Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:ભટકને કે બાદ મિલતા હૈ જો સહી રાસ્તા,પહુંચતા હોગા ભગવાન તક વહી રાસ્તા

    1 day ago

    1970ના દાયકાના પૂર્વાર્ધનાં વર્ષો. મેડિકલ કૉલેજના ફર્સ્ટ એમ.બી.બી.એસ.ના સ્ટુડન્ટ્સ હમણાં થોડી વાર પહેલાં જ ડીસેક્શન હોલમાંથી છૂટીને બહાર નીકળ્યા. ફોર્મેલીનની તીવ્ર વાસ અને 16 ટેબલો ઉપર સૂતેલા મૃતદેહોની ચીરફાડથી હવે તેઓ ટેવાઈ ગયા હતા. મડદાનાં આંતરડાં, મગજ, ફેંફસાં અને બીજા અવયવોનું ડીસેક્શન કર્યા બાદ 10 જ મિનિટ પછી તેઓ મેસમાં બેસીને ભોજનનો સ્વાદ માણી શકતા હતા. જોકે, તે જમાનામાં મેસમાં પીરસાતા ભોજનમાં સ્વાદ જેવું જવલ્લે જ હોતું હતું. રોટલી કાં કાચી રહેતી, કાં બળી ગયેલી. એટલે વિદ્યાર્થીઓને પોષણના નામ પર કાં તો કાચું પ્રોટીન મળતું હતું અથવા કાર્બન. ઘરમાં તો ભાતનો રંગ સફેદ જોયેલો હોય, અહીં પ્રથમ વાર જોવા મળતું કે રંધાયેલો ભાત લાલાશ પડતા રંગનો પણ હોઈ શકે. દાળમાં પાણીનું પ્રમાણ તમે ક્યારે જમવા આવો છો તેના પર આધારિત હતું. છેલ્લી પંગતવાળાઓના ભાગમાં મસાલેદાર પાણી જ આવતું હતું. દે દામોદર દાળમાં પાણી! શાક રોજ સવાર-સાંજ બદલાતું રહેતું હતું, પણ એની માહિતી જમનારા પાસે ન હોય; બધાં શાક એક સરખી વાસવાળાં જ લાગતાં હતાં. મોટા ભાગના સ્ટુડન્ટ્સ ગરીબ કે મધ્યમ આર્થિક સ્થિતિવાળાં માતા-પિતાનાં સંતાનો હતાં, એટલે થાળીમાં જે આવતું તે જમી લેતા હતા. પૂર્વેશ નામનો એક સ્ટુડન્ટ હતો જેની આવી કોઈ જ મજબૂરી ન હતી. એ મેસમાં આવતો, ટેબલ પાસે મૂકેલી ખુરશીમાં ગોઠવાતો, થાળીમાં શું પીરસાય છે તે જોતો અને પછી હોઠ મચકોડીને ઊભો થઈ જતો હતો. કેમ્પસના ઝાંપા પાસે ઊભી રહેલી રિક્ષામાં બેસીને હુકમ કરતો, “લઈ લે કોઈ સારી રેસ્ટોરાં તરફ જ્યાં ટેસ્ટી નોનવેજ મળતું હોય.’ દસેક મિનિટ પછી પૂર્વેશ એ રેસ્ટોરાંમાં બેસીને ચિકન અફઘાની અને શાહી મટનનો સ્વાદ માણી રહ્યો હોય. તીખાં તમતમતાં ગરમ મસાલાવાળી આ માંસાહારી વાનગીઓ ખાધાં પછી એના મોંઢામાંથી ગરમ-ગરમ ધુમાડો નીકળી જતો, જેને શાંત પાડવા માટે મોંઘા ભાવનો કસાટા આઈસ્ક્રીમ (એ સમયે નવો નવો જ મળતો થયો હતો) અને ચીલ્ડ કોકાકોલાની આખી બોટલ ગટગટાવી જતો હતો. સાંજના સમયે પણ ઘટનાક્રમ આવો જ રહેતો હતો. પૂર્વેશ ડિનર માટે મેસમાં આવે, ભોજનના દર્શન કરીને ઊભો થઈ જાય, રિક્ષા ભાડે કરીને હોટલ શાલીમાર કે શેર-એ-પંજાબમાં પહોંચી જાય, કોઈ અબોલ જીવની હત્યા કરીને એનાં અંગોને પકાવીને તૈયાર કરેલ વાનગીને હોજરીમાં પધરાવીને તીખા, ખારા ઓડકાર ખાતો હોસ્ટેલમાં પાછો આવે. એની રૂમમાં ભાગ્યે જ અમે જતા, કારણ કે રૂમની હવામાં સિગારેટનો ધુમાડો અને તમાકુની દુર્ગંધ ઘૂમરાતી રહેતી હતી. જો અમે પૂછીએ, “પૂર્વેશ, તું ભવિષ્યમાં ડૉક્ટર થઈશ, ત્યારે તારા દર્દીઓને તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવાની સલાહ આપીશ. અત્યારે તું પોતે જ...?’ એ ઉદ્દંડ જવાબ આપતો, “મને સલાહ આપવાને બદલે આપણી આઠે-આઠ હોસ્ટેલ્સમાં જઈને સર્વે કરી આવો. પંચાશી ટકાથી વધુ સ્ટુડન્ટ્સ સ્મોકિંગ કરે છે.’ (આ 1974-75ની વાત છે, આંકડો આઘાતજનક લાગશે.) “અને આ બીજી અજાણી દુર્ગંધ શેની આવે છે?’ આવો સવાલ જો મિત્રો પૂછતા જેઓ પૂર્વેશની રૂમમાં પહેલી વાર ગયા હોય, જવાબમાં પૂર્વેશ વ્હીસ્કીની બોટલ બતાવીને રાજકુમારનો ડાયલોગ સંભળાવતો હતો : “જાની, શામ ઢલને કે બાદ હમ પાની નહીં પિયા કરતે હૈં.’ મેડિકલ કેમ્પસમાં આવું જોવા મળી શકે? હા, મળી શકે અને અહીં લખી ન શકાય એવું પણ ઘણું બધું જોવા મળી શકે. કેમ્પસમાં એક માત્ર પૂર્વેશ જ આવો ન હતો, આઠસો, સ્ટુડન્ટ્સમાંથી 25-30 આવા હતા. એ બધાનાં માતા-પિતાની આર્થિક સ્થિતિ વિશે અમે માહિતગાર ન હતા, પણ એ સમયે અમે ધારી લેતા હતા કે એમની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ. પૂર્વેશ અને એના 3-4 મિત્રો બેફામ જીવન જીવી રહ્યા હતા. ભણવામાં એમનું ધ્યાન ખૂબ ઓછું રહેતું હતું. મોડી રાત સુધી એમની રૂમમાં તીનપત્તીની મહેફિલ જામેલી જોવા મળતી હતી. વાણીમાં દરેક વિશેષણ અને વિરામચિહ્નના સ્થાન પર ઊંચી કિસમની ગાળો સાંભળવા મળતી હતી. અમારા જેવા વિદ્યાર્થીઓ મનોમન આ સવાલ પૂછતા હતા: “આ માણસ ભવિષ્યમાં ડૉક્ટર બનીને શું ઉકાળશે? આવું બેફામ અને બેલગામ જીવન એને ક્યાં લઈ જશે?’ પૂર્વેશનાં દુર્ગુણો, વ્યસનો અને બેલગામ જીવનશૈલી એને ભવિષ્યમાં ક્યાં લઈ જશે એ સવાલનો જવાબ ફર્સ્ટ એમ.બી.બી.એસ.ની યુનિવર્સિટી એક્ઝામમાં જ મળી ગયો. પૂર્વેશ બંને વિષયોમાં ફેઈલ થયો હતો. “ફેઈલ થયો એમાં શું થઈ ગયું? તમે બધા જે કોર્સ સાડા ચાર વર્ષમાં પૂરો કરશો એ પૂરો કરતા મને કદાચ 6 વર્ષ લાગશે, પણ દોઢ વર્ષ મોડાં એમ.બી.બી.એસ. થવામાં મેં જે જલસાઓ કર્યા હશે એ તમે નહીં કરી શકો.’ પૂર્વેશને નપાસ થવામાં જરા પણ ચચરાટ, દુઃખ કે અફસોસ ન હતો. એ ખરેખર જલસાભરી જિંદગી માણી રહ્યો હતો. કોઈ પણ વિદ્યાશાખાની હોસ્ટેલ હોય, એમાં આ પ્રકારની જિંદગી જીવનારો સ્ટુડન્ટ જેમ જેમ સિનિયર થતો જાય તેમ તેમ એની ધાક જામતી જાય. પૂર્વેશની ઈમેજ પણ ડૉન જેવી થઈ ગઈ હતી. કેમ્પસમાં સીધા-સરળ વિદ્યાર્થીઓને કોઈ હેરાન કરતું હોય તો (અમે બધા) પૂર્વેશભાઈના શરણમાં પહોંચી જતા, પૂર્વેશભાઈ અમને સંરક્ષણ પૂરું પાડતા, એ પણ મફતમાં. એ ક્યારેય અમારી પાસેથી અડધી ચાની પણ અપેક્ષા રાખતા નહીં. એ સમય વહી ગયો. અમારામાંથી પચાસેક મિત્રો લગ્ન કરીને અમેરિકા ચાલ્યા ગયા. બાકીનામાંથી મોટાભાગના મિત્રોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને જિંદગીમાં સેટલ થઈ ગયા. પૂર્વેશનું શું થયું એ વિશે અમારી પાસે કશી આધારભૂત માહિતી ન હતી. એટલી ખબર પડી કે વારંવાર નપાસ થયા પછી એ પણ ડૉક્ટર બની ગયા હતા. એમ.બી.બી.એસ. પૂરું કરીને ક્યાંક નોકરીમાં ગોઠવાઈ ગયા હતા. એક દિવસ અનાયાસ અમે મળી ગયા. મેં કહ્યું, “ચાલો, મારું ઘર નજીકમાં જ છે. ડિનર મારી સાથે કરીને જ જજો.’ મારા આગ્રહને માન આપીને ડૉ. પૂર્વેશભાઈ આવ્યા તો ખરા, પણ ડિનરની વાત તેમણે ન સ્વીકારી, “સોરી, હું બહારનું કશું જ ખાતો-પીતો નથી. મારા ગુરુજીએ ના પાડી છે.’ “ગુરુ? તમારા ગુરુ? પૂર્વેશભાઈ, કેમ્પસમાં તમે જ સૌથી મોટા ગુરુ ઘંટાલ હતા. હવે તમે પણ ગુરુ રાખ્યા છે?’ મેં જૂની મિત્રતાના અધિકારથી મજાક કરી. “હા, મિત્ર.” એમણે મારી મજાકના જવાબમાં ગંભીરતાથી કહ્યું: “કેમ્પસમાં તમે જે પૂર્વેશને ઓળખતા હતા એ તો કેટલાંય વરસો પહેલાં મરી ગયો. હું નવી જિંદગી જીવી રહ્યો છું. તમારા ઘરનો નાસ્તો, ચા કે પાણી પણ હું લઈશ નહીં. વધારે સમય માટે હું બેસી પણ નહીં શકું. રાત્રે નવ વાગે હું ઊંઘી જાઉં છું. સવારે ચાર વાગે જાગીને ધ્યાનમાં બેસી જાઉં છું. સાત વાગે હું અમારા સંપ્રદાયના કેન્દ્ર પર પહોંચી જાઉં છું. ત્યાં અમારા ગુરુજી રોજ પ્રવચન આપે છે. તેમના ઉપદેશોએ જ મારું જીવન પલટી નાખ્યું છે. સાદાં વસ્ત્રો, સાદું ભોજન, તમામ ખોટી કામનાઓ ઉપર સંયમ, એક પણ જાતનું વ્યસન નહીં અને પરમાર્થભર્યું જીવન. આ નવો અવતાર છે મારો.’ પછી તો અમારી સાથેના અનેક મિત્રો સાથે ચર્ચા થઈ. બધાએ કહ્યું, “અમે પૂર્વેશભાઈને નિકટથી જાણીએ છીએ. તેઓ સંત જેવું પવિત્ર જીવન જીવી રહ્યા છે.’ મને સનાતન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા છે. હું અનેક ફાંટાઓ પર શ્રદ્ધા ધરાવતો નથી. દરેક ગુરુજી સદગુરુ હશે એ વિષે હું શંકાશીલ છું પણ કોઈ પણ સંપ્રદાય ખરાબ માણસને સારો માણસ બનાવી શકતો હોય તો એટલા પૂરતું એ સંપ્રદાયને પ્રણામ કરવા પડે. - શીર્ષકપંક્તિ : આદિત્ય જામનગરી
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:સાગર જેવી ભવ્યતા ધરાવતા મહાપુરુષ પંડિત સુખલાલજી
    Next Article
    મેંદી રંગ લાગ્યો:અજવાળી આઠમનાં આણાં આવિયાં રે લોલ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment