Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:કશું કા’ન જેવું આભમાંથી ઝમતું…..

    6 hours ago

    ભાગ્યેશ જહા મણાં જન્માષ્ટમી ઊજવાઇ ગઇ. એટલે જુદી જુદી કાવ્યપંક્તિઓ મોરપીંછની જેમ મન-મસ્તિષ્ક પર છવાઈ ગઇ. દરેક વખતે નવા કૃષ્ણનો જન્મ, એટલે કે કૃષ્ણત્વના સ્વરૂપનું ચિંતન કરવું અને એમ કરીને પસાર થયેલા વર્ષને સમજવું. જે સમયને સમજાવે તે શ્યામ છે, કાળને કળતાં શીખવાડે તે કૃષ્ણ છે. મજા આવી, જૂના કાવ્યની પંક્તિ મમળાવાની અને ‘દિવ્ય ભાસ્કર’ના પાને પથરાયેલા ‘વાંસળીના ઇતિહાસ’ને જરા કાન માંડીને સાંભળવાની. વૃંદાવન ગયા સિવાય વાંસળી સંભળાય તો માનવું વાસુદેવ નજીક જ છે. જો જન્માષ્ટમી એક કૃષ્ણજન્મનો અણસાર ન આપે તો આંખ બંધ કરીને ‘જાતાષ્ટમી’ ઊજવવી, કંસની જેલના સળિયા જાડા થઈ ગયા હોય અથવા તો દેવકીનું આંસુ ન ઓળખી શકીએ તો કૃષ્ણ ઘણા દૂર નીકળી જાય. જન્માષ્ટમી એ જાતને તપાસવાનો સમય છે, જેને અંગ્રેજીમાં ‘self-actualization’ કહે છે એવું કશુંક સ્વ-સમીક્ષા જેવું. ક્યારેક ગોપી થઈને, ક્યારેક રાધારૂપે તો ક્યારેક અર્જુનની જિજ્ઞાસાથી પ્રશ્ન થઈને... કૃષ્ણ જડે જ છે, જન્માષ્ટમી દર વર્ષે આવે છે કારણ કૃષ્ણને કોઈ ને કોઈ સ્વરૂપે પ્રગટવાની ટેવ છે! આજે એક જૂની કવિતાની પંક્તિ વાંસળીના સૂરની જેમ ટપકે છે: ‘મંદિરના ખોબામાં ઉભરાણું આજ કશુંક, મારા સિવાય મને ગમતું, કશું આભમાંથી કા’ન જેવું ઝમતું...’ કેટલાં બધાં વર્ષ પહેલાં જાણે કે નાની સમાધિ લાગી હોય! જાતને ભૂલીને જગદીશ સાથે જોડાઈ જવું એ જ જન્મોત્સવ હતો, છે અને રહેશે. આ ‘મારાપણા’ને ભૂંસવાનું એક હાથવગું ડસ્ટર આજે ફરીથી હાથ લાગ્યું છે. સંદર્ભ બદલાયા છે, કાળની કરચો ઊડી રહી છે, કૅલેન્ડરનો સમય હવે અજાણ્યો નથી લાગતો, કારણ કૃષ્ણનું એક અમરવચન ટીવી સ્ક્રીન પરથી જીવનના મેદાનમાં આવી ગયું છે જ્યાં શ્રીકૃષ્ણ કહી રહ્યા છે, ‘કાલોઽસ્મિ’ હું સમય છું. ગુરુદેવ રવીન્દ્રનાથ ‘ગીતાંજલી’ના એક પાને કહેતા હતા એ સંભળાય છે, ‘Time is endless in Thy hands my Lord!’ પરંતુ ‘મહાભારત’ સિરિયલના પડદેથી બોલાતું એ કૃષ્ણવચન... ‘મૈં સમય હૂં...’ આજે જુદા જ સ્વરૂપે વંચાઈ રહ્યું છે, સમજાઈ રહ્યું છે. સંબંધોમાં સંકીર્ણ બનીને સંકડાઈ રહેલો સમય કશુંક કહી રહ્યો છે, કાળાડિંબાગ વાદળને એક કવિતાના કળથી બોલતું કરતો કાલિદાસનો શબ્દ ઓળખાઈ રહ્યો છે, જીવને ભરખી જતો કાળ ડરામણો રહેવાના બદલે સહજ સમાધિ જેવો સરળ દીસતો કાળ હવે પરિચિત લાગે છે, ટેક્નોલોજીના અજગરને કોઈ પરલોકના જંગલમાંથી લાવીને શેરીમાં ખોલતા ખેલાડીઓ જડી ગયા છે. બધું જ સમજાઈ જતાં માયાના માયાવી પડળ પકડાઈ ગયા છે. શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં ‘કાલોઽસ્મિ’ કહીને કેવી ધન્યતા બક્ષી છે. સમયને સાંભળવો કે સમજવો એ કૃષ્ણજન્મોત્સવનો પૂજાપો જ છે. બીજો એક એવો જ અમર શબ્દ શ્રીકૃષ્ણ ગીતાના પ્રારંભમાં જ કહી રહ્યા છે, ‘મા શુચઃ’... તું શોક ના કર. કેવો જાદુઈ મંત્ર...! એકવાર મનુષ્ય પોતાના દુઃખ કે ચિંતાઓને સમજવાનો પ્રયત્ન કરે તો દુઃખ જાણે કે ધૂમ્રસેરની જેમ અદૃશ્ય થઈ જાય છે! દરેક દુઃખ જાણે કે ગેરસમજ કે અણસમજની આડપેદાશ હોય એમ લાગે છે! આજનો સમય તો સ્ટ્રેસયુગ છે, આ બધાની વચ્ચે ‘તું ચિંતા ના કરીશ’ એવું તો શામળિયા સિવાય કોણ કહે? આજના ચંચળ સમયમાં ‘સ્થિરતા’ શીખવાડે તે કૃષ્ણ. બે-અઢી મિનિટની રીલ્સમાં લસરી પડતા લોકમાં ભગવદ્ ગીતા એક અદભુત શબ્દ વ્યાખ્યાયિત કરે છે કશું કા’ન જેવું આભમાંથી ઝમતું… એ મૂલ્યવાન શબ્દ છે, ‘સ્થિતપ્રજ્ઞ’. બુદ્ધિ નહીં પણ પ્રજ્ઞા. સાદી વ્યાખ્યા પ્રમાણે રોજનું જીવન ચલાવે તે બુદ્ધિ અને જીવન કેવી રીતે ચાલે છે એની સમજ આપે તે પ્રજ્ઞા. બાકી આવી પ્રજ્ઞા પણ અસ્થિર નહીં, પણ સ્થિર. આજે માણસના ધ્યાનને અસ્થિર બનાવે એવા હજારો વિકલ્પો ઊભરી રહ્યા છે ત્યારે ભગવદ્ ગીતાના આ શબ્દ આગળ થોભવા જેવું છે. સ્થિતપ્રજ્ઞતા. આસક્તિને અળગી કરવાની પૂર્વશરત એ ગીતાચીંધ્યા માર્ગનું એક અનોખું વિકાસબિંદુ છે. મનને ખૂબ જ સરળતાથી કબજે કરતી આસક્તિને છોડી શકે તેવા સ્વ-વિજય થકી કાયમ માટે સુખી થવાનો માર્ગ બતાવે છે. શ્રીકૃષ્ણને કેટકેટલી રીતે પામી શકાય છે? જો નાચી શકો તો એ રસેશ્વર છે અને ધ્યાની શકો તો યોગેશ્વર છે. શ્રીકૃષ્ણને ખબર હતી કે એકવીસમી સદીમાં ‘કૉમ્બો’ શબ્દ યુવા પેઢીમાં જાણીતો થશે. એટલે જીવનના અદભુત રસાયણ જેવો ‘કૉમ્બો’ પીરસે છે. ભગવદ્ ગીતા એ ‘જ્ઞાન-કર્મ-ભક્તિ’નો અદભુત કૉમ્બો છે. આ એક જીવનની અદ્વિતીય ફોર્મ્યૂલા છે. તમે કેવળ જ્ઞાનમાં રહેશો તો કદાચ શુષ્ક થઈ જશો, કદાચ અભિમાન આવી જશે. જ્ઞાનનો અહંકાર બહુ જ તામસિક હોય છે. જો તમે એટલું કર્મ કર્યા કરશો તો રોબોટ થઈ જશો. જીવનમાં રૂટિન નામનો રાક્ષસ તમને મારી નાખશે. કર્મના કળણમાં ફસાયા તો જીવનભર ભૌતિક પ્રાપ્તિઓ પછી પણ મનની શાંતિ નહીં મળે. તો એકલી ભક્તિનો પણ અર્થ નથી! જોકે, આપણે જે ભક્તિને જાણીએ છીએ એ તો બહુ જ અધૂરી ભક્તિ છે. એજન્ડા પીધેલો માણસ ભક્તિ કરી જ ન શકે! આવા કૉમ્બો રચનાર કૃષ્ણ… એક અલૌકિક તત્ત્વ તમારા જેલ જેવા જીવનમાં પ્રગટો. એક આગાહીની અને અનિશ્ચિતતા વચ્ચે જીવતી દેવકી મનમાં વહેતી પ્રેમસલિલા છે. તમે પણ કહી ઊઠો: ‘કશું કા’ન જેવું આભમાંથી ઝમતું…’
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:ગણેશ સિક્યુરિટી સર્વિસ : દુઃખહર્તા અને સુખકર્તા
    Next Article
    કવર સ્ટોરી:હવે રોકાણમાં પણ જેન-ઝીનો દબદબો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment