Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:ભાવનગરના શિલ્પકાર: ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

    8 hours ago

    ધ ગ્લોરી ધેટ વૉઝ ગુર્જર દેશ’ ભાગ-3નાં પૃષ્ઠ 21 અને 22 ઉપર ક. મા. મુનશીએ લખ્યું છે, ‘વડનગર અથવા આનંદપુરના બ્રાહ્મણો નાગરો તરીકે ઓળખાતા. તેમણે વિદ્વત્તા, રાજ્ય પ્રકરણ તથા યુદ્ધનાં ક્ષેત્રોમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.’ સ્કંદપુરાણનો પાંચમો ખંડ ‘નાગર ખંડ’ છે અને નાગર ખંડમાં નાગરોની ઉત્પત્તિ વિશે ઘણી વિગતવાર માહિતી ઉપલબ્ધ છે. 279 અધ્યાયમાં અનેક વર્ણન કરવામાં આવ્યાં છે જેમાંની એક કથા બહુ રસપ્રદ છે. દક્ષ પ્રજાપતિએ શંકરને-મહાદેવને યજ્ઞના આમંત્રણમાંથી બાદ કર્યા, અમાન્ય રાખ્યા. તેથી મહાદેવે અન્ય છ બ્રાહ્મણોને મૃત્યુલોકમાં મોકલ્યા. જેમને નાગલોક સાથે વારંવાર કલહ થવા લાગ્યો, પરંતુ અંતમાં સ્કંદપુરાણના નાગર ખંડ, અધ્યાય-31 અનુસાર બ્રહ્માએ જરત્કારુ નામના દ્વિજ (બ્રાહ્મણ) સાથે જરત્કન્યા નામની નાગકન્યાને પરણાવવાનો આદેશ આપી મહાદેવે નાગકન્યાને પરણાવી કલહનો અંત આણ્યો. બ્રહ્માએ સૌપ્રથમ હાટકેશ ક્ષેત્રમાં હાટકેશ્વરના મંદિરની સ્થાપના કરી. ‘સ્કંદપુરાણ’ પ્રમાણે બ્રહ્માએ લિંગના આકારનું સુવર્ણ (હાટક) લઈ તેનું લિંગ બનાવીને સ્થાપિત કરી શુભ-નાદ વડે ગર્જના કરતાં બોલ્યા હતા, ‘મારા થકી હાટકથી (સુવર્ણથી) નિર્માણ થયેલા આ આદ્ય-લિંગ સર્વત્ર તથા પાતાળમાં પણ ‘હાટકેશ્વર’ના નામથી પ્રખ્યાત થશે. જેઓ તેમનું પૂજન કરશે તે પરમગતિને પામશે. નિત્ય શ્રદ્ધાયુક્ત ચિત્ત વડે શિવલિંગનું પૂજન કરનારે મહેશ-વિષ્ણુ-બ્રહ્મા એમ ત્રણેયને પૂજ્યા બરાબર ગણાશે.’ હાટક એટલે સુવર્ણ... હાટકેશ્વરમાં શિવલિંગ સોનાનું બનાવ્યું જેનું પૂજન દેવો તથા નાગર બ્રાહ્મણોએ પ્રારંભ કર્યું. જે મંદિર આદિ-અનાદિકાળથી હાટકેશ્વર મંદિરને નામે જ આજે પણ ઓળખાય છે. કહેવાય છે કે, નાગર જાતિને ભગવાન શંકરે તેમના અને ઉમાના લગ્ન ઉત્સવના સમયે હાટકેશ્વર ક્ષેત્ર જેમાં આજના વડનગરનો સમાવેશ થાય છે તે ભેટમાં આપ્યું હતું. ત્યાંના નાગરવાડામાં જન્મેલા અને ભાવનગરના ભવિષ્યને જેમણે પોતાની દીર્ઘદૃષ્ટિથી ઘડ્યું એવા ગૌરીશંકર ઉદયશંકર ઓઝા (ગ. ઉ. ઓઝા)ને આજે યાદ કરવાનું નિમિત્ત એ છે કે, 21 ઑગસ્ટ, 1805 એમનો જન્મદિવસ છે. આજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી ઇતિહાસને સમજવો બહુ જરૂરી છે કારણ કે, ભાવનગર આજથી 200 વર્ષ પહેલાં પણ એક મહત્ત્વપૂર્ણ રાજ્ય હતું. દેશી રાજ્યોમાં પોતાની મૂડીથી પહેલી રેલવે ભાવનગરે ઊભી કરી. બ્રિટિશ સરકારની મદદ લીધા વગર પોતાનું રેલવે નેટવર્ક ઊભું કરવું એ પોતાના સમયની અદભુત સિદ્ધિ ગણી શકાય. 1882માં સૌરાષ્ટ્રની પહેલી જાહેર લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી. ‘બાર્ટન લાઇબ્રેરી’ આજે પણ ગુજરાતની સૌથી સમૃદ્ધ અને હેરિટેજ લાઇબ્રેરીઓમાંની એક છે. 1885માં શામળદાસ કૉલેજ, પશ્ચિમ ભારતની સૌથી જૂની કૉલેજોમાંની એક છે. જેમાં મહાત્મા ગાંધીએ મેટ્રિક પછીનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ભાવનગરના રાજવી ભાવસિંહજીના પૌત્ર વખતસિંહજી સાહસિક અને પરાક્રમી હતા. 1745થી 1816 દરમિયાન એમણે વેપારને ઉત્તેજન આપ્યું. રાજ્યની આબાદી વધારી. એમના રાજ્યકાળ દરમિયાન ગ. ઉ. ઓઝાનો જન્મ ઘોઘામાં 1805માં થયો. 1818માં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમણે કાપડની દુકાન કરવાનું નક્કી કર્યું. જોકે પૂરતી મૂડીના અભાવે કાપડની દુકાન સમેટી લેવી પડી. એ પછી એમનો ઉછેર મામા-મામી ભવાનીદાસ અને આદિત્યબાની સાથે થયો. એમની ધર્મવૃત્તિ આદિત્યબા પાસેથી મળી. વખતસિંહજી પછી ચાર ભાવનગર નરેશ થયા: વિજયસિંહજી, અખેરાજજી, જસવંતસિંહજી, તખ્તસિંહજી. પછી મહારાજા ભાવસિંહજી દ્વિતીય અને એ પછી કૃષ્ણકુમારસિંહજી ગાદી પર આવ્યા. 16 વર્ષની વયે રાજ્યની સેવામાં 75 રૂપિયાના પગારથી ગ. ઉ. ઓઝાએ નોકરી લીધી (1821). એમના મામા સેવકરામ દેસાઈ પીઢ અને અનુભવી દીવાન હતા. સેવકરામજી જ્યારે વૃદ્ધ થયા ત્યારે 1847માં ગ. ઉ. ઓઝા દીવાન થયા. તખ્તસિંહજીની સગીર અવસ્થામાં પણ એમણે ભાવનગરનું હિત સચવાય એવાં કામ કર્યાં. 5 રાજવીઓના કાર્યકાળમાં જેમણે દીવાન તરીકે કામ કર્યું એવા ધર્મબુદ્ધિ, ધૈર્યમૂર્તિ, ખંત અને પ્રામાણિકતાનું ઉદાહરણ એટલે ગ. ઉ. ઓઝા. ઇતિહાસકારો એમને ‘ભાવનગરના ચાણક્ય’ કહે છે. 1847થી 1879 સુધી એ ભાવનગર રાજ્યના દીવાન રહ્યા. દેશી રાજ્યો પોતાની પર્સનલ આરબ સૈનિકોની ફોજ રાખતા. એને ‘સીબંદી’ કહેવાતી. એના સરદારો જમાદાર નાસીર અને જમાદાર સાલેભાઈએ પોતાના ચઢી ગયેલા પગાર બદલ મહુવા બંદરને બળજબરીથી કબજે લીધું હતું. 1851માં ગૌરીશંકર ઓઝાએ એમની સાથે સમાધાન કર્યું એટલું જ નહીં, બંને પક્ષનું વાજબી હિત સચવાય એવી રીતે રાજાનું સૌથી મહત્ત્વનું બંદર મુક્ત કરાવ્યું. બ્રિટિશ સત્તાધારીઓની ગર્વિષ્ઠતા, કુટિલતાની સામે ભાવનગરનું હિત અને ગૌરવ ન ઝંખવાય એવી રીતે પત્રવ્યવહાર, મુલાકાત, નજરાણાં કે ક્યારેક કડક હાથે કામ લઈને પણ રાજ્યએ ગુમાવેલાં 116 ગામો પાછાં લીધાં. જૂનાગઢ સાથે 76 ગામોની વહેંચણીની તકરારનો નિવેડો લાવીને 60 ગામ પાછાં લીધાં. આના બદલામાં એમને ‘તુરખા’ ગામ ઇનામમાં મળ્યું હતું. એ સમયમાં આશરે 6 લાખ રૂપિયા ખર્ચીને તળાવ બંધાવ્યું, જે આજે ગૌરીશંકર તળાવ અથવા ‘બોરતળાવ’ તરીકે ઓળખાય છે. ભાવનગરને લાંબા સમય સુધી પીવાનું પાણી પૂરું પાડવાની મહત્ત્વની કામગીરીમાં ગ. ઉ. ઓઝાની દીર્ઘદૃષ્ટિને પ્રણામ કરવા પડે. 1860માં ‘છગનભાઈ દેસાઈ લાઇબ્રેરી’ની સ્થાપના કરી જે આગળ જઈને ‘બાર્ટન લાઇબ્રેરી’ બની. રાજકોટની ‘રાજકુમાર કૉલેજ’ સ્થાપવામાં પણ એમનું નોંધપાત્ર યોગદાન હતું. સૌરાષ્ટ્રના રાજાઓના પુત્રો ભણે અને પોતાનો વહીવટ જાતે કરે એ માટે ખાસ રાજવીઓના શિક્ષણ માટેની કૉલેજ સ્થાપવાનું કારણ એ હતું કે સામાન્ય લોકો સાથે રાજવીઓ ભણવા માગતા નહોતા જેને કારણે રાજવીઓનું શિક્ષણ અધૂરું રહી જતું. ગ. ઉ. ઓઝાએ રાજાઓના પુત્રો ભણે એ માટે નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યો. એ સમયના પોલિટિકલ એજન્ટ કર્નલ એન્ડર્સને ગૌરીશંકર ઓઝાને નિવૃત્ત કરવા જોઈએ એવો કાગળ લખ્યો ત્યારે રાજ્યમાં તપાસ કરવા આવેલા સર સીમોર ફિટ્ઝગેરાલ્ડે ગ. ઉ. ઓઝાનાં વખાણ કર્યાં. એમનો બાહોશ વહીવટ, એમની યાદશક્તિ અને સમજનાં વખાણ કર્યાં, પરંતુ આ બનાવ પછી એમણે નિવૃત્તિ અથવા વાનપ્રસ્થનો સ્વીકાર કર્યો. ગ. ઉ.ભાઈની વાડીમાં એમણે શાસ્ત્રોક્ત રીતે સંન્યાસ સ્વીકારીને સ્વામી સચ્ચિદાનંદ નામ ધારણ કર્યું. મહારાણીના પુત્ર પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરે એમના આશ્રમે આવીને એમની મુલાકાત લીધી હતી. પહેલી ડિસેમ્બર, 1891ના રોજ એમનું અવસાન થયું.
    Click here to Read More
    Previous Article
    Michael OTT Release: When, Where To Watch Jaafar Jackson Starrer, Biopic On King Of Pop?
    Next Article
    માનસ દર્શન:શિવતત્ત્વ સર્વોપરી છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment