Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:અસહમત થવાને મુદ્દે સહમતિ શા માટે નહીં!

    10 hours ago

    પેપર લીક થવાને મુદ્દે આખા દેશમાં વિવાદ જાગ્યો એ પછી કેટલાય શૂરવીરો અને શૂરવીરાંગનાઓ સોશિયલ મીડિયાના મેદાનમાં આ મુદ્દે કશું ન બોલતા હોય એવી વ્યક્તિઓને લલકારવા આવી ગયાં કે ‘બોલો, બોલો, કંઈક તો બોલો.’ એમાં સરકારવિરોધી અને સરકારતરફી બંને પક્ષના શૂરવીરો અને શૂરવીરાંગનાઓ મેદાનમાં પડ્યાં હતાં. અને બંને પક્ષના બોલકા માણસોનો દુરાગ્રહ એક જ હતો કે ‘તમારે અમારી ફેવરમાં જ બોલવાનું છે.’ એવાં વર્તનના સંદર્ભમાં નેશનલ એવોર્ડ વિજેતા ટીવી-ફિલ્મ અભિનેત્રી નીલમ પંચાલે જુલાઈ, 2025ના છેલ્લા સપ્તાહમાં સોશિયલ મીડિયા પર એ વીડિયો મૂક્યો. નીલમ પંચાલ સ્પષ્ટવક્તા છે, પણ વિતંડાવાદમાં પડે એવી વ્યક્તિ નથી એટલે તેમનો આ વીડિયો જોઈને સહેજ નવાઈ લાગી, પરંતુ તેમનો વીડિયો વિચારપ્રેરક પણ લાગ્યો. નીલમે એ વીડિયોમાં કહ્યું કે ‘અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે ને એ વિષે બોલીશ તો બધું સળગી જશે જીવનમાં. એટલે મારી મરજી, મારે ન બોલવું હોય તો. મારી લાઈફ, મારો ઓપિનિયન, મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ. મારે જે કરવું હોય એ કરું. બરાબર? કારણ કે દરેક વ્યક્તિને પોતાની પર્સનલ લાઈફમાં પણ પોતાના પ્રોબ્લેમ્સ ચાલતા હોય. જ્યારે પોતાના ઘરમાં કે પોતાની પર્સનલ લાઈફમાં કે પોતાની હેલ્થ સાથે કંઈ પ્રોબ્લેમ ચાલતા હોય ને ત્યારે માણસ પહેલાં પોતાનું જ વિચારે. એને તમે સેલ્ફિશ કહો તો સેલ્ફિશ, વાંધો નથી. કારણ કે તમારા ઘરમાં આગ લાગી હશે ત્યારે તમે દેશનો પ્રોબ્લેમ સોલ્વ કરવા નહીં જાઓ. તમે તમારા ઘરને પાણી નાંખી એને બુઝાવશો.’ ‘બીજી વાત, દરેકના ઓપિનિયન હોઈ શકે. ઓપિનિયન સાંભળવાની તાકાત રાખો પહેલાં. લોકો સ્ટુડન્ટની ફેવરમાં પણ હોઈ શકે, સ્ટુડન્ટની ફેવરમાં ન હોય એવા લોકો પણ હોઈ શકે. સોનમસાહેબ (સોનમ વાંગચૂક) જે કરી રહ્યા છે એની પણ તરફેણમાં હોઈ શકે, ના પણ હોઈ શકે. દરેકના પોતાના ઓપિનિયન હોય શકે. દરેકના ઓપિનિયનને રિસ્પેક્ટ કરતા શીખો. અમારામાંથી કોઈ આર્ટિસ્ટ સ્ટુડન્ટની ફેવરમાં નીકળ્યા બિચારા અને આઈ રિસ્પેક્ટ માય ફ્રેન્ડ, પણ તેમની પોસ્ટ નીચે તમે શું ગાળો લખી હતી? ગંદી-ગંદી. સોરી, મને બોલતાંય શરમ આવે છે. રાંડ ને વેશ્યા ને એવું બધું! તમારા ઘરમાં તમારા મિલકતના કે બીજા કોઈ પ્રોબ્લેમ થાય છે ને ત્યારેય તમારા ઓપિનિયન સરખા નથી હોતા. તમારા ઘરમાં નાની-નાની વસ્તુઓમાં પ્રોબ્લેમ થાય ત્યારે પણ બધાના ઓપિનિયન સરખા ન હોય તો તમારા ઘરની સ્ત્રીઓને રાંડ કે વેશ્યા કહીને બોલાવો છો?’ ‘અમુક લોકો જે ગવર્નમેન્ટની તરફેણમાં બોલ્યા તો ત્યાં જઈને પણ તમે ગાળો બોલ્યા હશો! અરે! રિસ્પેક્ટ તો કરો કોઈના ઓપિનિયનને. એનો ઓપિનિયન છે એને જે બોલવું હોય એ બોલે. તમારે શું? તમે બોલો ને. બધાંની પાછળ પડી ગયાં છો કે ‘તમે બોલો, તમે બોલો!’ તો તમે બોલો ને! અને જેને ન બોલવું હોય એ ન બોલે, ચૂપ રહે. કારણ કે છેલ્લે બધાં જ પોતાની પોલિટિકલ રોટલીઓ શેકીને નીકળી જશે. મારે આ બધામાં નથી પડવું, કારણ કે છેલ્લે નીકળશે તો પોલિટિકલ એંગલ જ. ક્યાંકથી મારીમચડીને નીકળશે. જે-જે લોકો લડી રહ્યાં છે એમના પ્રોબ્લેમનું સોલ્યુશન આપે ભગવાન. એમને શક્તિ આપે બરાબર છે. અને જે નથી લડી રહ્યાં એમને પણ શક્તિ આપે. યાર, દરેકને પોતાના પ્રોબ્લેમ છે જીવનમાં. અહીં કોઈ થાળી પીરસેલી મળી જ નથી. મને તો જીવનમાં ડેફિનેટલી નથી જ મળી. બહુ સ્ટ્રગલ કરી છે. રુટ સાથે જોડાયેલી, કોળિયાં-કોળિયાં માટે તરસેલી વ્યક્તિ, ભણવા માટે તરસેલી વ્યક્તિ, ફી ભરવા માટે તરસેલી વ્યક્તિ, એક્ઝામમાંથી કાઢી મૂકેલી વ્યક્તિ છું હું. આ બધી સિચ્યુએશન જોઈને જ નીકળેલી છું. મારે અત્યારે મારી શાંતિ ભંગ નથી કરવી એટલે મને તો મેસેજ કરતા જ નહીં આ મુદ્દે.’ જોકે આ વીડિયો માટે પણ કેટલાય માણસો નીલમને ટ્રોલ કરવા માટે સોશિયલ મીડિયાના મેદાનમાં આવી ગયા! આજના સમયમાં સમાજમાં અને દેશમાં એટલી કડવાશ વધી ગઈ છે કે માણસો પોતાના કરતાં જુદું મંતવ્ય ધરાવતા માણસોને નફરત કરવાની હદ સુધી પહોંચતા થઈ ગયા છે. એમાંય સોશિયલ મીડિયાએ આડો આંક વાળી દીધો છે. સોશિયલ મીડિયા વાંદરાના હાથમાં તલવાર સમું થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રૂપી રણમેદાનમાં ઘણાં બેપગાળાં પ્રાણીઓ હૂપાહૂપ કરતાં શાબ્દિક તલવાર લઈને કૂદી પડે છે અને આડેધડ શબ્દોની તલવારો વીંઝતા રહે છે. અસહમત થવાના મુદ્દે સહમતિ એ સંસ્કારી અને તંદુરસ્ત સમાજની ઓળખ સમાન ગણાય. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં માણસો વચ્ચે મતભેદને કારણે મનભેદ થતા જાય છે. સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ આપણા કરતાં જુદો અભિપ્રાય વ્યક્ત કરે તો તરત તેના પર ‘અંધભક્ત’ અથવા ‘દેશદ્રોહી’ કે અન્ય કોઈ લેબલ લગાવી દેવાય છે. આપણા દેશના ઈતિહાસમાં એવા ઘણા મહાનુભાવોના કિસ્સાઓ છે કે જેમની વચ્ચે ઘણા મુદ્દે અસહમતિ હતી, પરંતુ એ અસહમતિ દર્શાવવાના મુદ્દે તેમની વચ્ચે સહમતિ હતી. જેમ કે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે ચરખો, શિક્ષણ, રાષ્ટ્રવાદ, અસહકાર આંદોલન જેવા અનેક મુદ્દાઓ પર ગંભીર મતભેદો હતા. ટાગોર ઘણા મુદ્દે ગાંધીજીની આકરી ટીકા પણ કરતા હતા. ગાંધીજીએ પણ ટાગોર સાથે કેટલીય વખત અસહમતિ વ્યક્ત કરી હતી, પરંતુ બંનેએ ક્યારેય એકબીજા પ્રત્યેનો આદરભાવ છોડ્યો નહોતો. ગાંધીજી ટાગોરને ‘ગુરુદેવ’ કહેતા અને ટાગોર ગાંધીજીને ‘મહાત્મા’ કહીને સંબોધન કરતા. ફ્રેન્ચ ફિલોસોફર વોલ્ટરનું એક ક્વોટ છે કે ‘આઈ ડિસઅપ્રુવ ઓફ વોટ યુ સે, બટ આઈ વિલ ડિફેન્ડ ટુ ધ ડેથ યોર રાઇટ ટુ સે ઈટ’ (તમે જે કહો છો તેનાથી હું અસહમત છું, પરંતુ એ કહેવાના તમારા અધિકારનું મારાં જીવનના અંત સુધી રક્ષણ કરીશ). આ વિધાનને મુદ્દે પણ કદાચ કોઈ અસહમતિ દર્શાવી શકે કે આ વોલ્ટરે કહેલું વાક્ય છે એનો કોઈ પુરાવો નથી તો તેમની સાથે હું સહમત થાઉં છું કે આ ક્વોટ વોલ્ટરના નામે ચડ્યું છે, પરંતુ આ શબ્દો તેમણે લખ્યા નથી! બાય ધ વે, સ્વતંત્ર અભિવ્યક્તિનું આ પ્રસિદ્ધ વાક્ય વાસ્તવમાં એવલિન બીટ્રિસ હોલે તેમના ઉપનામ એસ. જી. ટેલેન્ટાયર નામે આજથી 120 વર્ષ અગાઉ 1906માં વોલ્ટેર પર લખેલી બાયોગ્રાફીમાં લખ્યું હતું. તેમણે આ વાક્ય દ્વારા વોલ્ટેરના વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગેના તેમના અભિગમનો સાર રજૂ કર્યો હતો. (જોકે અત્યાર સુધીમાં સંખ્યાબંધ લેખકો આ ક્વોટ વોલ્ટેરના નામે લખી ચૂક્યા છે!)
    Click here to Read More
    Previous Article
    વૈશ્વિક ભારત:આજનું ચીન મેડ ઈન ઈન્ડિયા છે?
    Next Article
    Wall Street Highlights: S&P 500, Dow Jones Rises To All-Time High On Hormuz Deal Push

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment