Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન ડિએગો કોમિક-કોન:જ્યાં કલ્પનાની દુનિયા ચાર દિવસ માટે હકીકત બની જાય છે

    9 hours ago

    અત્યારે દુનિયાના લોકો બે ભાગમાં વહેંચાઇ ગયા છે. એક વર્ગ એ છે જેમણે ધ ક્રિસ્ટોફર નોલાન નું ધ ઓડિસી જોયું અને વખાણ્યું અને બીજો વર્ગ એ છે જેઓએ ધ ઓડિસી જોયું અને તેની આલોચના કરી. એ આલોચનામાં ઐતિહાસિક ફિલ્મ બનાવવી ખાવાના ખેલ નથી. નોલાન હવે એમનો જાદુઇ ટચ ગૂમાવી ચૂક્યા છે. એક ઉગતા ગુજરાતી કોલમ લેખકે ત્યાં સુધી કહ્યું કે નોલાન હવે એકની એક વાત રિપીટ કરે છે. ફિલ્મોમાં ઓડીસીની વાર્તા કરતા આપણા રામાયણ અને મહાભારતની કહાની કંઇ વધારે રસપ્રદ અને મહાન છે વગેરે વગેરે...! વેલ, આ બધી ઉપરની ચર્ચાથી અખબારો, પોડકાસ્ટ સોશિયલ મીડિયા ધમધમે છે ત્યાં બોલિવૂડનો નેપો કીડ (જો કે એની પ્રતિભા માટે નેપો કીડ શબ્દો વાપરવો એ અપમાનજનક છે) અત્યંત પ્રતિભાશાળી રણબીર કપૂર એની દંગલ ફેમ દિગ્દર્શક/સર્જક નિતેશ કુમારની મહત્વકાંક્ષી ફિલ્મ રામાયણને દુનિયા સમક્ષ રજૂ કરવા અને લોકોને આ ફિલ્મ ભારતના લોકોની અંતિમ આસ્થાના પ્રતીક સમાન ભગવાન ગણાતા શ્રીરામની ઓળખ આપવા અમેરિકાના અત્યંત ખુબસૂરત શહેર સાન ડિએગોમાં કોમિક-કોન જેની રાહ દુનિયાભરના કોમિક્સ પ્રેમીઓ વર્ષભર જોવે છે ત્યાં આવીને ગયા. એમની સાથે હતા ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવનાર યશ, દિગ્દર્શક નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નામિત મલ્હોત્રા. કોમિક-કોન સાંસ્કૃતિક ઇવેન્ટ બની ઇન્ટરનેટ અને વૈશ્વિકરણ પછી દુનિયાના કોઇપણ દેશમાં, એમાં પણ ફિલ્મોનું પાટનગર એવું હોલિવૂડ જ્યાં છે એ અમેરિકામાં થતી કોઇપણ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક ઘટનાઓ પર લોકોનું ધ્યાન અને ઉત્સુકતા હોય છે માટે જ આજની પેઢી કોમિક-કોન નામની મજેદાર સાંસ્કૃતિક બની ચૂકેલી ઇવેન્ટથી અજાણ નથી. 4 દિવસ માટે આખું શહેર ફિલ્મોનો સેટ બની જાય છે આગળ જણાવ્યું તેમ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સુંદર દરિયાકાંઠાના શહેર સેન ડિએગોમાં દર વર્ષે યોજાતી કોમિક કોન ઇન્ટરનેશનલ માત્ર કોમિક્સનું પ્રદર્શન નથી પરંતુ તે વિશ્વભરના કરોડો ચાહકો માટે એક સાંસ્કૃતિક ઉત્સવ બની ચૂક્યો છે. 4 દિવસ માટે સમગ્ર શહેર જાણે ફિલ્મોના સેટમાં પરિવર્તિત થઇ જાય છે. રસ્તાઓ પર સ્પાઇડરમેન, બેટમેન, ડાર્થ વેડર, હેરી પોટર, આયર્ન મેન, જોકર, વન્ડર વુમન અને હજારો કલ્પિત પાત્રો જીવંત જોવા મળે છે. હમણાં એ પાત્રોમાં આપણા રામાયણના પાત્રોએ પણ ભાગ લીધો. ઉપરાંત અહીં આવનાર દરેક વ્યક્તિ માત્ર દર્શક નથી રહેતી પરંતુ પોતાની મનપસંદ દુનિયાનો એક ભાગ બની જાય છે. આજે કોમિક-કોન વિશ્વની સૌથી પ્રભાવશાળી પોપ-કલ્ચર ઇવેન્ટ છે પરંતુ તેની શરૂઆત અત્યંત નાનકડા સ્વરૂપમાં થઇ હતી. 300 લોકોથી શરૂઆત થઇ હતી 1970માં થોડાક કોમિક્સ પ્રેમીઓએ માત્ર લગભગ 300 જેટલા મુલાકાતીઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે સમયે કોઇએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ આ ઇવેન્ટમાં વિશ્વભરમાંથી એક લાખથી વધુ લોકો હાજરી આપશે અને હજારો લોકોને ટિકિટ પણ નહીં મળે. ધીરે ધીરે મનોરંજનના તમામ ક્ષેત્રો જોડાતા ગયા પ્રથમ વર્ષોમાં અહીં મુખ્યત્વે કોમિક પુસ્તકો, કાર્ટૂન કલાકારો અને લેખકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં ફિલ્મો, ટેલિવિઝન, એનિમેશન, વીડિયો ગેમ્સ, સાયન્સ ફિક્શન, ફેન્ટસી, મંગા, એનિમે અને ડિજિટલ મનોરંજનના તમામ ક્ષેત્રો તેમાં જોડાતા ગયા. આજે કોમિક-કોન પોપ-કલ્ચરની સૌથી મોટી વૈશ્વિક ઉજવણી બની ગયું છે. કોમિક-કોનની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે તેની ટિકિટો વેચાણ શરૂ થયાની થોડી જ મિનિટોમાં સંપૂર્ણપણે વેચાઇ જાય છે. વિશ્વના અનેક દેશોમાંથી લોકો વર્ષો અગાઉથી આયોજન શરૂ કરે છે. ઘણા ચાહકો તો ટિકિટ ન મળવા છતાં માત્ર કોમિક-કોનનું વાતાવરણ માણવા સેન ડિએગો પહોંચી જાય છે.શહેરની હોટલો મહિનાઓ અગાઉથી બૂક થઇ જાય છે અને સ્થાનિક વ્યવસાયોને કરોડો ડોલરની આવક થાય છે. ફિલ્મ કે વેબ સિરીઝને ચર્ચામાં લાવવી હોય તો કોમિક કોન માધ્યમ બને આપણી બીજી જાણીતી અને અતિ લોકપ્રિય અદાકારા માધુરી દીક્ષિતે થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અત્યારે માર્કેટિંગનો જમાનો છે અને દરેક પ્રોડ્કટની જેમ ફિલ્મોનું પણ ગાઇ વગાડીને નવીન રીતે માર્કેટિંગ, પ્રમોશન કરવું પડે છે. એક સમય હતો જ્યારે ફિલ્મોના પ્રમોશન માટે માત્ર ટ્રેલર અને પોસ્ટર પૂરતા હતા પરંતુ આજે જો કોઇ મોટી ફિલ્મ અથવા વેબ સિરીઝને વિશ્વભરમાં ચર્ચામાં લાવવી હોય તો તેનો પ્રથમ મોટો કાર્યક્રમ ઘણી વખત કોમિક-કોન જ બને છે. માર્વેલ સ્ટુડિયોઝ, ડીસી સ્ટુડિયોઝ, લુકાસ ફિલ્મ, ડિઝની, વોર્નર બ્રધર્સ, નેટફ્લિક્સ, એમેઝોન અને અન્ય મોટા સ્ટુડિયો અહીં પોતાના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરે છે. ઘણી વખત ચાહકોને ફિલ્મનું પ્રથમ ટ્રેલર, વિશેષ દૃશ્યો અથવા કલાકારો સાથે સીધી મુલાકાતનો મોકો પણ મળે છે. અનેક ફિલ્મોના સફળ માર્કેટિંગ પાછળ કોમિક-કોનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કાર્યક્રમમાં પ્રવેશ મેળવવો સરળ નથી જ્યાં લગભગ 6,500 લોકો બેસી શકે છે એવો કોમિક-કોનનો સૌથી જાણીતો વિભાગ છે Hall H પરંતુ તેની અંદર પ્રવેશ મેળવવો સરળ નથી. માટે ઘણા ચાહકો પોતાના મનપસંદ સ્ટાર્સને જોવા માટે આખી રાત બહાર લાઇનમાં ઊભા રહે છે. કેટલાક તો બે દિવસ પહેલાંથી કેમ્પ લગાવી દે છે. અહીં માર્વેલની નવી ફિલ્મો, સ્ટાર વોર્સના પ્રોજેક્ટ્સ અને મોટા સ્ટુડિયોની અચાનક જાહેરાતો થતી હોવાથી તેને કોમિક-કોનનું હૃદય માનવામાં આવે છે. કોસ્પ્લે એટલે શું? કોમિક-કોનની સૌથી આકર્ષક પરંપરાઓમાંની એક છે Cosplay. કોસ્ચ્યુમ અને પ્લે શબ્દોના સંયોજનથી બનેલા આ શબ્દનો અર્થ થાય છે મનપસંદ પાત્રનું જીવંત રૂપ ધારણ કરવું. એના માટે ઘણા લોકો મહિનાઓ સુધી પોતાના પોશાક તૈયાર કરે છે. કેટલાક હાથથી બખ્તર બનાવે છે. કેટલાક 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરે છે તો કેટલાક હજારો ડોલર ખર્ચીને ફિલ્મ જેવી વેશભૂષા તૈયાર કરાવે છે. અમેરિકા જે એક કેપિટલિસ્ટ દેશ છે અને અહીંના લોકો પણ કોઇપણ ઘટના અને વસ્તુમાંથી પૈસા સોરી ડોલર્સ કમાવવાની તક મળે એ ગુમાવે એમ નથી. માટે કોસ્પ્લે હવે માત્ર શોખ નથી રહ્યો. તે એક સર્જનાત્મક ઉદ્યોગ બની ગયો છે. વિશ્વભરના પ્રોફેશનલ કોસ્પ્લેયર્સ અહીં પોતાની પ્રતિભા રજૂ કરવા આવે છે. કોમિક-કોનમાં માત્ર નવા ઉત્પાદનો જ નથી મળતા. અહીં દાયકાઓ જૂના દુર્લભ કોમિક્સ, પ્રથમ આવૃત્તિઓ, હસ્તાક્ષરવાળા પોસ્ટર્સ, ફિલ્મ પ્રોપ્સ, એક્શન ફિગર, વિન્ટેજ રમકડાં પણ વેચાય છે. કેટલાક કોમિક પુસ્તકોની કિંમત લાખો ડોલર સુધી પહોંચી શકે છે. નવા કલાકારોને તક મળે છે ભારતના પ્રખ્યાત જયપુર લિટરેચર ફેસ્ટિવલ અને ગુજરાતના અમદાવાદમાં દર વર્ષે યોજાતા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલની જેમ અહીં લેખકો, ચિત્રકારો, એનિમેટર્સ, ગેમ ડિઝાઇનરો, ફિલ્મ નિર્માતાઓ અને વૈજ્ઞાનિકો આવીને પોતાના અનુભવો વહેંચે છે. નવા કલાકારોને પોતાની કૃતિ પ્રકાશકો સુધી પહોંચાડવાની તક મળે છે. ઘણા જાણીતા કોમિક સર્જકોની કારકિર્દીની શરૂઆત કોમિક-કોનથી જ થઇ હોવાનું કહેવાય છે માટે કોમિક-કોન માત્ર સાંસ્કૃતિક ઇવેન્ટ નથી રહ્યું પણ તે સેન ડિએગો ની ઓળખ સમાન અને અમેરિકાના અર્થતંત્ર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યું છે. પોપ કલ્ચરની સૌથી મોટી ઉજવણી સેન ડિએગો કોમિક-કોન આપણને યાદ અપાવે છે કે કલ્પના માત્ર બાળકો માટે નથી. એક સારી વાર્તા, એક યાદગાર પાત્ર અથવા એક સર્જનાત્મક વિચાર આખી દુનિયાને જોડવાની શક્તિ ધરાવે છે. અહીં ફિલ્મોનું માર્કેટિંગ થાય છે, નવી ટેકનોલોજી રજૂ થાય છે, કલાકારોને નવી ઓળખ મળે છે અને કરોડો ચાહકો પોતાના બાળપણના સપનાંઓ ફરી જીવી શકે છે. કદાચ એ જ કારણ છે કે આજે કોમિક-કોનને માત્ર કોમિક્સનો મેળો નહીં પરંતુ વિશ્વની સર્જનાત્મકતા, કલ્પના અને પોપ-કલ્ચરની સૌથી મોટી ઉજવણી તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મો અને ટીવીની વાત કોમિક કોન નિમિત્તે નીકળી જ છે તો વિશ્વનો સૌથી વધુ જોવાયેલ ટીવી શો, કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં આવનાર લોકો માટે બાઇબલ સમાન, આર આર માર્ટિનના પુસ્તક, અ સોન્ગ ઓફ આઇસ એન્ડ ફાયર પરથી બનેલો અદભૂત ટીવી શો ગેમ ઓફ થ્રોનની વાત કરવી પડે. એમાં આવતું અતિ લોકપ્રિય પાત્ર ટિરિયન લેનિસ્ટર છેલ્લા એપિસોડમાં કહે છે: "દુનિયાને એકબીજા સાથે કોણ જોડે છે? તો કહે વિશ્વને જોડી રાખે છે વાર્તા!" દર વર્ષે સેન ડિએગો થોડા દિવસો માટે એ સાબિત કરે છે કે જ્યારે કલ્પના અને સર્જનાત્મકતા એક થાય છે ત્યારે આખું શહેર પણ એક જીવંત વાર્તા પુસ્તક બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગાવિતે ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજો ગોલ્ડ અપાવ્યો:બેસિલ પેરા 100m દોડમાં નંબર-2 રહ્યા; લોંગ જમ્પમાં મુરલીને સિલ્વર
    Next Article
    પાલજમાં વોટર સ્ટેશનનું 40 કરોડનું ટેન્ડર વિવાદમાં:બ્લેક લિસ્ટેડ એજન્સી આવતાં ટેન્ડર રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment