Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન:મહિલા અને બાળવિકાસ વિભાગે ટેકહોમ રાશન-મિલેટમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કરાવ્યું

    14 hours ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત એક પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોષણયુક્ત આહારને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો અને કુપોષણમુક્ત પાટણ બનાવવાનો હતો. આ માટે સામૂહિક સંકલ્પનો સંદેશ આપવામાં આવ્યો. આ વાનગી સ્પર્ધામાં પાટણ અને સરસ્વતી તાલુકાની આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ આઈસીડીએસ વિભાગની કર્મચારી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે ટેક હોમ રાશન, વિવિધ કઠોળ અને મિલેટ (શ્રી અન્ન) જેવા પૌષ્ટિક ધાન્યનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ, આકર્ષક અને પોષણયુક્ત વાનગીઓ બનાવીને પ્રદર્શન કર્યું. સ્પર્ધા દરમિયાન નિષ્ણાતોએ વાનગીઓનું મૂલ્યાંકન કર્યું. તેમણે પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા, રજૂઆત અને વપરાયેલા પૌષ્ટિક ઘટકો જેવા પાસાઓને ધ્યાનમાં લીધા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેને જણાવ્યું કે, મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહ સાથે સુંદર અને પૌષ્ટિક વાનગીઓ બનાવીને પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે, પોષણને માત્ર સ્પર્ધા પૂરતું સીમિત ન રાખવું જોઈએ. આવી પૌષ્ટિક વાનગીઓનો ઉપયોગ આંગણવાડી કેન્દ્રોના બાળકોના પોષણમાં થાય તે જરૂરી છે. ભાવનાબેને ઉમેર્યું કે, પાટણ જિલ્લામાં કુપોષિત બાળકોને કુપોષણમુક્ત કરવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. આપણે બાળકરૂપી ભગવાન સાથે જોડાયેલા છીએ, ત્યારે તેમને કુપોષણમુક્ત કરવાનો સંકલ્પ આજે આપણે સૌએ સાથે મળીને કરવાનો છે. કાર્યક્રમના અધ્યક્ષ અને પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે આંગણવાડી કાર્યકર્તા બહેનોને પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે, આંગણવાડી એટલે મારો પરિવાર છે. ક્યારેય પણ, ક્યાંય પણ મારી જરૂરિયાત હોય તો મને તાત્કાલિક યાદ કરજો. તેમણે વધુમાં જણાવ્યું કે, જે આંગણવાડી કેન્દ્રો પાસે પોતાનું મકાન નથી, તેમના માટે ભવિષ્યમાં પોતાના મકાનની વ્યવસ્થા થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પોષણ શપથ લીધા. સૌએ જિલ્લામાં પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા અને કુપોષણમુક્ત પાટણ બનાવવા માટે સાથે મળીને પ્રયાસો કરવાનો સંકલ્પ કર્યો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જીનલબેન પટેલ, આઈસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જોડિયા, આઈસીડીએસના સી.ડી.પી.ઓ. રંજનબેન, ઉર્મિલાબેન અને હેતલબેન હાજર રહ્યા હતા. THO તરફથી ડૉ. શ્રેયાબેન અને ડૉ. ઝંખ્યાબેન, ધારપુર હોસ્પિટલના ન્યુટ્રીશન આસિસ્ટન્ટ પ્રિયંકાબેન, ખેતીવાડી વિભાગના રીવાબેન સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો અને આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમણે પોષણ ઉત્સવને સફળ બનાવ્યો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ GEB ક્રેડિટ સોસાયટીમાં ₹77.86 લાખનું કૌભાંડ:પૂર્વ મહિલા મંત્રી ચાંદની પટેલની ધરપકડ; બોગસ ચેક અને રોકડ ઉચાપતથી કૌભાંડ આચર્યુ; કોર્ટમાં રજૂ કરાશે
    Next Article
    બેંકે સીલ કરેલા મકાનમાં ગેરકાયદે પ્રવેશનાર લોન ડિફોલ્ટર સામે ફરિયાદ:રાજકોટમાં 'ભુતે' 1.29 કરોડની લોન ભરપાઈ ન કરતા મકાન જપ્ત કરાયું'તું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment