Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિટાયરમેન્ટ:ગૃહિણી ક્યારેય નિવૃત્ત થાય છે ખરી?

    1 day ago

    સવારે સાડા છ વાગ્યા છે. ઘરના બધા સભ્યો હજુ ઊંઘમાં છે. બહાર આકાશમાં હજી અંધકારનું સામ્રાજ્ય છે. પરંતુ રસોડામાં ગેસ લાઇટરનો અવાજ સંભળાય છે. 60 વર્ષનાં સોનલબેન ધીમે ધીમે ચા મૂકે છે. ઉંમરના કારણે હાથ થોડા ધ્રૂજે છે, ઘૂંટણમાં દુખાવો રહે છે, છતાં તેમની સવાર છેલ્લા ચાલીસ વર્ષથી લગભગ એકસરખી જ છે. થોડીવારમાં તેમના પતિ અખબાર હાથમાં લઈને હોલમાં આવે છે. બે વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે. હવે તેમની સવાર નિરાંતથી પસાર થાય છે. ચાનો પહેલો ઘૂંટડો પીતા તેઓ પ્રેમથી કહે છે, ‘સોનુ, હવે તું પણ આરામથી બેસ ને.’ સોનલબેન સ્મિત કરે છે, ‘હજુ ઘરમાં ઘણાં કામ બાકી છે. એ પતાવીને બેસું.’ પતિ હળવી મજાકમાં પૂછે છે, ‘સારું, પણ તારું રિટાયરમેન્ટ ક્યારે છે?’ સોનલબેન એક ક્ષણ માટે અટકે છે. પછી શાંતિથી કહે છે, ‘ગૃહિણી કદી નિવૃત થતી નથી, માત્ર તેની ઉંમર વધતી જાય છે.’ આ એક વાક્યમાં લાખો ભારતીય મહિલાઓનું આખું જીવન સમાઈ જાય છે. આપણે જીવનમાં અનેક લોકોને નિવૃત્ત થતા જોઈએ છીએ. ઓફિસમાં વિદાય સમારંભ થાય છે, ફૂલો અપાય છે, વર્ષોની સેવાના બદલામાં સન્માન મળે છે. પરંતુ ઘરને આખી જિંદગી જીવંત રાખનાર ગૃહિણી માટે નિવૃત્તિનો કોઈ દિવસ નથી. કોઈ વિદાય સમારંભ નથી, કોઈ પેન્શન નથી અને ઘણી વખત તો ‘આભાર’ના બે શબ્દો પણ નથી. ગૃહિણી માત્ર રસોઈ બનાવતી વ્યક્તિ નથી. તે ઘરની સૌથી મોટી મેનેજર, આવક પ્રમાણે ખર્ચ ગોઠવતી અર્થશાસ્ત્રી, બાળકોની પ્રથમ શિક્ષિકા, વડીલોની સંભાળ રાખતી નર્સ, ઘરના દુઃખ-સુખની કાઉન્સેલર અને આખા પરિવારને બાંધી રાખતી અદૃશ્ય દોરી છે. આજકાલ મનોવિજ્ઞાનમાં એક શબ્દ બહુ ચર્ચાય છે-‘મેન્ટલ લોડ.’ એટલે કે માત્ર કામ કરવાનો ભાર નહીં, પરંતુ આખા ઘરની દરેક જવાબદારી સતત મનમાં રાખવાનો અદૃશ્ય બોજ. ગેસનું બિલ ક્યારે ભરવાનું, બાળકના પ્રોજેક્ટ માટે શું જોઈએ, દાદાની દવા ક્યારે પૂરી થશે, મહેમાનોની સરભરાની તૈયારી, ફ્રિજમાં શું ખૂટે છે, વગેરે આ બધું ગૃહિણીના મનમાં સતત ચાલતું હોય છે. આ માટે કોઈ પગાર નથી, છતાં ચોવીસ કલાકની જવાબદારી તો છે જ. ભારતીય સંસ્કૃતિમાં આપણે મહિલાને ‘અન્નપૂર્ણા’, ‘ગૃહલક્ષ્મી’ અને ‘શક્તિ’ જેવા આદરભર્યા નામો આપીએ છીએ. પરંતુ, એવું લાગે છે કે આ આદર માત્ર શબ્દોમાં જ રહે છે? શું આપણે તેના સમય, આરામ, આરોગ્ય કે સપનાઓને પણ એટલું મહત્વ આપીએ છીએ? જો ઘરના દરેક સભ્ય થોડું ઘરકામ પોતાની જવાબદારી માની લે, તો કદાચ ગૃહિણીને મળતી સૌથી મોટી ભેટ એ જ બની શકે. વિશ્વના અનેક અભ્યાસો દર્શાવે છે કે ગૃહિણી દ્વારા ઘરમાં થતું કામ અર્થવ્યવસ્થામાં અદૃશ્ય છતાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. જો રસોઈ, સફાઈ, બાળકોની દેખભાળ અને વૃદ્ધોની સેવા માટે અલગ-અલગ લોકોને રાખવા પડે, તો સામાન્ય પરિવારનો માસિક ખર્ચ અનેક ગણો વધી જાય, છતાં આ શ્રમનું મૂલ્ય ઘણીવાર અપેક્ષાઓમાં જ જીવતું રહે છે. આજે ઘણાં સંતાનો નોકરી કે વ્યવસાય માટે બીજા શહેરમાં કે વિદેશમાં સ્થાયી થયા હોવાથી નિવૃત્ત માતાપિતા એકલાં રહે છે.આવી સ્થિતિમાં ગૃહિણીની જવાબદારીઓ ઘટવાને બદલે વધે છે. ઘરકામ માટે કામવાળા હોય તો પણ ઘરની સમગ્ર વ્યવસ્થાની જવાબદારી તેના ખભા પર જ રહે છે. નિવૃત્તિનો અર્થ માત્ર નોકરી છોડવો નથી. વર્ષોના પરિશ્રમ પછી આરામ, આદર અને પોતાના માટે જીવવાનો અધિકાર પણ છે. કદાચ ગૃહિણીને ક્યારેય નિવૃત્તિ નહીં મળે. પરંતુ જો પરિવારના અન્ય સભ્યો પણ તેની જવાબદારીઓ વહેંચે, તેને પોતાના શોખ માટે સમય આપે, ક્યારેક તેના માટે ચાનો કપ બનાવી આપે અને પ્રેમથી કહે, ‘આજે તમે બેસો, અમે સંભાળી લઈશું.’ તો એ કદાચ કોઈપણ પેન્શન કરતાં મોટું સન્માન હશે. સદભાગ્યે સમય બદલાઈ રહ્યો છે. આજે ઘણા યુવા દંપતીઓ ઘરકામને માત્ર મહિલાની ફરજ નહીં, પરંતુ બંનેની સંયુક્ત જવાબદારી માને છે. આવતીકાલે સવારે જ્યારે તમે ચાનો કપ હાથમાં લો, ત્યારે એકવાર રસોડા તરફ નજર કરજો. કદાચ ત્યાં એવી વ્યક્તિ ઊભી હશે, જેણે આખું જીવન બીજાના સુખ માટે જીવ્યું છે અને આજે પણ તે ફરજ પર છે. કદાચ ત્યારે તમારા મનમાં પણ એક પ્રશ્ન ઊભો થશે-ગૃહિણી ક્યારેય નિવૃત્ત થતી નથી, કે પછી આપણે જ તેને ક્યારેય નિવૃત્ત થવા દેતા નથી? - યોગીન વ્યાસ
    Click here to Read More
    Previous Article
    ફેશન:કફ્તાન : કમ્ફર્ટ સાથે સ્ટાઇલનું પરફેક્ટ ફ્યુઝન
    Next Article
    પરખ:તમે તમારા જીવનમાં કેટલાં પ્રામાણિક છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment