Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સાંઢીયો પુલ ખુલ્યો છતાં ટ્રાફિક સમસ્યામાં વધારો!:જામનગર રોડ પર બેરિકેડથી હજારો વાહન ચાલકો પરેશાન, કહ્યું-મોદી સાહેબ પેટ્રોલ બચાવવા કહે, આ તો પેટ્રોલનો બગાડ થાય છે

    20 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે ₹ 74 કરોડના ખર્ચે જૂનો સાંઢીયો પુલ ડિસમેન્ટલ કરી નવો ફોરલેન બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે. જો કે આ બ્રીજનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે લોકાર્પણ થયા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત છે. જેને લઈને દિવ્યભાસ્કરની ટીમ આ ટ્રાફિક સમસ્યાનાં કારણો જાણવા સ્થળ પર પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન પુલની બંને બાજુ પોલીસે આડેધડ લગાવેલા બેરિકેડનાં કારણે ટ્રાફિક સમસ્યા થતી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. જેમાં જામનગર રોડથી શ્રોફ રોડ તરફ જતો રસ્તો બેરિકેડ લગાવી બંધ કરવામાં આવતા જામટાવર ચોકમાં દિવસભર ટ્રાફિકજામ રહે છે. સામા છેડે રેલનગર તરફ આવતો-જતો રસ્તો પણ બેરિકેડથી બંધ કરવામાં આવતા હજારો વાહનચાલકો 1થી 1.5 કિમી ફરવા મજબૂર બન્યા છે. લોકોએ જણાવ્યું હતું કે, મોદી સાહેબ પેટ્રોલ બચાવા કહે છે, પોલીસ 1.5 કિમી ફેરવે છે. રેલનગર તરફનો રસ્તો પોલીસે બેરિકેડ મારી બંધ દિવ્યભાસ્કરની ટીમ આ વિસ્તારના લોકોની સમસ્યા જાણવા ત્યાં પહોંચી હતી. જામટાવર ચોક તરફથી જતા જ શ્રોફ રોડ પાસે બેરીકેડ લાગેલા જોવા મળ્યા હતા. જેમાં પણ શ્રોફ રોડ તરફથી લેફ્ટ-રાઈટ માટે લગાવેલા બેરીકેડ અડધો જામનગર રોડ રોકતા હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું. બ્રીજની બીજી તરફ રેલનગર તરફનો રસ્તો પોલીસે બેરીકેડ મારી બંધ કરતા ત્યાં રહેતા લોકો રેલવે કોલોની સુધી ફરવા મજબુર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રેલનગરથી શીતલ પાર્ક તરફ જવા માટે તો લગભગ બે કિમીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. દિવ્યભાસ્કરની ટીમ પહોંચી ત્યારે પોલીસ અધિકારીઓ અને બ્રિગેડનાં જવાનો વાહનો રોકી દંડ કરવામાં વ્યસ્ત હતા. દિવ્યભાસ્કરની ટીમને જોઈને બ્રિગેડના જવાનો યોગ્ય સ્થળે તૈનાત થયા હતા. જોકે અધિકારીઓએ વાહનો રોકી દંડ કરવાની કામગીરી ચાલુ રાખી હતી. સર્વિસ રોડની વચ્ચે બેરિકેડ મૂકી બે ભાગ કરાતા વાહનો કાઢવા મુશ્કેલી આ ઉપરાંત ભોમેશ્વર જવાનો સર્વિસ રોડ પણ લાઈટ સહિતની જરૂરી સુવિધા વિનાનો ગામડા જેવો જ કાચો રસ્તો હોવાથી ત્યાંથી રાત્રે નીકળવું મુશ્કેલ હોવાનું પણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે કોઈપણ બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ હોય છે. જેથી નીચેના વિસ્તારોમાં રહેતા લોકો સરળતાથી અવરજવર કરી શકે છે. જોકે અહીં માત્ર એકતરફ સર્વિસ રોડ આપવામાં આવ્યો છે. તેમાં પણ સર્વિસ રોડની વચ્ચે બેરીકેડ મૂકીને બે ભાગ કરાતા કાર સહિતનાં વાહનો કાઢવા મુશ્કેલ બનતા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું. 'બેરિકેડ લગાવી ખોટા ફેરા કરાવે તો પેટ્રોલ ક્યાંથી બચે?' મીનાબેન રાવલએ જણાવ્યું હતું કે, રેલનગર તરફથી શીતલ પાર્ક જવા માટે લોકો કોલોની બહાર નીકળી જામનગર રોડનો બ્રીજ ચડવાનો પછી બ્રીજ ઉતરીને શીતલ પાર્ક જવું પડે છે. આ કેવી રીતે ચાલે? લોકો શોર્ટકટ શોધતા હોય છે તેને બદલે બેરીકેડ લગાવી ખોટા ફેરા કરાવે તો પેટ્રોલ બચે ક્યાંથી ? આમ તો ડબલ પેટ્રોલ બળે છે. આ સરકાર શુ કરવા બેઠી છે એ જ ખબર પડતી નથી. સાંઢીયો બ્રીજ બન્યા બાદ બેરીકેડ લગાવી દેતા ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે ઉલટી વધી છે. ઓછામાં ઓછો અઢી કિલોમીટરનો ફેરો ફરવો પડે બ્રિજ ન હતો ત્યારે માત્ર ભોમેશ્વર તરફથી જવું પડતું હતું. હવે તો કોઈ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હોય તો પહેલા બ્રીજ ચડવાનો પછી બીજીતરફ ઉતારવાનો અને પછી સ્ટર્લિંગ તરફ જઈ શકીએ છીએ. ઓછામાં ઓછો અઢી કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. ભોમેશ્વર જવાનો જે સર્વિસ રોડ બનાવ્યો છે તેનો કોઈ મતલબ જ નથી. કાચો રસ્તો છે તેમજ લાઈટ સહિતની કિલો વ્યવસ્થાઓ નથી. આ રસ્તે રાત્રીના નીકળવું શક્ય જ નથી. ત્યારે આ બેરીકેડ ખોલીને લોકોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી મારી માંગ છે. ‘બેરિકેડ લાગવાને કારણે રેલનગર તરફ જતા અનેક લોકો પરેશાન’ જગદીશભાઈ નામના સિનિયર સિટીઝને જણાવ્યું કે, ભોમેશ્વર મંદિરથી રેલનગર જવું છે. પણ બેરીકેડ મારેલા હોવાથી 1 કિમી કરતા વધુનો ફેરો ફરવો પડે છે. મોદી સાહેબ કહે છે કે, પેટ્રોલ બચાવો અને ઓછું વાપરો પરંતુ બેરીકેડને લઈને પેટ્રોલની સાથે સમયનો પણ બગાડ થાય છે. જન્માષ્ટમી દરમિયાન વધુ ટ્રાફિક હતો ત્યારે બરોબર હતું. પરંતુ હવે બેરીકેડ તાત્કાલિક હટાવી લેવા જોઈએ. સાંઢીયો બ્રીજ બન્યા પહેલા ભોમેશ્વર મંદિર પાસે ટ્રાફિક સમસ્યા હતી તે ઓછી થઈ છે. પરંતુ બેરીકેડ લાગવાને કારણે રેલનગર તરફ જતા અનેક લોકો પરેશાન થાય છે. 'વ્યવસ્થાનાં અભાવને કારણે સમસ્યાઓ યથાવત' સિંધવ હીરાભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આગળ બેરીકેડ લગાવી દેવામાં આવ્યા હોવાથી ટ્રાફિક સમસ્યા દૂર થતી નથી. ભોમેશ્વર જવા માટેનો આગાઉ જે રસ્તો હતો તેને બંધ કરીને બીજીતરફ નવો રસ્તો કાઢ્યો છે. પણ ત્યાં લાઈટ છે નહીં રસ્તો પણ કાચો છે અને તેમાં ખાડાખબડા હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલો મોટો બ્રીજ બન્યો છતાં વ્યવસ્થાનાં અભાવને કારણે સમસ્યાઓ યથાવત છે. સર્વિસ રોડ એવી રીતે આપ્યા છે કે કોઈને મગજમાં બેસતું નથી. અને દોઢેક કિલોમીટરનો લાંબો ફેરો ફરવો પડે છે. વાહનોની અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા કરવા માગ રવિરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હજારો લોકો રેલનગરમાં રહે છે. છતાં બેરીકેડ લગાવી દેવાતા મોટી ટ્રાફિક સમસ્યા થાય છે. ભોમેશ્વર તરફ જવા માટે સર્વિસ રોડ બન્યો છે. તે પણ કાચો રસ્તો છે અને લાઈટ સહિતની કોઈપણ પ્રાથમિક સુવિધા નથી. જેને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બેરીકેડ ખોલી અને વાહનોની અવરજવર માટેની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે. અન્ય એક વ્યક્તિએ પોતાનું નામ જણાવવા ઇનકાર કર્યો હતો. પરંતુ સમસ્યા અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, બેરીકેડ લગાવીને રસ્તો બંધ કરી દેવતા એકાદ કિલોમીટર ફરવું પડે છે. જેમાં સમય અને ઇંધણનો પણ વ્યય થાય છે. રેલનગરમાં હજારો લોકો રહે છે. બધાને રસ્તો બંધ કરવામાં આવતા ભારે હાલાકી ભોગવવી પડે છે. સાંજના સમયે તો અહીં ખૂબ ટ્રાફિકજામ થાય છે. સાંઢીયો બ્રીજ બનવા છતાં અમારી સમસ્યા એમ જ છે. ત્યારે બેરીકેડ ખોલી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 74 કરોડના તોતિંગ ખર્ચે બનેલા સાંઢીયા પુલના લોકાર્પણ છતાં આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા પોલીસ દ્વારા આડેધડ લગાવવામાં આવેલા બેરીકેડનાં કારણે હલ થતી નથી. બીજીતરફ મનપાએ પણ બ્રીજ ઉપર લગાવેલા સાઈનબોર્ડમાં જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જામટાવર તરફથી જતા લગાવેલા સાઈનબોર્ડમાં નવા રિંગરોડ અને અટલ સરોવર તરફ જવા માટે ડાબી બાજુ વળવાનું નિશાન બતાવાયું છે જે ખરેખર ઘણું આગળ હાઇવે તરફથી વળવાનું છે. છતાં બ્રિજની શરૂઆતમાં આવું સાઈન બોર્ડ મુકાયું છે. બીજીતરફ રેલનગરનાં વળાંક પાસે મુકેલા બોર્ડમાં પણ રેલવે સ્ટેશન માટે ડાબી બાજુ અને બસ પોર્ટ તેમજ ત્રિકોણ બાગ તરફ જવા માટે જમણી બાજુ વળવાનું દર્શાવાયું છે. જે પણ ખૂબ વહેલું છે. કારણ કે રેલવે સ્ટેશન જવા માટે છેક જામટાવર ચોકથી ડાબી બાજુ અને બસ પોર્ટ માટે તો સીધા જઈને બીજો બ્રીજ ચડવાનું અને આ બ્રીજ ઉતર્યા બાદ ત્રિકોણ બાગ અને ત્યારબાદ ડાબી બાજુ વળવાનું હોય છે.
    Click here to Read More
    Previous Article
    34 કલાક બાદ પણ 8 ગાડીઓથી કુલિંગ યથાવત્:શ્યામ સંગીની માર્કેટની આગ 25 લાખ લિટર પાણીથી કાબૂમાં, લોખંડના શટરો ઓગળ્યા; સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી સીલ
    Next Article
    Nandan Nilekani, Zerodha Co-Founders' Names Flagged In Karnataka SIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment