Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:નિંદા માણસને જાગતો રાખનારી બાબત છે, પરંતુ પ્રશંસા ક્યારેક ખાનગી પતનને નોતરનારી બની રહે છે

    7 hours ago

    મનુષ્યત્વ જ્યારે પુષ્પત્વને માર્ગે ચડે ત્યારે સમાજને સંત મળે છે. ગમે તે નામની આગળ સંત શબ્દ ગોઠવી દેવાની કુટેવ છોડવા જેવી છે. એ તો કુંડાને પુષ્પ, કોડિયાને જ્યોત અને વાદળને મેઘધનુષ કહેવા બરાબર છે. જેઓ ખરેખર આદરણીય નથી તેઓને અઢળક આદર આપનારો નાદાન સમાજ સાચકલા સંતનો આદર કરવાનું ચૂકી જાય છે. આખાબોલો કવિ અખો સાચું કહે છે : ઝીણી માયા ને છાની છરી, મીઠી થઈને મારે ખરી; વળગી પછી અળગી નવ થાય, જ્ઞાની પંડિતને માંહ્યથી ખાય. વળી જો કોઈને જ્ઞાન ઊપજે, તો જ્ઞાની થઈને ભેળી ભજે; અખા જે હોય તજવા જોગ, માયા તેનો જ કરાવે ભોગ. એવા માયાના ઘણા છે ઘાટ, જ્યાં જુઓ ત્યાં માયાના હાટ! સ્વામી આનંદ કહે છે કે માણસમાં પોતાની જાતને છેતરવાની અદભુત શક્તિ પડેલી છે. તેઓ તો ત્યાં સુધી કહે છે કે ઊંચામાં ઊંચી અવસ્થાએ મરણની પળ લગી માણસ ‘પતન-પ્રૂફ’ નથી. સ્વામી આનંદની આ વાત ભોળા અને ભોટ અનુયાયીઓને ગાંઠે બાંધવા જેવી છે. સ્વામી કહે છે કે ગફલત જ સાચું મરણ છે, જાગતાને મરણ નથી. કોઈ પણ માણસનું ખરેખરું મૂલ્યાંકન એના મૃત્યુ પછી જ થઈ શકે, કારણ કે મૃત્યુની ક્ષણ સુધી ગફલતની શક્યતા રહે છે. મહાન માણસો અનુયાયીઓ તરફથી મળતા અઢળક આદરથી ખૂબ ડરીને ચાલતા હોય છે. આદર જ્યારે ધોધની માફક વરસે ત્યારે આદરણીય ગણાતા મનુષ્યની જવાબદારી ખૂબ જ વધી જાય છે. નિંદા માણસને જાગતો રાખનારી બાબત છે, પરંતુ પ્રશંસા ક્યારેક ખાનગી પતનને નોતરનારી બની રહે છે. કો’ક ગોરખ જ પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને કહી શકે : ‘ચેત મછંદર ગોરખ આયા.’ ગુરુને પતનની ક્ષણે બચાવી લેનારા ગોરખને અને શિષ્યની સમયસરની ટકોરને કારણે ચેતી જનારા ગુરુ મત્સ્યેન્દ્રનાથને ધન્ય છે. કેરી પાકે ત્યારે એની સડવાની શક્યતા પણ પ્રબળ બનતી હોય છે. સડવાનું ટાળીને પાકવાનું પરાક્રમ ઉત્ક્રાંત મનુષ્યને છાજે તેવું છે. બાખડી ભેંસને કોઈ પરિપક્વ ભેંસ નથી કહેતું. ખીલેલા ગલગોટાને કોઈ પરિપક્વ ગલગોટો નથી કહેતું. પરિપક્વતાને ઉંમર સાથે ઝાઝી લેવાદેવા નથી. મોટી ઉંમર શારીરિક વાર્ધક્યનો ઢંઢેરો પીટી શકે, પરંતુ ભીતરની પરિપક્વતાનો શણગાર નહીં બની શકે. આવા શણગારનો વૈભવ પામે તે સંત અને એવા વૈભવથી વંચિત રહી જાય તે અસંત. પોતે વૈભવથી વંચિત રહી ગયો છે, એવી સમજણ ધરાવનાર માણસ હોવું એ પણ જેવી તેવી વાત નથી. જ્ઞાનની ખરી શરૂઆત માણસને પોતાનું અજ્ઞાન ખૂંચવા માંડે તે ક્ષણથી થતી હોય છે. ખૂંચવાનું અને ખટકવાનું સદંતર ગેરહાજર હોય એવા માણસો આજના રાજકારણમાં ખૂબ જલદી આગળ વધતા રહે છે. પોતાના માંહ્યલાને ગીરવી મૂકવાની ફાવટ આવી જાય પછી રાજકારણમાં પ્રગતિ ઝટ થવા લાગે છે. સડેલી કેરી પાકીને ફદફદી જાય છે. આવી ફદફદી ગયેલી કેરીઓ બધા જ પક્ષોમાં હોય છે. ભગવાન નાલાયક માણસોને વહેંચતી વખતે કોમ-કોમ વચ્ચે કે ધર્મ-ધર્મ વચ્ચે કે પક્ષ-પક્ષ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખતો. આ માન્યતામાં જ સર્વધર્મ-સમભાવનું સૌંદર્ય પડેલું છે. પરિપક્વતાને ઉંમર સાથે જોડવાની કુટેવ હવે છોડવી પડશે. સંસ્થાઓ સાથે જોડાઈ ગયેલી વ્યક્તિપૂજા હવે છોડવી પડશે. મનુષ્યને ભગવાનની જગ્યાએ બેસાડીને તેનાં ગુણગાન ગાવાની કુટેવ હવે છોડવી પડશે. કુટેવને કારણે હિંદુત્વ નબળું પડ્યું છે. હિંદુત્વની ખરી તાકાત એક જ છે. એમાં પોતાની અંદર રહેલી નબળાઈનો નિખાલસ સ્વીકાર છે અને એ નબળાઈને દૂર કરવાની તૈયારી છે. એ તૈયારી તાલાવેલી બની જાય ત્યારે હિંદુત્વની શોભા પ્રગટ થશે. જે ધર્મના લોકો પોતાના ધર્મમાં પેઠેલાં અનિષ્ટો અંગે મૌન સેવે કે તેમનો બચાવ કરે તે ધર્મનું કાળક્રમે આવી જ બને છે. આ બાબતે વિશ્વની ખ્રિસ્તી પ્રજા સૌથી ખુલ્લા મનની ગણાય એવું હું સ્વાનુભવે કહી શકું. પાદરીઓના પાખંડ છતાં ખ્રિસ્તી પ્રજાએ નવા ઉન્મેષોનો સહજ સ્વીકાર કર્યો છે. ઉદાહરણો ઘણાં છે : યોગ, શાકાહાર, લોકતંત્ર, માનવ અધિકારો, પશુપક્ષીઓ સાથેની ક્રૂરતાનો વિરોધ, ગ્રીન મૂવમેન્ટ, પર્યાવરણની સુરક્ષા, ડીપ ઇકોલોજીની ચળવળ અને વિશ્વશાંતિ માટેનું જનઆંદોલન. એક વાર મારા બૂટને રસ્તા પર બેઠેલા મોચી પાસે પોલિશ કરાવ્યું પણ ચળકાટ ન આવ્યો. મેં એને કહ્યું : ‘બરાબર શાઈનિંગ ન આવ્યું.’ પોલિશ કરનારે જવાબ આપ્યો : ‘સાહેબ! જોડા પર પણ આધાર રાખે ને!’ વાત સાવ સાચી હતી. મારા બૂટ સાવ જૂના થઈ ગયા હતા. એ બૂટ જૂના હતા, પણ પરિપક્વ ન હતા. સંક્રાંતિની કોઈ શક્યતા જ ન હતી. શાઈનિંગ એટલે રૂપાંતરણ નહીં. રૂપાંતરણનો સંબંધ ભીતરની અવસ્થા સાથે છે, બહારના ચળકાટ સાથે નહીં. જેવાં હોઈએ તેવા અન્ય સમક્ષ પ્રગટ થવાની તૈયારી વગર વ્યવહારશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ શક્ય નથી. મેથીની ભાજી કડવી છે. એ કડવાશ મેથીનો ગુણધર્મ છે. મેથીની ભાજી જે ‘છે’ તે ‘છે!’ એની નિખાલસ કડવાશનો સ્વાદ લોકો માણે છે. મેથીની ભાજીનાં ગોટાને સુરત બાજુ ગાંગડા પણ કહે છે. એનો જે ખાસ સ્વાદ છે તેનો જશ ભાજીની કડવાશને ફાળે જાય છે. કોઈ કહેતું નથી કે મેથીની ભાજીનાં ઢેબરાં કડવાં છે. મેથીની નિખાલસ કડવાશ ઢેબરાં ખાનાર માટે નિર્વાહ્ય જ નહીં, સ્વાદપૂર્ણ બની જાય છે. પોતાને હજી આત્મસાક્ષાત્કાર નથી થયો, એવું અનુયાયીઓને સ્પષ્ટપણે કહેનાર ગુરુને વંદન હજો. આટલી સચ્ચાઈ જાળવી ન શકે તેવા દંભી ઉપદેશકને સંત કહેવાની ભૂલ ટાળવા જેવી છે. જે નિખાલસ નથી તે માણસ નિર્મળ હોઈ જ ન શકે. જે નિર્મળ નથી તે માણસ પોતાની ઋજુતા જાળવી ન શકે. ઋજુતા વગરનો ચાલાક મનુષ્ય ભોળો ન હોઈ શકે. પાઘડીનો વળ છેડે તુકારામ કહે છે કે ભોળપણ તો ભક્તનું ભૂષણ છે. બીજાને ન છેતરવાનો સંકલ્પ એટલે જ પોતાની જાતને ન છેતરવાનો સંકલ્પ. એવો સંકલ્પ જીવનમાં ઊગે પછી જ કદાચ ભીતરના રૂપાંતરણની શક્યતાનો ઉઘાડ પ્રગટ થાય છે. માણસ કેવળ પરિપક્વ બનવા જ નથી સર્જાયો. એ તો ગલગોટાની માફક પૂર્ણપણે ખૂલવા અને ખીલવા સર્જાયો છે. રવીન્દ્રનાથ એવી ખીલવણીને મોક્ષ કહે છે. } Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    NASA Astronaut Shares View Of Venus Rising Through Earth's Red Atmospheric Airglow
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલે કહ્યું- સિસ્ટમ અંધભક્તો પેદા કરી રહી છે; પાકિસ્તાનના ખજાનામાં અચાનક 3 અબજ ડોલરનો વધારો, AI બેકાબૂ-'જેમિની'એ ત્રણ કંપનીની સિસ્ટમ હેક કરી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment