Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી

    1 day ago

    અજયસિંહ ચૌહાણ નેવુંના દાયકામાં દુનિયાની અનેક વિશાળ કંપનીઓ માટે ભારતના દરવાજા ખૂલ્યા. એ સાથે જ લોકોની આંખો સામે અવનવાં આકર્ષણોની સુનામી આવી. ખિસ્સામાં પૈસા આવ્યા. લોભામણી જાહેરખબરો ટીવીના પડદે દેખાવા લાગી. ‘કુછ ખાસ હૈ જિંદગી મેં, કુછ બાત હૈ જિંદગી મેં, ક્યા બાત હૈ જિંદગી મેં’ જાહેરખબરની ધૂને પીપરમીન્ટને પણ લક્ઝરી માનતાં ભારતનાં બાળકોમાં ચોકલેટની નવી જ દુનિયાનો પ્રવેશ કરાવ્યો. હવે તો ચોકલેટ માત્ર બાળકોની ચીજ નથી રહી; એનાં જુદાં જુદાં રૂપો દરેક ઉંમરના લોકોની સ્વાદેન્દ્રિયના ઊંડાણ સુધી પહોંચી ગયાં છે. ચોકલેટને આજે યાદ કરવાનું ખાસ કારણ છે. જેમ જાતભાતના દિવસો હોય છે, તેમ અમેરિકા આજના દિવસને આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ તરીકે ઊજવે છે. 13 સપ્ટેમ્બર મિલ્ટન એસ. હર્શી (1857-1945)નો જન્મદિવસ છે. તેઓ અમેરિકાના એક અગ્રણી ઉદ્યોગસાહસિક, પરોપકારી અને વિશ્વવિખ્યાત ચોકલેટ કંપની ‘ધ હર્શી કંપની’ના સ્થાપક હતા. તેઓ અમેરિકાના ચોકલેટ ઉદ્યોગમાં ક્રાંતિ લાવ્યા અને ચોકલેટને સામાન્ય લોકો સુધી પહોંચાડી. ઓગણીસમી સદીના અંત સુધી ચોકલેટ ધનિક વર્ગ સુધી જ મર્યાદિત હતી. મધ્યમ વર્ગ માટે એ લક્ઝરી ગણાતી; કારણ કે તેની બનાવટની પદ્ધતિ સ્વિસ ઉત્પાદકોએ ગુપ્ત રાખી હતી. હર્શીએ લાંબા પ્રયોગો પછી તાજા દૂધમાંથી મિલ્ક ચોકલેટનું મોટા પાયે ઉત્પાદન કરવાની ફોર્મ્યૂલા વિકસાવી. આનાથી ચોકલેટ સામાન્ય માણસ પણ ખરીદી શકે તેટલી સસ્તી બની. પછી તો ચોકલેટ માત્ર સ્વાદ સુધી મર્યાદિત ન રહી, એને કેન્દ્રમાં રાખી સાહિત્ય પણ સર્જાયું. બ્રિટિશ લેખક રોઆલ્ડ ડાલે (Roald Dahl) 1964માં એક નવલકથા લખી; ‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરી’ (Charlie and the Chocolate Factory). જે બાળસાહિત્યના ઇતિહાસમાં સૌથી વધુ વંચાયેલી અને લોકપ્રિય કૃતિઓમાં સ્થાન પામી છે. એટલું જ નહીં, આ કૃતિ પરથી એ જ નામે (1971, 2005) ફિલ્મો પણ બની છે. રોઆલ્ડ ડાલ 1920ના દાયકામાં ઇંગ્લેન્ડની ‘રેપ્ટન’ સ્કૂલમાં ભણતા હતા, ત્યારે ‘કેડબરી’ કંપની વારંવાર પોતાની નવી બનતી ચોકલેટ્સનાં બોક્સ સ્કૂલનાં બાળકોને ટેસ્ટિંગ માટે મોકલતી. બાળકો તેના પર પોતાના પ્રતિભાવો લખીને મોકલતાં. તે જમાનામાં ‘કેડબરી’ અને ‘રાઉન્ટ્રી’ જેવી ચોકલેટ કંપનીઓ જાસૂસીના ભયથી પોતાની રેસિપી અત્યંત ગુપ્ત રાખતી. ડાલ એક એવી રહસ્યમય પ્રયોગશાળાની કલ્પના કરતા જ્યાં ગુપ્ત રીતે જાતભાતની ચોકલેટ્સ બનતી હોય. આ બાળપણની કલ્પનાએ વર્ષો પછી વિલી વોન્કાની ફેક્ટરીનું રૂપ લીધું. એની વાર્તા આવી છે: એક દિવસ વિલી વોન્કા વર્તમાનપત્રોમાં એક જાહેરાત કરે છે. વિશ્વભરમાં વેચાતી વોન્કા ચોકલેટ્સમાંથી માત્ર પાંચ ચોકલેટ રેપર્સની અંદર સોનેરી ટિકિટો (‘ગોલ્ડન ટિકિટ્સ’) છુપાવવામાં આવી છે. જે પાંચ બાળકો આ ટિકિટ શોધશે, તેમને ફેક્ટરીની અંદર આખો એક દિવસ ફરવા મળશે અને આજીવન ચાલે તેટલી ચોકલેટ્સ મફત મળશે. આ જાહેરાતથી આખી દુનિયા ઘેલી થઈ જાય છે. પહેલી ચાર ટિકિટો મેળવનારાં બાળકો આધુનિક સમાજના જુદાં જુદાં દુર્ગુણો અને નબળા બાળઉછેરનું પ્રતીક છે. ઓગસ્ટસ ગ્લૂપ અત્યંત ખાઉધરો, લાલચુ અને સ્થૂળ છોકરો છે; જેનો શોખ માત્ર ને માત્ર ખાવાનો છે. વેરુકા સોલ્ટ લાડકી, અહંકારી અને જિદ્દી છોકરી છે. વાયોલેટ બ્યુરેગાર્ડે આખો દિવસ ચ્યુઇંગ ગમ ચાવતી, ઘમંડી અને દરેક બાબતમાં સ્પર્ધા કરવાની માનસિકતા ધરાવતી છોકરી છે. માઇક ટીવી માત્ર ટેલિવિઝન, ગેંગસ્ટર ફિલ્મો અને હિંસામાં જ રચેલો-પચેલો રહેતો ક્રોધી છોકરો છે; જેને વાસ્તવિક દુનિયાની કોઈ પરવા નથી. વાર્તાનો મુખ્ય નાયક ચાર્લી બકેટ ગરીબ પરિવારનો એક દયાળુ અને વિનમ્ર છોકરો છે. તે એક નાના લાકડાંના મકાનમાં પોતાનાં માતા-પિતા અને પથારીવશ વૃદ્ધ દાદા-દાદી તથા નાના-નાની સાથે રહે છે. ચાર્લીના ઘરની બરાબર સામે જ વિલી વોન્કાની વિશાળ ચોકલેટ ફેક્ટરી આવેલી છે. વર્ષો પહેલાં જાસૂસો દ્વારા રેસિપી ચોરાઈ જવાના ડરથી વોન્કાએ પોતાના તમામ સ્થાનિક કામદારોને કાઢી મૂકીને ફેક્ટરીના દરવાજા કાયમ માટે બંધ કરી દીધા હતા. ફેક્ટરીની ચીમનીઓમાંથી ધુમાડો નીકળે છે અને અંદરથી ચોકલેટ પણ બહાર આવે છે, પરંતુ કોઈ માણસને અંદર જતો કે બહાર આવતો જોવામાં આવ્યો નથી. ચાર્લીને વર્ષમાં માત્ર એક જ વાર પોતાના જન્મદિવસે વોન્કા ચોકલેટ ખાવા મળતી; જેને તે અઠવાડિયાંઓ સુધી સાચવી સાચવીને થોડી થોડી ખાતો. ફેક્ટરીના દરવાજે વિલી વોન્કા પાંચેય બાળકો અને તેમના વાલીઓનું સ્વાગત કરે છે. વોન્કા એક તેજસ્વી છતાં વિચિત્ર વ્યક્તિત્વ ધરાવતો કલાકાર છે. ફેક્ટરીની અંદરનું વિશ્વ કલ્પનાને ઝંકૃત કરી મૂકે એવું છે. ત્યાં ચોકલેટની વહેતી નદી છે, ગ્લાસ-વોટરફોલ છે અને ખાઈ શકાય તેવાં મીઠાં ઘાસનાં મેદાનો છે. ક્યારેય ન ઓગળતી ગોબસ્ટોપર્સ, વાળ ઉગાડતી ટોફી, અખરોટ ફોલતી ખિસકોલીઓ અને પારદર્શક કાચની લિફ્ટ છે. જેમ જેમ પ્રવાસ આગળ વધે છે, તેમ તેમ દરેક ખરાબ વર્તણૂકવાળું બાળક પોતાની નબળાઈ અને અવિચારીપણાને કારણે મુશ્કેલીમાં મુકાતું જાય છે. દરેક ઘટના વખતે બાળકોના વાલીઓની વધુ પડતી છૂટછાટ અને અયોગ્ય ઉછેર ખુલ્લો પડે છે. એકમાત્ર ચાર્લી કોઈ પણ લાલચ કે જિદ્દ વગર શાંતિથી દરેક નિયમનું પાલન કરે છે. અંતે માત્ર ચાર્લી અને તેના દાદા જો બચે છે. વિલી વોન્કા ખુશ થઈને ચાર્લીને અભિનંદન આપે છે. વોન્કા જાહેર કરે છે કે આ ગોલ્ડન ટિકિટની સ્પર્ધા માત્ર એક સાદો પ્રવાસ નહોતી, પરંતુ પોતાની ફેક્ટરી માટે યોગ્ય ઉત્તરાધિકારી શોધવાની ગુપ્ત કસોટી હતી. વોન્કા વૃદ્ધ થઈ રહ્યા હતા અને તેઓ પોતાની જીવનભરની કળા કોઈ એવા બાળકને સોંપવા માગતા હતા જે લાલચુ કે અહંકારી ન હોય, પણ પવિત્ર હૃદયવાળો, શીખવા માટે તત્પર અને દયાળુ હોય. વોન્કા ચાર્લી અને તેના સમગ્ર પરિવારને ફેક્ટરીમાં કાયમ રહેવા તથા ભવિષ્યમાં આખી ફેક્ટરી સંભાળવા માટે આમંત્રણ આપે છે. આમ, વાર્તાનો સુખદ અંત આવે છે. આ પુસ્તક ક્વેન્ટિન બ્લેકનાં રેખાચિત્રોથી વધુ જીવંત બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:ટાઢે પાણીએ
    Next Article
    શબ્દસૌંદર્ય:દેહનો એક અર્થ લેપન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment