Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપુર ડાઇંગના કેમિકલથી ઓઝત નદી પ્રદૂષિત થતા ખેડૂતોમાં આક્રોશ:​ઓઝત નદીમાં ઝેરી કેમિકલ છોડાતા લાખો માછલીઓ અને પશુઓના મોત, વધાવીના ખેડૂતોએ ઉગ્ર આંદોલનની આપી ચેતવણી

    8 hours ago

    ​જેતપુરથી માધવપુર સુધી વહેતી પવિત્ર ઓઝત અને ઉબેણ નદીઓ આજે કેમિકલ માફિયાઓની નફ્ફટાઈને કારણે મોતની નદી બની ચૂકી છે. નદીના કાંઠે વસતા નિર્દોષ ખેડૂતો, પશુપાલકો અને યુવાનો દરરોજ ઘૂંટડે-ઘૂંટડે ઝેર પીવા મજબૂર બન્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ચોમાસામાં પડેલા વરસાદનો લાભ ઉઠાવીને જેતપુરના ઉદ્યોગપતિઓએ રાતોરાત ટનબંધ ઝેરી કેમિકલ નદીમાં ઠાલવી દીધું છે. જેના કારણે લાખો માછલીઓના કરૂણ મોત થયા છે અને નદી કિનારાની ફળદ્રુપ જમીન સંપૂર્ણપણે બંજર બની ગઈ છે. નદી કાંઠાના ગામોમાં દર 15 દિવસે કેન્સર જેવી બીમારીનો એક નવો દર્દી ઉમેરાઈ રહ્યો છે અને નિર્દોષ લોકો ચામડીના ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. મૂંગા પશુઓ આ ઝેરી પાણી પીને મોતને ભેટતા રહે છે, છતાં સ્થાનિક પ્રતિનિધિઓ અને જીપીસીબીના અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે. ​ખેડૂત હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ કાળાભાઈ ઝાલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજથી પાંચ વર્ષ પહેલાં અમે ઓઝત નદીનું આંદોલન કર્યું હતું અને નદીનું પૂજન કરાવ્યું હતું. એ સમયે વર્ષ દિવસ સુધી કેમિકલયુક્ત પાણી નદીમાં નહોતું આવ્યું અને પાતાળ ટાંકા પણ તોડી નાખવામાં આવ્યા હતા. પરંતુ માથાભારે માણસોએ પોતાના સ્વાર્થ માટે ફરીથી કેમિકલવાળું પાણી ચાલુ કરી દીધું છે. આજે સ્થિતિ એ છે કે હજારો એકર જમીન બંજર બની ગઈ છે અને ખેતરોમાં કોઈ પાક આવતો નથી. જો માણસ આ પાણીમાં પગ મૂકે તો ચામડીના રોગ અને કેન્સર થાય છે. પશુ-પંખી આ પાણી પી શકતા નથી અને ઢોર પીવે તો મરી જાય છે. અમારે નદીમાં ઉતરતા પહેલાં સો વાર વિચાર કરવો પડે છે. જો આ નદીનું પાણી શુદ્ધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નહીં રહે. ​ગામના ખેડૂત રમેશભાઈએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, 23 અને 24 તારીખની મધ્યરાત્રિએ વરસાદ થતાં જ જેતપુરના ડાઇંગ ઉદ્યોગોમાંથી કેમિકલવાળું પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. આ ઝેરી પાણીના કારણે નદીમાં હજારો, લાખો અને કરોડો માછલીઓ મૃત્યુ પામી છે. અમે આ અંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને સંબંધિત વિભાગોને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ એ ધ્યાને લીધું નથી. સંજયભાઈ માત્ર એવું જ કહે છે કે તેમણે સરકારમાં રજૂઆત કરી દીધી છે, પણ સરકાર એમનું પણ સાંભળતી ન હોય તેવું લાગે છે. જો GPCB અને રાજ્ય સરકારના અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ કેમિકલવાળું પાણી બંધ નહીં કરાવે, તો દેશનો આક્રોશિત યુવાવર્ગ વિરોધના રસ્તે ઉતરવા મજબૂર બનશે. ​વધાવી ગામના ખેડૂત જોગલ ભરતભાઈએ તંત્ર સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, અમારા ગામમાંથી પસાર થતી નદી આ વિસ્તારની જીવાદોરી છે. પરંતુ જેતપુર ડાઇંગ ઉદ્યોગના માલિકો દ્વારા એમાં કેમિકલ ભેળવવામાં આવતા આ પ્રદૂષિત પાણી 150 થી 200 કિલોમીટર દૂર માધવપુર સુધી પહોંચી ગયું છે. આજુબાજુના ગામડાઓના ખેડૂતો માટે આ પાણી હવે વાપરવા કે પીવા લાયક રહ્યું નથી. આ ઝેરી પાણીથી જળચર જીવો અને પશુઓના મોત થઈ રહ્યા છે. હજુ 2-5 દિવસ પહેલાં જ અમારા ગામમાં એક ગાભણ પશુ આ પાણી પીવાથી મૃત્યુ પામી હતી. સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ બાબતે કડક પગલાં લેવામાં આવે જેથી ખેડૂતો અને જળચર જીવોને નવું જીવનદાન મળી શકે. ​યુવા ખેડૂત જોગલ મિલન લક્ષ્મણભાઈએ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, નદીમાં કેમિકલવાળું પાણી આવવાથી હજારો માછલાંઓ મરી રહ્યા છે, આવી સ્થિતિમાં ખેડૂતોએ પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો? સરકાર એક તરફ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવાની શિખામણ આપે છે, પરંતુ જો પાયાનું પાણી જ દૂષિત હોય તો ઓર્ગેનિક ખેતી કઈ રીતે શક્ય બને? સરકારે પહેલાં પાણી શુદ્ધ કરવું જોઈએ અને પછી સલાહ આપવી જોઈએ. રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓ લેખિતમાં એવું કહે છે કે પાણી શુદ્ધ છે, પરંતુ અહી આવીને જોવામાં આવે તો જ વાસ્તવિકતા ખબર પડે. ગામમાં દર 15 દિવસે કેન્સર અને ચામડીના રોગોના કેસ વધી રહ્યા છે. સરકાર યુવાધનના વિકાસની વાતો કરે છે પણ આવી પરિસ્થિતિ યુવાનોની બરબાદીનો પાયો નાખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રોટરી ક્લબના પ્રમુખ પદે નીરવ જોશીએ પદભાર સંભાળ્યો:ધારાસભ્ય અમિત ઠાકરે અમદાવાદ રોટરી ક્લબને 40 લાખના સેવાકાર્યો માટે પ્રેર્યા
    Next Article
    રાજકોટ AIIMS માં અદ્યતન સ્પાઇન સર્જરીનો પ્રારંભ:વયોવૃધ્ધ મહિલાની પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી થઈ, ગંભીર કમરના દુખાવામાંથી મળી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment