Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલેન્ડમાં જામસાહેબનું વિશેષ સન્માન:વિદેશ મંત્રી એસ. જયશંકરે વોર્સો સ્થિત 'ગુડ મહારાજા' સ્મારકની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પી

    8 hours ago

    પોલેન્ડની રાજધાની વોર્સો ખાતે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જામનગરના પૂર્વ રાજવી અને 'ડોબ્રી મહારાજા' (ગુડ મહારાજા) તરીકે સમગ્ર યુરોપમાં વિખ્યાત જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના ઐતિહાસિક સ્મારકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જામસાહેબની માનવતાવાદી સેવાઓ અને કરુણાપૂર્ણ કાર્યોને યાદ કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પોલેન્ડના સાંસદ કિંગા ગાજેવસ્કા તેમજ ઓખોટા ડિસ્ટ્રિક્ટના મેયર પ્યોત્ર ક્રાસનોદ્રેબસ્કી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશ મંત્રીએ ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કરતાં જણાવ્યું હતું કે, જામસાહેબની ઉદારતા અને માનવતા આજે પણ બંને દેશો વચ્ચે મજબૂત અને અતૂટ સાંસ્કૃતિક સેતુ સમાન છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં 1,000 અનાથ પોલિશ બાળકો માટે પિતા બન્યા હતા જામસાહેબ બીજા વિશ્વયુદ્ધના ભયાનક અને સંકટપૂર્ણ સમયગાળા દરમિયાન જ્યારે પોલેન્ડ પર નાઝી આક્રમણ થયું ત્યારે સેંકડો બાળકો બેઘર અને અનાથ બની ગયા હતા. આ વિષમ પરિસ્થિતિમાં જામનગર (નવાનગર) ના દીર્ઘદ્રષ્ટા મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજાએ અદ્વિતીય માનવતા દર્શાવીને આશરે 1,000 જેટલા નિરાધાર પોલિશ બાળકોને ગુજરાતના બાલાચડી ખાતે આશરો આપ્યો હતો. તેમણે આ બાળકો માટે રહેવા, જમવા, શિક્ષણ અને તેમના પોતાના કેથોલિક ધર્મ તેમજ સંસ્કૃતિ મુજબના ઉછેરની તમામ સુવિધાઓ પોતાના અંગત ખર્ચે ઊભી કરી આપી હતી. તે સમયે તેમણે પોલિશ બાળકોને આશ્વાસન આપતાં કહેલા ઐતિહાસિક શબ્દો—"હું તમારા સહિત તમામ નવાનગરવાસીઓનો બાપુ છું, જેથી આજથી તમે અનાથ નથી"—આજે પણ ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે અંકિત છે. પોલેન્ડમાં 'ડોબ્રી મહારાજા' તરીકે જીવંત છે જામસાહેબની સ્મૃતિ જામસાહેબની આ નિઃસ્વાર્થ સેવા, આતિથ્ય સત્કાર અને અસીમ કરુણાના કારણે પોલેન્ડની જનતા તેમને અત્યંત આદરપૂર્વક ‘ડોબ્રી મહારાજા’ એટલે કે ભલા મહારાજા તરીકે ઓળખે છે. તેમની આ સેવાભાવનાને કાયમી ધોરણે જીવંત રાખવા માટે પોલેન્ડના વોર્સો શહેરના ઓખોટા વિસ્તારમાં ‘ગુડ મહારાજા સ્ક્વેર’ (Skwer Dobrego Maharadży) નું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં તેમનું સ્મારક સ્થાપિત કરાયું છે. આ ઉપરાંત પોલેન્ડની અનેક શાળાઓને પણ જામસાહેબનું નામ આપીને તેમના પ્રત્યે રાષ્ટ્રવ્યાપી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત-પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો મજબૂત પાયો વિદેશ મંત્રીએ પોતાની મુલાકાત દરમિયાન ભારપૂર્વક નોંધ્યું હતું કે, નવાનગરના મહારાજાએ દાયકાઓ પહેલાં રોપેલો કરુણા અને ભાઈચારાનો આ છોડ આજે ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોમાં એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યો છે. જામસાહેબે આપેલા આશરામાં ઉછરેલા બાળકો અને તેમના વંશજો આજે પણ ભારત અને ગુજરાત પ્રત્યે અતૂટ આદર અને લાગણી ધરાવે છે. વોર્સોમાં આવેલા આ સ્મારકની વૈશ્વિક સ્તરે મુલાકાત એ દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિના 'વસુધૈવ કુટુંબકમ્' અને માનવતાના મૂલ્યો આજે પણ સરહદો ઓળંગીને વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શું હરમનપ્રીત કૌર પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવશે:કેપ્ટન્સ મીટમાં જવાબ ન આપ્યો; થોડીવારમાં ભારત-પાકિસ્તાન મેચનો ટોસ
    Next Article
    લીમખેડા પોલીસે દુઘીયા સરકારી દવાખાના પાછળ જુગાર રમતા 5 ઝડપ્યા:બાતમીના આધારે દરોડો પાડી રૂ 12,660નો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment