Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:ગુલાબદીક્ષા એટલે સૌંદર્યદીક્ષા, સુગંધદીક્ષા અને પ્રેમદીક્ષા

    1 day ago

    બાગના કોઈ ખૂણામાં આવેલા ક્યારામાં એક જ ગુલાબ પૂરી ખૂબસૂરતી સાથે ખીલ્યું છે. એ એક જ ગુલાબ આસપાસના અવકાશ પર પોતાનો પ્રભાવ પાથરતું જણાય છે. મહેફિલમાં બેઠેલી રૂપગર્વિતા સ્ત્રી ભણી નજર નાખવાનું ટાળવા માટે પુરુષો ભાગ્યે જ તૈયાર હોય છે. એ સ્ત્રીને ખબર પણ ન પડે તેમ કેટલાય લોકો છાનામાના એને જોઈ લેતા હોય છે. બાગના ખૂણે ખીલેલા ઠસ્સાદાર ગુલાબને અરસિક, અકવિ અને અકર્મી લોકો પણ જોઈ લેતા હોય છે. ગુલાબ પાસે રુઆબ છે, શબાબ છે અને સુગંધ પણ છે. શેક્સપિયરે સાચું કહેલું: ‘ગુલાબને ગમે તે નામ આપો, તોય એની સુગંધ મધુર જ હોવાની.’ સાહિત્ય, ચિત્રકળા અને ઇતિહાસમાં ગુલાબ સાથે પ્રેમ, રોમાંચ, પવિત્રતા, નિર્મળતા, સુંદરતા અને નિર્દોષતા જેવી બાબતો જોડાયેલી છે. ફ્લોરિસ્ટની દુકાનોમાં આજે પણ સૌથી વધુ માગ ગુલાબનાં પુષ્પોની હોય છે. વક્તાનું, કલાકારનું કે મહેમાનનું જાહેર અભિવાદન થાય તો તેમાં ગુલાબનું ફૂલ હોવાનું જ. અંગ્રેજીમાં ગુલાબને ‘ક્વીન ઑફ ફ્લાવર્સ’ કહેવામાં આવે છે. સંવેદનશૂન્યતા માટે જાણીતા રોમન રાજા નીરોએ નેપલ્સનો સાગરકિનારો ગુલાબોથી છવાઈ જાય તે માટે અઢળક પૈસા ખર્ચેલા. મહત્ત્વના મહેમાનોનું અભિવાદન ગુલાબોની પુષ્પવર્ષાથી થાય તેવો રિવાજ પણ નીરોએ શરૂ કરેલો. રોમન પરંપરામાં ડાઇનિંગ ટેબલ પર ગુલાબ લટકતું હોય તો મહેમાન સમજી જતા કે વાતચીત ખાનગી રાખવાની છે. આજે પણ ગુપ્ત બાબતો માટે શબ્દપ્રયોગ છે: ‘અંડર ધ રોઝ.’ (લેટિન: ‘સબ રોઝા’). ગ્રીક પરંપરામાં ગુલાબનાં માનપાન ઓછાં ન હતાં. ગુલાબની સાથે અનેક રૂપકો જોડાતાં જ રહ્યાં. એક બાજુ નિર્દોષતા અને નિર્મળતાનાં પ્રતીક જેવાં ગુલાબો મંદિરોમાં થતા પૂજાપાઠમાં વપરાતાં રહ્યાં, જ્યારે બીજી બાજુ ગુલાબો સાથે શૃંગાર અને પ્રેમનો અનુબંધ રચાતો રહ્યો. ડાયોનિસિયસ શરાબનો દેવતા હતો. ઇરોઝ પ્રેમનો દેવ હતો. બંને જણા ગુલાબથી પોતાના દેહને ઢાંકતા. ઇરોઝની માતા એફ્રોડાઇટ પાણીનાં મોજાંમાંથી પેદા થયેલી દેવી હતી, તેથી સાગરકાંઠે જ્યાં જ્યાં મોજાં માથું પછાડતાં ત્યાં ગુલાબો ઊગી નીકળતાં! ‘બર્થ ઑફ વીનસ’ ચિત્રમાં આ પ્રકારનું દૃશ્ય રજૂ થયેલું છે. સફેદ ગુલાબ માનવજાતની પવિત્રતાનું અને રાતું ગુલાબ પ્રેમનું પ્રતીક ગણાતું. રોમન સંસ્કૃતિના પતન સાથે ગુલાબનાં માનપાન પણ ઘટી ગયેલાં. ખ્રિસ્તી ધર્મમાં ગુલાબને પ્રેમ અને સૌંદર્યના પ્રતીક તરીકે સ્થાન મળ્યું પછી યુરોપમાં ગુલાબનાં માનપાન વધી ગયાં. એફ્રોડાઇટ સાથે જોડાયેલી કામેચ્છાની જગ્યાએ વર્જિન મેરીના પ્રેમની પવિત્રતાનું મહત્ત્વ ગુલાબ સાથે જોડાયું. રાતું ગુલાબ ઈસુના બલિદાન સાથે પ્રતીકાત્મક ભાવે જોડાયું. ઈસુના શરીરે થયેલા પાંચ ઘા સાથે રાતા ગુલાબની પાંચ પાંખડીઓનો અનુબંધ રચાયો. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં ‘ગુલાબોનો વિગ્રહ’ (વૉર્સ ઑફ ધ રોઝિસ) જાણીતો છે. ગુલાબ આજે પણ બ્રિટનનું સત્તાવાર પુષ્પ છે. એ જ રીતે અમેરિકાનું ‘ઑફિશિયલ’ પુષ્પ પણ ગુલાબ છે. ખૂબ જ લોકપ્રિય બનેલી ફિલ્મ ‘ટાઇટેનિક’માં રૂપાળી અને પ્રેમાળ નાયિકાનું નામ પણ ‘રોઝ’ હતું. આજે ગુલાબની 4000થી વધુ હાઇબ્રિડ જાતો દુનિયામાં છે. સ્કોટલેન્ડનો કવિ રોબર્ટ બર્ન્સ તો કહે છે કે પ્રેમ રતૂમડા ગુલાબ જેવો હોય છે. કેથલિક પંથના લોકોની માળાની દોરીને રોઝરી (મૂળે લેટિન રોઝારિયા) કહે છે. મધ્યપૂર્વમાં ઇસ્લામનો ઉદય થયો ત્યારે ગુલાબોનો પ્રવેશ ધર્મમાં થયો અને સૂફી પંથમાં ગુલાબને અલ્લાહ સાથેના મિલનનું પ્રતીક ગણવામાં આવ્યું. ચીનમાં આજથી 2500 વર્ષ પહેલાં સંત કન્ફ્યુશિયસે નોંધેલું કે સમ્રાટની લાઇબ્રેરીમાં ગુલાબ અંગે 600 પુસ્તકો હતાં. ગુલાબની ઉત્પત્તિ ક્યારે થઈ? ત્રણ કરોડ વર્ષ પહેલાંના ખડકાવશેષોના અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે એ સમયે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ગુલાબો સર્વત્ર હતાં. ગુલાબનાં ફૂલો માનવ સમાજમાં પ્રવેશ પામ્યાં લગભગ 4000 વર્ષ પહેલાં. સૌપ્રથમ ગુલાબોને ક્યાં ઉગાડવામાં આવ્યાં? જવાબ ઝટ જડતો નથી, પરંતુ ગુલાબોના ઉછેરનો પ્રારંભ મધ્યપૂર્વના દેશોમાં થયેલો જણાય છે. ગુલાબની પાંખડીઓનો વાનગીઓમાં પણ વિનિયોગ થવા લાગ્યો. ગુલાબોનું સૌથી મોટું ઉત્પાદન બલ્ગેરિયામાં થાય છે. આપણા રાષ્ટ્રપતિ ભવનના ‘અમૃત ઉદ્યાન’ (અગાઉ મુઘલ ગાર્ડન્સ)માં એકથી એક ચડિયાતાં ગુલાબો ઉછેરવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સફેદ અચકન પર રતૂમડું ગુલાબ શોભતું. નેહરુ ગુલાબી મિજાજના નેતા હતા. રવીન્દ્રનાથ ટાગોરે એમને ‘ઋતુરાજ’ કહેલા. પંડિત નેહરુના વ્યક્તિત્વ સાથે ખીલેલા રાતા ગુલાબનો મેળ આબાદ જામતો. જ્યારે પણ ક્યાંક પૂર્ણતઃ ખીલેલું ગુલાબ જોવાનું બને ત્યારે મનમાં પ્રશ્ન થાય છે: જો ગુલાબ ખીલી શકે તો મનુષ્ય કેમ ખીલતો નથી? ચીમળાયેલું મનુષ્યત્વ આજની દુનિયાને સતાવે છે. પ્રત્યેક મનુષ્યને ગુલાબદીક્ષા પ્રાપ્ત થાય તો પૃથ્વી સ્વર્ગ બની જાય. ગુલાબદીક્ષા એટલે શું? ગુલાબદીક્ષા એટલે સૌંદર્યદીક્ષા, સુગંધદીક્ષા અને પ્રેમદીક્ષા. જે સંપત્તિ ગુલાબ પાસે છે, તે માનવી પાસે કેમ નથી? ગુલાબ પોતાને સ્થાને સ્વસ્થતા જાળવીને ખીલે છે. એ પોતાની સુગંધનો પ્રચાર કરવા જતું નથી. એની સુગંધ સહજપણે પ્રસરે છે. એ સર્વથા અનાક્રમક અને અહિંસક હોય છે. પાઘડીનો વળ છેડે કોઈ છોડ પર ખીલેલા ગુલાબ પાસેથી પસાર થતી વખતે અમેરિકનનો ઉદ્ગાર હોય છે: ‘અરે! કેટલું સુંદર દેખાય છે!’ એ જ સમયે પાસે ઊભેલો ભારતીય માણસ કહે છે: ‘અરે! એની સુગંધ કેવી મનોહર છે!’ આજકાલ અમેરિકાનાં હાઇબ્રિડ ગુલાબો સુગંધવિહીન થઈ ગયાં છે. સુગંધીદાર ગુલાબને આપણા લોકો ‘દેશી ગુલાબ’ કહે છે. } Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    કવર સ્ટોરી:હવે રોકાણમાં પણ જેન-ઝીનો દબદબો
    Next Article
    દિવસભર એમને પેટ ભરીને રમવા દો!:બાળકો રાત્રે સૂએ નહીં, તો શું કરવાનું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment