Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગાયનું દૂધ પીને નેતા બન્યા'ને હવે કતલખાને મોકલો છો':ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માગ સાથે સુરતમાં ગૌભક્તોની વિશાળ રેલી, પોતાના લોહીથી લખેલું આવેદનપત્ર કલેકટરને સોંપ્યું

    10 hours ago

    સુરતમાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની અને દેશભરમાં સંપૂર્ણ ગોવધ પ્રતિબંધ મૂકવાની માગ સાથે ગૌરક્ષકો અને વિવિધ સંગઠનો દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આજે હજારોની સંખ્યામાં ઉમટેલા ગૌભક્તો અને નાગરિકો સુરત કલેક્ટર કચેરી ખાતે સીધા વાછરડાને અને પોતાના લોહીથી લખેલા આવેદનપત્ર સાથે પહોંચી ગયા હતા. કલેક્ટર કચેરી પરિસરની અંદર અચાનક ગૌમાતાના વાછરડાને જોઈને ત્યાં હાજર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સમગ્ર પરિસરમાં ગૌમાતાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય અને આક્રોશપૂર્ણ બની ગયું હતું. પોતાના લોહીથી લખેલા પોસ્ટરો અને આવેદનપત્ર સાથે રેલી આ જનજાગૃતિ અને વિરોધ રેલી શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી અત્યંત ઉત્સાહપૂર્વક નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીમાં જોડાનારા હજારો લોકોએ અલગ-અલગ પૌરાણિક અને સંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી હતી. વિરોધનો સૌથી આશ્ચર્યજનક પાસું એ હતું કે ગૌરક્ષકો તથા મહિલાઓએ પોતાના જ લોહીથી પત્રો અને પોસ્ટરો લખ્યા હતા. આ લોહીથી લખાયેલા આક્રોશપત્ર કલેક્ટરને સુપરત કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને ગૌમાતાના રક્ષણ માટે કડક કાયદો બનાવવાની ત્વરિત માંગ કરવામાં આવી હતી. 'સત્તામાં આવ્યા પછી ગૌમાતા પશુ બની જાય છે': ગૌપ્રેમી રેલી દરમિયાન અગ્રણી રમેશભાઈએ ભાજપ અને દેશના રાજકારણીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આખા દેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સહી અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હિન્દુત્વ અને ગૌમાતાના નામે આટલા વર્ષોથી સરકારમાં બેઠેલા લોકોની આંખો ખુલ્લી નથી થતી. જ્યારે સત્તામાં ન હોય ત્યારે ગૌમાતા યાદ આવે છે અને જેવી સત્તા મળે એટલે ગૌમાતા માત્ર એક પશુ બની જાય છે! દેશભરમાં ગૌરક્ષા માટે રેલીઓ થાય છે પણ એક પણ ધારાસભ્ય, સંસદસભ્ય કે મંત્રી આ રેલીઓમાં ડોકાતા પણ નથી. નેતાઓ માત્ર ચૂંટણી વખતે વોટની ભીખ માંગવા જ બહાર નીકળે છે." 'તાપી માતામાં વિસર્જન થવું જોઈએ': મત બેંકનું રાજકારણ રમતા નેતાઓની આકરી ટીકા પોતાના નિવેદનને વધુ તીખું બનાવતા રમેશભાઈએ ઉમેર્યું હતું કે, "અગાઉ 'વિશ્વમંગલ ગૌગ્રામ યાત્રા' વખતે દાવા કરાયા હતા કે અમારી સરકાર આવશે તો ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરીશું. પરંતુ આજે વર્ષોથી સત્તામાં બેઠા હોવા છતાં આ સરકારના રાજમાં મોટા પ્રમાણમાં ગાયનું બીફ વેચાઈ રહ્યું છે. આ સરકારની આંખ અને કાનના પડદા ખુલવા જરૂરી છે. તાપી માતાના જન્મદિવસ પ્રસંગે જ અમે કહીએ છીએ કે જે નેતાઓ ગૌમાતાના નામે મત માંગીને પછી ભૂલી જાય છે, એવા રાજકારણીઓનું તાપી નદીમાં વિસર્જન થઈ જવું જોઈએ. ગૌભક્તો હવે આવા વચનભંગ કરનારાઓને સાંખી લેવાના મૂડમાં નથી." 'ગાયનું દૂધ પીને નેતા બન્યા અને હવે કતલખાને મોકલો છો!': બાપાસીતારામ મહિલા મંડળના અગ્રણી હીરાલબેને નારીશક્તિનો અવાજ બુલંદ કરતા કહ્યું હતું કે, "દેશના નેતાઓ, મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન પણ બાળપણમાં ગૌમાતાનું દૂધ પીને જ મોટા થયા છે અને નિરોગી રહીને સત્તાની ગાદી સુધી પહોંચ્યા છે. પરંતુ આજે એ જ ગૌમાતા કતલખાને કપાઈ રહી છે, કચરાપેટીમાં પ્લાસ્ટિક ખાવા મજબૂર છે. જો નેતાઓમાં થોડું પણ ઋણ ચુકવવાની ભાવના હોય તો ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે. ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવો, ભાગવત અને શિવજીનો વાસ છે. જો સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે તો અમે તમામ ગૌભક્તો ભવિષ્યમાં મતદાન કરવાનો જ બહિષ્કાર કરીશું." સાધુ સમાજના અધ્યક્ષની દિલ્હીમાં 'જંતર-મંતર' ઘેરાવની ચેતવણી રેલીમાં ખાસ ઉપસ્થિત રહેલા ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને મહામંડલેશ્વર સીતારામદાસજીએ આહ્વાન કરતાં કહ્યું હતું કે, "જે દેશની સંસ્કૃતિ મજબૂત હોય તે દેશ જ હંમેશા અડીખમ રહે છે અને ગૌમાતા એ આપણી સનાતન સંસ્કૃતિનો મુખ્ય આધાર છે. આજે અમે સુરત કલેક્ટર મારફતે 21 લાખ સહીઓ સાથેનું આવેદનપત્ર દિલ્હી સરકાર સુધી પહોંચાડી રહ્યા છીએ. જો કેન્દ્ર સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો આખો સંત સમાજ અને લાખો ગૌભક્તો દિલ્હીના જંતર-મંતર પર પહોંચીને વિશાળ ધરણાં પ્રદર્શન કરશે. જેમ વિદ્યાર્થીઓના આંદોલન સામે સરકારે ઝૂકવું પડ્યું હતું, તેમ ગૌમાતાના મુદ્દે પણ સરકારે નમવું જ પડશે." મોટી સંખ્યામાં મહિલા અને બાળકો રેલીમાં જોડાયા આ રેલીમાં કેવળ પુરુષો કે સંતો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના બાળકો પણ જોડાયા હતા. મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગૌમાતાની રક્ષા માટે તેમણે પોતાના બાળકોની સ્કૂલોમાંથી રજાઓ પડાવીને તેમને પણ આ અભિયાનમાં જોડ્યા છે. ભૂખ્યા-તરસ્યા રહીને પણ ગૌભક્તો રસ્તા પર ઉતર્યા છે કારણ કે આ કેવળ કોઈ સંગઠનની માંગ નથી પરંતુ આખા ભારત દેશના આત્માનો અવાજ છે. જો ગૌમાતા જ નહીં બચે તો આ દેશની સંસ્કૃતિ અને અસ્તિત્વ પણ ખતમ થઈ જશે તેવી ગંભીર ભીતિ સંતો અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ગૌરક્ષકોએ લોહીથી લખેલું આવેદનપત્ર સુપરત કર્યું રેલી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ ગૌરક્ષકોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને મળીને લોહીથી લખાયેલા આવેદનપત્રો અને 21 લાખ નાગરિકોની સહીઓ ધરાવતી ફાઈલો સુપરત કરી હતી. કલેક્ટર કચેરી બહાર 'જય શ્રી રામ' અને 'જય ગૌમાતા'ના નારાઓથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગૌભક્તોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, તો આ આંદોલનને ઉગ્ર બનાવીને દેશવ્યાપી ચળવળમાં ફેરવી દેવામાં આવશે. આ ભવ્ય રેલીને પગલે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના વ્હોરાવાડમાં વીજ કેબલમાં સ્પાર્ક:કેબલો તૂટી પડતા ભય, વીજ પુરવઠો બંધ કરાયો
    Next Article
    દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠકો પર પેટાચૂંટણી:હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો અને ચૂંટણીનો માર્ગ સાફ, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment