Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:પાયરેટ્સ ઓફ સોમાલિયાઃ સમુદ્રના વાઘે જ્યારે પહેલી વાર ખંડણીનું લોહી ચાખ્યું એ ઘડીની કથા

    7 hours ago

    ધૈવત ત્રિવેદી એક પત્રકારના દૃષ્ટિકોણથી, એક સમાચાર તરીકે મૂલ્યાંકન કરીએ તો એ ઘટના સાવ નાનકડી હતી, પણ એ ઘટનાએ એવાં કહેરનો પાયો નાંખ્યો કે આખી દુનિયા બે-અઢી દાયકા સુધી દરિયે પગ ઝબોળતાં થથરતી રહી. સમુદ્રી વેપાર ઠપ થઈ ગયો. અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ જેવી મહાસત્તાઓ અબજો રૂપિયાની ખંડણી ચૂકવ્યા પછી પણ ત્રાસના આ સરનામાં સામે અરેરાટી કરતી નત-મસ્તક થઈ ગઈ. સમગ્ર વિશ્વને રંજાડનારા આ સમુદ્રી ડાકુઓને નાથવા માટે સોળ-સોળ દેશોના શક્તિશાળી જહાજોએ સંયુક્ત મોરચો માંડવો પડ્યો, છતાં ય એ આસાનીથી ઝબ્બે ન થયા. વાત છે એવા સમુદ્રી ડાકુઓની, જે ખરેખર તો પોતાના અધિકારનું રક્ષણ કરવા જતાં છેવટે લૂંટફાટના રવાડે ચડી ગયા હતા. જુલાઈ, 1993ની એક સવાર. સોમાલિયાના કાંઠા તરફ ત્રણ જહાજ ધસી રહ્યાં હતાં. ‘બાર્ટલર’ નામનું જહાજ સિંગાપોરમાં નોંધાયેલું હતું. અન્ય બે જહાજ એ કંપનીએ ભાડે લીધા હતા. ઓસ્ટ્રેલિયાથી કેટલોક માલ ભરીને નીકળેલાં એ જહાજોએ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ પહોંચવાનું હતું. નિયત થયેલી ખેપ આટલી જ હતી, પણ જહાજનો લાલચુ કપ્તાન અગાઉના બે સફળ અનુભવે વધુ લલચાયો હતો અને તેને લલચાવનારી હતી બે પ્રકારની માછલીઃ યલોફિન અને બીગ આઈ. સોમાલિયા આસપાસના સમુદ્રમાં થતી આ બે પ્રકારની ટૂના માછલી દક્ષિણ અમેરિકી દેશોને દાઢે વળગી હતી અને તેનાં મોં-માંગ્યાં ભાવ મળતાં હતા. આંતરરાષ્ટ્રીય કરાર મુજબ જે-તે દેશના દરિયાકાંઠાથી 12 નોટિકલ માઈલ (આશરે 22 કિલોમીટર) સુધીનો દરિયો એ દેશની માલિકીનો ગણાય. એટલાં દરિયાઈ સંસાધનો પર એ દેશનો અધિકાર કહેવાય. અન્ય દેશના જહાજો અનુમતિ વગર એ જળસીમામાં પ્રવેશી શકે નહિ અને અનુમતિ મેળવ્યા પછી પણ તેમણે માછલી પકડવી હોય તો ટેક્સ ચૂકવવો પડે. અહીં તો આંકડે મધ લબાલબ હતું અને એ પણ માખીઓ વગરનું! સોમાલિયામાં સરકાર જેવું કંઈ હોય તો અનુમતિ લેવાની થાય ને? અને સરકાર જ નથી તો ટેક્સ પણ શેનો ભરવાનો વળી? મહમ્મદ સિઆદ બારી નામનાં તુંડમિજાજી સરમુખત્યારના 22 વર્ષ લાંબા શાસન સામે 1991માં સોમાલિયામાં બળવો થયો. સત્તા તો ઉથલાવી નાંખી, પણ પછી બળવાખોરો પોતે જ અંદરોઅંદર ખુનખરાબા પર ચડી ગયા એમાં આખો ય સોમાલિયા દેશ અનેક છાવણીઓમાં વહેંચાઈ ગયો. હાલત એવી થઈ કે દેશમાં ન કાયદો, ન કાનૂન, ન વ્યવસ્થા, ન શિસ્ત, ન સજા. ધોરી માર્ગોથી માંડીને ગલી-મહોલ્લા સુધી પારાવાર અરાજકતા પ્રવર્તી ગઈ. લડાયક જાતિઓએ જૂથો રચીને પોતપોતાનાં વર્ચસ્વવાળા વિસ્તારોમાં પોતાનું શાસન લાગુ કરી દીધું. સરવાળે, આપણે દર બાર કિલોમીટરે ભાષા બદલાય એમ સોમાલિયામાં સરકારો બદલાવા લાગી. લાઠી તેની ભેંશ, મારે તેની તલવાર એવા બર્બર માહોલમાં સોમાલિયાનો વિશાળ દરિયાકાંઠો સાવ રેઢો થઈ ગયો. પરિણામે બહારના જહાજોને છૂટો દોર મળ્યો. તોતિંગ કદના જહાજો દિવસો સુધી, ખેતરમાં ચરી ખાતાં માતેલાં આખલાની માફક, સોમાલિયાના કાંઠા પર બેરોકટોક ઘૂમતા રહે અને ગંજાવર જાળ ભરી ભરીને માછલીઓ ઉસેટતાં જાય. કાંઠે નાનાં હોડકાં પર બેઠેલાં ગરીબડા સોમાલીઓ મોં વકાસીને જોયા કરે. રાવ કરે તો ય કોને કરે અને મહાકાય જહાજોને રોકવાનું ગજું ય કોનું હોય? ખુદ ‘બાર્ટલર’ જહાજના કપ્તાનનો આ ત્રીજો ફેરો હતો. દર વખતે તે ખેપ કરે એમાં સોમાલિયાથી માછલી પણ ભરતો જાય. નિયત માલસામાન જ્હોનિસબર્ગ ઉતારે અને માછલીઓ બ્રાઝિલમાં જઈને વેચી આવે એટલે તગડો નફો થાય. પણ ‘બાર્ટલર’ને આજનો ફેરો મોંઘો પડવાનો હતો. માછીમારી પર નભતાં કાંઠાના સોમાલીઓએ એકઠાં થઈને નાનાં-નાનાં હોડકાઓ વડે જહાજને ઘેરી લીધું અને કુશળ બાણાવળીની ત્વરાથી તીર-કામઠાંનો મારો અને ગોળીઓની બૌછાર વરસાવી જહાજના એકેય ખલાસીને તુતક પર પહોંચવા ન દીધો. એટલી વારમાં કેટલાંક મછવાઓ સીડી નાંખીને જહાજની અંદર પહોંચી ગયા અને જે સામે દેખાયા એ દરેકને મારવા લાગ્યા. મહિનાઓનું આ ખુન્નસ હતું. ભૂખના માર્યા પીઠ સાથે એક થઈ ગયેલાં પેટ અને બેસી ગયેલાં ગાલ આજે એ સઘળાનો બદલો લઈ રહ્યા હતા. આઠેક લોકોને તેમણે ત્યાં જ ખતમ કરી દીધા. બાકીનાંને બંદી બનાવ્યા. એ કોઈ ભણેલાં ન હતા પણ દરિયાઈ વેપારનો શિરસ્તો તો તેમનાં લોહીમાં હતો. એટલે કપ્તાનને તેની કંપની સાથે સંપર્ક કરવાની ફરજ પાડી અને જહાજ, માલસામાન તેમજ કપ્તાન સહિતના ક્રુને છોડવાના બદલામાં ખંડણી માંગી. કેટલી? ફક્ત 10 હજાર ડોલર! ભલે કપ્તાનની મરજીથી, પરંતુ જહાજ જળસીમામાં ઘુસ્યું હતું. અંદરનો માલસામાન કિંમતી હતો. એથી ય વધુ દરિયાઈ વેપારમાં શાખ જળવાઈ રહે એ જરૂરી હતી, સામે મંગાયેલી ખંડણી સાવ નજીવી હતી એટલે ભીનું સંકેલવાના આશયથી સિંગાપોરની કંપનીએ તરત 10 હજાર ડોલર ચૂકવી આપ્યા. સોમાલીઓએ જહાજ તો છોડી મૂક્યું પણ 10 હજાર ડોલર પકડીને રીતસર હેબત ખાઈ ગયા. 1 ડોલરના 500 સોમાલી શિલિંગ થાય. આ તો જરાક ખુન્નસ ઉભરાયું અને જહાજ પર હુમલો કરી બેઠાં તો સીધા 50 લાખ શિલિંગ રળી બેઠાં...! ઘટના સાવ નાની હતી, પરંતુ વાઘ દ્વારા લોહી ચાખી જવાની એ ઘડી જગત આખાને બહુ ભારે પડવાની હતી. *** જગતના નકશામાં ધ્યાનથી જોશો તો આફ્રિકા ખંડના મધ્ય-પૂર્વ છેડે ભારત ભણી તકાયેલા ખંજર જેવો દેશ દેખાશે એ સોમાલિયા. પારાવાર ગરીબી, લોહીયાળ હિંસા, અરાજકતા અને ભૂખમરાનો પર્યાય મનાતાં ઈથોપિયા અને સોમાલિયામાં ફરક એટલો કે ઈથોપિયા જમીનથી ઘેરાયેલો દેશ છે, જ્યારે સોમાલિયાને ઉત્તર, પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ એમ દરેક છેડે વિરાટ દરિયાકાંઠો મળે છે. ભૌગોલિક સ્થાન પણ અત્યંત વ્યુહાત્મક. રાતા સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડતી સુએઝ નહેર નજીક હોવાથી યુરોપ અને એશિયા વચ્ચેનો જહાજી કારોબાર અહીંથી પસાર થાય. હાલ બહુચર્ચિત હોર્મુઝનો જળખાંચો અને એડનનો અખાત પણ નજીક. એશિયા, યુરોપ અને આફ્રિકાના પ્રતિ વર્ષ આશરે 20,000 જહાજો અબજો ડોલરનો માલસામાન લાદીને પસાર થતાં હોય એવાં સમુદ્રી માર્ગ પર સોમાલિયન ચાંચિયાઓએ અડ્ડો પાથર્યો અને કાળો કેર વર્તાવી દીધો. કવિ ઉમાશંકરની જાણીતી પંક્તિ છેઃ ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે’ એ અહીં શબ્દશઃ સાચી પડી. સોમાલીઓને પોતાના જીવ સિવાય ગુમાવવા જેવું કશું જ ન હતું, અને જીવ તો ભૂખ્યા રહીને, રિબાઈને ગુમાવવાનો જ હતો, તો જોખમ વ્હોરીને સમુદ્રમાં લૂંટફાટ કરવી શું ખોટી? 1993ની પ્રથમ ઘટના તો અધિકાર માટેની પ્રતિક્રિયા હતી, પરંતુ પછી તો કાયદેસરની સંગઠિત ગુનાખોરી શરૂ થઈ. વિવિધ જાતીઓ, કબીલાઓની ગેંગ બની. દરેકે ચાંચિયાગીરી માટે પોતપોતાનો દરિયાઈ વિસ્તાર આંકી લીધો. બાદમાં અલ કાયદા અને અલ શબાબ જેવા આતંકી જૂથો તેમાં જોડાયા. તેને લીધે ચાંચિયાગીરી વધુ આધુનિક બની. આતંકી જૂથો ફાયનાન્સ પૂરું પાડે. તેમાંથી સ્પિડબોટ, જીપીએસ નેવિગેશન સિસ્ટમ, એકે-47થી ગ્રેનેડ સહિતના અત્યાધુનિક હથિયારો વસાવાય અને પગારદાર ચાંચિયાઓ જીવના જોખમે જહાજને ઘેરી લે, કાંઠે લાવવાની ફરજ પાડે પછી લૂંટવા જેવું સઘળું લૂંટી લેવાય. માલસામાન અને બંદી બનાવેલાં લોકોના બદલામાં તગડી ખંડણી વસૂલાય. એક અંદાજ મુજબ, 2013 સુધીમાં સોમાલિયન ચાંચિયાઓએ 550થી વધુ જહાજો લૂંટ્યાં. 125થી વધુ દેશોના 1800 જેટલાં લોકોને બંદી બનાવ્યાં અને સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ, લૂંટ તેમજ ખંડણીની રકમ સ્વરૂપે આશરે 600 મિલિયન ડોલર યાને આજના ભાવે રૂ. 57 અબજ મેળવ્યા. વિકરાળ બનેલાં આ સમુદ્રી ડાકુઓને નાથવા ભારત સહિતના દેશોએ યુદ્ધજહાજો મોકલ્યા એ પછી માંડ શાંત પડેલી આ ચાંચિયાગીરી હવે યમનના હુતિઓના સાથમાં નવેસરથી પાંગરી રહી છે. ગત 22 ઓગસ્ટે ભારતીય ખલાસીઓના બે જહાજો બાનમાં લેવાયાનાં સમાચાર છે. કહેવાય છે કે દરિયાની ભીતર જલતી આગ, વડવાગ્નિ ક્યારેય બૂઝાતો નથી. પેટમાં સળગતી ભૂખની આગ, જઠરાગ્નિ પણ અહર્નિશ છે અને ત્યાં સુધી દરિયે દવ લાગતો જ રહેવાનો છે. } (આવતા રવિવારથી નવી શ્રેણી રોહિંગ્યાઃ મૂળસોતાં ઉખડેલાંની કથા)
    Click here to Read More
    Previous Article
    અપડેટ .:તમારો ફોન તમારી વાતો સાંભળે છે એ વાત કેટલી સાચી?
    Next Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:પુસ્તક દ્વારા પસંદગી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment