Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિફ્લેક્શન:સંવેદનાના રંગો ફિક્કા પડતા જાય છે

    8 hours ago

    નમ્રતા દેસાઈ હ મણાં થોડા સમય પહેલાં CNNના ન્યૂઝમાં હમાસના યુદ્ધમાં બંદી બનાવેલી કેટલીક સ્ત્રીઓને જ્યારે છોડવામાં આવી, ત્યારે એમનાં મુખ પર જે નિર્દોષ સ્મિત રમતું હતું એ જોઈને થોડાં ગળગળાં થઈ જવાયું. આટલી મોટી પીડામાં પણ તેમનાં સ્મિતમાં જીવનને ચાહવાની એક આશા છલકાતી હતી. જ્યારે એનાથી બિલકુલ વિરુદ્ધ, તાજેતરમાં જ જંતર-મંતર પર થયેલી પ્રદર્શનની ઘટનાઓએ ફરી એકવાર આપણને વિચારવા મજબૂર કર્યાં કે પીડાનું શમન શું ગુસ્સો, તોડફોડ અને હિંસાથી જ કરી શકાય? જે માણસ ચાહે છે એને ભય નથી હોતો, એ છતાં માનવજાતના ઇતિહાસમાં મહાભારત, રામાયણથી શરૂ કરીને યુક્રેન અને રશિયા હોય, યુ.એસ. અને ઈરાન હોય કે ભારત-પાકિસ્તાન કે પછી બે સમાજ કે બે કોમ હોય! યુદ્ધ અને લડાઈ-ઝઘડાઓના અસંખ્ય પ્રસંગો તથા ઘટનાઓથી હવે આપણને ઝાઝો ફરક નથી પડતો. આપણો અંતરાત્મા હવે આ બધાંથી ટેવાઈ ગયો છે. રોજેરોજ અખબારો અને ટીવીમાં આવતા યુદ્ધના સમાચારો, નાની-નાની બાબતોમાં હત્યા, બળાત્કાર, આત્મહત્યા જેવું કંઈ કેટલુંય બધું ભીતરથી આપણને હલબલાવી નાંખવાને બદલે, આપણે તો યંત્રવત્ રીતે જીવી રહ્યાં છીએ. 24 કલાકમાં જ મન અને મગજ એને ભૂલીને કંઈક નવું શોધવાની વેતરણમાં પડી જાય છે. કેમ ભીતર ફરક પડતો ઓછો થવા લાગ્યો? અને માનો કે થોડાં લોકોને ફરક પડતો પણ હોય, છતાં સામે એને સમજવાવાળા નથી હોતા. શાસ્ત્રોમાં સત્ય-સત્ત્વ તો એવું છે કે ‘પ્રેમથી છલકાતો માણસ કદીય બેસૂરો ન વાગે’, કારણ કે એ એની પોતાની ભીતર જ એક નિરંતર લય જોડે વહેતો હોય છે. ત્યારે સતત લડાઈ-ઝઘડાના માહોલમાં માણસ પોતાનું માણસપણું છોડીને પોતાનું વર્ચસ્વ જમાવવાના જે ઉધામા મચાવે, ત્યારે સંવેદનશીલ માણસો ભાંગી પડતા હોય છે. ભલે આવા કરુણાસભર અને દયાળુ માણસોની ટકાવારી દુનિયામાં ઓછી છે, પરંતુ જીવન આવાં થોડાં લોકોને લઈને જ જીવવા જેવું લાગતું હોય છે. વાતે વાતે તોડી પાડતા, વાતે વાતે અપમાન કરતા અને વાતે વાતે મારામારી ને હત્યાઓ સુધી પહોંચી જતા લોકો ભીતર કેટલો બધો નફરતનો દાવાનળ લઈને જીવતા હોય છે! આમ તો મોટાભાગના માણસોનું જીવન ‘લવ એન્ડ હેટ’માં જ વીતી જાય છે. સંબંધમાંથી સ્વાર્થ પૂરો થઈ જાય પછી એ જ સંબંધ એમના માટે બોજો બની જાય છે. આમ પણ પ્રેમ અને ધિક્કારનો નાતો હીંચકાની ગતિ જેવો હોય છે. જેટલી મોટી ઠેસ વાગે, એટલો જ એ આઘો જાય. આ વિશ્વમાં સૌથી કઠિન જો કંઈ હોય તો એ બે મનુષ્ય વચ્ચેનો સંબંધ છે. એ ક્યારે નજીક આવે અને ક્યારે દૂર ચાલ્યો જાય એની ખબર પડે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જાય છે. એ કઈ રીતે વિકસે અને કઈ રીતે વણસે એની ગણતરી નથી થઈ શકતી. ક્યારેક સમય ખરાબ હોય તો ક્યારેક ગ્રહો નડતા હોય, તો વળી ક્યારેક સમાજ આડો આવે છે અને મોટાભાગે તો આપણો અહંકાર અને સ્વભાવ આડો આવે છે. તો ક્યારેક આ બધું પેઢી દર પેઢીથી ચાલતું આવતું હોય છે, પણ જતું કરવું, ભૂલી જવું, માફ કરી દેવું- એ બધા સંસ્કારો વિસરાતા ચાલ્યા. કોઈ આપણું બૂરું બોલે કે બૂરું કરે ત્યારે ખૂબ મોટી ઠેસ વાગે. આત્મસન્માનની ભાવના હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ અહંકારનો હુંકાર થાય ત્યારે અધધધ... પીડા પહોંચે! સામેવાળાની સાથે આપણી જાત ઉપર પણ ગુસ્સો આવે, ગિલ્ટ અનુભવાય કે નિરાશા ઉદભવે, પણ ગીતામાં ભગવાને કહ્યું છે તેમ, જીવનમાં સ્થિતપ્રજ્ઞતા કદાચ ન કેળવાય, પણ જો આપણે એ વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી આપણો જીવ જ કાઢી નાંખીએ તો! પરંતુ આપણને તો વિચારી-વિચારીને સતત વાતને મોટી કરીને પકડી રાખવાની ટેવ પડી ગઈ હોય છે; એટલે ઘૃણા, તિરસ્કાર, ગુસ્સો, અકળામણ કંઈ કેટલુંય ભીતર ને ભીતર કોરી ખાએ ને પછી એ માનસિક-શારીરિક રોગમાં પરિવર્તિત થાય. એટલે વળી સામો પ્રહાર કરે! આમાં તો માણસજાતને જ એકલી પાડી પોતાની આગળ હલકો પડી જાય. અને જે માણસ પોતાના આત્માની કે મનની ઈજ્જત કરી શકે, એ જ બીજાની ઈજ્જત કરી શકે. આજે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં સોશિયલ મીડિયા પર શબ્દો પણ ક્યારેક હથિયાર બની જાય છે. અસહમતી વ્યક્ત કરવી જરૂરી છે, પરંતુ માનવતા ગુમાવીને નહીં. જો આપણા શબ્દોમાં દયા હશે, આપણા વિચારોમાં કરુણા હશે અને આપણા વર્તનમાં અહિંસા હશે, તો મતભેદો પણ સંવાદમાં પરિવર્તિત થઈ શકશે! પ્રેમથી ચડિયાતું જગતમાં સર્વશ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. ખોબા ભરીને પ્રેમ આપવાથી દરિયા જેટલો પ્રેમ સામેથી મળે જ. અને જરૂરી નથી કે આપણા જ માણસો થકી મળે, પરમાત્મા કોઈ બીજા સ્વરૂપે પણ પ્રેમ આપતો રહે છે. પણ આપણે એને ઓળખી શકવામાં થાપ ખાઈ જઈએ છીએ, કારણ કે પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જ એ કરુણાનું રૂપ ધારણ કરે છે. મતલબી મૌન રહેવા કરતાં મનને શાંત કરવું હોય તો ભીતર ચાલતી કચકચ પણ બંધ કરવી પડે. બાકી માણસને ચાહવું સાવ સરળ છે અને માણસને ધિક્કારવું ખૂબ કઠિન છે. કેટલાં બધાં કાવાદાવા, પેંતરા, નિંદા, રાજરમત કરવી પડે! હવે આપણે જ નક્કી કરવું પડે કે માનવ તરીકે ચાહવાના સરળ રસ્તા પર ચાલવું કે ધિક્કારના કઠિન માર્ગ પર?
    Click here to Read More
    Previous Article
    22 साल छोटी श्रेया कालरा को किस करने के विवाद पर राम कपूर ने तोड़ी चुप्पी, कहा- मैं नहीं बदलने वाला
    Next Article
    બનાવેલા કેટલાક અબજોપતિઓ:AI યુવાનોને અબજોપતિ બનાવતો જાદુ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment