની જાય છે. ખાસ કરીને ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશો વૃદ્ધ થઈ ગયેલ નાગરિકોની સંભાળના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. અને જે વાત ફક્ત 25-30 વર્ષ પહેલાં 'વડીલોની સંભાળ તો બાળકો જ રાખે ને' એ સહજ લાગતી, એ હવે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની જગ્યાએ નાના કુટુંબ આવી રહ્યા છે એને કારણે વિકરાળ સમસ્યાના રૂપમાં ઊભરી રહી છે. અભ્યાસ કે નોકરી માટે વતન છોડવું, વિદેશગમન કરવું કે પછી પારિવારિક સમસ્યાને લઈને બાળકો અને કુટુંબો વડીલોની સંભાળ રાખવાનું મન હોય છતાં મૂંઝવણ અનુભવી રહ્યા છે. જે વડીલો 50 વરસ પહેલાં સુધી સંયુક્ત કુટુંબમાં સરસ રીતે સચવાઈ જતા એમની દેખરેખ હવે એમના બાળકો અને કુટુંબીજનો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. એક સમય હતો જ્યારે વૃદ્ધ માતા-પિતાની સંભાળ મુખ્યત્વે પરિવારની જવાબદારી માનવામાં આવતી. માત્ર અમેરિકા જેવા પશ્ચિમી દેશો જ નહિ પણ ભારત જેવા દેશોમાં જ્યારે પરિવારો ઘણી વખત અલગ શહેરો કે રાજ્યમાં રહે છે, બંને પતિ-પત્ની નોકરી કરતા હોય છે ત્યારે વૃદ્ધ વ્યક્તિને માત્ર ઘર અને ખોરાક નહીં, પરંતુ દવાઓ, સુરક્ષા, સામાજિક સંપર્ક અને રોજિંદા જીવનમાં મદદની જરૂર પડી શકે છે. માટે જ અમેરિકામાં વધતી જતી વયસ્ક વસ્તી સાથે સિનિયર કેર સેન્ટર અથવા લોન્ગ ટર્મ કેર ફેસેલિટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જે વડીલોની સંભાળ લેવામાં એક મહત્વપૂર્ણ વિકલ્પ બને છે. પોતાની કાળજી માટે ઉંમરના કારણે બીજા પર અવલંબિત સિનિયર કેર સેન્ટર જેવી એક જ પ્રકારની સંસ્થા અહીં નથી. પરંતુ અમેરિકામાં વૃદ્ધો માટેની સંભાળની વિવિધ વ્યવસ્થા છે. જેમ કે ઈન્ડિપેન્ડન્ટ લિવિંગ, આસિસ્ટેડ લિવિંગ, નર્સિંગ હોમ, એડલ્ટ ડે કેર વગેરે. અને આ દરેક વ્યવસ્થાનો હેતુ અલગ છે જેમ કે આસિસ્ટેડ લિવિંગમાં સામાન્ય રીતે એવા લોકો રહે છે જેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે રહી શકે છે, પરંતુ રોજિંદા કામમાં થોડી મદદ જોઈએ છે. અહીં ભોજન, દવા લેવાની યાદ, કપડાં પહેરવા, સ્નાન, હાઉસકીપિંગ, લોન્ડ્રી, પરિવહન અને સામાજિક પ્રવૃત્તિઓ જેવી સેવાઓ મળી શકે છે. બીજી તરફ, નર્સિંગ હોમ અથવા સ્કિલ્ડ નર્સિંગ હોમમાં જેને વધુ તબીબી સંભાળની જરૂર હોય તેવા લોકો માટે 24 કલાક નર્સિંગ અને અન્ય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોય છે. કેટલીક જગ્યાએ ફિઝિકલ, ઓક્યુપેશનલ અને સ્પિચ થેરેપી પણ આપવામાં આવે છે. અને યુએસએની એક ખાસિયત એ છે કે અહીં બાળકો અને વૃદ્ધ લોકોના જીવન અને સંભાળને પ્રાથમિકતા આપવી કારણ કે એ લોકો પોતાની કાળજી માટે ઉંમરના કારણે બીજા પર અવલંબિત હોય છે. આધુનિક સિનિયર કેર સેન્ટર ફક્ત સંભાળ લેવા પર ભાર નથી મૂકતું પણ વડીલો ગુણવત્તાપૂર્વકની સુરક્ષિત જિંદગી જીવી શકે એ સિદ્ધાંત પર ચાલે છે. અને માટે જ આ કેન્દ્રોની ખાસિયત છે રહેવાસીઓને સામાજિક જીવન, મનોરંજન, કસરત, રમતો, સંગીત, કલા, ધાર્મિક પ્રવૃત્તિઓ અને સમુદાય સાથે જોડાવાની તક આપવામાં આવે. અને એના માટે સરકાર એમના બજેટનો બહુ મોટો હિસ્સો ફાળવે છે. આ કેર સેન્ટરમાં ફક્ત ડાઇનિંગ રૂમમાં રહેવાસીઓ સાથે બેસીને ભોજન કરે એટલું જ નહિ પણ જન્મદિવસની ઉજવણી, ફિલ્મ જોવા લઈ જવા, શોપિંગ કરવા, નાની મોટી એમની ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે રમત, બાગકામ, યોગ અને નાના પ્રવાસો જેવી પ્રવૃત્તિઓ પણ યોજાય છે. અને આ બાબત મહત્વપૂર્ણ છે કારણ કે વૃદ્ધાવસ્થામાં એકલતા અને સામાજિક અલગાવ જીવનની ગુણવત્તા પર અસર કરી શકે છે. તેથી સિનિયર કેર સેન્ટર હવે 'રહેવાની જગ્યા' કરતાં વધુ સમુદાય તરીકે વિકસ્યું છે. એક રસપ્રદ આંકડા પ્રમાણે અને CDCના 2022ના નેશનલ પોસ્ટ-અક્યુટ એન્ડ લોન્ગ ટર્મ કેર સ્ટડી મુજબ અમેરિકાના આવી અલગ અલગ કેર સેન્ટરમાં રહેતા લોકોમાંથી 67% મહિલાઓ હતી અને 53% લોકો 85 વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા. આશરે 75% રહેવાસીઓને સ્નાન કરવામાં અને 71% લોકોને ચાલવામાં મદદની જરૂર હતી. લગભગ 62% લોકોને ત્રણ કે તેથી વધુ રોજિંદા કાર્યમાં સહાય જરૂરી હતી. અને આ આંકડા દર્શાવે છે કે સિનિયર કેર સેન્ટરમાં રહેતા લોકો માત્ર 'વૃદ્ધ' નથી પણ ઘણા લોકો માટે આ સંસ્થાઓ રોજિંદા જીવનની આવશ્યક સહાયનું કેન્દ્ર છે. નિયમો રાજ્ય પ્રમાણે બદલાય આ બધા માટે તાલીમબદ્ધ કર્મચારીઓ ધરાવતા આ સેન્ટર માટે ખર્ચ સૌથી મહત્વના મુદ્દાઓમાં એક છે. અમેરિકામાં આસિસ્ટેડ લિવિંગનો ખર્ચ સામાન્ય રીતે રહેવાસી અથવા પરિવાર પોતે ચૂકવે છે. અને મેડિકેર જે 65 વર્ષ પછીના નાગરિકોને સરકાર તરફથી મળતી તબીબી સેવા છે જેમાં નાગરિકોએ લગભગ દવાના થોડા પૈસા સિવાય કંઈ ચૂકવવાનું હોતું નથી, એ સામાન્ય રીતે એસેસ્ટેડ લિવિંગનો ખર્ચ ચૂકવતું નથી પણ કેટલીક પરિસ્થિતિઓમાં ચોક્કસ સેવાઓ માટે મદદ કરી શકે છે, પરંતુ નિયમો રાજ્ય પ્રમાણે બદલાય છે. 2026માં અમેરિકન સરકારના એકાઉન્ટેબિલિટી ઓફિસના અહેવાલ મુજબ 2024માં અસિસ્ટેડ લિવિંગ ફેસિલિટીસમાં પૂરી પાડવામાં આવેલી સેવાઓ માટે મેડિકેર અને મેડિકેઇડનો સંયુક્ત ખર્ચ ઓછામાં ઓછો $12 બિલિયન હતો. જે કદાચ અમુક રાષ્ટ્રના વાર્ષિક બજેટ કરતાં પણ ઘણો વધુ હોઈ શકે. આમ અમેરિકાના સિનિયર કેર સેન્ટર માત્ર વૃદ્ધ વ્યક્તિની શારીરિક સંભાળ પૂરતું નથી. પરંતુ તે સુરક્ષા, સ્વતંત્રતા, સામાજિક જીવન અને માનસિક સુખાકારી વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ છે. જ્યાં વૃદ્ધ વ્યક્તિને 'હવે હું કોઈના પર નિર્ભર છું' એવું નહીં, પરંતુ 'મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો છે' એવો અનુભવ કરે છે. જાણીતા લેખક ગુણવંત શાહે કહ્યું છે કે, 'પુષ્પ ખરી પડે પછી સડે છે અને મનુષ્ય સડી જાય પછી ખરે છે...' જે વડીલોના ખભાના ટેકે આપણે ઉભા છીએ એ વડીલો જ્યારે જીવનના અંતિમ પડાવ માં હોય ત્યારે એમનું જીવવાનું સડવાની પ્રક્રિયા ના બને અને એ ગરીમા પૂર્વક સમય આવે ત્યારે ખરી પડે એ જોવાની અને એ સગવડ પુરી પાડવાની જવાબદારી છે. આખરે 'મુજ વીતી એ તુજ વીતશે, ધીરી બાપુડિયા' એ જગતનો નિયમ છે.
    Click here to Read More
    Previous Article
    Sharad Purnima 2026: कब है शरद पूर्णिमा? जानिए सही तारीख, पूजा का शुभ मुहूर्त और खीर का महत्व
    Next Article
    IDFC બેંકનું કામ પતાવી બારડોલી પરત ફરતી વખતે દુર્ઘટના બની:ટિચકપુરા બાયપાસ નજીક ટ્રક બાઈક પર ફરી વળતા બેંક સેલ્સ મેનેજરનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment