Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:આકાંક્ષાની કથા કુંતી, દુર્વાસા, કર્ણ

    9 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ દુર્વાસા મુનિ રાજા કુંતીભોજની પુત્રી કુંતીની સેવા અને ભક્તિભાવથી પ્રભાવિત થયા હતા. દુર્વાસા મુનિની અનિયમિતતાઓ અને તેમની જરૂરિયાતો- બધું જ હવામાનની માફક અજીબ હતું. તેમાં ક્યારે પલટો આવે તે કહેવું અશક્ય હતું. હજુ ઘડી પહેલાં તો આકાશમાં એક વાદળી પણ ન દેખાતી હોય અને વાતાવરણમાં એકદમ પલટો આવે, કડાકા-ભડાકા થવા માંડે, વીજળી ઝબકારા લેવા માંડે અને વરસાદ તૂટી પડે. તેવી સ્થિતિ દુર્વાસાની હતી. શાંત અને સૌમ્ય સ્વરૂપમાંથી ક્યારે તેઓ રૌદ્ર રૂપ ધારણ કરી લે અને ક્યારે તેમની અગ્નિશિખાઓ આકાશને આંબવા માંડે તે કંઈ કહેવાય નહીં. ઋષિ પોતાની મરજીમાં આવે ત્યારે તેમના ઉતારા તરફ જાય અને મરજીમાં આવે ત્યારે ખાય, પરંતુ કુંતી તેમને સાચવવા માટે બધું જ કરતી. તેના મોં ઉપર ક્યારેય થાક કે કંટાળો ન વર્તાતો. કુંતીની આ સેવા જોઈને પ્રભાવિત થયેલા મહર્ષિ દુર્વાસાએ તેને એક મંત્ર આપ્યો. જે કોઈ દેવનું આહ્વાન કરવામાં આવે તે પ્રગટ થાય અને તે દેવના અંશરૂપે કુંતીને પુત્ર પ્રાપ્ત થાય, સાથે કુંતીનું કૌમાર્ય પણ અખંડ રહે. મહર્ષિ દુર્વાસા વિદાય થઈ ગયા, પરંતુ કાચી ઉંમર અને યુવાવસ્થામાં કુંતીને થયું કે ઋષિએ આપેલા મંત્રની ચકાસણી તો કરી લેવી જોઈએ. આ કુતૂહલવશ એક દિવસે નાહી-ધોઈ પવિત્ર થઈને તેણે ઊગતા સૂરજની સાક્ષીએ પેલો મંત્ર જાગૃત કર્યો અને સૂર્યદેવની વિભાવના કરી. અરે! આ શું? સૂર્યદેવ પ્રગટ થયા. કુંતી કુંવારી માતા બની અને સૂર્ય સમાન તેજસ્વી, સોનાનાં કવચ અને કુંડળ ધારણ કરેલો પુત્ર પ્રાપ્ત થયો. એ જમાનામાં લગ્ન પહેલાંના આ સંતાનને કોણ સ્વીકારે? કુંતીના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું. તેણે બીજા દિવસે વહેલી સવારે સરસ મજાની વાંસની ટોપલી ગૂંથી, તેમાં મખમલની સેજ પાથરી. પોતાના કાળજાના કટકાને ભાલે કુમકુમ તિલક કરી આશીર્વાદનું મીઠું ચુંબન આપ્યું અને ધ્રૂજતા હાથે આ ટોપલી ગંગાના ખોળામાં વહેતી મૂકી દીધી. એ બાળક હસ્તિનાપુરના અશ્વપાલ અધિરથ અને રાધાનું સંતાન બનીને ઉછર્યો અને ‘રાધેય’ કહેવાયો. આપણે તેને જાણીએ છીએ કર્ણના નામથી. કર્ણને અંગરાજ બનાવી સૂતપુત્ર તરીકેનું કલંક દૂર કર્યું દુર્યોધને, અને તે આજીવન દુર્યોધનનો મિત્ર બની રહ્યો. કૃષ્ણ અને કુંતીના પ્રયત્નો તેને પલટાવી ન શક્યા અને છેવટે મહાભારતના યુદ્ધમાં લડતાં-લડતાં તે વીરગતિને પામ્યો. તમને સહજ પ્રશ્ન થતો હશે કે આખી દુનિયાને અજવાળનાર અને દુનિયાના પ્રાણ સમાન ભગવાન સૂર્યદેવનો પુત્ર, મહાપરાક્રમી કર્ણ કેમ આ રીતે મર્યો? જવાબ કદાચ એમાં છે કે ઉપકારવશ થઈને પણ તેણે અનિષ્ટની સંગત કરી હતી. ગમે તેટલી ઉત્તમ વસ્તુ પણ અનિષ્ટના સંગતમાં આવે તો તે ક્યાંક ને ક્યાંક મલિનતા પામે છે. દૂધ ગમે તેટલું ચોખ્ખું હોય, પરંતુ તેમાં એક છાંટો ઝેર ભળે તો દૂધ ઝેરી જ બને. કર્ણ સૂર્યપુત્ર હતો. ઝગારા મારતાં સોનાનાં કવચ અને કુંડળ સાથે પેદા થયો હતો. પણ દુર્યોધન અને અનિષ્ટની સંગતને કારણે તેનું પતન થયું. આ સમગ્ર ઘટનામાંથી અર્થ એ નીકળે છે કે કોઈપણ વ્યક્તિએ પોતાના મિત્રો ક્ષણિક આવેગથી નહીં, પણ ઊંડા મનોમંથન બાદ જ પસંદ કરવા જોઈએ. તે ઉપરાંત વાણીની ચમક-દમક, બાહ્ય દેખાવ કે રંગરૂપ કદાચ ક્ષણિક આકર્ષણનું કારણ બની શકે પણ સરવાળે તે વિનાશ કે મૃત્યુ નોતરે છે. દુર્યોધનની નિયત ચોખ્ખી નહોતી. તેણે કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો ત્યારે અર્જુનને દ્વંદ્વ યુદ્ધ માટે પડકારતા કર્ણની આકૃતિમાં તેણે કૌરવો પાસે જે નહોતું તે અર્જુનનો સબળ પ્રતિસ્પર્ધી જોયો હતો. તેને અંગદેશનો રાજા બનાવવા પાછળ દુર્યોધનની કપટવૃત્તિ અને શકુનિની ચાલ હતી. આ કારણથી અપમાનને કારણે આહત થયેલા કર્ણને સંવેદનાની મલમપટ્ટી લગાડી તેણે જીતી લીધો. આ મૈત્રી કર્ણના પક્ષે ઉપકાર અને આભારવશ બંધાયેલો સંબંધ હતો, પણ દુર્યોધનના મનમાં નર્યું કપટ અને ગણતરી હતી, જેને કારણે કર્ણને ભારે નુકસાન વેઠવું પડ્યું. મિત્ર આવેશમાં આવીને નહીં, કોઈ ગણતરીથી નહીં, પણ લાંબા સમયના સહવાસ બાદ એકબીજા માટે દિલમાં ઊભા થયેલા પ્રેમ અને આદરની લાગણીથી જોડાયેલો હોવો જોઈએ, જેનો ઉત્તમ દાખલો કૃષ્ણ-સુદામા છે. આમ, કર્ણનું જીવન અને તેનો કરુણ અંત આપણને મિત્રતાના માપદંડો વિશે ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. કર્ણે દુર્યોધનને આપેલા વચન અને ઉપકારના બદલામાં પોતાની આખી જિંદગી અને આત્મસન્માન હોમ્યાં, પરંતુ તે સંગત અનિષ્ટ હોવાથી તેના તેજને પણ કલંકિત કરી ગઈ. આથી, જીવનમાં સાચા મિત્રની પસંદગી કરતી વખતે માત્ર લાગણી કે ક્ષણિક ઉપકારના દબાણમાં આવ્યા વગર, વ્યક્તિનાં ચારિત્ર્ય અને તેના હેતુઓને સમજવા અત્યંત જરૂરી છે. જો કર્ણ જેવા નિષ્ઠાવાન વ્યક્તિત્વને કૃષ્ણ અને સુદામા જેવી સાત્ત્વિક અને નિઃસ્વાર્થ મિત્રતાનો સાથ મળ્યો હોત, તો ઇતિહાસ કદાચ કંઈક અલગ જ હોત. છેવટે, આપણી પસંદગી જ આપણા ભવિષ્ય અને આપણા અંતનું નિર્ધારણ કરે છે, તેથી જ મિત્રતાના બંધનમાં શુદ્ધતા અને સમજદારીનું હોવું અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    Happy Guru Purnima 2026: Best Wishes, Quotes, Messages, Images and Greetings to Share
    Next Article
    બુધવારની બપોરે:છત્રી-રેઇનકોટ કાઢવાનાં કે નહિ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment