Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:સ્માર્ટફોનના સ્ક્રીનમાં ગૂંગળાયા સંસ્કાર!

    7 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ શું આપણે આપણાં બાળકોને સાચા સંસ્કાર આપવામાં નિષ્ફળ જઈ રહ્યાં છીએ કે પછી બાળકો એ સંસ્કાર ઝીલવામાં નિષ્ફળ જાય છે? આ સવાલ દરેક મા-બાપનાં મનમાં ઘૂમરાયા કરે છે. વાત માત્ર માનવસહજ સંવેદનાની છે. ઘણા લાંબા સમય પછી વડોદરા જવાનું થયું. એક જમાનો હતો જ્યારે અમારું આખું જૂથ સાઈકલ લઈને વડોદરાના ખૂણેખૂણે ફરી વળતું: ઈએમઈ કેમ્પસથી માંડીને અલકાપુરી, સૂરસાગર, માંડવી અને અકોટા સુધી રઝળપાટ કરવો અમારો શોખ હતો. ત્યારે વડોદરા એટલે પેન્શનરોનું શહેર અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વસાહત! આજના જેવી ભાગદોડ અને ગૂંગળાવી દેતી ભીડ ન હતી. સયાજીગંજ, હેવમોર કે દાંડિયાબજારમાં મિત્રો સાથે હળવો નાસ્તો કરવો અને કૉફીની ચુસ્કીઓ લેવી એ અમારી કાયમી દિનચર્યા હતી. આજે પણ જ્યારે જૂના મિત્રોને મળવા વડોદરા જવાનું થાય, ત્યારે આ શહેરની વધુ ને વધુ યાદો ફેફસાંમાં ભરી લેવાનું મન થાય છે. થોડા દિવસો પહેલાં આવા જ એક પ્રવાસે મારા જૂના મિત્રના ઘરે જવાનું થયું. સોસાયટી શાંત અને સરસ હતી. હું પહોંચ્યો ત્યારે એમના પાડોશી પણ ઑફિસેથી ઘરે આવ્યા હતા. પાડોશી મને આગ્રહ કરીને તેમના ઘરે લઈ ગયા. ડ્રૉઇંગ રૂમમાં સોફા પર એ પાડોશી ભાઈના પત્ની સૂતાં હતાં. એમણે સફાળા બેઠાં થવાનો પ્રયત્ન કર્યો, પણ એ ભાઈએ તેમને રોકી લીધાં. સાંજના સાતેક વાગ્યાનો સમય હતો. ડાઇનિંગ ટેબલ પર ઢાંકેલી થાળી તરફ ઈશારો કરીને બહેને નરમ અવાજે કહ્યું, ‘તમારા માટે જમવાનું બનાવીને અહીં મૂક્યું છે, જમી લેજો. મને થોડો તાવ વધારે છે એટલે હું સૂઈ રહી છું; જરૂર પડે ડૉક્ટર પાસેથી દવા લઈ આવજો.’ પેલા ભાઈ અચકાતાં અચકાતાં જમવા બેઠા, કારણ કે તેમને ખાધા પછી ડૉક્ટર પાસે દવા લેવા જવાનું હતું. પત્ની બીમાર હોવા છતાં પતિ માટે સમયસર જમવાનું બનાવવાની કાળજી રાખે એ જોઈને મનમાં એક ક્ષણ માટે સ્નેહ છલકાઈ આવ્યો. પરંતુ, આ દૃશ્યનું બીજું પાસું વધારે વસમું હતું. પેલા ભાઈની કૉલેજમાં ભણતી યુવાન દીકરી સોફા પર બેસીને પોતાના સ્માર્ટફોનમાં મગ્ન હતી. ઘરમાં મહેમાન આવ્યા અને પપ્પા-મમ્મીની આ સ્થિતિ હોવા છતાં એના ચહેરા પર કોઈ ભાવ નહોતો; એ પોતાના જ વિશ્વમાં મસ્ત હતી. જમતી વખતે પેલા ભાઈએ દાળમાં થોડું મીઠું ઓછું લાગતાં દીકરીને ઉદ્દેશીને કહ્યું, ‘બેટા, મને થોડું મીઠું આપશો?’ પોતાના ફોનની દુનિયામાં ખલેલ પડવાથી પેલી દીકરીનું મોઢું બગડી ગયું. અણગમો વ્યક્ત કરતા તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘અરે યાર!’ પિતાએ ફરીથી થોડા સંકોચ સાથે કહ્યું, ‘બેટા...’ આ સાંભળીને દીકરીએ ગુસ્સામાં સ્માર્ટફોન લગભગ સોફા પર પછાડ્યો અને ચીડાઈને બોલી, ‘એક વારમાં કેમ સમજાતું નથી? મારે પણ આજે કૉલેજમાં ત્રણ કલાક લેબોરેટરીમાં ઊભા રહીને કામ કરવું પડ્યું છે, મનેય થાક લાગ્યો છે!’ મારી હાજરીથી પેલા પિતા સહેજ ખસિયાણા પડી ગયા અને ધીમા અવાજે બોલ્યા, ‘સોરી, બેટા...’ થોડીવાર શાંતિ છવાઈ ગઈ. પેલા ભાઈ ચૂપચાપ જમીને ઊઠ્યા, પોતાનાં વાસણો કિચનની સિંકમાં મૂક્યાં અને હાથ ધોયા. એ જ ક્ષણે અનાયાસે મારી નજર એમના ચહેરા પર પડી. એમની આંખના એક ખૂણેથી આંસુ ચૂપચાપ ગાલ પર સરકી ગયું હતું. પણ જેવું તેમને મારું ધ્યાન હોવાનું ભાન થયું, તરત જ એમણે એ આંસુ છુપાવીને એક લાચાર સ્મિત વેરી દીધું. આ દૃશ્યે મને અંદરથી હચમચાવી મૂક્યો. આજે સમાજમાં આવાં કેટલાંય મા-બાપ છે જેઓ જીવનભર સંઘર્ષ કરીને, અપમાન અને ઓછપ વેઠીને પોતાનાં સંતાનોને મોટાં કરે છે, માત્ર એટલા માટે કે તેમનાં સંતાનોને આ દિવસો ન જોવા પડે, પણ આ કેવા સંસ્કાર? મનમાં સવાલોનો વંટોળ ઊઠ્યો. આજના યુગમાં એવાં સંતાનોની સંખ્યા કેમ વધી રહી છે જેમને મા-બાપનાં આંસુ કે પરસેવાની કોઈ કિંમત નથી? મા-બાપને માન આપતાં, તેમની લાગણીઓ સાચવતાં અને તેમનો આત્મવિશ્વાસ ન તોડતાં કોણ શીખવાડશે? કોઈકે તો આ યુવાનોને કહેવું જ પડશે કે: ‘તમે ગમે તેટલા ધનવાન કે પ્રખ્યાત થઈ જાઓ, યાદ રાખો કે મા-બાપ હંમેશાં મા-બાપ જ રહે છે અને તમે એમનાં સંતાન છો. મા-બાપ ભલે ઓછાં ભણેલાં હોય કે ઉંમરથી ઘસાઈ ચૂક્યાં હોય, પણ તેઓ ક્યારેય પોતાની પદવી ગુમાવતાં નથી.’ સંતાનોએ ક્યારેય મા-બાપ પર રૂઆબ ન જમાવવો જોઈએ. મા-બાપે તડકો વેઠીને જે ઘર બનાવ્યું છે, તેની કિંમત તો કોઈ ચૂકવી શકે તેમ નથી, પણ કમ સે કમ ભાડું તો ચૂકવી જ શકાય! અહીં ભાડું એટલે જીવનના પાયાના ચાર સ્તંભ: આદર, સહાનુભૂતિ, શિષ્ટાચાર અને સમય. એવું કહેવાય છે કે સંતાન સોળ વર્ષનું થાય ત્યારે મા-બાપે તેને મિત્ર ગણવું જોઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે મા-બાપે પોતાના વડીલ હોવાનો દરજ્જો છોડીને જીવનના સંધ્યાકાળે લાચાર બનીને જીવવું પડે. આવું ઓશિયાળું જીવન જીવવાની કોઈ જરૂર નથી. આજે જ જાતને સવાલ કરો: ‘યે જીના ભી કોઈ જીના હૈ યારો?’ અને પેલો ફિલ્મી સંવાદ હંમેશાં યાદ રાખો: ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ હોતે હૈ...’, જે માત્ર સંવાદ નથી, પણ સંબંધોની મર્યાદા અને સન્માનની એક રેખા છે.
    Click here to Read More
    Previous Article
    Aaj ka Rashifal 23 September 2026: मेष, वृषभ, मिथुन समेत सभी 12 राशियों के लिए कैसा रहेगा दिन? पढ़िए आज का दैनिक राशिफल
    Next Article
    બુધવારની બપોરે:એને મળવા ક્યાં બોલાવવી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment