Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં વૃક્ષો વધ્યા ને સિંહો બહાર નીકળ્યા!:આઇ કોન્ટેક્ટ બંધ, દોડવાની જગ્યા ઘટી; પૂર્વ વન અધિકારીએ રહસ્ય ખોલ્યું

    12 hours ago

    છેલ્લા કેટલાક સમયથી માણસ પર સિંહે કરેલા હુમલાની ઘટનાઓએ ચિંતા વધારી છે. ભાવનગર પંથક અને જાફરાબાદના દરિયા કિનારા સુધી સિંહ જોવા મળે છે. ત્યારે એક સવાલ થાય કે આખરે સિંહ જંગલની બહાર કેમ નીકળી રહ્યાં છે? 3 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા પૂર્વ વન સંરક્ષક પાસે ઉદય વોરા પાસેથી જાણો સિંહોના બદલાતા મિજાજનું ગણિત. ગીરના સિંહો આજકાલ પોતાની માનવભક્ષી વૃત્તિઓથી ઘણા ચર્ચામાં છે. જૂન અને જુલાઇ મહિનામાં સિંહે એક બાળક સહિત 5 માનવીને ફાડી ખાધાના બનાવ બન્યા છે. ગિરનાર પર્વત પર 50મા પગથિયા પાસેથી સિંહ 12 વર્ષના બાળકને ખેંચીને લઇ ગયો હતો એ જ પગથિયા પાસે સિંહ ફરતા હોવાના દૃશ્યો હજુ ગઇકાલે જ સામે આવ્યા છે. પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે એક માલધારીને અડધો કલાક સુધી પકડી રાખ્યો હતો. જેનો વીડિયો તમે જોયો જ હશે. આ બધા બનાવો અલગ અલગ જગ્યાએ નોંધાયા છે પણ તેમાં સામ્યતા એ છે કે એકેય બનાવ જંગલમાં નથી બન્યો, સિંહ જંગલની બહાર નીકળ્યા છે. ગામડાં મોટા થયા, કોરિડોર નાશ પામ્યાં ઉદય વોરા કહે છે કે, સિંહો સાસણ ગીરમાંથી બહાર નીકળ્યા છે. સૌરાષ્ટ્રની રસધાર મુજબ આજથી 200 વર્ષ પહેલાં લગભગ એમનો વિસ્તાર 5,000 ચોરસ કિમી હતો. એ સાંકડો થઇને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન થઇને 1412 કિમી જેટલો જ રહ્યો છે. એ સિવાય બધેથી જંગલ નીકળી ગયા. ગીરનાર, બરડો, મિતિયાળા સચવાઇ રહ્યા છે પરંતુ ગીરથી ત્યાં જોડતાં કોરિડોર નાશ પામ્યા. જે છે એમાં વચ્ચે ખેતી, ઉદ્યોગો, માઇનિંગ જેવી પ્રવૃત્તિઓ આવી ગઇ. ગામડાં મોટા થઇ ગયા છે. માણસ અને ઘરનું ઉદાહરણ આપતા તેઓ સમજાવે છે કે, 1966માં સિંહની ગણતરી થઇ ત્યારે 169, 1980ની ગણતરી વખતે 180, 1985માં 205 સિંહ હતા. આજે એ સંખ્યા અંદાજે 900 એ પહોંચી છે. જેમ કોઇપણ ઘરમાં વસ્તી વધે, માણસ નવું ઘર વસાવે અથવા નવો ઓરડો બનાવીને ઘર મોટું કરે. એ રીતે સિંહની વસ્તી વધી, જંગલ નાનું પડ્યું એટલે સિંહોએ બીજે પ્રસ્થાન કર્યું. સિંહના વિસ્તારમાં માનવ વસ્તી વધી તેઓ આગળ કહે છે કે, 1986માં અમે ગીરનારમાંથી સિંહ પકડીને ગીરમાં પાછા મૂકતા હતા. તેના બદલે હવે ગીરનાર, ઉનાના કોસ્ટલ એરિયામાં સિંહો સ્થાયી થયા છે. સિંહની વસ્તી વધી એટલે જેસર, પાલિતાણા, મહુવાના વિસ્તારમાં પણ આવી ગયા. મેઘાણીના સમયમાં ચોકી ગીર કહેવાતું. ત્યારે ગીરના વિસ્તારનો એક છેડો જેતપુર ચોકી પાસે અને બીજો સામે કોડીનારની ઉત્તરે હતો. આજે એ છેડો જામવાળાએ આવી ગયો બાકીની જગ્યામાં માનવ વસ્તી આવી ગઇ. સિંહને ગીચ જંગલ નથી ફાવતું તેમના મતે, ગીરમાં થોડા વધુ સિંહ રાખી શકાય તેમ છે. આપણે જંગલને રક્ષણ આપ્યું છે. જેનાથી ગીરમાં વૃક્ષોની ઘનતા વધી રહી છે. વૃક્ષોની કેનોપી ડેન્સિટી પણ વધી રહી છે. સિંહ ખુલ્લા વિસ્તારનું પ્રાણી છે. જે આફ્રિકાના સવાના જેવા ઘાંસિયા મેદાન અને વચ્ચે છૂટા છવાયા વૃક્ષો હોય એવામાં રહે છે. સિંહ ગીચ જંગલનું પ્રાણી નથી. વૃક્ષોની ઘનતા ઓછી થાય તો વધુ સિંહ રહી શકે જંગલમાં વૃક્ષોની ઘનતા ઓછી કરીને સિંહને વધુ સંખ્યામાં રાખી શકાય તેમ જણાવતા તેઓ કહે છે કે, ભૂતકાળમાં ગીરના જંગલમાં સાગને ઉત્તેજન આપવા પ્લાન્ટેશન કરેલું. જેનું સમયાંતરે થીનિંગ (વૃક્ષો કાપવા પડે) કરવું પડે. એ બંધ કર્યું. એ પછી છેલ્લા એક દસકાથી આપણે થીનિંગ અને પોલાડિંગ (થડના ઉપરના ભાગેથી બધી મુખ્ય ડાળીઓને અમુક નિશ્ચિત ઊંચાઇએથી કાપવી) કરી સિંહને અનુકૂળ થાય એવા પ્રયત્ન વધાર્યાં છે. જે વિસ્તારમાં 40% ને બદલે 60-70% જંગલ થઇ ગયું છે ત્યાં પ્રાયોગિક ધોરણે 1 ચોરસ કિમીમાં ઘનતા હોય એના કરતાં અડધી કરી શકાય. પરિણામે કદાચ ત્યાં વધુ સિંહ રહી શકે. 'જૂના જૂનાગઢ જિલ્લાનો વિસ્તાર ગીર પશ્ચિમ અને અમરેલી ગીર પૂર્વમાં ગણાય. ધારી, તુલસીશ્યામ, જસાધાર બધા પૂર્વના વિસ્તારો છે. પશ્ચિમમાં શિંગોડા નદી, હિરણ નદી, છોડવડી એમ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર છે. ત્યાં ઘનતા બહુ વધી ગઇ. પશ્ચિમ ગીર હજુ પાંખું છે છતાં ઘનતા પહેલા કરતાં વધી છે.' વૃક્ષોની ઘનતાના કારણે સિંહોને પડતી તકલીફ અંગે તેઓ સમજાવે છે કે ડેન્સિટી વધે એટલે સિંહને શિકાર કરવામાં મુશ્કેલી પડે છે. એ છૂપાઇને નહીં પણ ટોળાંમાં ચારેબાજુથી ઘેરીને દોડીને ઝપટ મારશે. ઘનતા વધી એટલે આઇ કોન્ટેક્ટ બંધ થયા, દોડવાની જગ્યા ઘટી. જેથી તેનો શિકાર સહેલાઇથી છટકી જાય છે. સિંહ મોટા જૂથમાં રહીને સહેલાઇથી શિકાર કરે છે. એ વાઘની જેમ છૂપાઇને શિકાર નથી કરતો. અંગ્રેજોના સમયે પણ સિંહ ભાવનગર પંથકમાં હતા ભૂતકાળમાં પણ સિંહ જંગલની બહાર નીકળ્યા હતા જેનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, બ્રિટિશ સમયનું ગેઝેટ જોઇએ તો સાવરકુંડલાનું મિતિયાળા ભાવનગર સ્ટેટ પાસે, ધારીનો વિસ્તાર ગાયકવાડ સ્ટેટ પાસે અને અમરેલીનો બાકીનો વિસ્તાર જૂનાગઢ નવાબ પાસે હતો. કોડીનાર ગાયકવાડ સ્ટેટમાં આવતું જ્યારે ઉના જૂનાગઢના નવાબ પાસે હતું. રાણીગાળો, બેડાના વિસ્તારમાં સિંહો હતા જ પણ એ સમયે માનવ વસ્તી ઓછી હતી. માણસ સાવચેત થઇને રહેતો. એ વખતે સિંહને જોઇને સનસનાટી નહોતી થતી. હવે થાય છે. સિંહના ખોરાક અંગે તેમણે જણાવ્યું કે, 1970ના દાયકામાં તેના ખોરાકમાં 75%થી વધુ માલઢોર હતા. માંડ 25% વન્ય જીવો હતા. એના 10 વર્ષ બાદ એ સંખ્યા 50-50% થઇ ગઇ. કારણ કે માલધારીઓને નેશનલ પાર્કમાંથી હટાવાયા હતા. 1990માં અભયારણ્ય વિસ્તારમાં ખોરાકમાં 75 %થી વધુ ચિત્તલ-હરણ હતા અને માંડ 25% ઢોર ઢાંખર હતા. અભયારણ્યની બહારના વિસ્તારમાં અત્યારે કદાચ 50% કરતાં વધુ માલ ઢોર છે. 40% જેટલા વન્ય જીવો છે. સિંહ પોતાના જૂના વિસ્તારમાં પાછા જઇ રહ્યાં છે તેમનું માનવું છે કે, સિંહની વસ્તી વધી એટલે એ વધારે સારા વિસ્તારમાં જવાનું પસંદ કરશે. ગીરનારથી નીચે તો ઉદ્યોગોનો જ વિસ્તાર છે. બીજીતરફ દરિયા કાંઠાનો વિસ્તાર છે. પાલિતાણાના ડુંગરા તથા મહુવા વિસ્તારમાં પણ ભૂતકાળમાં સિંહો હતા. એ ફરી પાછા એ તરફ જઇ રહ્યા છે પણ આ વિસ્તારોમાં જૂના સમયમાં ગૌચર, સરકારી પડતર બફર તરીકે કામ કરતાં. એ ઘટી ગયા છે. જેથી લોકોને થયું કે સિંહ માનવ વસ્તીમાં આવી ગયા. ખરેખર લોકો સિંહના વિસ્તારમાં ઘૂસ્યા છે. સિંહના માનવ સાથેના સંઘર્ષની વાત કરતા તેમણે કહ્યું કે, 1986માં મારી નિમણૂક સાસણમાં થઇ ત્યારે શિખંડ કે આઇસક્રીમ લાવવા 15 કિમી દૂર તાલાલા જવું પડતું. અત્યારે વિકાસ ઘણો થઇ ગયો છે. આજે સેટેલાઇટમાં જુઓ અથવા છાપાના આંકડા વાંચો તો સેંકડો રિસોર્ટ-ફાર્મ હાઉસ બન્યા છે. એ બધામાં પાક્કી ફેન્સિંગ થઇ. જેથી વચ્ચેથી ચાલવાનો રસ્તો બંધ થઇ ગયો. ગેરકાયદેસર લાયન શો થવા માંડ્યા. વનવિભાગ સિવાયના લોકો પણ સિંહને મારણ આપતા થઇ ગયા. લોકોનો ડર નીકળી ગયો છે. સામાન્ય માણસ આવું કરે તો સિંહનું શું થાય. જેથી સંઘર્ષ વધવાના છે. બહારથી આવતા લોકો સિંહ વિશે પરિચિત ન હોય તેમણે વધુમાં જણાવ્યું કે, સિંહના હુમલા અંગે વન વિભાગે તપાસ શરૂ કરી છે. વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ આનો અભ્યાસ કરવાની છે પણ હું એનાલિસિસ કરું છું ત્યારે મને લાગે છે કે આના માટે 50%થી વધુ માણસો જવાબદાર છે. આવા 50 %થી વધુ બનાવોમાં ભોગ બનનારી વ્યક્તિ સ્થાનિક નથી. એ બહારથી આવી છે. જેથી સિંહથી પરિચિત જ નથી. પંચમહાલ, બનાસકાંઠા રાજસ્થાન કે અન્ય રાજ્યોમાંથી મજૂરો ખેતરમાં કામ કરવા આવે છે. તેમને સિંહ સાથે કઇ રીતે વર્તવું એ ખબર નથી. બહારના લોકો એલાર્મ કોલ નથી ઓળખી શકતા અન્ય એક કારણ જણાવતાં તેમણે કહ્યું સૌરાષ્ટ્રની મોટાભાગની પ્રજા શાકાહારી છે. બહારથી આવતા લોકો માંસાહારી છે. એ લોકો જે ખાય તેનો કચરો રસ્તામાં નાખે. એની ગંધથી પણ જાનવર ખેંચાઇને આવશે. સ્થાનિક માણસને સિંહ દૂરથી નાનો અવાજ કરે તો પણ ખબર પડે. ચિત્તલે એલાર્મ કોલ આપ્યો હોય તો એ તરફ દીપડો કે સિંહ હોવો જોઇએ એ બહારના માણસને ખબર ન પડે. કેટલાય કિસ્સામાં સિંહે લોકો પર હુમલો કર્યો છે પણ ખાવાના કેટલા કિસ્સા બન્યા? બટકું ભરીને છોડી દીધું. સિંહ માનવને ખોરાક તરીકે ગણતરીમાં નથી લેતા. આમ ગીચ બની ગયેલા જંગલોમાં શિકાર કરવામાં પડતી મુશ્કેલી અને સિંહની વધતી વસ્તી સામે નાનું પડતું જંગલ તેમને બહાર નીકળવા મજબૂર કરી રહ્યું છે. (ઉદય વોરા 1982માં GPSC વર્ગ-2ની પરીક્ષા પાસ કરી મદદનીશ વન સંરક્ષક તરીકે જોડાયા હતા. ચિંકારા અભયારણ્ય, ઘૂડખર અભયારણ્ય તથા 1986 થી 1990 એમ 4 વર્ષ સુધી સાસણ ગીરમાં મદદનીશ વન સંરક્ષક તરીકે કામ કર્યું છે. તેમણે 8 વર્ષ ગીર ફાઉન્ડેશનમાં મદદનીશ વન સંરક્ષક તરીકે કામ કર્યું છે. 2012માં મદદનીશ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ બન્યા. 2017માં મુખ્ય વન સંરક્ષક તરીકે રિટાયર થયા છે.) આ પણ વાંચો અડધો કલાક મોઢામાં માણસનો હાથ પકડીને બેઠો રહ્યો સિંહ પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા. તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા. તેનો ડાબો હાથ પોતાના મોઢામાં પકડી લીધો. જોનારાના જીવ પડીકે બંધાઈ ગયા. અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો. કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો ​જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગીરનાર પર્વત પર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતો હતો તે દરમિયાન સિંહ ખેંચી ગયો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા વધુ અસરગ્રસ્ત‎:ભરૂચમાં પાણી ફરી વળતાં 15 રસ્તા વાહનો માટે બંધ કરાયા
    Next Article
    તૂટતા રોડનો નવો ‘તોડ’:ડામરનું ‘નામું’ નાખવાનો સરકારનો પ્લાન, આખા ગુજરાતમાં સિમેન્ટ રોડ કેટલા સંભવ, ગોંડલના રાજા પાસેથી શિખવા જેવી બે વાત

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment