Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:કાનની કેળવણી વગરની કેળવણી આખા ને આખા માણસની કેળવણી ન બની શકે

    10 hours ago

    આપણા કાન કંઈ એશ-ટ્રે નથી કે એમાં નકામા અવાજોને પધરાવી શકાય. સંગીતની ઉપાસનામાં નકામા અવાજોથી બચવાની સાધના મહત્ત્વની છે. કાન સ્ત્રી-અવયવ છે, જ્યારે આંખ પુરુષ-અવયવ છે. ચીનના તત્ત્વજ્ઞાનમાં શરીર બધા અવયવોને આ રીતે બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. આંખ કશુંક ન જોવા માટે સ્વતંત્ર છે. કાન એટલા સ્વતંત્ર નથી. આંખનો સ્વભાવ આરપાર જોવાનો છે. પ્રેમી યુગલને આસપાસ અટવાતી આંખોની આક્રમકતા પજવતી હોય છે. ઉત્સુકતાથી છલકાતી વેધક નજરનો સંબંધ કશુંક વીંધાય તે સાથે રહેલો છે. ‘વેધ’ એટલે દર, છિદ્ર કે ઊંડાણ. આંખનો સ્વધર્મ છે સોંસરવા ઊતરવાનો, અર્થાત્ પેનિટ્રેશનનો. કવિઓએ ‘નજરનાં બાણ’ પર પંક્તિઓ લખી છે. ફિલ્મી ગીતોમાં અને શાયરીઓમાં નજરથી ઘાયલ થયાની ઘટના પર રચાયેલી પંક્તિઓનો પાર નથી. નુકસાન પહોંચાડવાની શક્તિ ધરાવતી સ્પૃહાભરી નજર પડે અને ખરાબ અસર થાય એવી સાચીખોટી માન્યતા માટે ‘નજર લાગવી’ જેવો રૂઢિપ્રયોગ જાણીતો છે. એ છે આંખ દ્વારા થતી હિંસા! કાન આવી હિંસાથી મુક્ત છે. આંખ મીંચી શકાય છે, પણ કાન મીંચી નથી શકાતા. આંખ રડી શકે છે, કાન રડી ન શકે. આંખ રમત રમી શકે છે, છેતરી શકે છે અને કાબૂ (આઈ-કન્ટ્રોલ) રાખી શકે છે. કાન આમાંનું કશુંય ન કરી શકે. કાનની આવી અનાક્રમકતાનો દુનિયાએ ઘણો ગેરલાભ લીધો છે. ઘોંઘાટ વાસ્તવમાં શ્રવણસૃષ્ટિમાં થતા બળાત્કારનું જ બીજું નામ છે. હા, શ્રવણસૃષ્ટિમાં જ્યારે લયસાધના અને સ્વરસાધનાનું સંગમતીર્થ રચાય ત્યારે સંગીત પ્રગટે છે. પંખીઓનો કલરવ સામગાનના સ્વરમંડલથી ઓછો આહ્લાદક નથી હોતો. માણસને પ્રાપ્ત થયેલા શ્રવણવૈભવનું ઉપસ્થાન કાન છે. સ્વભાવે કાન સ્ત્રૈણ અવયવ છે. ઈટ ઈઝ એટ ધ રીસિવિંગ end. આમ છતાં માર્શલ મક્લુહાન જેવો દર્શક કહે છે કે શ્રવણયુગ આવી રહ્યો છે. આપણા કાન શ્રવણને શરણે છે, પરંતુ શું સાંભળવું એ અંગે આપણે ઝાઝા સ્પષ્ટ નથી હોતા. પરિણામે આપણી શરણાગતિ પણ સંગીતનો પ્રસાદ પામવાને બદલે ઘોંઘાટનો ત્રાસ પામે છે. કાળક્રમે ત્રાસ પામવાની પણ ટેવ પડી જાય છે. એ એક વિચિત્ર સ્થિતિ છે. એક તબક્કો એવો આવે છે, જ્યારે ઘોંઘાટ ન હોય ત્યારે માણસને અસુખ રહે છે. આવું બને ત્યારે અસંગીત કે કુસંગીત કે પછી પ્રતિસંગીત વહાલું લાગવા માંડે છે. કાનના પતનને બહેરાશ કહેવામાં આવે છે. ખરેખર આ વાત સાચી નથી. કાનનું ખરું પતન તો અસંગીત, કુસંગીત કે પ્રતિસંગીત પ્રત્યે વહાલ જાગે ત્યારે થતું હોય છે. મહાનગરોમાં આવું વહાલ ઊભરાતી ગટરોને સમાંતરે વહેતું જ રહે છે. ઘોંઘાટ જ્યારે લોકપ્રિય બને ત્યારે સંગીતનું અભયારણ્ય નષ્ટ થાય છે. પછી સંગીત એરકન્ડિશન્ડ સાઉન્ડપ્રૂફ સ્ટુડિયોમાં કે ભવ્ય ડ્રોઈંગરૂમમાં ખૂણો પાળતું રહે છે. જાહેરમાં લાઉડસ્પીકરો ભસતાં રહે છે. કાનની બહેરાશમાં શ્રવણશૂન્યતાને ચાળે પડેલી અરાજકતા ખરી, પરંતુ કુરાજ્ય કરતાં તો રાજ્યશાસ્ત્રીઓ અરાજકતાને ઓછી બિહામણી ગણતા આવ્યા છે. ન જોવું પડે એવું સતત જોવું પડે એના કરતાં તો અંધાપો સો દરજ્જે સારો! અહીં ન મામા કરતાં તો કહેણો મામો સારો, એ કહેવત પરિમાર્જન પામીને નવો ઉઘાડ પામે છે. ઉધાર મામા કરતાં મામો ન હોય તે સારું ગણાય. કાનની શક્તિ ગુમાવી બેઠેલા માણસોને આ વાત નહીં ગમે, એમની વાત પણ સાચી છે. ‘માણસ માત્ર રોટી વડે નથી જીવી શકતો’, એવું વિધાન ધરાયેલા માણસોએ ચગાવ્યું છે. કાન સરવા કરીને સાંભળવા જેવું હજી ઘણુંબધું બચ્યું છે. ખળખળ વહી જતા ઝરણાનું મંદ્રગાન મૌનના ચંદરવા નીચે બેસીને કાન માંડીને સાંભળવા જેવું હોય છે. ચીની વિચારક લિન યુટાંગે શાંગહાઈમાં સવારે જે જે અવાજો સંભળાયા તે પથારીમાં પડ્યાં પડ્યાં નોંધેલા. જ્યારે પણ ગામ જવાનું બને ત્યારે ભોંય સાથે સાવરણાની સળીઓ ઘસાય અને જે ધ્વનિ સર્જાય તે પરોઢિયાના આછા ઉજાસમાં સાંભળતો રહું છું. ગળાઈ-ચળાઈને પાંદડાં-સોંસરવો વહી જતો વાયરો જે પર્ણધ્વનિ પ્રગટાવે તે ષડ્જ કોસ્મોસના સ્વરને પ્રગટ કરતો હોય છે. વૈશાખી બપોરે સૂકા ઘાસમાં ભમતી કંસારીની ધૂન શેઢા પર બેસીને સાંભળતી વખતે લયલહેરિયો વાયરો ઘાસના સરોવરને હિલોળે ચઢાવે ત્યારે એવું લાગે જાણે મૂર્તિમંત માતરિશ્વા ડગલાં ભરી રહ્યા છે. સૂકા ઘાસ પરથી પસાર થતા વાયરાને કારણે ડોલતા ઘાસના સળ પડતા હોય છે. દુનિયાની સાત સાત અજાયબીઓ વિશે જાણ્યા પછી પણ સૌથી મોટી અજાયબી વાંસળી છે એવું મને લાગે છે. વાંસના પોલાણમાંથી આવો ધ્વનિ શી રીતે પ્રગટી શકે અને વહી શકે તેનું રહસ્ય હજી સમજાતું નથી. પોલાણનું સૌંદર્ય આટલું સંગીતમય શી રીતે હોઈ શકે? સ્નેહરશ્મિની પંક્તિઓમાંથી જવાબ મળે છે : ખાલી ખાલી આ બંસી પોલી અવિરત ગાજે ગાને, ખાલી ભલે તું હોય સુભાગી હરિની બંસી થાને, રે જીવ શાને ઓછું આણે તારા ઉરનું ગાણું હોંશે ગાને! શબ્દનો સંબંધ તૈત્તિરીય ઉપનિષદમાં આકાશ તન્માત્રા જોડે ગણાવાયો છે. પરમેશ્વરમાંથી સૌપ્રથમ આકાશ પ્રગટ્યું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી ઔષધિ (વનસ્પતિ), ઔષધિમાંથી અન્ન અને અન્નમાંથી શરીર ઉત્પન્ન થયું. આમ આકાશ માનવજાતનું સાચું મોસાળ છે. શબ્દ આપણને આકાશ તરફથી પ્રાપ્ત થયો છે. નરસિંહ મહેતા સાચું કહે છે : ‘શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.’ વાંસળીની માંહ્યલીકોર રહેલા આકાશનો ધ્વનિ (શબ્દ) સાક્ષાત્ કૃષ્ણનો ધ્વનિ છે, સાક્ષાત્ કૃષ્ણ છે. ધ્યાનસ્થ ચિત્તે વાંસળીના સૂર સાંભળ્યા પછી, છેક હતા તેવા ને તેવા રહેવાનું શક્ય ખરું? વાંસળીને કાન માંડીને સાંભળવી, એ તો આપણી અહંશૂન્યતાને નિર્મિતિના લય સાથે વહેતી મેલવા બરાબર છે. વાંસળી થકી શૂન્યનું સંગીત પ્રગટ થાય છે. વાંસળી સૃષ્ટિ પર ધબકતી થયેલી માનવતાનું આદ્ય વાદ્ય છે. કાનની કેળવણી વગરની કેળવણી આખા ને આખા માણસની કેળવણી ન બની શકે. એ અધૂરી કેળવણી છે. વાંસળી સાંભળતી વખતે કેવળ કાન સરવા નથી કરવાના, પણ આપણી સમગ્ર ચેતનાને સંગીત સાથે જોડવાની છે. આખો ને આખો માણસ વાંસળી સાંભળે તો કદાચ અખિલેશ્વરને કે પછી મધુરાધિપતિને પામી શકે. માણસે હવે કોઈ અજાણ્યા હોઠો પરથી, કદીય ન બોલાયેલા એવા મંદ શબ્દોને સાંભળતાં શીખવું પડશે. શ્રવણયુગ આવી ગયો છે. પાઘડીનો વળ છેડે મૌનમાં જો મળી શકાતું હો, કોઈ શું કામ ગઝલમાં આવે? મૌન કે વાણીને આદિલ છેવટે, જે અકળ છે એને કળવાનું કહો. - આદિલ મન્સૂરી Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    Anthony Joshua Pulling Out Of Tyson Fury Fight?
    Next Article
    કવર સ્ટોરી:AI: ડરના ઓથાર વચ્ચે અસલ જોખમોની

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment