Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:બ્રહ્માંડ અથથી ઈતિ એકસાથે મોજૂદ છે!

    6 hours ago

    જયેશ દવે સમય નામનો આયામ અદભુત છે. આ ડાયમેન્શન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવાં ડાયમેન્શન કરતાં ખૂબ અલગ છે. આપણને લાગે કે ભૂતકાળ જતો રહ્યો, ભવિષ્ય હજુ આવવાનું છે અને માત્ર વર્તમાન જ અસ્તિત્વમાં છે; પણ આવું નથી. આ બધું જ એક સાથે અસ્તિત્વ ધરાવે છે તેવું વિજ્ઞાન કહે છે! વિજ્ઞાનનો બ્લોક યુનિવર્સ નામનો સિદ્ધાંત રોમાંચક છે. બ્લોક યુનિવર્સ નામનો આ સિદ્ધાંત કહે છે કે, આખું બ્રહ્માંડ એક બ્લોક જેવું છે. આ બ્લોકમાં તમે આ વાંચી રહ્યા છો તે ક્ષણ, અગાઉની ક્ષણ અને આગળ આવનારી ક્ષણ બધું જ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. બિગ બેંગથી શરૂ કરી બ્રહ્માંડના વિલય સુધીનું બધું જ આ ફોર-ડાયમેન્શન બ્લોકમાં મોજૂદ છે. આને કોઈ ફિલ્મની વિડીયો ફાઇલ સમજી લો. આ ફિલ્મનું આપણે જે દૃશ્ય જોઈ રહ્યા છીએ તે વર્તમાન છે અને જે જોઈ ચૂક્યા તે ભૂતકાળ. જે આપણા માટે બની ગયું કે ભવિષ્યમાં બનવાનું છે તે આપણી આ ક્ષણે સામે ન દેખાતું હોવા છતાં તેનું અસ્તિત્વ તો છે જ. ફિલ્મની વિડીયો ફાઇલમાં પ્રારંભથી અંત સુધીની આખી ફિલ્મ એક સાથે રહેલી હોય છે, તે જ રીતે બ્લોક યુનિવર્સમાં આપણે જ્યાં છીએ તે જ સમય અસ્તિત્વમાં છે તેવું નથી; આખું બ્રહ્માંડ અથથી ઇતિ એક સાથે મોજૂદ છે. વિજ્ઞાન પાસે આ થિયરી છે પરંતુ કોઈ નક્કર પુરાવા નથી; કારણ કે તેને સાબિત કરવા ટાઇમ મશીન જોઈએ, જે હજુ બન્યું નથી. જોકે, ટાઇમ મશીન વગર પણ વર્તમાનમાંથી ભૂતકાળમાં પહોંચી જવાની અનેક રોમાંચક અને રહસ્યમય ઘટનાઓ નોંધાઈ છે. ઇંગ્લેન્ડના કર્સલ મૂરમાં બનેલી ઘટના આવી જ રહસ્યમય છે. 1950માં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર નજીક આવેલા કર્સલ મૂર નામના વિસ્તારમાં સ્થાનિક રહેવાસી બે મિત્રો નજીકની ટેકરીઓ પર ચાલવા નીકળ્યા હતા. રાત્રિનો સમય હતો અને ટેકરી પર અંધારપટ ઊતરી આવવાની તૈયારીમાં હતો. બંને મિત્રો વાતચીત કરતા ડામરના રોડ પર ચાલતાં ચાલતાં આજુબાજુની હરિયાળી નિહાળી રહ્યા હતા ત્યારે અચાનક એક સન્નાટો છવાઈ ગયો અને સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું! તેઓ જેના પર ચાલી રહ્યા હતા તે ડામર રોડ અદૃશ્ય થઈ ગયો અને માટીનો કાચો રસ્તો બની ગયો, જેની બંને બાજુ ગેસ લેમ્પ સળગી રહ્યા હતા. 18મી સદીમાં બ્રિટિશ લોકો પહેરતા તેવા લાંબા કોટ અને ઊંચી ટોપીઓ સાથે લોકો રસ્તા પર ફરી રહ્યા હતા તેમજ ઘોડાગાડીઓ પણ આવતી-જતી હતી. થોડે આગળ કેટલીક દુકાનો પણ દેખાતી હતી અને તેનાં નામ પણ બંને વાંચી શકતા હતા. આ શું થઈ રહ્યું છે તે બંનેને સમજાતું નહોતું અને તેઓ ગભરાયેલા હતા. જોકે તેમની આજુબાજુ ફરી રહેલા આ લોકો તેમને જાણે જોઈ પણ ન શકતા હોય તેમ પોતાના સામાન્ય વ્યવહારમાં વ્યસ્ત હતા. બંને મિત્રોએ અહીંથી પાછા ફરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ પાછળ પણ આ જ વાતાવરણ હતું! લગભગ 12 મિનિટ સુધી આ રહસ્યમય વાતાવરણ રહ્યું અને પછી અચાનક જ સમગ્ર દૃશ્ય બદલાઈ ગયું! ફિલ્મમાં દૃશ્ય જે રીતે અચાનક બદલાઈ જાય તે રીતે આ સમગ્ર વાતાવરણ અદૃશ્ય થઈ ગયું અને ફરી પહેલાં હતું તેવું જ સામાન્ય વાતાવરણ તેમની સામે આવી ગયું. આ ઘટનાની તેમણે લોકોને જાણ કરી. ઇતિહાસકારોએ તેમના દાવાઓની ચકાસણી કરી તો પુરવાર થયું કે તેઓ 18મી સદીમાં પહોંચી ગયા હતા. તેઓ કોઈ રહસ્યમય સંજોગોમાં 1950માંથી લગભગ 150થી 200 વર્ષ પહેલાંના કાળખંડમાં પહોંચી ગયા હતા. લોકોના પહેરવેશ, મકાનશૈલી તથા દુકાનોનાં નામ તેમણે જણાવ્યાં તે બધું જ 18મી સદીના ઇતિહાસ સાથે સુસંગત હતું. આ કેવી રીતે થયું? આનો જવાબ કોઈ પાસે નહોતો. 12 મિનિટ જેવા સમય માટે સમયચક્ર પાછું કેવી રીતે ફરી ગયું? કોઈ ઉત્તર મળ્યો નહીં. ‘ટાઇમ સ્લિપ’ તરીકે ઓળખાતી આવી ઘટનાઓમાં કોઈ વાર, કોઈ સ્થળે સમય આગળ કે પાછળ સરકી જાય છે. આવી ઘટનાઓ માટે કોઈ નિશ્ચિત સ્થાન કે સમય નથી હોતો, પરંતુ અચાનક આવો લૂપ સર્જાતો હોય છે. આવી ઘટનાઓ વિશ્વના અનેક અજાણ્યા ખૂણે બનતી રહેતી હશે અને તે પૈકીની અમુક જ આપણે નોંધી કે અનુભવી શક્યા છીએ, તેમ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર્સ માને છે. મતલબ કે આવી ‘સમયની ગડબડ’ ચાલ્યા કરતી હોય છે. તેમના મતે ઊર્જાના સ્તરમાં ફેરફાર થતાં સ્પેસ અને ટાઇમની સીમા પાતળી થઈ જાય ત્યારે બે સમયકાળ અમુક ક્ષણો માટે ઓવરલેપ થઈ જાય છે અને આવા સમયે ભૂતકાળ કે ભવિષ્યની દુનિયા જીવંત થઈ ઊઠે છે. જેવી રીતે ફિલ્મ જોઈ રહ્યા હોઈએ અને કોઈ ટેક્નિકલ ક્ષતિના કારણે અચાનક થોડી ક્ષણો માટે અગાઉનું દૃશ્ય સ્ક્રીન પર ઝબકી જાય—આવું જ કશુંક બને છે આ યુનિવર્સલ ફિલ્મમાં! સતત આવી ટાઇમ ટ્રાવેલ કરતું એક પાત્ર આપણા પુરાણોમાં પણ છે જ. યાદ આવી ગયું ને? (દેવર્ષિ નારદ કે રાજા કકુદ્મી). આ અને આવી વધુ રોમાંચક ઘટનાઓની વાત આગળના ક્રમે. }
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:પુસ્તક દ્વારા પસંદગી
    Next Article
    દેશ-વિદેશ:અમેરિકા શા માટે યુદ્ધો હારતું રહે છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment