Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્તો ઉમટ્યા:'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે ઢોલ-શરણાઈના નાદથી વાતાવરણ શિવમય બન્યું

    12 hours ago

    ​પવિત્ર જપ, તપ અને વ્રતના પાવન શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે, ત્યારે જૂનાગઢ નજીક ગિરનારની મનોરમ ગોદમાં અને દોલતપરા પાસે આવેલા અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મોટું મહેરામણ ઉમટી પડ્યું છે. શહેરથી આશરે 3 કિલોમીટરના અંતરે પ્રકૃતિના ખોળામાં વસેલા આ ધામમાં પગ મૂકતાં જ ભક્તોને પરમેશ્વરની દિવ્ય અને અલૌકિક સન્નિધિનો અનુભવ થાય છે. આજે શ્રાવણી પહેલા સોમવાર નિમિત્તે મહાદેવજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પટાંગણમાં વાગતાં ઢોલ અને શરણાઈના મધુર સુરો તેમજ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં સરોબોર થઈ ગયું છે. 650 વર્ષથી પણ વધુ પ્રાચીન ગણાતા આ ધામ સાથે શ્રદ્ધાળુઓની અખંડ આસ્થા જોડાયેલી છે. ભોજન, ભજન, કીર્તન અને વિશેષ આરતીનું ભવ્ય આયોજન ​આ પૌરાણિક મંદિર સાથે અનેક પ્રાચીન લોકવાયકાઓ અને પૌરાણિક કથાઓ વણાયેલી છે. પ્રચલિત માન્યતા અનુસાર દેવરાજ ઇન્દ્રને મળેલા શ્રાપમાંથી અહીં મુક્તિ મળી હતી અને આ ક્ષેત્રના પવિત્ર જળથી તેમનો કોઢ દૂર થયો હતો. આ સિવાય ભક્ત શિરોમણી નરસિંહ મહેતાની ભક્તિ સાધના પણ આ સ્થાન સાથે જોડાયેલી છે. નરસિંહ મહેતાએ આ સ્થાન પર શિવજીની કઠોર આરાધના કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા, જેના ફળસ્વરૂપે શિવજીએ તેમની મનોકામના પૂર્ણ કરી હતી. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અહીં ભોજન, ભજન, કીર્તન અને વિશેષ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત, દેશ અને વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુઓ અહીં મહાદેવના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે. ‘10,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને લિંગની સ્થાપના કરી’ ​મંદિરના મહંત શ્રી રામાનંદજી બાપુએ જણાવ્યું હતું કે, આ સ્થાન અતિ પ્રાચીન છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે આવે છે. આશરે 600 વર્ષ પહેલાં ભક્ત કવિ નરસિંહ મહેતાને આ જ સ્થળે ભગવાને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. નરસિંહ મહેતાએ સાત દિવસ સુધી શિવલિંગને પ્રેમથી બાથ ભરીને 'ઓમ નમઃ શિવાય' મંત્રના જપ કર્યા હતા, જેનાથી પ્રસન્ન થઈને ભગવાને તેમને દર્શન આપ્યા હતા અને તેમની બાવડું પકડીને કૈલાશ લઈ ગયા હતા. ભગવાને નરસિંહ મહેતાના કુંવરબાઈનું મામેરું સહિતના પરાક્રમી 52 કામ પાર પાડ્યા હતા. તે સિવાય રાજા ઇન્દ્ર અને ગૌતમ ઋષિ તથા અહલ્યાની કથા પણ આ ભૂમિ સાથે જોડાયેલી છે. ઇન્દ્રદેવે શ્રાપ નિવારણ માટે અહીં 10,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને લિંગની સ્થાપના કરી હતી. શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે મંદિરમાં રુદ્રીપાઠ, 1008 દીવાની ભવ્ય દીપમાળા, સંત ભોજન અને ખાસ કરીને મેર સમાજ દ્વારા મહાપૂજા તથા રુદ્રીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. '8 વર્ષથી દર શ્રાવણ માસના સોમવારે અહીં દર્શન કરવામાં આવું છું' બાવળાથી દર્શનાર્થે આવેલા ભાવેશ સાધુએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના મિત્ર મંડળ સાથે છેલ્લા 7-8 વર્ષથી દર શ્રાવણ માસના સોમવારે અહીં દર્શન અને પૂજા-અર્ચના માટે નિયમિતપણે આવે છે. ઇન્દ્રેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન દેવ છે અને નરસિંહ મહેતાની ભક્તિ પરંપરા સાથે જોડાયેલું આ અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ છે. અહીં આવ્યા પછી વર્ષભરનો વ્યાપારિક અને સામાજિક તણાવ તુરંત જ દૂર થઈ જાય છે, મનને અસીમ શાંતિ સાંપડે છે અને આત્મા ધન્યતા અનુભવે છે. આથી જ તમામ શિવભક્તોએ પોતાના જીવનમાં આ પવિત્ર અવસરે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શનનો લાભ અવશ્ય લેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 280 પોઈન્ટ ઘટીને 77,728 પર બંધ:નિફ્ટી પણ 78 પોઈન્ટ ઘટ્યો; IT અને FMCG શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે ૭૭મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો:મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વૃક્ષારોપણ અને જતન પર આપ્યો ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment