Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી હતાં એ.કે. હંગલના બહેન:પરિવારની મરજી વિરુદ્ધ દરજીકામ કર્યું, શિવસેનાએ પાકિસ્તાની કહી પૈસા માગવા મજબૂર કર્યા

    1 day ago

    ''ઇતના સન્નાટા ક્યોં હૈ ભાઈ...'' માત્ર એક ડાયલૉગ બોલીને કોઈ આખી ફિલ્મમાં છવાઈ જાય? ચાહકોને આ સંવાદ વર્ષોના વર્ષ યાદ પણ રહી જાય? અફકોર્સ... એવું શક્યા છે.... આ ડાયલૉગ છે રમેશ સિપ્પીની આઇકોનિક ફિલ્મ 'શોલે'નો ને બોલનાર કલાકાર એટલે એ. કે. હંગલ. ફિલ્મમાં અંધ રહીમચાચાનો રોલ પ્લે કરીને એ. કે. હંગલ આજે પણ ચાહકોના દિલો દિમાગમાં વસી ગયા છે. અલબત્ત, માત્ર રહીમચાચાનું જ પાત્ર નહીં, 'નમક હરામ'ના બિપિન પાંડે કે 'બાવર્ચી'ના રામનાથ પાંડે હોય કે 'આંધી'ના બ્રિંદા કાકા.... કે 'બાલિકા વધૂ'ના માસ્ટરજી... એ. કે. હંગલ પાત્રોને જીવી જતાં. 26 ઓગસ્ટે એ. કે. હંગલની 14મી ડેથ એનિવર્સરી છે. 46 વર્ષની ફિલ્મી કરિયરમાં 200થી વધુ ફિલ્મમાં કામ કરનારા એ. કે. હંગલના અંતિમ દિવસો કારમી ગરીબીમાં વિત્યા હતા. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું, એ. કે. હંગલની... એ. કે. હંગલે કેમ પિતા-દાદાની મરજી વિરુદ્ધ દરજીકામ કર્યું? 12 કલાકની અંદર જ કેમ પાકિસ્તાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો? પાકિસ્તાનની જેલમાં કેમ એ. કે. હંગલને રોજ મારવામાં આવતા? ભારત આવીને એ. કે. હંગલે શું કામ કર્યું? એ. કે. હંગલ ઇન્ડસ્ટ્રીમાં કયા નામથી લોકપ્રિય થયા? શિવસેનાએ કેમ બે વર્ષનો બૅન મૂક્યો? દિલીપ કુમારનો કઈ બાબતમાં સપોર્ટ કર્યો? અંતિમ સમયમાં કયા સેલેબ્સે મદદ કરી? પેશાવરમાં નાનપણ પસાર થયું હિંદી સિનેમામાં એ. કે. હંગલના નામથી લોકપ્રિય થનારા એક્ટરનું પૂરું નામ અવતાર કિશન હંગલ હતું. તેમનો જન્મ પાકિસ્તાનના પંજાબના સિયાલકોટમાં 1 ફેબ્રુઆરી, 1914માં કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. અવતાર કિશને પોતાનું નાનપણ પેશાવરના રેતીગેટ આગળ પસાર કર્યું. દાદા પેશાવરમાં આસિસ્ટન્ટ કમિશનર હતા, જ્યારે પિતા પણ સરકારી નોકરી કરતા હતા. પિતા પંડિત હરિ કિશનને થિયેટરનો ઘણો જ શોખ હતો. નાનકડા અવતારને આંગળી પકડીને પારસી થિયેટર કંપનીના નાટકો જોવા લઈ જતાં. આટલું જ નહીં, થિયેટરમાં તેઓ પહેલી જ હરોળમાં બેસીને નાટકને માણતા. આ જ કારણે અવતારને પણ થિયેટર પ્રત્યે લગાવ થયો ને નાની ઉંમરથી થિયેટરમાં કામ કરવા લાગ્યા. પરિવારની વાત કરીએ તો, માતા રાગિયા હંડૂ હોમ મેકર હતા. જ્યારે બે બહેનો બિશન તથા કિશન. એ. કે. હંગલે આગ્રાની મનોરમા દાર સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો વિજય. 15 વર્ષની ઉંમરે આઝાદીની ચળવળમાં જોડાયા એપ્રિલ, 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદથી ભારતમાં અંગ્રેજોનો વિરોધ વધુને વધુ થવા લાગ્યો. 15 વર્ષની ઉમરે અવતારને જ્યારે આ ઘાતકી નરસંહારની જાણ થઈ ત્યારે તેઓ ધ્રુજી ઊઠ્યા હતા અને તેમણે આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં એપ્રિલ, 1930ના રોજ અંગ્રેજોએ જાહેરમાં સેંકડો લોકોની હત્યા કરી હતી. આ સમયે એ. કે. હંગલે આ આખી ઘટના છુપાઈને જોઈ હતી. પેશાવરમાં અંગ્રેજો પર જ્યારે પણ ભીડ પથ્થરમારો કરે ત્યારે એ. કે. હંગલ પણ પથ્થરો મારતા. ભગત સિંહ, સુખદેવ તથા રાજગુરુની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે મર્સી પિટિશનમાં એ. કે. હંગલે સાઇન પણ કરી હતી. પેશાવરમાં અંગ્રેજો પોતાની સામે અવાજ ઉઠાવનારને ઘૂંટણીયે પાડી દેતા, પરંતુ એ. કે. હંગલ સહેજ પણ ડર્યા વગર અંગ્રેજોની આંખોમાં આંખ મિલાવીને જવાબ આપતા. 1929થી 1947 એટલે કે 18 વર્ષ સુધી સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા. ભણવાનું પૂરું થતાં દરજીકામ શરૂ કર્યું પરિવારની ઈચ્છા દીકરો દસમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી નોકરી કરે તેવી હતી. જોકે, અવતાર કમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા હોવાથી તેઓ અંગ્રેજોની ગુલામી કરવા તૈયાર નહોતા. પરિવારની મરજી વિરુદ્ધ અવતારે પેશાવરમાં દરજીકામ શરૂ કર્યું. આ ઉપરાંત 1936માં તેમણે પેશાવરમાં શ્રી સંગીત પ્રિય મંડલ થિયેટર ગ્રુપ જોઇન કર્યું. 1946 સુધી એટલે કે 10 વર્ષ સુધી તેમણે આ થિયેટરના અલગ અલગ નાટકોમાં કામ કર્યું. પેશાવરથી કરાચી આવ્યા પંડિત હરિ કિશન રિટાયર થતાં પરિવાર પેશાવરથી કરાચી રહેવા આવ્યો. અલબત્ત, અવતાર કિશન માટે કરાચી શુકનિયાળ સાબિત ના થયું. કરાચી આવ્યાના થોડા મહિનામાં જ એટલે કે 1947માં અવતાર કિશનને કમ્યુનિસ્ટ વિચારધારા હોવાને કારણે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેલર રોજ સોટીથી ફટકારતો જેલમાં પણ અવતાર રોજ ખરાબ ભોજન, ખરાબ વ્યવસ્થા અંગે વિરોધ કરતા. આ જ કારણોસર તેઓ જેટલો સમય પણ જેલમાં રહ્યા તેમને રોજ જેલર સોટીથી ફટકારતો હતો. જેલમાં અવતાર કેક બનાવતા શીખ્યા હતા. તેમની પાસે એક પાકિસ્તાની કેદી બ્રિટનમાં કૂક રહી ચૂક્યો હતો. આ કેદીએ જેલમાં બધાને કેક બનાવતા શીખવી હતી. આ જ કારણે અવતાર કિશન જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કેક તેમની ફેવરિટ રહી હતી. તેઓ જાતે કેક બનાવીને ખાતા. અવતાર કિશન હંગલ નામ લાંબું લાગતા જેલમાં તેમને બધા એ. કે. હંગલના નામથી બોલાવતા અને પછી તો આ નામ જ તેમની ઓળખ બની ગયું. 12 કલાકની અંદર પાકિસ્તાન છોડવાનો આદેશ થયો 1949માં તેઓ જેલમાંથી બહાર આવ્યા પણ કમનસીબી ત્યારે ભારત-પાકના ભાગલા થઈ ચૂક્યા હતા. કમ્યુનિસ્ટ વિચારધારા હોવાથી તેમને પાકિસ્તાન છોડીને ભારત જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો. અલબત્ત, એ. કે. હંગલ પાકિસ્તાન છોડવા તૈયાર નહોતા. તેમને એ વાતનું દુઃખ હતું કે તેઓ જે શહેરમાં જન્મ્યા, ત્યાંની સંસ્કૃતિ, માહોલ બધું જ મૂકીને તે કેવી રીતે બીજી જગ્યાએ સેટલ થઈ શકે? જોકે, થોડા સમય બાદ જ કમ્યુનિસ્ટ પાર્ટીના મુસ્લિમ સિનિયર્સ લીડર્સ એ. કે. હંગલને મળવા ઘરે આવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં માત્ર 12 કલાકની અંદર પાકિસ્તાન છોડવાનું કહ્યું. આ સાથે જ ભારતમાં રહીને કમ્યુનિસ્ટ પાર્ટીનું કામ કરવાનું કહ્યું. 20 રૂપિયા લઈને કરાચથી મુંબઈની સફર કરી શરૂઆતમાં એ કે. હંગલ નવી દિલ્હી પોતાની બહેનના ઘરે જવા માગતા હતા, પરંતુ તેમની પાસે એક રૂપિયો પણ નહોતો. ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા. પત્ની સાથે તેઓ કરાચીથી સીધા બોમ્બે (આજનું મુંબઈ) આવ્યાં. મુંબઈમાં તેઓ કરાચીના જૂનો મિત્રોને મળ્યા. આ મિત્રોએ એ કે હંગલના પરિવારનું ધ્યાન રાખ્યું. થોડા સમય બાદ જ એ. કે. હંગલને મુંબઈમાં જ દરજીની નોકરી મળી ગઈ. તેમનો મહિનાનો પગાર 500 રૂપિયા હતો. આ સમયે એટલે કે 1949માં 10 ગ્રામ સોનું 95 રૂપિયે હતું અને હંગલનો પગાર 500 રૂપિયા હોવો ઘણી જ મોટી વાત હતી. એ. કે. હંગલ તે સમયે પટૌડીના નવાબ ને પૈસાદાર લોકોના જ કપડાં સીવતા. આ જ કારણે તેમણે હંમેશાં સારા દેખાવવાની જરૂર પડતી હોવાથી તેઓ સૂટ-બૂટ પહેરીને જ કપડાં સીવતા. ચાલીમાં ગ્રુપ બનાવ્યું મુંબઈમાં એ. કે. હંગલ ચાલીમાં રહેતા. ચાલીમાં રોજબરોજના જીવનમાં તેમને તથા અન્ય ભાડુઆતને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો. કમ્યુનિસ્ટ વિચારધારા હોવાથી એ. કે હંગલે સમસ્યાના ઉકેલ માટે ભાડુઆતનું સંગઠન બનાવ્યું. આ સંગઠન સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવતા. તેમણે દરજી કામ કરતાં સમયે પણ ટેલરિંગ વર્કર્સ યુનિયન બનાવ્યું હતું. નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી એ. કે. હંગલ પછી IPTA (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન)માં એક્ટર બલરાજ સાહની, શાયર-ગીતકાર કૈફી આઝમી સાથે કામ કરવા લાગ્યા. આ બંને પણ કમ્યુનિસ્ટ હતા એટલે એ. કે હંગલને તેમની સાથે સારા સંબંધો થયા. એ. કે. હંગલે IPTAના નાટકોમાં 1949-1965 એક્ટર, ડિરેક્ટર ને સ્ટોરી રાઇટર તરીકે કામ કર્યું. 50 વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી એક પ્લે દરમિયાન બાસુ ભટ્ટાચાર્યની નજર એ. કે. હંગલ પર પડી. તેમણે 50 વર્ષીય એ. કે. હંગલને 'તીસરી કસમ'માં રાજ કપૂરના મોટા ભાઈનો રોલ ઑફર કર્યો. એ. કે. હંગલ આમ પણ ફિલ્મમાં કામ કરવા ઉત્સુક હતા તો તેમણે તરત જ હા પાડી દીધી. ફિલ્મ રિલીઝ કોઈને કોઈ કારણે થતી નહોતી. અંતે, બે વર્ષ બાદ 1966માં ફિલ્મ રિલીઝ થઈ. એ. કે. હંગલ ઉત્સાહ સાથે રિલીઝના પહેલા જ દિવસે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવા ગયા પણ તેમને એ વાતનું દુઃખ થયું કે આખી ફિલ્મમાં તે તો માત્ર થોડીક જ સેકન્ડ પૂરતા દેખાય છે. બાસુ ભટ્ટાચાર્યે ફિલ્મની લંબાઈ ઓછી કરવા એડિટિંગ ટેબલ પર એ. કે. હંગલના મોટા ભાગના સીન્સ પર કાતર ફેરવી દીધી હતી. થિયેટરમાંથી નિરાશ થઈને બહાર નીકળેલા એ. કે. હંગલને પછી તો ફિલ્મના સાથી કલાકારો ફિલ્મ ઑફર કરવા લાગ્યા. બાસુ ભટ્ટાચાર્યે તેમની બીજી ફિલ્મ 'શાર્ગિદ'માં કામ આપ્યું. એ. કે. હંગલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય થયા. તેમનું કેરેક્ટર એટલું વિનમ્ર રહેતું કે તેમને બી ટાઉનમાં બધા 'વિનમ્ર સાહેબ' કહીને બોલાવતા. રાજેશ ખન્ના સાથે 16 ફિલ્મ કરી એ. કે. હંગલે કરિયરમાં 225 જેટલી ફિલ્મ કરી, તેમાંથી તેમણે 16 ફિલ્મ તો રાજેશ ખન્ના સાથે જ કરી. એક્ટર પોઝિટિવ કેરેક્ટર રોલ જ પ્લે કરતા, તેમણે પિતા, દાદા કે મોટાભાઈનો જ રોલ પ્લે કર્યો હતો. અલબત્ત, 'મંજિલ', 'પ્રેમ બંધન'માં તેમણે નેગેટિવ રોલ કર્યા હતા. આ ઉપરાંત તેમણે NFDCની ફિલ્મ 'દત્તક'માં કામ કર્યું હતું. પાત્રો આત્મસાત્ કરતા 'શોલે'માં અંધ રહીમચાચાના રોલ અંગે એ. કે. હંગલને પૂછવામાં આવ્યું કે તેમણે તે રોલનું કેરેક્ટરાઇઝેશન કેવી રીતે કર્યું તો એક્ટરે જવાબ આપતા જણાવ્યું હતું કે આ ચેલેન્જિંગ હતું. કારણે આ પહેલા અનેક એક્ટર્સ અંધ કેરેક્ટર ભજવી ચૂક્યા હતા. તેમણે પોતાનું પાત્ર એ રીતે ડિઝાઇન કર્યું કે તે પોતાની આંખો શોધી રહ્યા છે. કહેવાનો અર્થ એટલો જ કે તેઓ પોતાનું પાત્ર આત્મસાત્ કરી લેતા. સંજીવ કુમારને લીડ હીરો બનાવ્યો 1955માં જ્યારે એ. કે. હંગલ 'ડમરુ' નાટક ડિરેક્ટ કરતા હતા ત્યારે ફાઇનલ શોમાં મેઇન હીરો આવ્યો નહીં. બેક સ્ટેજમાં કામ કરતો એક છોકરો આવ્યો અને તેણે એ. કે. હંગલને સવાલ કર્યો કે તમને વાંધો ના હોય તો તે આ રોલ પ્લે કરે? હીરો ટાઇમસર આવ્યો ના હોવાથી એ. કે. હંગલ હેરાન પરેશાન હતા. આ જ કારણે તેમણે આ છોકરાને ધમકાવીને ત્યાંથી કાઢી મૂક્યો. શો શરૂ થવામાં થોડીક જ વાર હતી પણ લીડ હીરોના આવવાના કોઈ અણસાર નહોતા. અંતે એ. કે. હંગલે તે છોકરાને બોલાવ્યો ને લીડ રોલ પ્લે કરવાનું કહ્યું. તે છોકરો એટલે સંજીવ કુમાર. 1985માં જ્યારે સંજીવકુમારનું અવસાન થયું ત્યારે એ. કે. હંગલ એક ઇવેન્ટમાં સ્ટેજ પર હતા. તેમને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ સ્ટેજ પર જ રડવા લાગ્યા હતા. તે રાત્રે તેઓ જમી પણ શક્યા નહોતા. શિવસેનાએ ફિલ્મ બૅન કરી 1993માં એ. કે. હંગલ પોતાની બાયોગ્રાફી માટે પાકિસ્તાન જવા માગતા હતા. જ્યારે તેઓ પાકિસ્તાની કોન્સ્યુલેટ ઑફિસમાં વિઝા માટે ગયા ત્યારે તેમને પાકિસ્તાનના આઝાદી દિવસ પર હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું. વિઝા સરળતાથી મળી જાય અને પાકિસ્તાન જઈને તેઓ માહિતી ભેગી કરી શકે તે ઉદ્દેશ સાથે તેમણે આમંત્રણ સ્વીકારી લીધું. શિવસેનાને જ્યારે આ અંગે જાણ થઈ તો તેમણે એ. કે. હંગલના દેશપ્રેમ ને દેશભક્તિ પર સવાલો ઊઠાવ્યા હતા. આ ઉપરાંત તેમના પૂતળા બાળીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ એ. કે. હંગલની ફિલ્મ પર બૅન મૂકવાની જાહેરાત કરી. શિવસેનાના ફરમાન બાદ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પ્રોડ્યુસરની હિંમત નહોતી કે તે પોતાની ફિલ્મમાં એ. કે. હંગલને સાઇન કરે. તો બીજી બાજુ, એ. કે. હંગલ માટે બેકારીના દિવસો આવી ગયા હતા. પાસે જે બચત હતી તે પૂરી થવા આવી હતી. આ જ કારણથી સતત બે વર્ષ એ. કે. હંગલ બેકાર રહ્યા. ત્યારબાદ તેમણે અમિતાભ બચ્ચનના એબી કોર્પે હેઠળ બનેલી ફિલ્મ 'તેરે મેરે સપને'થી કમબેક કર્યું. પાકિસ્તાન જાય તો કયો ગુનો કર્યો? બૅન મૂકાયો ત્યારે એ. કે. હંગલે આક્રોશ સાથે કહ્યું હતું કે તેઓ કામ અર્થે પાકિસ્તાન જાય તો તેમાં તેમણે કયો ગુનો કરી નાખ્યો? જેમણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો ને બે વર્ષ જેલમાં રહ્યા તેને પાકિસ્તાની સમર્થક ને દેશદ્રોહીનું બિરુદ આપવામાં આવ્યું. તેઓ બધું જ છોડીને કરાચીથી ભારત આવ્યા છતાં પાકિસ્તાની કહીને તેમનો બોયકૉટ કરવામાં આવ્યો. મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કોઈ જાતનો સપોર્ટ ના કર્યો. અલબત્ત, થિયેટર, મીડિયા ને વિદેશના લોકો મદદે આવ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તે માત્ર એક કેરેક્ટર આર્ટિસ્ટ હતા. ઇન્ડસ્ટ્રી સરળતાથી તેમને ઇગ્નોર કરી શકે છે. દિલીપ કુમાર માટે અવાજ ઊઠાવ્યો દિલીપ કુમાર તથા એ. કે. હંગલ બંને પેશાવરમાં જન્મ્યા હતા. બંને ભાગલા બાદ ભારત આવ્યા, પરંતુ બંનેને પોતાની જન્મભૂમિ પ્રત્યે કૂણી લાગણી હતી. 1998માં પાકિસ્તાને દિલીપ કુમારને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-ઇમ્તિયાઝ આપવાની જાહેરાત કરી. શિવસેનાએ આનો વિરોધ કર્યો ને તેમના દેશપ્રેમ ને દેશભક્તિ પર સવાલ ઊઠાવ્યા. શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ ધમકીના સ્વરમાં દિલીપ કુમારને પાકિસ્તાન ના જવાનું કહ્યું હતું. તે સમયે બાળ ઠાકરેની વિરુદ્ધમાં બોલવાની કોઈની હિંમત નહોતી, પરંતુ એ. કે. હંગલે અવાજ ઊઠાવ્યો ને દિલીપ કુમારે પાકિસ્તાન જવું જ જોઈએ તેવી વાત કહી. તેમણે એમ પણ કહ્યું કે આમ કરવાથી ભારત-પાકિસ્તાનના સંબંધો સારા થઈ શકે છે. એ. કે. હંગલના નિવેદન બાદ શિવસેનાએ એક્ટરનો ઘણો જ વિરોધ કર્યો હતો ને તેમને દેશદ્રોહી કહી દીધા હતા. એ. કે. હંગલ હંમેશાં કહેતા, 'આ દેશને ક્રાંતિની જરૂર છે અને તે ચોક્કસથી થશે. જો તેમ ના થયું તો દેશમાં ચારે બાજુ અરાજકતા જોવા મળશે. લોકશાહી પડી ભાંગશે. એ. કે. હંગલ માનતા કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને આ દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને લાંબા સમય સુધી સમર્થન આપશે નહીં. એ. કે. હંગલને વિશ્વાસ હતો કે ભારતીય ન્યાયતંત્ર હંમેશાં બિનસાંપ્રદાયિકતાનું રક્ષણ કરશે. 86ની ઉંમરમાં ફ્રેક્ચર સાથે શૂટિંગ કર્યું 2001માં તેમને 'લગાન'માં શંભુકાકાનો રોલ મળ્યો હતો. 2007માં વધતી ઉંમરને કારણે કામ મળવું લગભગ બંધ થઈ ગયું. 'લગાન' ફિલ્મના શૂટિંગ દરમિયાન એ. કે. હંગલ બાથરૂમમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. બે મહિનાના બેડ રેસ્ટ બાદ તેઓ એમ્બ્યુલન્સમાં સેટ પર આવ્યા. તે સ્ટ્રેચર પર આવીને પોતાના ખાટલા પર બેસીને ગીત સાંભળ્યું ને એક ટેકમાં સીન ઓકે કર્યો. ફ્રેક્ચર હોવા છતાં એક ટેકમાં સીન ઓકે થતાં 'લગાન'ના સેટ પર ક્રૂ ને એક્ટર્સે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને પાંચ મિનિટ સુધી તાળીઓ પાડી હતી. સિરિયલ 'આહટ'ના એક એપિસોડમાં એ. કે. હંગલે કામ કર્યું હતું. ત્યારે તેમણે લાઇટ્સ ઠીક ના હોવાનું કહ્યું હતું. વાત જાણે એમ હતી કે તેઓ શૂટિંગ કરતા હતા, પરંતુ કેમેરાની લાઇટથી તેમને ગરમી લાગતી નહોતી. એ. કે. હંગલને લાગ્યું કે તેમને ગરમી લાગતી નથી એનો સીધો અર્થ થયો કે તેમના પર કેમેરાની લાઇટ્સ પ્રોપર નથી. તેમણે ડિરેક્ટરને કહ્યું અને જ્યારે ડિરેક્ટરે ચેક કર્યું ત્યારે તેમની વાત સાચી હતી. સારવારના પૈસા પણ નહોતા 2007માં એ. કે. હંગલ 93 વર્ષના હતા અને તેમનો એકનો એક દીકરો વિજય પણ 75 વર્ષનો હતો. પત્ની ને પુત્રવધૂ બંનેના અવસાન થઈ ચૂક્યા હતા. દીકરા વિજયને કોઈ સંતાન નહોતું. દીકરો વિજય પણ ફોટોગ્રાફર તરીકે રિટાયર થઈ ચૂક્યો હતો. એ. કે. હંગલની તબિયત બગડી હતી પણ દીકરા પાસે કોઈ કામ નહોતું. આર્થિક તંગીનો એવો સમય આવ્યો કે દીકરા વિજય પાસે પિતાની સારવારના પૈસા નહોતા. 20 જાન્યુઆરી, 2012માં મીડિયા રિપોર્ટ્સમાં એ. કે. હંગલની આર્થિક તંગીની વાત જાહેર થતાં અનેક લોકો મદદ માટે આગળ આવ્યા. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણથી લઈ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ મદદ કરી. મેડિકલ બિલ્સ, દવાઓના પૈસા આપ્યા. ઉપરાંત ગુજરાન ચાલી શકે તેટલા પૈસા આપ્યા હતા. અમિતાભ બચ્ચને 20 લાખ રૂપિયા આપ્યા હતા. 2008માં ફેશન ડિઝાઇનર રિયાઝ ગનજીના સમર કલેક્શન માટે એ. કે. હંગલે વ્હીલચેર પર બેસીને રેમ્પવૉક કર્યું હતું. અનેક મહિનાથી ઘરમાં બંધ હતા એ. કે. હંગલના દીકરા વિજયે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આર્થિક તંગીને કારણે પિતાએ ઘરમાંથી નીકળવાનું બંધ કરી દીધું હતું. તેઓ મહિનાઓ સુધી ઘરમાં જ બંધ રહ્યા હતા. આર્થિક તંગીની વાત પહોચંતા જ ટીવી શો 'મધુબાલાઃ એક ઇશ્ક એક જુનૂન'માં એ. કે. હંગલને કામ મળ્યું. આ શોના શૂટિંગ માટે તેઓ ઘરની બહાર ઘણાં મહિનાઓ બાદ નીકળ્યા હતા. 97 વર્ષની ઉંમરે તેઓ વ્હીલચેર પર બેસીને સેટ પર જતા. એ. કે. હંગલે છેલ્લે ટીવી સિરિયલ 'મધુબાલા'માં કામ કર્યું હતું. સિરિયલના ડિરેક્ટર રવીન્દ્ર ગૌતમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ શો હિંદી સિનેમાને 100 વર્ષ પૂરા થયા ત્યારે શરૂ કરવામાં આવ્યો હતો. તેઓ સિરિયલમાં એક એવી વ્યક્તિને લેવા માગતા હતા કે જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક જનરેશન જોઈ હોય. તેમણે એ. કે. હંગલનો સંપર્ક કર્યો. જ્યારે તેઓ સેટ પર પહેલી જ વાર આવ્યા તો તેમણે તરત જ સ્ક્રિપ્ટ માગી હતી. આટલું જ નહીં, તેમણે રિહર્સલ માટે એક વ્યક્તિની પણ માગણી કરી હતી. ડિરેક્ટર જલ્દીથી શૂટ પૂરું કરીને એ કે. હંગલને ઘરે મોકલવા માગતા હતા, પરંતુ એ. કે. હંગલ એક્ટિંગની પૂરી પ્રોસેસ કર્યા બાદ જ શૂટ કરવા તૈયાર થયા. તેમણે સેટ પર જ બધું ઇમ્પ્રોવાઇઝ કર્યું ને એક પણ રીટેક વગર સીન ઓકે કર્યો હતો. સીન ઓકે થયા બાદ એ. કે. હંગલે કહ્યું હતું કે આ નામકરણનો સીન હતો ને, નામકરણ બાદ સેટ પર સેવૈયા ખવાતી હોય છે. પછી સેટ પર સેવૈયા લાવવામાં આવી હતી. 98 વર્ષે અવસાન 16 ઓગસ્ટ, 2012ના રોજ એ. કે. હંગલ પોતાના ઘરે એકલા હતા. દીકરા વિજયને બેક ઇન્જરી હતી તો તે એકલો ટ્રીટમેન્ટ અર્થે હૉસ્પિટલ ગયો હતો. ઘરે આવીને તેણે જોયું તો પિતા એ. કે. હંગલ બાથરૂમમાં બેભાન પડ્યા હતા. તેમને તરત જ આશા પારેખ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. એ. કે. હંગલને ચેસ્ટ ને બ્રિધિંગમાં પ્રોબ્લમ હતો. ઉપરાંત હિપ્સના હાડકું તૂટી ગયું હતું. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા. અંતિમ સમયે ઓપરેશન થિયેટરમાં જતા પહેલાં તેમણે દીકરા વિજયને સવાલ કર્યો હતો કે તેઓ બચશે કે નહીં, દીકરો આ સવાલનો જવાબ આપી શક્યો નહોતો. 26 ઓગસ્ટે સ્થિતિ વધારે બગડી. તેમના ફેફસાં કામ કરતા બંધ થઈ ગયા ને થોડીક જ વારમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. બીજા દિવસે પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોતાના સમયમાં એ. કે. હંગલે દિલીપ કુમાર સિવાય મોટાભાગના ટોચના એક્ટર- એક્ટ્રેસિસ સાથે કામ કર્યું હતું, પરંતુ એક પણ એક્ટર- એક્ટ્રેસિસે તેમને અંતિમ વિદાય આપવા સ્મશાને આવવાનું જરૂરી સમજ્યું નહીં... જ્યારે પાકિસ્તાનીઓ ઘેરી વળ્યા એ. કે. હંગલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આર્ટ એન્ડ કલ્ચરથી જ અન્ય દેશ સાથેના સંબંધો સુધરી શકશે. 1988માં 17 ઓગસ્ટે તેઓ સોવિયેટ યુનિયનથી ભારત પરત ફરી રહ્યા હતા. પ્લેનમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે ફ્લાઇટ કરાચી ડાયવર્ટ કરવામાં આવી. જ્યારે તેઓ કરાચી એરપોર્ટની રેસ્ટોરાંમાં જતા હતા ત્યારે પાકિસ્તાનીઓ તેમને ઘેરી વળ્યા. તેઓ ઓટોગ્રાફ માગવા પડાપડી કરવા લાગ્યા ને મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ અંગે સવાલ કરતા હતા. તે દિવસે પાકિસ્તાનના પ્રેસિડન્ટ જનરલ ઝિયા ઉલ હકનું પ્લેન ક્રેશમાં મોત થયું હતું પણ પાકિસ્તાનીઓને બોલિવૂડ ગોસિપમાં વધારે રસ હતો. આ જ પુરાવો છે કે આર્ટમાં કેટલી શક્તિ રહેલી છે. વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ને હંગલ એકબીજાના સંબંધી અવતાર કિશન હંગલ તથા ભારતના પહેલા વડાપ્રધાન નેહરુ સંબંધી થાય છે. જવાહરલાલ નેહરુના પત્ની કમલા નેહરુ, એ. કે. હંગલના માતાના સગા માસીની દીકરી હતા. એટલે કે એ. કે. હંગલ માટે કમલા નેહરુ માસી ને જવાહરલાલ નેહરુ માસા હતા. ભારતના વડાપ્રધાન માસા થતા હોવા છતાંય એ. કે. હંગલે ક્યારેય આ સંબંધોનો લાભ લીધો નહીં. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી તેમનાં માસિયાઇ બહેન હતાં પણ તેમણે આ સંબંધનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો નહોતો. 2006માં જ્યારે એ. કે. હંગલને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીવનના અંતિમ વર્ષોમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એ. કે. હંગલે કહ્યું હતું, મને આ અવૉર્ડથી કંઈ આનંદ થયો નથી. હું આનું શું કરું હવે... ચાટું?
    Click here to Read More
    Previous Article
    7 દિવસમાં દસ્તાવેજો માંગ્યા:બોટાદ શહેરના ટાવર અને ગઢડા રોડ પરના 20થી વધુ શૉપિંગ સેન્ટરોને નોટિસ
    Next Article
    PM Meets Japanese Defence Minister, Stresses On Boosting India-Japan Ties

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment