Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદના કરેણી ગામમાં કરોડોની ગૌચર જમીન પર દબાણનો વિવાદ:મહિલા સરપંચની કબૂલાત, કહ્યું- 'અમે પણ પેશકદમી કરી છે'

    7 hours ago

    ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર અને સરકારી જમીનો પર ગેરકાયદે દબાણોની ફરિયાદો સતત વધતી રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામમાં જમીન પચાવી પાડવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામની કરોડો રૂપિયાની કિંમતી ગૌચર અને સીમતળની જમીનો પર માથાભારે તત્વો સહિત સ્થાનિક પંચાયતના હોદ્દેદારો દ્વારા જ ગેરકાયદે કબજો જમાવી દેવાયો હોવાના આક્ષેપ સાથે એક જાગૃત મહિલા અરજદારે તંત્ર સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. અગાઉ નોટિસો ફટકારાયા છતાં કોઈ પરિણામ ન આવતાં મામલો તાલુકા પંચાયત પહોંચ્યો છે. આ વિવાદ વચ્ચે ગામના મહિલા સરપંચે પોતે પણ ગૌચરની જમીન દબાવી હોવાની અને આખા ગામે પેશકદમી કરી હોવાની ખુલ્લેઆમ કબૂલાત કરતાં ખળભળાટ મચી ગયો છે. સરપંચ-ઉપસરપંચ સહિતના લોકોએ 3-4 વીઘા જમીન દબાવી: મહિલા અરજદાર કરેણી ગામના રહીશ અને મહિલા ફરિયાદી ધર્મિષ્ઠાબેન બાબરીયાએ વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું છે કે ગામનું ગૌચર અસામાજિક અને માથાભારે તત્વોએ ગેરકાયદેસર રીતે રોકી રાખ્યું છે, જેના કારણે સામાન્ય ગ્રામજનો તેમના ડરથી અવાજ ઉઠાવી શકતા નથી. એક-એક વ્યક્તિએ ત્રણથી ચાર વીઘા જેટલી ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો જમાવી દીધો છે. સૌથી ગંભીર બાબત એ છે કે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ અને ઉપસરપંચે પણ આ જમીન પર પેશકદમી કરી હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે. નોટિસો માત્ર કાગળ પર: હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાની માંગણી અરજદારના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ બે વખત ઔપચારિક નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં દબાણ હટાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. સ્થાનિક સ્તરે પૂછપરછ કરતાં પંચાયતના પ્રતિનિધિઓ લાચારી દર્શાવી રહ્યા છે, કારણ કે ખુદ હોદ્દેદારોએ પણ સરકારી જમીનો પર વાડા બાંધી દીધા છે. ફરિયાદીએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તમામ ગેરકાયદે દબાણો દૂર કરી ગૌચર મુક્ત કરવામાં આવે તેમજ જમીન દબાવનારા સરપંચ અને ઉપસરપંચ સામે કાયદેસરના પગલાં ભરી તેમને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આ લડત છેક ગાંધીનગર સુધી લઈ જવાની ચીમકી ઉચ્ચારાઈ છે. 'આખા ગામે ખેતર પાસે પેશકદમી કરી છે': મહિલા સરપંચ આ સમગ્ર વિવાદ અંગે જ્યારે કરેણી ગામના સરપંચ લાભુબેન હિંગરાજિયા સમક્ષ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે ગૌચરની જમીન પર પેશકદમી કરી હોવાનો સ્પષ્ટ એકરાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતે પણ જમીન વારેલી છે અને આખા ગામમાં ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે આવી રીતે પેશકદમી કરેલી છે. દબાણો હટાવવા બાબતે તેમણે બચાવ કરતાં કહ્યું કે ઉચ્ચ કક્ષાએથી જે પ્રકારની સત્તાવાર સૂચના કે આદેશ મળશે તે મુજબ જ પંચાયત આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરશે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આ ચકચારી પ્રકરણ અંગે કેશોદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ભાર્ગવ ઠુમ્મરે જણાવ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ અરજદાર ધર્મિષ્ઠાબેન રામજીભાઈ બાબરીયા દ્વારા ગામતળ અને સીમતળમાં થયેલા દબાણો અંગે લેખિત અરજી તાલુકા પંચાયત કચેરી ખાતે મળી છે. આ અરજીને ત્વરિત તપાસ અર્થે ગ્રામ પંચાયત કક્ષાએ મોકલવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ, હોદ્દેદાર કે અન્ય તત્વો દ્વારા ગેરકાયદે પેશકદમી કરવામાં આવી હોવાનું સામે આવશે, તો નિયમ મુજબ કડક પગલાં ભરીને તમામ દબાણો દૂર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા તાલુકામાં “વંદે માતરમ્ યુવા ઉદઘોષ” કાર્યક્રમ યોજાયો:સાંકલીની કે.જી. પરમાર શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ, વંદે માતરમ્ ના મહત્વ અંગે ચર્ચા કરાઈ
    Next Article
    કુંભારવાડાની આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં:નાસ્તામાં જીવાત મળતા વિતરણ તાત્કાલિક અટકાવ્યું, વિપક્ષના આક્ષેપ બાદ મનપા એક્શનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment