Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્યૂલ, ફાયનાન્સ, ફર્ટિલાઈઝર ને ફૂડનું સંકટ:રાહુલ પછી વિદેશ મંત્રી જયશંકરે ચેતવ્યા; બે મહાયુદ્ધથી મહાવિનાશ, જાણો ઈકોનોમીની ઈનસાઈડ સ્ટોરી

    13 hours ago

    3 જૂન 2026ના દિવસે રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરી હતી કે, "એવું આર્થિક વાવાઝોડું આવી રહ્યું છે કે કોઈ તેને રોકી નહીં શકે અને કોઈએ પહેલા ક્યારેય આવું જોયું પણ નહીં હોય." આ સમયે તેનો ભાજપ, ભાજપ IT સેલ અને લોકોએ મજાક ઉડાવ્યો હતો. ઠીક તેના ત્રણ મહિના અને 26 દિવસ પછી દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, "આવનાર મહિનાઓમાં ખોરાકની ગંભીર કટોકટી આવવાની છે." આજે કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ તો પહેલા જ કહી દીધું હતું તમે અત્યારે કેમ જાગ્યા? આજના એડિટર્સ વ્યૂમાં કોણ કેટલું દૂરદ્રષ્ટા છે આપણે આજે તેની વાત નથી કરવી. આપણે પક્ષ કે પ્રતિપક્ષથી પણ આગળ વધીને આ મુદ્દા પર વાત કરવી છે કે જ્યારે આવું સંકટ આવે ત્યારે દલથી આગળ વધીને દેશ બાજુ કેમ ન વિચારી શકીએ? ટારગેટ પર દેશ હોય ત્યારે આપણે વોર્નિંગમાં પણ પાર્ટી કેમ જોઈએ છીએ? મુસિબત આવશે ત્યારે એવું નહીં પૂછે કે તમે ભાજપના છો કે કોંગ્રેસના. એ સીધી તમારા ઘરમાં ઘૂસશે. ચાલો આજે વિગતે વાત કરીએ એ વિષયની જે દર દુકાન કે ઘરમાં થઈ રહી છે. શા માટે ફૂડ કે ઈકોનોમિક ક્રાઈસિસ આવવાની છે? સંકટ કેટલું મોટું છે? તમારા ઘર કે ખિસ્સાને કેટલી અસર કરી શકે છે? અને તેનાથી બચી કેવી રીતે શકાય? નમસ્કાર... સૌથી પહેલા તો આપણે કારણની વાત કરીએ કે મોટા નેતાઓ કહી રહ્યા છે તેનું કારણ શું છે? તો આપણે બધાને ખબર છે કે રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધનો ભડકો થયો છે, જેના તીખારા આપણા ઘર સુધી પહોંચી ગયા છે. પણ કેવી રીતે? તો ચાર રીતે. અનાજ, ઈંધણ, ખાતર અને નાણા. જેને ચાર એફ પણ કહેવામાં આવે છે. ફ્યૂલ, ફર્ટિલાઈઝર ફૂડ, અને ફાયનાન્સ. ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી આ ચારેય વસ્તુઓ સીધી આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી છે. આજનો જમાનો એવો છે કે કોઈ પણ પ્રોબ્લમ આવે તો એ કોઈ એક દેશની કે વિસ્તારની નથી રહેતી, એ દુનિયાની બની જાય છે. જ્યારે રાતા સમુદ્રમાં બાબ અલ મંદેબ અને પર્શિયન ખાડીમાં હોર્મુઝનું જલડમરું બ્લોક હોય ત્યારે વિદેશથી આવતો ખાતર બનાવતો ગેસ મોંઘો થાય છે. ગેસ મોંઘો થાય એટલે ખેડૂતને ખાતર અને ખેતીમાં તકલીફ પડે. ઉપરથી અલ નીનો તો ફેણ ચઢાવીને બેઠો જ છે, જેના કારણે વરસાદની પથારી ફરી ગઈ છે. ટૂંકમાં જો ખેતરમાં પાક ઓછો થાય તો પાક મોંઘો થાય. સરવાળે પરિસ્થિતિ એવી આવી જાય કે તમારી થાળી સુધી પહોંચતું અનાજ ડબલ ભાવનું થઈ જાય. ભાજપ-કોંગ્રેસમાં ક્રેડિડ લેવાની હોડ જામી તો અત્યારે ભારતમાં પરિસ્થિતિ એવી છે કે એવું જોવામાં આવી રહ્યું છે કે કોણે પહેલા ચેતવણી આપી અને કોણ સાચું પડ્યું. ઈનશોર્ટ પોલિટિકલ ક્રેડિટ લેવાની હોડ જામી છે. પણ આપણે જોવું એ જોઈએ બંને પોતાનું કામ કરે અને લોકો માટે શું સાચું છે તે સાથે મળીને કેવી રીતે વિચારે? વિપક્ષનું કામ સરકારને જગાડવાનું છે અને સરકારનું કામ તે ખતરા મામલે નીતિઓ બનાવવાનું છે. પણ અત્યારે આપણું અર્થશાસ્ત્ર રાજકારણનું શિકાર બની ગયું છે. નેતાઓ એકબીજા પર કાદવ ઉછાળી રહ્યા છે. 4Fની ત્સુનામીથી લોકોને કેવી રીતે બચાવવા? તેના માટે ગ્રાઉન્ડ પર કોઈ કામ સરકાર કરી રહી છે કે નહીં? કોણ જીત્યું કોણ હાર્યુંથી આપણું પેટ નહીં ભરાય પણ કોની કેટલી તૈયારી છે તેનાથી જરૂર ભરાશે. જેના માટે આપણે આંકડાની માયાજાળ સમજવી પડશે. ઓગસ્ટ 2026ના આપણે આંકડાઓ જોઈએ. ભારતમાં ફૂડ ઈન્ફ્લેશન 5.95 ટકાની સપાટીએ છે. આપણને એવું થાય કે આપણે તો ખેતી પ્રધાન દેશ છીએ આપણે થોડી અનાજની કમી થાય? પણ અલ નીનોના કારણે આખી બાજી બગડી ગઈ છે. સરકાર ખુદ કહે છે કે આ વર્ષે ક્રોપ પ્રોડક્શનનો ટારગેટ અગાઉ કરતાં ઘટાડીને 374 મિલિયન ટન કરવો પડશે. અલ નીનોએ ખેડૂતોને રડાવ્યા ગુજરાતનું જ ઉદાહરણ લઈએ. 94 જેટલા તાલુકાઓમાં 26 ટકાથી વધુ વરસાદી ખેંચ જોવા મળી છે. જિલ્લાઓ મુજબ સમજીએ કે ક્યાં કેટલો અને કેટલા ટકા ઓછો વરસાદ થયો છે. આની સીધી અસર શું થઈ અને શું થશે? મગફળી અને કપાસના પાકમાં આ વિસ્તારમાં સીધો ફટકો પડ્યો છે અને જોત જોતામાં માર્કેટમાં સીંગતેલ અને કપાસિયાના ડબ્બામાં રાતોરાત ભાવમાં ઉછાળો આવ્યો છે. આ ઉછાળો દિવાળી બગાડવાનો છે. ભારત મેં સબ ચંગા સી! જો કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે FCIનું કહેવું છે કે ગોડાઉનમાં અત્યારે અંદાજે 600 લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉં અને ચોખાનો માલ પડ્યો છે, જે અંદાજે ત્રણ ગણો વધારે છે. સરકારનું માનીએ તો અનાજ ખૂટી પડવાની શક્યતા ઓછી છે. સરકારે ભાવ કાબૂમાં લેવા માટે ઓપન માર્કેટમાં સસ્તું અનાજ ઠાલવવાનું અને ભારત બ્રાન્ડ નીચે 60 રૂપિયે કિલો ચણાની દાળ વેચવાનું પણ ચાલુ કર્યું છે. પણ એ જ સમયે વિદેશમંત્રીએ કહ્યું છે કે ખોરાકની ગંભીર કટોકટી આવવાની છે. થાળીથી ખેતર બાજુ આંટો મારીએ તો ખેડૂતોને જોઈતું 30 ટકા જેટલું યુરિયા અને DAP સીધું અરબ પટ્ટામાંથી આવે છે. એ જ પશ્ચિમ એશિયા જ્યાં અત્યારે મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે અને દરિયામાં જે જહાજો ખાતર લઈને આવે છે તેના પર હુમલા થઈ રહ્યા છે. ખાતર બનાવવા માટે જે નેચરલ ગેસ જોઈએ તેના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. સરકારી સબસિડી 2 લાખ કરોડનો ખાડો પાડશે? સરકારે અગાઉ કરતાં 26 ટકા વધુ એટલે કે 163 લાખ મેટ્રિક ટનનો ખાતરનો રેકોર્ડ સ્ટોક સંઘરી રાખ્યો છે અને યુરિયાનું પ્રોડક્શન પણ વધાર્યું છે. પણ કોના ભોગે? તો જવાબ છે આપણા. આ વર્ષે સરકારનું ખાતર સબસિડીનું બિલ 1.71 લાખ કરોડ રૂપિયા છે. જો રશિયા-યુક્રેન કે ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ લાંબુ ચાલશે તો હજુ બિલમાં વધારો થશે, સરકારને જે કરવાનું હશે તેને છોડીને આ ખાડો બૂરવા પર ધ્યાન આપવું પડશે. ટ્રાન્સપોર્ટેશનની બેંડ વાગી જશે? અને સૌથી મોટો ઝટકો તો ફ્યૂલ આપી રહ્યો છે. આપણે બધાને ખબર છે કે આપણે આપણી જરૂરિયાતનું 80 ટકા ક્રુડ ઓઈલ વિદેશથી મગાવીએ છીએ. આપણા અંડર ગ્રાઉન્ડ રિઝર્વમાં 10 દિવસ ચાલે એટલું પેટ્રોલ-ડીઝલ પડેલું છે. રિલાયન્સ અને નાયરે જેવી રિફાઈનરીનો સ્ટોક આમાં ઉમેરીએ તો માંડ 75 દિવસ ચાલી શકે એટલું ઈમરજન્સી પેટ્રોલ-ડીઝલ આપણી પાસે પડેલું છે. સંસદિય સમિતિએ સરકારને વોર્નિંગ આપી છે કે ગમે તેમ ઈમરજન્સી સ્ટોક 90 દિવસનો કરવાનો છે, નહીંતર દેશનું ટ્રાન્સપોર્ટેશન અને ઈકોનોમીની બેંડ બોલી જશે. હોમ-કાર લોનના હપ્તા નહીં ઘટે! અત્યારે વૈશ્વિક યુદ્ધના કારણે વિદેશી રોકાણકારોએ ભારતમાંથી 13.7 બિલિયન ડોલર એટલે કે અબજો રૂપિયા કાઢીને પોતાના દેશ ભાગી ગયા છે. બીજી બાજુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેંકે પોતાનો વ્યાજ દર પણ 5.25 ટકાએ ચોંટાડી દીધો છે. મતલબ કે આપણી હોમ કે કાર લોનના EMI ઘટવાના હાલ પૂરતા તો કોઈ ચાન્સ જ નથી. દુનિયા ખાડે ને દેશની GDP આસમાને જો કે ભારતે રશિયા અને UAE જેવા દેશો સાથે સીધો વેપાર શરૂ કર્યો છે. જેનાથી આપણે આપણા 15 બિલિયન ડોલર જેટલા પૈસા તો બચાવી લીધા છે. પણ આપણી પાસે 780 બિલિયન ડોલરનું વિદેશી હૂંડિયામણ પડ્યું છે, જે આવનાર 4Fના વાવાઝોડામાં કામ લાગવાનું છે. આપણે 4Fની વાત કરી અને આંકડાઓ જોયા તેમાં તો કોઈ મોટી તકલીફ નથી લાગતી તો સરકાર કે પ્રતિપક્ષ કેમ એવું કહે છે કે મોટું સંકટ આવવાનું છે? તો હર વખતે આંકડા સાચા હોય તે પણ જરૂરી નથી. અસલી ખેલ તો પ્રોબ્લમ શરૂ થશે ત્યારે જ ખબર પડશે. પણ એવામાં સવાલ થાય કે જો કોઈ મુસિબત આવી જાય તો સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ શું હોય શકે? તો આપણે જે પણ 4Fના આંકડાઓની વાત કરી તે થોડા જ દિવસોમાં સાફ થઈ શકે છે. સરકારે પેટ્રોલ-ડીઝલ, ઈન્ડસ્ટ્રી અને રેશનિંગ પર નિયંત્રણો લગાવા પડી શકે. ગરીબની થાળીમાંથી દાળ ગાયબ? અગાઉ વાત કરી એટલે આપણને ખબર છે કે જે ખાતર અને ઈંધણ પર સબસિડી અપાય છે તેનું બિલ બહુ મોટું હોય છે. સરકારે જે રૂપિયાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે શિક્ષણ મજબૂત કરવાનું હોય તે સબસિડીના ખાડામાં હોમવા પડી રહ્યા છે. બનવા માટે એવું પણ બની શકે કે ગોડાઉનમાં ભલે માલ પડ્યો પણ જો અછત થાય તો પ્રોટીન ઈન્ફ્લેશન પણ ચરમ સીમાએ પહોંચી શકે. ટૂંકમાં ગરીબની થાળીમાંથી દાળ પણ ગાયબ થઈ શકે. તો સોલ્યુશન ક્યાં અને શું છે? સરકાર વારંવાર એકને એક વાત કહે છે કે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત છે. ચાલો એક સમયે માની લઈએ કે વાત સો ટકા સાચી છે. પણ જ્યારે તકલીફ આવશે ત્યારે એ એવું નહીં પૂછે કે તમે ભાજપને વોટ આપો છો કે કોંગ્રેસને, સીધી આપણા ઘરમાં ઘૂસીને ખિસ્સા અને થાળી પર હુમલો કરે છે. એટલે બધા જ પક્ષના નેતાઓએ તો પહેલા પોલિટિકલ નિવેદનબાજી સાઈડમાં મૂકીને ફિડબેકની નીતિ લાગુ કરવી પડશે. કે હાં ભાઈ પ્રોબ્લમ છે પણ તેનું સોલ્યુશન છે તમારી પાસે? પક્ષ-વિપક્ષ બંનેએ સાથે મળીને ગ્રાઉન્ડ લેવલે કેવી રીતે કામ થઈ શકે તેના પર ધ્યાન આપવું પડશે. દુનિયા ભાજપ-કોંગ્રેસ નહીં, ભારતને યાદ રાખશે જો આ 4Fના ભરડામાં ગરીબ અને સામાન્ય માણસ કચડાઈ જશે તો લોકો એ યાદ નહીં રાખે કે ભાજપે આવું કર્યું કે કોંગ્રેસે આવું કર્યું. લોકો યાદ કરશે કે ભારતમાં આવું થયું હતું. કહેવાનો મતલબ છે કે સમય રાજકારણનો નથી પણ ભેગા મળીને દેશને કેવી રીતે બચાવી શકાય તેનો છે. અને છેલ્લે... આજથી ત્રીસ વર્ષ પહેલા મે 1996માં અટલજીએ કહ્યું હતું કે, "સત્તાનો ખેલ તો ચાલતો રહેશે, સરકારો આવશે-જશે, પાર્ટીઓ બનશે-બગડશે, પણ આ દેશ રહેવો જોઈએ. આ દેશનું લોકતંત્ર અમર રહેવું જોઈએ." સમય બાકાઝીકી બોલાવવાનો નહીં પણ ભારતને કેવી રીતે બચાવી શકાય તેનો. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    1 ઓક્ટોબરનું અંકફળ:અંક 1 અને અંક 8ના અટકેલા કાર્યો પૂરા થશે, અંક 3 અને અંક 9ના જાતકો માટે ખતરાની ઘંટડી
    Next Article
    2 ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત:રાજકોટમાં બેડી ચોકડી પાસે કોલસો ભરીને જતા ટ્રક ડ્રાઇવરને અન્ય ટ્રકની ટક્કર જીવલેણ સાબિત થઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment