Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:બેટા, દુનિયામાં શક્તિશાળી કોણ?

    7 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ બાળક ધરતી પર અવતરે અને આંખો ઉઘાડી ચારેય તરફ જોતું થાય ત્યારે સૌથી પહેલાં બે વ્યક્તિઓ સાથે એનો પનારો પડે છે: એનાં મા-બાપ. કોઈના પણ જીવનમાં માનું અદકેરું મહત્ત્વ છે અને એટલા જ માટે કવિ બોટાદકરે કવિતા રચી છે કે ‘જનની જોડ સખી નહીં જડે રે લોલ.’ મા એના બાળકનો સૌથી મોટો શિક્ષક અને ટ્રેનર છે. માના આપણા પર એટલા અગણિત ઉપકાર છે કે કહેવત પડેલી છે ‘ઘોડે ચડતો બાપ મરજો, પણ છાણાં વીણતી મા ના મરજો.’ પણ એનાથી બાપનું મહત્ત્વ ઓછું નથી થઈ જતું. નાના બાળકને એનો બાપ ખભે બેસાડી બહાર ફરવા લઈ જાય છે ત્યારે એકાએક આ બાળક જમીનથી પાંચ-છ ફૂટ ઊંચકાઈ જાય છે. મા એ વાત્સલ્યનું ઝરણું અને મમત્વનું ઓઢણું છે, તો બાપ એના દીકરા માટે શિરછત્ર છે, જેની હાજરીમાત્ર સંકેત આપવા માટે પૂરતી છે કે ગમે તેવી આપત્તિ આવે તો પણ બાપાની આંગળી પકડીને ચાલતા દીકરા કે દીકરીને પોતાની કોઈ ચિંતા નથી. ઉત્તમ પુત્ર એને કહેવાય જેના નામથી એના બાપ ઓળખાય, उत्तमा आत्मनः ख्याताः पितुः ख्याताश्च मध्यमाः। अधमा मातुलात् ख्याताः श्वशुराच् चाधमाधमः॥ અર્થાત્ જે વ્યક્તિ પોતાના પ્રયત્નો અને ગુણોથી ખ્યાતિ મેળવે છે તે શ્રેષ્ઠ ગણાય છે; જે પિતાના નામને કારણે પ્રસિદ્ધ થાય છે તે મધ્યમ ગણાય છે; જે મામાને કારણે ઓળખાય છે તે નિમ્ન ગણાય છે; અને જે સસરાને કારણે ખ્યાતિ પ્રાપ્ત કરે છે તે અધમ ગણાય છે. લોકસાહિત્યમાં કહેવાયું છે- કૂવા ઢાંકણ ઢાંકણું, આંગણ ઢાંકણ વાડ, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર. એક આદર્શ પુત્ર જ્યારે યુવાવસ્થામાં પ્રવેશે છે, ભણીગણીને તૈયાર થઈ જાય છે, ત્યારે બાપના માટે મોટો સધિયારો અને ટેકો બની રહે છે. બાપ જ્યાં સુધી પોતાને માથે બેઠો છે ત્યાં સુધી માણસ ઘરડો નથી થતો. આવી જ એક વાતને ઉજાગર કરતો પ્રસંગ તાજેતરમાં ધ્યાને આવ્યો. એક પિતા અને પુત્રની વાત છે. પિતા સરકારી અધિકારી તરીકે સનદી સેવામાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે, પણ હાલ નિવૃત્ત છે. દીકરો UPSCની કસોટીમાંથી પસાર થઈ ઇન્ડિયન પોલીસ સર્વિસ માટે પસંદ થયો છે, એને લગભગ સાત-આઠ વર્ષ જેટલો નોકરીમાં અનુભવ થયો હશે. બાજુના જિલ્લામાં અત્યારે એનું પોસ્ટિંગ જિલ્લા પોલીસ વડા તરીકે છે. એક દિવસ કોઈ કામસર જિલ્લામથકે ગયેલા પિતા, સ્વાભાવિક રીતે પુત્રને મળવા એની ઓફિસમાં જાય છે. જિલ્લા પોલીસ વડા તરીકેની એની ઓફિસ અને રૂઆબ જોઈને પિતા હરખાઈ ઊઠે છે. પિતા એની ચેમ્બરમાં દાખલ થાય છે. પેલો દીકરો પૂછે છે ‘અરે પપ્પા તમે?’ એના પિતા જવાબ આપે છે, ‘ભાઈ, કેટલાંક સામાજિક કારણોસર આ બાજુ આવવાનું થયું, તો થયું તને મળતો જાઉં.’ દીકરાને ખબર છે, બાપા ચાના શોખીન છે. એ બે સરસ ચા મંગાવે છે. બાપ-દીકરા એક સાથે ચાની લિજ્જત માણે છે. IAS જેવી મોભાદાર સનદી સેવામાં રહી ચૂકેલા પિતા આજે પોતાની ઓફિસમાં એની સામે બેસીને ચા પીવે છે, એ પેલા દીકરો માટે અત્યંત આનંદ અને સંતોષની બાબત છે. ચા પૂરી થાય છે અને પેલો ભાઈ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ટેબલના સામે છેડે બેઠેલા પોતાના દીકરા પાસે જઈને એના ખભા પર હાથ મૂકે છે. એકાએક એનાથી પૂછાઈ જાય છે: ‘દીકરા તારે મન દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ?’ એક ક્ષણના વિલંબ વગર પેલો દીકરો જવાબ આપે છે ‘પપ્પા સૌથી શક્તિશાળી તો હું જ ને!’ એક ઘડીભર માટે પેલા પિતાનું હૃદય જાણે કે ધબકારો ચૂકી જાય છે. પોતાના દીકરાને આટલું બધું અભિમાન આવી ગયું, એ વિચારે પિતા થોડા દુઃખી થાય છે, પણ અનુભવે એમને શીખવ્યું છે કે સંતાન વયસ્ક થાય પછી એની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવો, રૂઆબ જમાવવાનો નહીં. એ દીકરાનો ખભો થાબડે છે અને વિદાય થવા માટે દરવાજા તરફ જાય છે. દીકરો પણ પિતાને વળાવવા ખુરશીમાંથી ઊભો થાય છે. દરમિયાનમાં પેલો ભાઈ એક ઘડી માટે થોભીને ફરી દીકરાને પૂછે છે. ‘બેટા ફરી પૂછું છું, દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ?’ આ વખતે દીકરાનો જવાબ એમને અગાઉ કરતાં પણ વધારે ચોંકાવી જાય છે. દીકરાનો જવાબ છે, ‘પપ્પા તમે!’ પેલો ભાઈ થોડી અવઢવ સાથે પૂછે છે, ‘પણ હમણાં એક મિનિટ પહેલાં તો તેં જુદો જવાબ આપ્યો હતો. તારા આ બે જવાબમાંથી મારે સાચો જવાબ કયો સમજવાનો?’ જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યરત પેલો દીકરો હળવાશભર્યા સ્મિત સાથે જવાબ આપે છે, ‘બંને જવાબ સાચા છે, પપ્પા.’ પછી જરા સમજ પાડતો હોય એમ કહે છે: પહેલીવાર તમે મને પ્રશ્ન પૂછ્યો ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો અને એટલે હું જગતનો શક્તિશાળી માણસ હતો, પણ જેવો એ હાથ હટી જાય, એ પછી મારા માટે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ મારા પિતા તરીકે આપ છો. પ્રસંગ નાનો છે, પણ ઘણું બધું કહી જાય છે ખરું ને?
    Click here to Read More
    Previous Article
    Sawan Kalashtami 2026: सावन की कालाष्टमी आज, जान लें पूजा का शुभ मुहूर्त और विधि
    Next Article
    બુધવારની બપોરે:અમદાવાદમાં મૌસમ ક્યારેય ના છલકે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment