Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છી યુવક શ્રેય સાથે એ રાતે શું બન્યું હતું?:જંતર મંતર પર લાઠીચાર્જના વીડિયો એકઠા કરવાનું ભારે પડ્યું, મિડનાઇટ ડ્રામા વચ્ચે અમદાવાદ પોલીસે આખી ફેમિલી હિસ્ટ્રી કાઢી લીધી

    19 hours ago

    ઇસરોમાં કામ કરી ચૂકેલા, IISc બેંગ્લોર અને IIM-અમદાવાદ જેવી પ્રીમિયમ સંસ્થાઓમાં અભ્યાસ કરનારા કચ્છી યુવક શ્રેય ગુપ્તાએ દિલ્હીના જંતર મંતર પર થયેલા લાઠીચાર્જના વીડિયો એકઠા કરવા વેબસાઇટ બનાવી. તેને એમ હતું કે કોર્ટ કેસમાં વકીલોને મદદરૂપ થઇ શકાશે પણ ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે પીડિતોને મદદરૂપ થવાનો આ વિચાર તેને અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચાડી દેશે. ધમકીભર્યા ફોન, રાત્રે ઘરમાં ઘૂસેલી પોલીસ અને આકરા સવાલો.... વાંચો એ રાતે શ્રેય સાથે શું બન્યું હતું. તારીખ હતી 20મી જુલાઇ. જંતર મંતર પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા. લાખો લોકોએ આ વીડિયો જોયા. IIM-અમદાવાદમાંથી પાસ થનારા શ્રેય ગુપ્તા નામના યુવાને પણ વીડિયો જોયા. તેને દુઃખ થયું. તેને સમજ નહોતી પડતી કે શું કરવું. થોડા વિચાર બાદ તેણે AI સાથે આ અંગે ચર્ચા કરી કે શું કરી શકાય. તે ઇચ્છતો હતો કે જેટલા પણ વીડિયો સામે આવી રહ્યા છે તે કોઇ જગ્યાએ એકઠા કરી શકાય. કોઇ વકીલ આ અંગે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યાં હોય તો તેમને આપીને મદદ કરી શકાય. તેણે એ પણ નક્કી કર્યું કે હું કોઇ પોલીસવાળાનો કે કોઇ સ્ટુડન્ટનો ચહેરો ઉજાગર નહીં કરૂં અને વીડિયોને જાહેર નહીં કરૂં. બીજા દિવસે સવારે તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી. જેમાં લખ્યું કે હું 20મી તારીખે જે થયું તેનો ડેટાબેઝ બનાવું છું એટલે મારી મદદ કરો, મને વીડિયો આપો. જેને હું એકઠા કરીને આગળ આપી શકું. રાત સુધીમાં પોસ્ટ પર 200 લાઇક્સ આવી ગઇ હતી અને લગભગ 2 હજાર વ્યૂ મળ્યા હતા. આ જોઇને તે રાત્રે ડેટાબેઝ બનાવવા બેસી ગયો. 4 કલાકની મહેનતના અંતે તેણે એક વેબસાઇટ બનાવી લીધી. જ્યાં લોકો જઇને વીડિયો સબમિટ કરી શકે. વીડિયો સબમિટ કરતી વખતે પોતાનું નામ આપવું જરૂરી નહોતું. લોકો અનામ બનીને સબમિટ કરી શકતા હતા. તેણે વેબસાઇટનો વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. બીજા દિવસે સવારે તે ઉઠ્યો ત્યારે તેની પોસ્ટ વાઇરલ થઇ ગઇ હતી. 2 હજાર લાઇક્સ અને 20 હજાર વ્યૂ મળી ગયા. રાત પડતાં લાઇક્સનો આંકડો 11,500 એ પહોંચી ગયો. હવે 22મી તારીખ થઇ ચૂકી હતી. સાંજના 5:30 વાગ્યે શ્રેયના ટેલિગ્રામ એકાઉન્ટ પર મેસેજ આવ્યો કે- મારે તમારા ડેટાબેઝમાં કેટલાક વીડિયો આપવા છે. શ્રેયને નવાઇ લાગી કારણ કે તેણે વીડિયો અપલોડ કરવા માટે વેબસાઇટ તો બનાવી દીધી હતી તેમ છતાં તેને આવો મેસેજ કરવાનો અર્થ શું? શ્રેયે તેને સામાન્ય ગણીને રિપ્લાય આપી દીધો કે- ઠીક છે, તું મને મોકલી દે. જેવો રિપ્લાય આપ્યો કે તેને સ્વિગી, ઝોમેટો, ઇન્સ્ટામાર્ટ, બ્લિન્કીટ જેવી કંપનીઓના 20 જેટલા અલગ અલગ ઓટીપી મળ્યા. થોડીવારમાં ટેલિગ્રામ પર તેને વધુ એક મેસેજ મળ્યો કે- ઓસન્ટ કમ્યુનિટીને તારા વિશે ખબર પડી ગઇ છે. નામ, સરનામું, ફોન નંબર જેવી માહિતી મળી છે અને NIAમાં ફરિયાદ કરી દીધી છે. આના પછી શ્રેયે તેની સાથે આગળ વાત ન કરી અને ટેલિગ્રામ બંધ કરી દીધું. હવે નવી મુસીબત શરૂ થઇ. તેના મોબાઇલ પર કોલ આવવાના શરૂ થયા. જેવો પહેલો કોલ રિસીવ કર્યો કે સામેથી ધમકી મળી- તું શું સમજે છે પોતાને? તું પોલીસવાળાઓનો ડેટાબેઝ બનાવીશ? ગભરાઇ ગયેલા શ્રેયે તરત જ કોલ કટ કરી નાખ્યો. આમને આમ રાતના 10:30 વાગી ગયા. અચાનક શ્રેયના ઘરે 4 લોકો પહોંચ્યા. તેમણે શર્ટ અને જીન્સ પહેરેલા હતા. તેમણે પોતાની ઓળખ પોલીસવાળા તરીકેની આપી અને કહ્યું કે અમે તને પૂછપરછ કરવા માટે લઇ જવા માગીએ છીએ. શ્રેયે તેને પૂછ્યું કે-સર, તમે મને અરેસ્ટ કરીને લઇ જઇ રહ્યાં છો? તો તેમણે કહ્યું કે-ના, કોઇ અરેસ્ટ નથી. અમારે બસ થોડી પૂછપરછ કરવી છે. શ્રેયઃ હું એક કોલ કરી લઉં? પોલીસઃ હા, ઠીક છે. તું કોલ કરી શકે છે. શ્રેય જેવો ફર્યો અને કોલ કરવા માટે ફોન ઉપાડ્યો કે એક પોલીસવાળાએ જાળીમાંથી પોતાનો હાથ અંદર નાખીને દરવાજો ખોલી દીધો અને બધા અંદર આવી ગયા. તેમણે શ્રેયને પાછળથી પકડી લીધો. જાણે તે ક્યાંક ભાગવાનો પ્રયાસ ન કરી રહ્યો હોય! શ્રેયે બૂમો પાડવાનું શરૂ કર્યું કે કોઇ મારી મદદ કરો. આટલામાં તેનો કોલ કનેક્ટ થઇ ગયો હતો. સામે તેનો મિત્ર હતો. તેણે કહ્યું કે તે આવી રહ્યો છે. હવે શ્રેયને થયું કે હું સહકાર નહીં આપું તો વાત વધારે બગડી જશે. આ સમયે ઘરમાં તેની સાથે એક બીજો મિત્ર હતો. જેવો તે મદદ માટે આગળ આવ્યો કે એક પોલીસવાળાએ તેને અંદર ધકેલી દીધો. આના પછી શ્રેયે પોલીસવાળાને કહ્યું કે- તમે એક કામ કરો. મને મારો ફોન આપી દો. હું તમારી સાથે શાંતિથી ચાલીશ. કોઇ વાંધો નથી. આ શબ્દો સાંભળીને પોલીસવાળાએ અંદરોઅંદર થોડી ચર્ચા કરીને કહ્યું કે ઠીક છે, તું કંઇ રેકોર્ડ ન કરે તો હું તને ફોન આપું છું. શ્રેયે કંઇ રેકોર્ડ ન કરવાની ખાતરી આપી અને ફોન પાછો લઇ લીધો. એટલામાં તેના 2 મિત્રો આવી ગયા એટલે શ્રેયે પોલીસને કહ્યું કે- આ બન્ને મારી સાથે આવે તો હું રેડી છું. પોલીસે કહ્યું કે કંઇ વાંધો નહી. આના પછી 2 પોલીસકર્મીઓ શ્રેય અને તેના મિત્રોની સાથે કારમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં એક સીનિયર ઓફિસર હતા. તેણે શ્રેયને પૂછ્યું- તને શું લાગે છે, તને અહીં કેમ લવાયો છે? શ્રેયઃ મેં જે પોસ્ટ કરી હતી કદાચ એના લીધે લાવ્યા હશો. પોલીસ ઓફિસરઃ તને ખબર છે તારી પોસ્ટે શું કર્યું છે? શ્રેયઃ ના સર, શું કર્યું છે મારી પોસ્ટે? પોલીસ ઓફિસરઃ તારી પોસ્ટે અમદાવાદમાં ખૂબ હિંસા ફેલાવી છે. તારી પોસ્ટ જોઇને લોકોમાં ગુસ્સો આવી ગયો છે. બધી જગ્યાએ તારી પોસ્ટ ફેલાઇ રહી છે. શ્રેયને આ વાત સમજમાં તો ન આવી પણ તેણે સહમતિ દર્શાવી. તે જે પણ કહેતા તેની વિરુદ્ધ કંઇ ન બોલ્યો. થોડીવારમાં એ પોલીસ ઓફિસર ત્યાંથી જતાં રહ્યા અને જે જુનિયર ઓફિસર હતા તેમણે શ્રેયનો ફોન ચેક કર્યો. વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ બધું ચેક કર્યું પણ કંઇ ન મળ્યું. તેમણે ફોન પાછો આપતા શ્રેયને કહ્યું કે- તમારી મરજી છે, તમે પોસ્ટ ડિલીટ કરવા માગતા હો તો કરી શકો છો, ન કરવા માગતા હો તો ન પણ કરો. શ્રેયઃ તમે શું કહી રહ્યાં છો? શું હું મારી પોસ્ટ ડિલીટ કર્યા વગર અહીંથી જઇ શકું? તમે મને જવા દેશો? આ સાંભળી પોલીસે કંઇ ન કહ્યું એટલે તે સમજી ગયો કે પોસ્ટ ડિલીટ કર્યા વગર જવાનો કોઇ વિકલ્પ નથી. તેણે પોતાની જાતે જ એ પોસ્ટ ડિલીટ કરી દીધી. જેવી પોસ્ટ ડિલીટ કરી કે સીનિયર અધિકારી આવ્યા અને તેમણે જુનિયર અધિકારી પર ગુસ્સો કરતા હોય એ રીતે કહ્યું કે- અરે, પોસ્ટ કેમ ડિલીટ કરાવી દીધી? કોણે કહ્યું હતું ડિલીટ કરવાનું? થોડીવારમાં બીજા એક સીનિયર અધિકારીની એન્ટ્રી થઇ. તેમણે કહ્યું કે હવે આ બધાને ક્રાઇમ બ્રાન્ચ લઇ લો. જેથી બધાને ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચ લઇ જવાયા. ક્રાઇમ બ્રાન્ચમાં ઉપર આવેલા એક રૂમમાં શ્રેય અને તેના મિત્રોને બેસાડાયા, ચા-બિસ્કિટ મગાવાયા. આટલા સુધીમાં તો રાતના 12:30 વાગી રહ્યાં હતા. પોલીસે તેનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ક્યાં કામ કરે છે, શું કામ કરે છે, કેટલા પૈસા કમાય છે, કેટલા બેંક એકાઉન્ટ છે, કેટલા ફોન નંબર છે આવું બધું પૂછ્યું. અહીં ફરીથી તેનો ફોન ચેક કરાયો. પોલીસે તેના આખા પરિવારની હિસ્ટ્રી કાઢી. તેના પપ્પા કોણ છે, શું કરે છે, મમ્મી, બહેન, પપ્પાના ભાઇ-બહેન છે, તેમના પતિ-પત્ની કે બાળકો છે કે નહીં, તેઓ શું કરે છે આટલી ઊંડાણપૂર્વકની માહિતી કાઢી. જ્યારે પોલીસે તેની પાસે બેંક એકાઉન્ટ નંબર માગ્યો ત્યારે શ્રેયે કહ્યું કે હું શેર કરવા નથી માગતો. પોલીસઃ જુઓ, એ તો તમારે શેર કરવો જ પડશે. નહીં તો અમે તમને અહીંથી જવા નહીં દઇએ. શ્રેયઃ ઠીક છે. લખી લો, કોઇ વાંધો નહીં. પોલીસે તેની પાસેથી બધી માહિતી લીધી, કેટલીક કમ્પ્યુટરમાં લખી. તેણે જે પોસ્ટ કરી હતી તેમાં શું કન્ટેન્ટ હતું તે પણ પૂછીને લખી લીધું. છેલ્લે પોલીસે લખ્યું કે હવે મેં આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ સ્ટેટમેન્ટની પ્રિન્ટ કાઢીને તેના પર શ્રેયની સહી કરાવી. સાક્ષી તરીકે શ્રેયના એક મિત્રની સહી કરાવી અને કોઇ કોપી આપ્યા વગર બધાને ત્યાંથી જવા માટે મંજૂરી આપી. શ્રેયે તેમને કહ્યું કે- મને ધમકીભર્યા કોલ આવી રહ્યાં છે. પોલીસઃ કેવા કોલ આવી રહ્યાં છે. તે બતાવ. આ સમયે જ શ્રેયને 2-3 કોલ આવ્યા. જે પોલીસે ઉપાડ્યા અને સામેવાળાને કહ્યું કે- અમે આને પોલીસ સ્ટેશન લઇ આવ્યા છીએ. બધી વાત કરી લીધી છે. હવે તમારે વાત કરવાની જરૂર નથી. જે નંબર પરથી કોલ આવતા હતા તે નંબર પોલીસે પોતાના ડેટાબેઝમાં નાખ્યો અને તેમાં જે ફોટો આવ્યો તે શ્રેયને આપીને કહ્યું કે- તુ આ ફોટો તેને મોકલી દે અને કહી દે કે મને પણ તારા વિશે બધી ખબર છે. આ સાંભળીને શ્રેયને થોડું વિચિત્ર લાગ્યું. આના પછી શ્રેય અને તેના મિત્રોને નવરંગપુરા પોલીસ સ્ટેશન છોડી દેવાયા. જ્યાંથી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ બધા ઘરે પહોંચ્યા હતા. શ્રેયે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમે પોલીસ સ્ટેશન જઇ રહ્યાં હતા ત્યારે મારી સાથે જે પોલીસવાળા હતા તેમણે મને ઘણું પૂછ્યું હતું. જેમ કે તુ ઉમર ખાલીદનો સપોર્ટર છો? તને આ પોસ્ટ કરવા માટે કેટલા પૈસા મળ્યા? તું કઇ પાર્ટીનો છો? આ પ્રકારના સવાલો પૂછ્યા. આ સવાલો સાથે મારે કોઇ લેવાદેવા જ નહોતી એટલે મેં પહેલાં તો તેમના સવાલોનો ના માં જ જવાબ આપ્યો. છતાં જ્યારે તે પૂછતા રહ્યાં ત્યારે મેં ઇગ્નોર કર્યું. હાલમાં મારી વેબસાઇટ વર્કિંગ છે. ‘પહેલીવાર જ્યારે કોલ આવ્યો ત્યારે સીધી ગાળો આપવાની શરૂ કરી દીધી એટલે થોડો ડર લાગ્યો પછી જ્યારે મેં થોડી વાત કરી તો ખબર પડી કે તેમને કોઇ તકલીફ હતી જ નહીં. આ એમની જોબ હતી. જેના માટે કદાચ કોઇએ તેમને પૈસા આપ્યા હતા. મેં તેને પૂછ્યું કે મેં કયો કાયદો તોડ્યો છે તે તુ મને જણાવ તો સામેથી કોઇ જવાબ ન મળ્યો. સામેથી ફક્ત એટલું બોલ્યો કે- બેટા હવે તો તુ ગયો.’ આ તો હતી શ્રેયની પોતાની વાત. હવે તેના વિશે પણ થોડું જાણી લો. શ્રેય મૂળ કચ્છના ગાંધીધામનો છે. તેના પિતા ત્યાં IIT-JEE ની તૈયારી કરાવે છે. ત્યાં જ તેણે 7 વર્ષ સુધી IITની તૈયારી કરી છે. જેના પછી તે ફિઝિક્સનો અભ્યાસ કરવા માટે IISc-બેંગ્લોર જતો રહ્યો. તેણે ઇસરોમાં પણ એક વર્ષ કામ કર્યું છે. ગ્રેજ્યુએશન પૂરૂં થયા પછી તેણે એક વર્ષ માટે જયપુરની સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરી હતી. તે લંડનની એક કંપનીમાં પણ કામ કરી ચૂક્યો છે. જેના પછી તેણે IIM-અમદાવાદથી MBA કર્યું. 2024માં તેણે કાબિલ નામથી પોતાની કંપની શરૂ કરી. જેમાં તે AI ટ્યુટર્સ બનાવી કોચિંગ સેન્ટર્સ તથા સ્કૂલ્સને આપતો હતો. ચાલુ વર્ષથી તે અમદાવાદની એક કંપનીમાં કામ કરી રહ્યો છે. આ મામલે દિવ્ય ભાસ્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનના PIનો સંપર્ક કર્યો હતો પણ તેમણે કોલ રિસીવ કર્યો નહોતો. (નોંધ- અહીં આપેલી તમામ માહિતી શ્રેય ગુપ્તા સાથેની વાતચીતના આધારે લખી છે.)
    Click here to Read More
    Previous Article
    Xiaomi HyperOS 4 Leak Hints at Beta Rollout Timeline and New Features
    Next Article
    ગાંધીનગર-અમદાવાદની સંયુક્ત તિરંગા યાત્રા યોજાશે:ભાજપ દરેક ઘરે તિરંગા પહોંચાડશે; 10 લાખ ધ્વજ વિતરણનું લક્ષ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment