Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના .:કાર્પેથિયનની કુંજ ગલીએ

    13 hours ago

    અજયસિંહ ચૌહાણ મનુષ્યમાત્ર કોઈ ને કોઈ રીતે પ્રવાસ કરે છે. મોટા ભાગના લોકો માટે પ્રવાસ દૈનિક ઘટમાળમાંથી નવી હવામાં શ્વાસ લેવાનું કારણ હોય છે. પ્રવાસ માટેનાં નિમિત્ત અનેક હોય છે. એક સમયે નવા નવા પ્રદેશો સર કરવા સૈન્ય અભિયાનો રૂપે પ્રવાસ થતા. ગુજરાતીઓ વેપાર કરવા દૂર દેશાવર દરિયા ખેડતા. અનેક લોકો ધાર્મિક શ્રદ્ધાથી યાત્રા કરતા. આવા પ્રવાસોથી જ સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન થતું. પ્રવાસનો આનંદ હોય એમ ઘણી વાર પ્રવાસનિબંધના વાંચનનો પણ આનંદ હોય છે. ગુજરાતી પ્રવાસ સાહિત્યની તો શરૂઆત જ વિદેશ પ્રવાસનાં વર્ણનોથી થઈ. ગુજરાતી ભાષાનું પહેલું પ્રવાસ પુસ્તક 1861માં ‘ગરેટ બરીટનની મુસાફરી’ નામે ડોસાભાઈ કરાકા પાસેથી મળ્યું. એના ત્રણ વર્ષ પછી 1864માં શેઠ પીરોજશાહ પેસ્તનજીએ અમેરિકાના પ્રવાસનું પુસ્તક લખ્યું. રસપ્રદ વાત તો એ કે એમણે પોતાનું નામ ક્યાંય લખ્યું નહોતું. પછી તો અનેક પ્રવાસ પુસ્તકો લખાયાં. દુનિયાના સાતેય ખંડો વિશે ગુજરાતીમાં પ્રવાસ સાહિત્ય લખાયું. એમાં સૌથી વધુ યુરોપ અને અમેરિકા વિશેનાં પ્રવાસ પુસ્તકો મળે છે. યુરોપમાં પણ ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ યુરોપ વિશે જેટલાં પુસ્તકો મળે છે, એટલાં સ્કેન્ડિનેવિયા કે પૂર્વ યુરોપ વિશેનાં નથી. મહિના પહેલાં જ ગુજરાતીમાં એક પ્રવાસ પુસ્તક પ્રગટ થયું, જેમાં રોમાનિયા અને મોલ્દોવા જેવા ઓછા જાણીતા દેશોની વાત છે. એ પુસ્તક એટલે ‘કાર્પેથિયનની કુંજ ગલીએ’ (પૂર્વ યુરોપનો કલાપ્રવાસ). એના લેખક છે ગુજરાતના જાણીતા ચિત્રકાર કનુ પટેલ. ગુજરાતની કલાભૂમિ વિસનગરમાં 30 નવેમ્બર, 1966ના રોજ જન્મેલા કનુ પટેલ સમકાલીન ભારતીય ચિત્રકળા અને રંગભૂમિના પ્રતિષ્ઠિત કલાકાર છે. બાળપણથી જ ભવાઈ, સંગીત અને ચિત્રકળાના સંસ્કાર મળતાં તેમણે કલાને જીવનનું ધ્યેય બનાવ્યું. કનુ પટેલે ચિત્રકાર, અભિનેતા, આર્ટ ડિરેક્ટર અને દિગ્દર્શક તરીકે અનેકવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. દેશભરમાં પચાસથી વધુ એકલ ચિત્રપ્રદર્શનો અને પંચોતેરથી વધુ સમૂહ પ્રદર્શનોમાં તેમની કૃતિઓ રજૂ થઈ છે. તેમનાં ચિત્રોમાં ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્યજીવન, લોકપરંપરા, માનવીય સંવેદનાઓ અને જીવનદર્શનનો સુંદર સમન્વય જોવા મળે છે. પૂર્વ યુરોપની સૌંદર્યભરી કાર્પેથિયન પર્વતમાળાની ગોદમાં વસેલા રોમાનિયા અને મોલ્દોવા દેશોની યાત્રાનું નિમિત્ત કળાનું આદાન-પ્રદાન છે. કનુ પટેલની યાત્રાના સહયાત્રીઓ છે ભોપાલનાં જાણીતાં ચિત્રકાર કુસુમલતા શર્મા, રામ વિરંજન અને સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટના નિયામક પ્રો. હિમ ચેટરજી. ઓગણીસ દિવસની આ યાત્રાનું વર્ણન રોજનીશી રૂપે થયું છે. કનુ પટેલ ચિત્રકાર છે, એટલે એમની ભાષામાં રંગોનો વૈભવ છે. વનો, પર્વતોમાં ઊગતી સવારો અને સાંજો, પાનખરના રંગોથી શોભતાં વૃક્ષો, પૂર્વીય યુરોપનાં મધ્યકાલીન દેવળો, સ્થાનિક કળાકેન્દ્રો અને વિશ્વવિદ્યાલયો આ પુસ્તકના કેન્દ્રમાં છે. એ લખે છે: ‘બુઝાઉ પાછળ રહી ગયું હતું અને અમારી ગાડી ધીમે ધીમે રોમાનિયાના આંતરિક પ્રદેશોમાં પ્રવેશી રહી હતી. માર્ગની બંને બાજુ વિસ્તરતાં દૃશ્યો જાણે એક પછી એક નવાં ચિત્રો ખોલી રહ્યાં હોય તેમ લાગતાં હતાં. સમતળ મેદાનો પાછળ છૂટી રહ્યાં હતાં અને સામે કાર્પેથિયન પર્વતમાળાની ધૂંધળી રેખાઓ દેખાવા લાગી હતી. પાનખરના દિવસોમાં સમગ્ર પ્રકૃતિ રંગોના ઉત્સવમાં મગ્ન હતી. ક્યાંક સુવર્ણ પીળાં પર્ણો સૂર્યપ્રકાશમાં ઝળહળી ઊઠતાં હતાં, ક્યાંક તામ્રવર્ણી પડતાં વૃક્ષો કોઈ ચિત્રકારની પીંછીના ઘાટ જેવાં લાગતાં હતાં, તો ક્યાંક નારંગી અને લીલા રંગોનું અદભુત સંયોજન જોવા મળતું હતું.‘ અહીં જેમ જેમ આગળ જઈએ તેમ વર્ણનો એકવિધતાભર્યાં થતાં જાય છે. ચિત્રકાર વેરાના ઘરની મુલાકાત લેખક માટે જીવનભરનું સંભારણું બની જાય છે. લખે છે: ‘એક કલાકારનું ઘર તેના મનનું વિસ્તરણ હોય છે. વેરાના ઘરમાં પ્રવેશતાં એવું લાગતું હતું કે તેની કલ્પનાઓ દીવાલો પર ઊતરી આવી છે.‘ મોલ્દોવાની એક કાર્યશાળામાં સ્થાનિક વિદ્યાર્થીઓ સહભાગી થયા હોય છે. એમાં એક ભારતીય વિદ્યાર્થિનીએ ગીત રજૂ કર્યું. ત્યારબાદ રામ વિરંજને વાંસળીના સૂર રેલાવ્યા. કુસુમલતાએ શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું.’ એ ક્ષણોની વાત કરતાં કનુ પટેલ લખે છે: ‘સંગીત, નૃત્ય અને ભાવના—આ ત્રણેય તત્ત્વો એકરૂપ થઈ ગયાં હતાં. ઉપસ્થિત વિદ્યાર્થીઓ માટે આ માત્ર એક પ્રસ્તુતિ ન હતી; તે ભારતીય સંસ્કૃતિનો જીવંત પરિચય હતો. આ ત્રિવિધ રજૂઆત—ગીત, વાંસળી અને નૃત્ય—એ કાર્યક્રમને એક યાદગાર સાંસ્કૃતિક ઉત્સવમાં પરિવર્તિત કરી દીધો.’ એ પછી વિદ્યાર્થીઓ સાથે સંવાદ થાય છે. મોલ્દોવાના વિદ્યાર્થીઓ વિશેનું નિરીક્ષણ માર્મિક છે: ‘મોલ્દોવાના વિદ્યાર્થીઓની એક વિશેષતા ધ્યાન ખેંચતી હતી—તેમની જિજ્ઞાસા. તેઓ માત્ર સાંભળતા ન હતા, પરંતુ સતત પ્રશ્નો પૂછતા હતા. કળાની ભૂમિકા, આધુનિક જીવનમાં તેની જરૂરિયાત, કળા અને આધ્યાત્મિકતા વચ્ચેનો સંબંધ તથા વિવિધ સંસ્કૃતિઓના સૌંદર્યદૃષ્ટિકોણ અંગે તેમણે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. આ સંવાદને કારણે સમગ્ર સત્ર જીવંત અને અર્થસભર બની ગયું.’ કિશિનાઉની યુનિવર્સિટીમાં લેખકનાં ચિત્રો વેચાયાં એ સંવેદનને યાદ કરતાં લખે છે: ‘મારાં ચાર ચિત્રો વેચાયાં. વધારાનાં સાત ચિત્રો ગેલેરીમાં કન્સાઇનમેન્ટ માટે મૂકવામાં આવ્યાં. જ્યારે ચિત્રો તેમના હાથમાં સોંપતો હતો ત્યારે મનમાં એક અજીબ લાગણી ઉદ્ભવી. વર્ષો પહેલાં કોઈ શાંત સાંજે કે એકાંતભરી રાત્રે સર્જાયેલાં એ ચિત્રો હવે એક નવા દેશના નવાં ઘરોમાં પોતાનું જીવન શરૂ કરવા જઈ રહ્યાં હતાં. કલાકારની કૃતિઓ પણ જાણે સંતાનો જેવી હોય છે. તેઓ એક દિવસ પોતાના સર્જકના હાથમાંથી નીકળી દુનિયાની યાત્રા પર નીકળી પડે છે. પછી તેઓ ક્યાં જાય છે, કોને સ્પર્શે છે અને કયા જીવનનો ભાગ બને છે તેની ખબર રહેતી નથી. પરંતુ તેમની યાત્રા ચાલુ રહે છે.’ આ પ્રવાસ પુસ્તકનું અંતિમ વાક્ય છે: ‘રોમાનિયા હવે પાછળ રહી ગયું હતું, પરંતુ તેની સંસ્કૃતિ, તેની કળા, તેના લોકો અને તેની સાથે જોડાયેલી અસંખ્ય સ્મૃતિઓ જીવનના કેનવાસ પર ચિરંજીવ રંગોની જેમ અંકિત થઈ ગઈ હતી.’ }
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં . અરવિંદ બારોટ:સોનાનાં બોર
    Next Article
    સમયાંતર:વાંસળીનો 50,000 વર્ષ જૂનો ઇતિહાસ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment