Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાલમાં ઉપસરપંચ પર હુમલાને પગલે ગામ સજ્જડ બંધ:ઉપસરપંચ વિઠ્ઠલ કાપડિયા પર વેરા નોટિસ મામલે હુમલો: આરોપીઓનો વરઘોડો કાઢવા માગ સાથે ગામ સજ્જડ બંધ, હાઈવે ચક્કાજામની ચીમકી, પોલીસે એક આરોપીની ધરપકડ કરી

    19 hours ago

    ​જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ પર થયેલા હિંસક હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગ્રામ પંચાયત દ્વારા વેરો ભરપાઈ કરવા અંગે આપેલી નોટિસ અને અવારનવાર કરાયેલી રજૂઆતોનું મનદુઃખ રાખીને અસામાજિક તત્વો દ્વારા ઉપસરપંચ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં સમગ્ર વડાલ ગામના વેપારીઓ અને ગ્રામજનોએ સ્વયંભૂ વેપાર-ધંધા બંધ રાખીને રોષપૂર્વક સજ્જડ વિરોધ નોંધાવ્યો છે. ​ઘટનાની વિગત મુજબ, વડાલ રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા અને ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવતા વિઠ્ઠલભાઈ મનસુખભાઈ કાપડીયા પર વડાલ બસ સ્ટેન્ડ નજીક આ હુમલો થયો હતો. ઉપસરપંચે ગામના જ પારસભાઈ રમેશભાઈ કાપડીયાને ગ્રામ પંચાયતનો બાકી વેરો ભરપાઈ કરવા વારંવાર ટકોર કરી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી પારસ કાપડીયાએ ઉપસરપંચ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. એવામાં તેનો સાગરીત મહેશ ખોડભાયા પોતાની સફેદ રંગની ફોર વ્હીલ કાર લઈને ત્યાં આવી પહોંચ્યો હતો અને લાકડી વડે ઉપસરપંચ પર તૂટી પડ્યો હતો. આ હુમલામાં ઉપસરપંચના ડાબા હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી તેમજ વાસાના ભાગે માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો આચર્યો હતો. ​આ ઘટના અંગે જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદના આધારે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી પારસ રમેશભાઈ કાપડીયા અને મહેશ ખોડભાયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગેરકાયદે હુમલો કરવા, ઈજા પહોંચાડવી, ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તથા જીલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ કેસ દાખલ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર એક આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ​હુમલાની આ ઘટના બાદ વડાલ ગામના સ્થાનિકો, હોદ્દેદારો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.પ્રફુલ્લ દોમડિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉપસરપંચ ઉપર વેરાની ઉઘરાણી બાબતમાં હુમલો કરવામાં આવ્યો છે. જો આ મામલે પૂરેપૂરો ન્યાય નહીં મળે તો અત્યારે ગામ સ્વયંભૂ બંધ પાડી રહ્યું છે અને આગળના દિવસોમાં હાઈવે પણ બંધ કરવામાં આવશે. અમારી સ્પષ્ટ માગણી છે કે ન્યાય પૂરેપૂરો મળવો જોઈએ અને હુમલાખોરોને ગામ સમક્ષ લાવીને તેમનો જાહેર વરઘોડો કાઢવામાં આવે. ​ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ છગનભાઈ બચુભાઈ ઉમરેઠિયાએ જણાવ્યું હતું કે, વડાલ ગામમાં આવા અસામાજિક તત્વો આવીને હુમલા કરી રહ્યા છે. ઉપસરપંચ વિઠ્ઠલભાઈ કાપડિયા પર પંચાયતના વેરાની નોટિસ મામલે થયેલા હુમલાના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ અને કમિટી દ્વારા ગામ બંધ રાખવાનું નક્કી કરાયું છે. જેમાં તમામ ગ્રામજનો અને વેપારીઓએ પૂરેપૂરો સાથ-સહકાર આપ્યો છે. જ્યાં સુધી આવા તત્વોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામ સંપૂર્ણ બંધ રહેશે. ​સ્થાનિક વેપારી ભાવેશ ડાભી એ જણાવ્યું હતું કે, વડાલ ગામના નાના-મોટા તમામ વેપારીઓએ બંધ પાળીને સમર્થન આપ્યું છે. સરપંચ પર થયેલા હીચકારા હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું કહેવું છે કે ચમરબંધી કોઈ પણ હોય તેને છોડવામાં નહીં આવે, તો વડાલના ગ્રામજનોની પણ એ જ માંગ છે કે આ ગુનામાં સંડોવાયેલા લોકોને વડાલ ગામની બજારમાં લાવી વરઘોડો કાઢવામાં આવે. હાલ ગામ ગાંધીચિંધ્યા માર્ગે શાંતિથી વિરોધ કરી રહ્યું છે, પરંતુ જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાં લોકોની આસ્થા સાથે ગંભીર ચેડાં:રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈનાં લોટની ભેળસેળની આશંકા, ફૂડ વિભાગે 45 પેઢીઓની તપાસ કરી 206 કિલો વાસી-અખાદ્ય જથ્થાનો નાશ, 11 નમુના લેવાયા
    Next Article
    યશસ્વી સિંહને સાઉથ એશિયન કરાટેમાં સિલ્વર મેડલ:જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment