Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરફ્યુમમાં વપરાતા સુગંધી એમ્બરગ્રીસનો નકલીનો કરોડોનો કારોબાર:જાણો કઇ રીતે બને છે 'તરતું સોનુ', ભાસ્કરે ત્રણ એજન્ટો સાથે ડીલ કરવાનું કહી ખુલ્લો પાડયો છેતરપિંડીનો ખેલ

    17 hours ago

    કહેવાય છે ને કે કિસ્મત ક્યારે પલટાઇ જાય એ નક્કી નથી હોતું…. 35 માછીમાર યુવકો દરિયો ખૂંદી રહ્યા હતા. પરંતુ કોઈનેય અંદાજો ન હતો કે તેમને જેકપોટ લાગવાનો છે. અચાનક તેમની નજર પાણીમાં તરતી કોઈક વસ્તુ પર પડી. નાવ નજીક લઈ ગયા અને જોયુ તો મહાકાય સ્પર્મ વહેલ હતી, એ પણ મૃત. માછીમારો જાણતા હતા કે વ્હેલના પેટમાં ક્યારેક કિંમતી વસ્તુ મળી શકે. એટલે વ્હેલને કિનારે લાવ્યા. તેનું પેટ ચીર્યું તો માછીમારોની આંખો પહોળી થઈ ગઈ! તેમને 127 કિલોગ્રામ એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી મળી, જેને દુનિયા ‘તરતું સોનું’ કહે છે! કિંમત તો એની કરોડો રૂપિયામાં હોય. અહીંથી જીવનની કહાની પલટાઇ ગઇ. એમ્બરગ્રીસ અત્યંત દુર્લભ, મીણ જેવો પદાર્થ હોય, જેનો ઉપયોગ મોંઘા અત્તર અને પરફ્યુમ તેમજ જાતીય ઉત્તેજતના વધારતી દવાઓ બનાવવા માટે થાય છે. UAEના એક વેપારીએ માછીમારો પાસેથી 127 કિલો એમ્બરગ્રીસ 12 કરોડ રૂપિયા જેટલી કિંમત આપીને ખરીદી લીધું. પાંચેક વર્ષ પહેલાં યમનના એડનમાં બનેલી આ ઘટનાએ વિશ્વભરના ઘણા લોકોના મનમાં લાલચ જગાવી દીધી. યમનની એ ઘટના અને ગુજરાતમાં કાળા કારોબારને વેગ... રાતોરાત કરોડપતિ બનાવી દેતા એમ્બરગ્રીસની લાલચે ગુજરાત સહિત ભારતમાં મોટું ગેરકાયદે નેટવર્ક ઊભું થઈ ગયું છે. જ્યાં દર મહિને કરોડો રૂપિયાના સોદા થાય છે. વળી રૂપિયા અને લોભીયા લોકોની વાત હોય ત્યાં છેતરપિંડી ન હોય એવું બને ખરું? આ ગેરકાયદે ધંધામાં એક એવી ગોલમાલ ચાલી રહી છે જેની જાણ લાખો રૂપિયા આપીને એમ્બરગ્રીસ ખરીદતા ઘણા સ્મગલરોને પણ નહીં હોય! ભારતના કાયદા મુજબ સ્પર્મ વ્હેલને સંરક્ષિત પ્રાણીનો દરજ્જો મળેલો છે. જેથી તેનો શિકાર કરવો કે તેના અંગોનો વેપાર કરવો એ ગુનો બને. જો કે ઘણા એવા દેશ છે જ્યાં કાયદેસર રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ કરીને પરફ્યુમ બનાવવામાં આવે છે, વિશ્વની આવી જાણિતી બ્રાંડની વસ્તુની કિંમત હજારો રૂપિયામાં હોય છે. એટલે જ ભારત જેવા દેશોમાં જ્યાં એમ્બરગ્રીસ પર પ્રતિબંધ છે ત્યાં સ્મગલિંકના કેસ વધ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર તમે સમાચારોમાં જોયું-વાંચ્યું હશે કે પોલીસે રેડ પાડી અને કરોડોની કિંમતના એમ્બરગ્રીસ સાથે આરોપીઓની ધરપકડ કરી. રાતોરાત કરોડપતિ બનવાના આ સપનાની હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું. કેવી રીતે દક્ષિણ ભારતના રાજ્યો અને ઇન્ડોનેશિયા જેવા પૂર્વિય દેશોમાંથી એમ્બરગ્રીસનો વેપાર થાય છે અને વાયા ગુજરાત દુબઈ સહિત ખાડીના દેશોમાં સ્મગલિંગ નેટવર્ક ચાલે છે તેનો પર્દાફાશ થયો. ઇન્વેસ્ટિગેશનનો પહેલો પડાવ… સોશિયલ મીડિયા બન્યું ગેરકાયદે ડિલનો અડ્ડો દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમને એક ટીપ મળી કે માછીમારોથી એમ્બરગ્રીસ ખરીદવાથી લઇને વિદેશમાં ગ્રાહકો શોધવા સુધીની પ્રક્રિયા આજકાલ સોશિયલ મીડિયા પર બેફામ રીતે થઈ રહી છે. એમાં પણ ફેસબુક અને ટેલિગ્રામ તો અડ્ડો બની ગયા છે. આવા સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ કરવાના ઇરાદે અમે કેટલાક ફેસબુક એકાઉન્ટ તેમજ પેજ આઇડેન્ટિફાય કર્યા, જ્યાં એમ્બરગ્રીસ ખરીદનારા અને વેચનારા લોકો એકબીજાથી કનેક્ટ થતા હોય. સેંકડો લોકોની પ્રોફાઇલ ચેક કર્યા પછી અમે ગ્રાહક બનીને કેટલાક એજન્ટો સુધી પહોંચવામાં સફળ રહ્યા. એજન્ટનો મોબાઇલ નંબર- 9963346*** વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ આ તપાસ દરમિયાન અમને એક ફેસબુક એકાઉન્ટ પરથી મોબાઇલ નંબર મળ્યો. યુઝરનો દાવો હતો કે તેની પાસે એમ્બરગ્રીસનો જથ્થો છે, જો કોઈને ખરીદવાની ઇચ્છા હોય તો સંપર્ક કરે. આ નંબર પર જ્યારે સામાન્ય કોલ કરવામાં આવ્યો તો કોઈ વાત ન થઈ શકી. પરંતુ વ્હોટ્સએપ કોલ કરતા જ રિસીવ કરી લેવામાં આવ્યો. ફોન ઉપાડનાર વ્યક્તિની વાતચીતની શૈલીથી ખબર પડી ગઇને દક્ષિણ ભારતના કોઈ રાજ્યનો વતની છે. ફોનની પેલે પારથી જે અવાજ આવ્યો, તેણે કરોડોની કાળી કમાણીનો પ્લાન ખુલ્લો કરી દીધો! વોટ્સએપ કોલ પર એજન્ટે પુરાવા બતાવ્યા અને વેપારની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી ગઇ. વાંચો, દિવ્ય ભાસ્કરના રિપોર્ટર અને એમ્બરગ્રીસ વેચનાર એજન્ટ વચ્ચેની વાતચીતના અંશો. કોઈપણ અજાણી વ્યક્તિના દાવા પર લાખો રૂપિયા કોઇ કેમ આપી દે? એટલે જ અમે એજન્ટ પર શંકા જતી હોય એવા સવાલો કર્યા, તો તેણે પુરાવા આપવાનો વાયદો કર્યો. પછી પુરાવા રૂપે ત્રણ વીડિયો મોકલ્યા પણ ખરા! આ સ્મગલરો ગ્રાહકને ફસાવવા માટે વિજ્ઞાનના એવા પ્રયોગો વીડિયોમાં બતાવે છે, જે જોઈને કોઈ પણ બુદ્ધિશાળી માણસ પણ છેતરાઈ જાય. તેમણે મોકલેલા વીડિયોમાં એવું તો શું હતું કે સામાન્ય માણસ તેને અસલી માની બેસે? વીડિયો 1- પ્લાસ્ટિકના ગ્લાસમાં પ્રયોગ આ વીડિયોની શરૂઆતમાં તેલુગુ દૈનિક અખબાર અને 100 રૂપિયાની ચલણી નોટ દર્શાવીને તારીખ તેમજ ઘડિયાળ બતાવીને સમયની સાબિતી આપવાનો પ્રયાસ કરાયો છે. ત્યારબાદ એક વ્યક્તિ પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણીમાં સફેદ પાવડર (જે મીઠું હોઈ શકે) ઉમેરીને તેમાં પીળા રંગના પારદર્શક પદાર્થના ટુકડા નાખવામાં આવે છે. એટલે કે તે એમ્બરગ્રીસ સાચું છે એ બતાવવા માગતો હતો. વીડિયો 2- ચમચીમાં સળગાવી એમ્બરગ્રીસની અસલીયત પારખી બીજા વીડિયોમાં વધુ એક પ્રયોગ જોવા મળ્યો. ચમચીમાં એમ્બરગ્રીસને રાખીને લાઈટરની જ્યોત વડે ગરમ કરવામાં આવે છે, જેથી તે પીગળવા માંડે છે. પછી ચમચી નીચે મુકીને એ વ્યક્તિએ એમ્બરગ્રીસનો એક ટુકડો હાથમાં લીધો. ત્યાર બાદ મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરીને એમ્બરગ્રીસની પારદર્શકતા અને ગુણવત્તા બતાવી. જો કે ખાસ નોંધવા જેવી વાત એ છે કે તમામ વીડિયો એવી રીતે શૂટ કરવામાં આવ્યા જેમાં કોઈનો ચહેરો ન દેખાઈ શકે. વીડિયો 3- એમ્બરગ્રીસની ખરીદી માટે કોડવર્ડ એજન્ટે અમારી સાથે થોડી વાતચીત કરી એટલે વિશ્વાસ આવી ગયો કે મને ગ્રાહક મળી ગયા છે. આખરે તેણે જાણે પત્તા ખોલી દીધા હોય એમ વધુ એક વીડિયો શેર કર્યો. જેમાં એક પેપરમાં લપેટેલુ એમ્બરગ્રીસ જોવા મળ્યું. આ સાથે જ પાંચ પ્રકારની માહિતી એક સફેદ કાગળ પર લખેલી બતાવી. એજન્ટે ઇન્ડોનેશિયાની લેબના રિપોર્ટ મોકલ્યા, ભાસ્કરે વિદેશમાં વેરિફાય કરાવ્યા એમ્બરગ્રીસ સાચુ છે કે ખોટું એ બાબતે અમને હજુ પણ શંકા હતી. એટલે વધારે સવાલ કર્યા. બીજી તરફ એજન્ટ કોઈપણ રીતે અમને આ વસ્તુ પધરાવવા માટે તલપાપડ થઇ ગયો. આખરે તેણે વિશ્વાસ અપાવવા માટે અમને લેબોરેટરીના બે રિપોર્ટ મોકલ્યા. આ બન્ને રિપોર્ટ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલી સરકારી લેબોરેટરીએ આપ્યા હોવાનું તેના પર લખ્યું હતું. દિવ્ય ભાસ્કરે જકાર્તામાં લેબોરેટરીને આ રિપોર્ટની સત્યતા જણાવવા માટે ઇ-મેલ પણ કર્યો છે. લગભગ બે અઠવાડિયા પછી ત્યાંથી જવાબ આવ્યો. લેબોરેટરીની માર્કેટિંગ ટીમે લખ્યું… “એમ્બરગ્રીસની તપાસ માટે અમે માત્ર સ્ક્રિનિંગ જ કરી શકીએ છીએ, જેનાથી સેમ્પલમાં રહેલા સંયોજનો શોધી શકાશે. પરંતુ આ તપાસ પરથી તે ચોક્કસપણે એમ્બરગ્રીસ જ છે કે નહીં તેની અમે પુષ્ટિ કરી શકતા નથી.” આમ, જે લેબોરેટરીના રિપોર્ટના આધારે એમ્બરગ્રીસ અસલી હોવાનો દાવો કરવામાં આવ્યો એ વિદેશી લેબોરેટરીએ જ હાથ અદ્ધર કરી દીધા. જો કે કાળા કારોબારનો ખેલ હજુ પૂરો નહોતો થયો. એજન્ટનો મોબાઇલ નંબર- 9867191*** મુંબઈ, મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમના એજન્ટ સાથે વાતચીત ચાલતી હતી એ જ સમયગાળામાં અમને સોશિયલ મીડિયા પરથી સાત સેકન્ડનો એક વીડિયો મળ્યો. જેમાં પ્લાસ્ટિકની થેલીઓમાં એમ્બરગ્રીસ જેવી વસ્તુ બનાવીને સાથે ચીઠ્ઠી મુકી હતી, જેના પર તારીખ અને નવી મુંબઈનું લોકેશન લખ્યું હતું. ફેસબુક પોસ્ટ પર મોબાઇલ નંબર પણ જોવા મળ્યો. આ નેટવર્ક દેશના અન્ય કયા-કયા રાજ્યમાં ફેલાયેલું છે એ જાણવા અમે વધુ ઊંડે ઉતર્યા. તો અમારો પનારો પડ્યો મુંબઈના એક એજન્ટથી. જેને કહેલો એમ્બરગ્રીસનો ભાવ સાંભળીને તો કાન ઊભા થઇ ગયા. અહીં સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે વિશાખાપટ્ટનમના એજન્ટે 1 કિલો એમ્બરગ્રીસના 68 લાખ કહ્યા અને મુંબઈના એજન્ટે એ જ વસ્તુ 25 લાખમાં આપવાની તૈયારી બતાવી. અધધ 43 લાખ રૂપિયાનો સીધો તફાવત કેમ? જવાબ આગળ છુપાયેલો હતો. એજન્ટનો મોબાઇલ નંબર- 9202315*** ઉજ્જૈન, મધ્યપ્રદેશ આ એજન્ટે તો અમને ચોંકાવી દીધા, તેણે એક કિલો એમ્બરગ્રીસનો 68 લાખ રૂપિયાનો ભાવ કહ્યો. એટલું જ નહીં, અસલીયત ચકાસવા માટે તેણે 2-5 ગ્રામ મફત આપવાની પણ તૈયારી દર્શાવી અને કહ્યું, “એકવાર ચેક કરી લો પછી ડીલ ફાઇનલ કરી લઇએ. શરત એ છે કે તમારે ઉજ્જૈન આવવું પડશે.” જ્યારે પુરાવા વિશે પૂછ્યું તો થોડી જ મિનિટોમાં તેણે પણ ત્રણ વીડિયો મોકલી આપ્યા. જો કે આ વીડિયોમાં વિશાખાપટ્ટનમના એજન્ટી જેમ પ્રયોગ નહોતા કરવામાં આવ્યા. ફક્ત પ્લાસ્ટિકની થેલીઓમાં એમ્બરગ્રીસ ભરીને ડિજિટલ વજનકાંટા પર મૂકવામાં આવ્યા હતા. સ્ક્રીન પર વજન 4.960 કિલોગ્રામ બતાવતું હતું. પણ ખરો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અમે આ આખાય નેટવર્કની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરી. લાખો રૂપિયામાં વેચાતા એમ્બરગ્રીસની કાળી હકીકત ખુલ્લી પડી ગઇ અગાઉ જણાવ્યું એમ ભારતમાં એમ્બરગ્રીસનો કબજો, ખરીદ, વેચાણ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ પ્રતિબંધિત છે. એટલે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે એકપણ એજન્ટ પાસેથી ખરીદી નથી કરી. પરંતુ જ્યારે અમે જવાબદાર મીડિયા તરીકે પોલીસને આવા કારોબારની જાણ કરી તો નવો જ ખુલાસો થયો. જેમાં એજન્ટોની માયાવી જાળ પાછળના ઇરાદા ખુલ્લા પડી ગયા. 90 ટકા એમ્બરગ્રીસ અસલી હોતુ જ નથી એમ્બરગ્રીસનો ગેરકાયદે વેપાર કરતા ગુનેગારોને પકડવાનું કામ ક્રાઇમ બ્રાંચ હેઠળ આવતું SOG એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગૃપ કરે છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત બસિયા જણાવે છે કે એમ્બરગ્રીસનો મુખ્ય ઉપયોગ પરફ્યૂમ, અત્તર તેમજ અમુક ખાસ પ્રકારની દવાઓમાં થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતોના કારણે તેના ખરીદ-વેચાણમાં દાણચોરીના કેસ જોવા મળે છે. એસીપી ભરત બસિયાએ કહ્યું, જ્યારે કોઈ આરોપી એમ્બરગ્રીસ સાથે પકડાય તો ભારતના કાયદા પ્રમાણે આરોપી અને મુદ્દામાલને વનવિભાગના અધિકારીઓના હવાલે કરવામાં આવ્યા છે. ત્યાર પછી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ કાર્યવાહી થાય છે. જેમાં સૌથી મહત્વનું કામ એમ્બરગ્રીસનો ફોરેન્સિક રિપોર્ટ કઢાવવાનો હોય છે. જેથી ખ્યાલ આવે કે તે અસલી છે કે નકલી. જો અસલી એમ્બરગ્રીસ પકડાય તો 3થી 7 વર્ષની સજા અને 25 હજારથી 1 લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે. પણ જો એમ્બરગ્રીસ નકલી હોય તો છેતરપિંડીની કલમો હેઠળ કાર્યવાહી થાય છે. ઠગબાજો આ નકલી 'એમ્બરગ્રીસ' કઈ વસ્તુઓમાંથી બનાવે છે? એ જાણીને તમે દંગ રહી જશો. ડામર, રબર અને ડુક્કરની ચરબી! હા, તમે સાચું વાંચ્યું. જે વસ્તુ માટે લોકો લાખો-કરોડો રૂપિયા આપવા તૈયાર થાય છે, તે મોટાભાગે કચરો હોય છે. પણ આ કચરાને 'અસલી એમ્બરગ્રીસ' કહીને કેવી રીતે વેચવામાં આવે છે? અને ઘરમાં પડેલી એક નાની સોય કેવી રીતે આ લાખોના ફ્રોડનો પર્દાફાશ કરી શકે છે? એ સમજાયું યુરોપની એક સંસ્થા પાસેથી મળેલી કેટલીક માહિતી પરથી. 'એમ્બરગ્રીસ યુરોપ' નામની કંપની છેલ્લા દસ કરતાં પણ વધુ વર્ષોથી દરિયા કિનારેથી સ્પર્મ વ્હેલનું કિંમતી એમ્બરગ્રીસ શોધવા, તેની ચકાસણી કરવા અને તેનો પ્રચાર કરવા માટે કામ કરે છે. તેઓ અસલી એમ્બરગ્રીસને કાચા માલ તરીકે મોંઘા અત્તર બનાવતી પ્રોફેશનલ કંપનીઓ તથા કુદરતી દવાના નિષ્ણાતોને વેચે છે. આ ઉપરાંત, સામાન્ય લોકો પણ આ અદ્ભુત પદાર્થની સુગંધ અનુભવી કરી શકે તે માટે તેઓ એમ્બરગ્રીસની ટીંચર અને રેસિનોઇડ જેવી બનાવટો પોતાની વેબસાઇટ દ્વારા વેચે છે. જેના પરથી અસલી અને નકલી એમ્બરગ્રીસ વિશે નીચે મુજબની માહિતી મળી. જે દરિયાકિનારે માછીમારો પોતાની રોજીરોટી શોધતા હતા, તે જ કિનારો હવે કાળી કમાણી માટેનો સ્ત્રોત બનતો જઇ રહ્યો છે. જે એમ્બરગ્રીસ માટે લોકો જેલ જવાનું જોખમ ખેડે છે, તેમાંથી 90%થી વધુ જથ્થો માત્ર ને માત્ર લોકોને ઠગવાનું એક પ્લાન્ડ સ્કેમ છે. વિશાખાપટ્ટનમથી લઈને મુંબઈ અને ઉજ્જૈન સુધી પથરાયેલા આ ઠગો તમને ઇન્ડોનેશિયાની લેબોરેટરીના શંકાસ્પદ રિપોર્ટ બતાવીને કરોડો રૂપિયા પડાવી લેવા જાળ બિછાવીને બેઠા છે.
    Click here to Read More
    Previous Article
    PAK સાંસદે કહ્યું- UAEમાં પાકિસ્તાનીઓ સાથે ભેદભાવ થયો:ફ્લાઇટ રદ થયા બાદ હોટલમાં રૂમ ન મળ્યો; ભારતીય-અમેરિકન મુસાફરોને રહેવાની સુવિધા મળી
    Next Article
    જામનગર કોંગ્રેસે 6 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિસ્તભંગના પગલાં;રામદેવ ઓડેદરાએ આક્ષેપો ફગાવી માનહાનિ કેસની ચીમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment