Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપરબાઈક્સ નહીં, સાઇકલથી ચોરી!:અનરાધાર વરસાદમાં પગ ભાંગ્યો તોય શૂટિંગ કર્યું, દીપક તિજોરીને બે દાયકા જૂના ભારમાંથી મુક્તિ મળી; 'ગેટ સેટ ગો'ના 'ચિરંજીવી'ઓ સાથે ગપાટા

    10 hours ago

    બાળપણમાં જ્યારે આખો દિવસ ભણી ભણીને થાકી ગયા પછી શાળાએથી છૂટતાં જ જેવું સાઇકલનું હેન્ડલ પકડતા, એટલે જાણે પિંજરામાંથી મુક્ત થયેલા પંખીને ખુલ્લું આકાશ મળી જતું! પણ દરેક વ્યક્તિના બાળપણની આ જ નિર્દોષ સાઇકલ જો કોઈ હાઇ-ટેક ચોરીનું માધ્યમ બની જાય તો? જ્યાં એક્શન ફિલ્મોમાં મોંઘીદાટ કાર અને સુપરબાઇક્સનો ધુમાડો જોવા મળતો હોય, ત્યાં ગુજરાતી સિનેમા સાઇકલથી ચોરીઓને અંજામ આપતો તદ્દન હટકે 'સાઇકલ-એક્શન-એડવેન્ચર' કોન્સેપ્ટ લઈને આવી રહ્યું છે. મોં પર દુપટ્ટો બાંધીને નીકળેલી એક છોકરીના મગજમાં ઝબકેલો એક રેન્ડમ આઇડિયા આજે થિયેટરના મોટા પડદા સુધી પહોંચી ગયો છે. 90ના દાયકાના બોલિવૂડના આઇકોનિક એક્ટર દીપક તિજોરીનું ગુજરાતી ફિલ્મમાં ધમાકેદાર કમબેક, અનરાધાર વરસાદ વચ્ચે જીવના જોખમે થયેલું શૂટિંગ અને શાનદાર VFX... 'ગેટ સેટ ગો' ફિલ્મની સ્ટારકાસ્ટે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પોતાની આ રોમાંચક સફર શેર કરી. ચોર સાઇકલ પર ચોરી કરવા જાય તો? 'સાઇકલ એક્શન-એડવેન્ચર' જેવો તદ્દન અલગ જ કોન્સેપ્ટ લાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? તે અંગે ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટ્રેસ જિનલ બેલાણીએ કહ્યું કે, 'મને સાઇકલ ચલાવવી ખૂબ ગમે છે. એક દિવસ હું સાઇકલ પર જઈ રહી હતી. પ્રદૂષણના કારણે મેં મોં પર દુપટ્ટો બાંધેલો હતો. ત્યારે મને વિચાર આવ્યો કે જો કોઈ ચોર સાઇકલ પર ચોરી કરે તો?' પ્રખ્યાત શાયર મજરૂહ સુલ્તાનપુરીનો શેર છે ને કે, 'મેં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઓર કારવાં બનતા ગયા.' તેની જેમ જ જિનલના મનમાં આવેલો આ રેન્ડમ વિચાર ધીમે ધીમે એક સંપૂર્ણ વાર્તામાં ડેવલપ થતો ગયો અને આજે તે ફિલ્મ સ્વરૂપે દર્શકોની સામે આવવા તૈયાર છે. 'ગેટ સેટ ગો'માં સાઇકલની એક ખાસ ભૂમિકા ફિલ્મમાં 'ડિમ્પલ ગર્લ' જિનલની સાથે બોલિવૂડના પ્રખ્યાત એક્ટર દીપક તિજોરી પણ મુખ્ય ભૂમિકામાં છે. 'જો જીતા વહી સિકંદર' ફિલ્મમાં પોતાની સાઇકલિંગ સ્કિલ્સથી સૌને પ્રભાવિત કરનારા ગુજ્જુ દીપક તિજોરી ફિલ્મમાં 'ચિરંજીવી'ઓના માર્ગદર્શક બન્યા છે. આટલા વર્ષો બાદ સાઇકલ સાથે જોડાયેલી વાર્તામાં જોડાવાના નોસ્ટાલ્જિયા વિશે તેમણે કહ્યું, 'સાઇકલ સાથે મારો ખૂબ જૂનો સંબંધ છે. મેં ઘરમાં પણ હજુ સુધી મારી સ્પીડિંગની સાઇકલ રાખી છે. તે સમયની ટેવ પાછળથી પેશન બની ગઈ.' 'તેવામાં એક સુંદર દિવસે ભૌમિકે (ફિલ્મના પ્રોડ્યુસર અને એકટર) મને કૉલ કર્યો અને કહ્યું કે, 'એક ફિલ્મ છે, જેમાં તમે ભૂમિકા ભજવો એવી અમારી દિલથી ઈચ્છા છે.' ફિલ્મમાં જોડાવા પાછળનું કારણ એ છે કે, તેમાં સાઇકલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. તેથી હું ખૂબ ખુશ અને ઉત્સાહિત હતો કે, આ કેવી ગુજરાતી ફિલ્મ છે. જિનલ અને ભૌમિક આવ્યા અને તેમણે નરેશન આપ્યું. મને કોન્ટેન્ટ ખૂબ ગમ્યું, કારણ કે તેમણે જે રીતે ફિલ્મની સ્ક્રિપ્ટની સાથે સાઇકલનું બ્લેન્ડિંગ કર્યું છે, તે ખરેખર એક માસ્ટરપીસ છે. 'મારો ગુજરાતી સિનેમા સાથેનો અગાઉનો અનુભવ ખૂબ જ ખરાબ હતો' ‘સાઇકલનો ઉપયોગ પ્રેક્ટિસ કે રેસમાં થતો હોય છે, પણ જે વસ્તુ માટે ફિલ્મમાં સાઇકલનો ઉપયોગ થઈ રહ્યો છે, તે ખૂબ યુનિક છે. ફિલ્મ પૂરી થયા પછી તેને જોઈને હું ખૂબ સંતોષ અનુભવી રહ્યો છું કારણ કે મેં જેટલું વિચાર્યું હતું, તેનાથી ઉપર જઈને તેમણે કામ કર્યું છે. ગુજરાતી સિનેમા માટે આ ફિલ્મ કન્ટેન્ટ, લુક અને પ્રોડક્શન અને ડિરેક્શન વેલ્યૂ પ્રમાણે અદભૂત બની છે.’ દીપક તિજોરી બે દાયકા બાદ ગુજરાતી ફિલ્મોમાં પાછા ફરી રહ્યા છે. ગુજરાતી દર્શકોને આટલા વર્ષો સુધી રાહ કેમ જોવડાવી તેનો જવાબ આપતા એક્ટરે કહ્યું કે, 'મારો ગુજરાતી સિનેમા સાથેનો અગાઉનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો હતો. મારા પર એક ભાર હતો, જે હું આ લોકો પાસે લઈને આવ્યો હતો. પણ જે દિવસથી શૂટિંગ શરૂ કર્યું, તમામ લોકો ખૂબ જ પ્રોફેશનલ હતા. મને ખૂબ જ મજા આવી.' 'ફિલ્મ લખવી અને એક્શન કરવું, બંને મુશ્કેલ' બે દાયકામાં ગુજરાતી સિનેમા કેટલું બદલાયું તેના વિશે વાત કરતા દીપક તિજોરીએ કહ્યું કે, 'છેલ્લા પાંચ-સાત વર્ષમાં મેં 'હેલ્લારો' જોઈ, બીજી ઘણી ફિલ્મો જોઈ ત્યારે મને ફીલ થયું કે પ્રોડક્શનની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે. ટેકનિકલી ઘણી વસ્તુઓ બદલી ગઈ છે. ભૌમિક અને જિનલનો VFXનો સ્ટુડિયો છે, તેઓ અવોર્ડ વિનિંગ VFX પ્રોડ્યુસર્સ છે. તો એ રીતે હું ઘણું સુરક્ષીત અનુભવતો હતો.' જિનલ ફિલ્મનાં પ્રોડ્યુસર અને એક્ટ્રેસ હોવા ઉપરાંત લેખક પણ છે. ત્યારે ફિલ્મ લખવી મુશ્કેલ હતી કે પાત્ર ભજવવું? તેના વિશે જિનલે કહ્યું કે, 'આ ફિલ્મ માટે બંને અઘરા હતા. આ ફિલ્મની સ્ક્રિપ્ટ સામાન્ય છોકરીઓને વિચાર આવે એવી નથી, હું એક્શન જોતી પણ નથી, તેવામાં છોકરાઓ કેવી રીતે વિચારે તે વિચારીને સ્ક્રિપ્ટ લખી. ઉપરાંત ફિલ્મમાં એક્શન કરવું પણ મુશ્કેલ હતું.' ગોઠણ ભાંગ્યો તોય શૂટિંગ અટકવા ન દીધું જિનલ માટે તો એક્શન કરવું મુશ્કેલ હતું જ, પરંતુ અન્ય સ્ટારકાસ્ટ માટે પણ તે કેટલું મુશ્કેલ હતું, કોઈને ઈજા પહોંચી હતી કે કેમ? તેના વિશે ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટર ભૌમિક સંપતે કહ્યું, 'એક્શન સીનના શૂટિંગનો પહેલો દિવસ હતો. એ દિવસે અનરાધાર વરસાદ હતો. ગોઠણ સુધી પાણી ભરાયેલા હતા. અમે શૂટિંગના સ્થળે પહોંચ્યા, પણ બહાર પાણી ભરાયેલા હોવાથી અમે ફેક્ટરીની અંદર શૂટિંગ શરૂ કર્યું.' 'સીન એવો હતો કે મારે ગાડીની ઉપર કૂદીને બીજી તરફ જવાનું હતું. હજુ ત્યાં કેબલનું કામ ચાલી રહ્યું હતું, રિહર્સલ ચાલી રહ્યા હતા તો મને થયું કે ચાલને હું પ્રેક્ટિસ તો કરું. મેં જંપ માર્યો, તો ગાડીની ઉપર એક મજબૂત પિલર હતો, જે સીધો ગોઠણમાં અથડાઈ ગયો. એ સમયે એટલો જોરથી અવાજ આવ્યો કે આસપાસના લોકો ડરી ગયા કે શું થયું? મારે અંદર તો તૂટી ગયું હતું, પણ પ્રોડ્યુસર તરીકે મેં વિચાર્યું કે, જો હું કહીશ કે મને વાગી ગયું છે, તો શૂટિંગ અટકી પડત. એટલે મેં કશું કહ્યું નહીં અને શૂટ ચાલું રાખ્યું. એ પછી મેં પાંચથી છ વાર જંપ કર્યો, જેમાં ઓમ મારી પાછળ દોડી રહ્યો હતો. આજે પણ એ ભાગમાં દુખાવો થાય છે.' 6 પાત્રોની મિત્રતા અને એક્શન ધૂમ મચાવશે ફિલ્મના પાત્રો ગેરકાયદેસર રીતે નાણાં કમાયેલા લોકો પાસેથી લૂંટ ચલાવીને ગરીબોની મદદ કરે છે. ટ્રેલરમાં વાર્તા રોબિન હુડ જેવી લાગે છે, તો એવું કયું એલિમેન્ટ છે, જે દર્શકોને ફિલ્મ સાથે જોડી રાખશે? તેના વિશે જિનલે કહ્યું કે, 'ફિલ્મના 6 પાત્રોની મિત્રતા, તેમની વચ્ચેનો સંબંધ અને એક્શનની સાથે સાથે ફિલ્મમાં ઘણો મસાલા છે, જે દર્શકોને જોડી રાખશે.' ખરા 'ચિરંજીવી' કોણ ગણાય? ફિલ્મમાં ચોરને 'ચિરંજીવી' કહેવામાં આવ્યા છે. તો ફિલ્મના 'ચિરંજીવી'ઓના મતે ખરા ચિરંજીવી કોણ હોય છે? તેના વિશે એક્ટર ઓમ ભટ્ટે પોતાના રમુજી અંદાજમાં મજેદાર જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'અમારા મતે તો ખરા ચિરંજીવી ગુજરાતી ફિલ્મો બનાવનારા જ કહેવાય, કારણ કે રિકવરીનું કશું વિચાર્યા વિના તે લોકો આટલી બધી નવી નવી વાર્તાઓ ગુજરાતી દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે.' ઓમે વાત આગળ વધારતા કહ્યું, 'ડોક્ટર્સ, પોલીસ અને દેશની રક્ષા કરનારા અને દેશને ચલાવનારા તમામ લોકો ચિરંજીવી છે.' વાતમાં ટાપસી પુરાવતા એક્ટ્રેસ સંવેદના સુવાલકાએ કહ્યું, 'શિક્ષકો પણ ચિરંજીવી કહેવાય.' ' વૈશ્નવદેવી સર્કલ બ્લેકહોલ છે' 'ગેટ સેટ ગો'માં 6 મિત્રોની ટોળકી અન્યાય સામે લડે છે. તો જો વાસ્તવિક જીવનમાં તેમને કોઈ સુપરપાવર મળી જાય, તો તેઓ શું બદલવા માંગશે? તેવું પૂછતાં ઓમે ફરી પોતાના મજેદાર અંદાજમાં જવાબ આપ્યો. એક્ટરે કહ્યું, 'હું અમદાવાદનો ટ્રાફિક બદલવા માંગીશ. મારો સુપરપાવર એવો હોય કે હું હાથ દેખાડું અને બધી ગાડીઓ ખસી જાય. જે લોકો રોંગ સાઇડમાં આવે છે, તેમને રાઇટ સાઇડમાં કરી દઉં, જેથી અમદાવાદ પોલીસને મદદ કરી શકું. ' ખાસ કરીને અમદાવાદનું વૈશ્નવદેવી સર્કલ બ્લેકહોલ છે. ત્યાં માણસ પાંચ વર્ષનો હોય અને સિગ્નલ પર ઊભો રહે, તો સીધો સીએ પાસ કરીને જ બહાર નીકળે.' આ સાંભળીને દરેક વ્યક્તિ ખડખડાટ હસી પડી. ઓમની વાતને આગળ વધારતા ભૌમિકે રમુજી અંદાજમાં કહ્યું કે, 'જેવું સિગ્નલ ખુલે એટલે આપણે બધાને ' ગેટ સેટ ગો' કહી શકીએ.' જ્યારે સંવેદનાએ કહ્યું કે, ' ભારતમાં 'ચાલે હવે' એવો એટિટ્યૂડ છે, તો હું એ બદલવા માંગું છું. અને એ સિવાય હું ઉડવા માંગું છું.' સાઇકલ પર ચોરી કરતાં કરતાં બાળપણની યાદો તાજી થઈ ગઈ ગુજરાતી ફિલ્મો હવે પારિવારિક વાર્તાઓથી આગળ સસ્પેન્સ, થ્રીલર અને એક્શન તરફ વધી રહી છે. 'ગેટ સેટ ગો' ફિલ્મમાં એક્શનની સાથે સાથે દમદાર VFX પણ જોવા મળશે. ત્યારે દમદાર VFXએ એક્શનનું કામ કેટલું સરળ કરી દીધું તેના વિશે જિનલે હસતાં હસતાં કહ્યું કે, 'VFXએ ઘણું કામ સરળ કર્યું, પણ એક્સપ્રેશન તો આપવા જ પડે ને. અમે દીપક સર પાસેથી ઘણું બધું શીખ્યા.' ફિલ્મમાં સાઇકલ પર ધૂમ મચાવનાર ગેંગે બાળપણના સાઇકલિંગ સાથે જોડાયેલા કિસ્સા પણ શેર કર્યા. સંવેદનાએ કહ્યું, ' રેસિંગ... અમે ખૂબ ઝડપથી સાઇકલ ચલાવતા, રેસ લગાવતા.' જ્યારે ઓમે કહ્યું, 'બાળપણમાં સાઇકલમાં પાછળ પંખો નહોતો, તો વરસાદમાં પીઠ પર કાદવ, કિચડ ઉડતું. ફિલ્મના શૂટિંગ સમયે પણ વરસાદી વાતાવરણ હતું અને સાઇકલ પંખા વિનાની હતી, તો બાળપણની યાદો તાજી થઈ ગઈ.'
    Click here to Read More
    Previous Article
    વૈભવકારી શુક્રનું કન્યા રાશિમાં ગોચર:ગ્રહનું ભ્રમણ 6 રાશિની ઈચ્છાપૂર્તિ અને ભાગ્યવૃદ્ધિ કરશે, 2 સપ્ટેમ્બર સુધી 5 રાશિઓની મુશ્કેલી વધશે
    Next Article
    જાપાનની જડીબુટ્ટીની કમાલ, પીરિયડ્સમાં દુખાવાથી રાહત મળશે:ગુજરાતની કંપનીએ એવી ટેબ્લેટ બનાવી કે દુનિયા દંગ રહી જશે, હેવી બ્લીડિંગ અને મૂડ સ્વિંગ નહીં થાય

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment