Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીપુરમાં ફસાયેલા લોકોનો આક્રોશ:સારોલી અને કુંભારીયા ગામ બેટમાં ફેરવાયા, રાહત પેકેજના નામ પર બધાના મોઢા બંધ કરી દીધા

    10 hours ago

    સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાડીઓના લેવલમાં વધારો આવતા બે ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ ગયો છે. સારોલી અને કુંભારીયા ગામ બંને બેટમાં ફેરવાઈ ગયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જવાના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાએ તો ત્યાં સુધી કહી દીધું કે, કોર્પોરેટર માત્ર પગલા પાડવા આવ્યા હતા. રાહત પેકેજના નામ પર બધાના મોઢા બંધ થઈ કરી દીધા હતા. 'દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ સ્થિતિ' સારોલી ગામના સ્થાનિક ધર્મેશભાઈ પટેલે વિસ્તારની હાલની સ્થિતિ અંગે વાત કરતાં જણાવ્યું કે, આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાથી ભારે મુશ્કેલી અને તકલીફ ઊભી થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દર વર્ષે જ્યારે પણ નદીમાં કે વરસાદથી પાણી આવે છે, ત્યારે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આ વર્ષે પણ પરિસ્થિતિ એવી જ છે અને લોકોના ઘર સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ સમસ્યાનો હજુ સુધી કોઈ કાયમી ઉકેલ નીકળ્યો નથી. તેમણે સમયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સવારે લગભગ 7થી 8 વાગ્યાથી પાણી આવવાનું શરૂ થઈ ગયું હતું અને હાલ સુધી પાણી સતત ભરાયેલું જ છે. 'ખાડીની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી' સારોલી ગામના મિતુલ ધનંજયએ જણાવ્યું હતું કે, અહીં સરકારી કામ કે કમિશનરનું કામ સારું ચાલુ છે, પણ જે મુખ્ય સમસ્યાઓ છે, તેના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટે જે નવું ડ્રેનેજ કે ગટર બનાવવામાં આવ્યું છે, તે સુવિધા તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે. ખાડીની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી. લોકોના ઘરો, દુકાનો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિ કોઈ એક વારની નથી. 10 દિવસમાં બીજી વાર આવી જ રીતે વિસ્તારોમાં પાણી ફરી વળે છે. દર વખતે લોકોએ પૂર અને પાણી ભરાવાની આ વિકટ સમસ્યામાંથી પસાર થવું પડે છે. અહીં નજીકમાં જ પોલીસ સ્ટેશન, શાળા અને રહેણાંક વિસ્તારો આવેલા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. વહીવટી તંત્ર કે સ્થાનિક અધિકારીઓ તરફથી લોકોને કોઈ સંતોષકારક પ્રતિસાદ કે મદદ મળી રહી નથી. કુંભારીયામાં ખાડી પૂરના પાણી ભરાયા, રસ્તાઓ બંધ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ખાડી પૂરના લીધે કુંભારીયામાં મોડી રાતથી જ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામમાં ખાડીના પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે ગામમાં આવવા-જવાનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. અનેક ગ્રામજનો ગામની બહાર જ અટવાઈ પડ્યા છે અને પોતાના ઘરે પહોંચી શકતા નથી. અગાઉ પણ પૂરના કારણે આ ગામમાં મોટા પાયે નુકસાન થયું હતું, જેના માટે સરકારે રાહત પેકેજ મંજૂર કરવું પડ્યું હતું. હવે ફરી એકવાર પાણી ભરાતાં સ્થાનિકોને ભારે આર્થિક અને ઘરવખરીનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તંત્ર અને નેતાઓની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ ગામમાં પાણીના યોગ્ય નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા ન હોવાના કારણે દર વખતે આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સ્થિતિ આટલી વિકટ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી મદદ માટે કોઈ પ્રાથમિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુશ્કેલીની આ ઘડીમાં તંત્રનો એક પણ જવાબદાર અધિકારી કે કોઈ રાજકીય નેતા ગામની પરિસ્થિતિ જોવા સુદ્ધાં આવ્યા નથી. તંત્રની આ નિષ્કાળજી અને બેદરકારીને કારણે ગ્રામજનોમાં ભારે વિરોધ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. 'કોમર્શિયલ ઝોનવાળાને એક રૂપિયાની રાહત આપી નથી' કુંભારીયા ગામના સ્થાનિક મહિલા વર્ષા મહેતાએ જણાવ્યું હતું કે, અહીંયા ઘણા નાના-નાના વેપારીઓ છે, 6800 તમે રેસિડેન્શિયલ ઝોનમાં આપ્યા, પણ કોમર્શિયલ ઝોનવાળાને તમે કોઈ પણ એક રૂપિયાની રાહત આપી નથી. ઘણું ખરું નુકસાન કર્યું. જેનું ટર્નઓવર જ નહીં થતું હોય તો તેની પાસે કેવી રીતે તમે GST નંબર ટેક્સ, તો તમારા બધા પેપર રેડી કરેલા જ હોય તો એ વાઈઝ તો સહાય તો કરવી જોઈએ. 'હવે આ પાણી અમારાથી સહન થતું નથી' સહાય તો એક બીજી વાત છે, પણ મેઈન પ્રોબ્લેમ પાણીનો છે કે, જ્યાં સુધી આ કુંભારીયા ખાડીનું પાણી અને સીમાડાની જે બધી લાઈન જોઈન્ટ મારેલી છે. બીજી, અત્યારે આ બે-ચાર મહિના પર આ SMC વાળાએ અહીંયાની દેવધની આખી લાઈન જોઈન્ટ આ બાજુ મારી. એ બધું પાણી મિક્સ થઈને આવે એટલે કે કુંભારીયાને એક 'બકરો' બનાવેલો છે, બરાબર? તો હવે આ પાણી અમારાથી તો સહન થતું જ નથી, એટલે તમામ અધિકારીઓને કે એના ઉપરથી આ લોકોએ ટોયલેટ અહીંયા મૂક્યું. કે આટલા તો મરતા જ છો, હજુ વધારે ટોયલેટમાં મરો, એના માટે પણ અમે લોકોએ અરજી આપેલી છે. હવે આ તો અમારે જોઈએ જ નહીં, અમારા ગામવાળા તોડી પણ નાખશે. ‘વિધિબેન અહીંયા ખાલી પગલાં પાડવા આવ્યા હતા’ સ્થાનિક નેતાઓમાં કાલે વિધિબેન અહીંયા ખાલી ત્યાં પગલાં પાડવા આવ્યા હતા કે આ જોઈ લીધું ને ચાલ્યા ગયા. હવે એ તો હજુ નવા-નવા બેન, હવે જે હશે તે. પણ આ વસ્તુ કહેવાનો મતલબ એટલો કે એના માટે તમને આ એક સમસ્યા નવી નથી. આ પ્રોબ્લેમ કોઈ સોલ્વ નથી કરતું. જ્યારે મત માંગવા આવે ને ત્યારે કે અમે પાણી, ખાડીનું આમ કરશું તેમ કરશું, પણ એમાં કોઈ સુધારો આવતો નથી. અત્યારે આજે તો બે કે ત્રણ કલાક થયા, 4 કલાક, મિનિમમ 4 કલાક થયા, બીજું કંઈ આમાં છે નથી. પહેલા અમારે 5 ફૂટ અહીંયા અને બહાર 7 થી 8 ફૂટ. બધાના ઘરમાં બધું ડૂબી ગયું. થોડોક વરસાદ પડે એટલે બધાના જીવ ઊંચા થઈ જાય અને ક્યાં સુધી આ સમસ્યાનો અમારે કોઈ એનું નિવારણ તો હોય કે નહીં? તમે ક્યાર સુધી આટલો બધો ટેક્સ તમે લોકો લ્યો છો? કેમ નથી કે તમે આટલા પરસેન્ટેજ ટેક્સ આપો એટલે તમને ટેક્સ માફી, સામાન્ય પ્રજા લક્ષી રીતે આનો કંઈક તો ઉકેલ હોય કે નહીં? બધા પાસે બધી વસ્તુનો ઉકેલ છે. ઓકે, ચાલો કે બધી જગ્યાએ પાણી ભરાય ને એ એક કોમન પ્રોબ્લેમ. પણ એવરી યર, એવરી યર થોડોક વરસાદ પડે એટલે બધાના જીવ ઊંચા થઈ જાય કે અહીંયા પાણી ભરાશે અને હવે અમે લોકો ડૂબવાની તૈયારી.તો વસ્તુ એ જ થાય કે તમારે એની વસ્તુનું એક નિરાકરણ તો હોવું જોઈએ ને? દરેક વસ્તુના પ્રોબ્લેમનું સોલ્યુશન તો છે જ, બરાબર? પણ આ લોકોએ કરવું નથી. એ કેવું ને, રાહત પેકેજના નામ પર બધાને એક આશ્વાસન આપી દે એટલે બધાના મોઢા બંધ થઈ જાય, પછી બોલે જ નહીં કોઈ. ‘બબ્બે ચાર-ચાર દિવસથી લાઇટ નહી મળે’ એટલે અમારે ખાલી તમારા બધા અધિકારીઓ કે નેતાઓને બધાને એક જ વિનંતી છે કે આ કુંભારીયાને પાણીથી મુક્ત કરો. પાણી થોડું નોર્મલ ભરાય તો ઓકે, નો ડાઉટ. પણ તમે દર વખતે આ પાણીમાં અમારે ડૂબવાનું, સામાનનું નુકસાન, પ્રજા હેરાન થાય, વસ્તુ નહીં મળે, બબ્બે ચાર-ચાર દિવસથી લાઇટ નહી મળે, ઘરમાં પાણી નહી મળે. કઈ રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું?ને કહેવાય તો આપણે બહુ બધા, આપણે કહીએ ને કે વિકસિત ગુજરાત, વિકસિત સુરત ને વિકસિત કુંભારીયા, પણ કોઈ વિકસિત નથી. એની પાછળ કેટલું કાળું-ધોળું, ગોરખધંધા ચાલતા જ છે તે બધાને ખબર જ છે. અમારી પાછળ, ખાડીની પાછળ બધું એ લોકોએ જે ડેવલોપમેન્ટ કર્યું છે, એમાં બધું પુરાણ કરીને પૈસા ઊભા કરી લીધેલા છે. એ બધી વસ્તુ છે. પણ આનો કોઈ કોઈનું નિરાકરણ કરતું નથી. જે અધિકારી આવે તે પૈસા લઈને બેસી જાય. જે અધિકારી... તો એનું કંઈક તો નિરાકરણ કરો. ‘ટેક્સ માટે કુંભારીયાનો જે રેસિડેન્શિયલ ઝોન હતો તેને કોમર્શિયલમાં ફેરવ્યું’ જે ખાડી હતી જ પહોળી, બધા અધિકારીઓને ખબર છે. અહીંયા આવે કે આટલું તમે અહીંયા દબાણ કર્યું, તો તમે શું કામ પરમિશન આપો છો? મેઇન વસ્તુ એ જ છે કે તમે પરમિશન નહીં આપો, તમે રસ્તા ખુલ્લા રાખો. બહુ બધી જગ્યા છે. કુંભારીયાનો જે રેસિડેન્શિયલ ઝોન હતો ને, તેને કોમર્શિયલમાં ફેરવ્યું, ટેક્સ માટે! આજે આટલું બધું ટેક્સ તમારું કુંભારીયાનું અમારું ભરાતું છે, તે છતાં કોઈ જાતની સુવિધા નથી. સુવિધા શું, હજુ અમારા ગ્રામ પંચાયતમાં બધી વસ્તુ ચાલે. SMC એ અમને કોઈ સુવિધા નથી આપી. ઉપરથી એ લોકોએ કેટલા આવડા પાઇપ નાખ્યા, પાણીના નાના પાઇપ નાખ્યા અને 3-4 મહિના એ લોકોએ લાઇન બંધ રાખી બધી. કઈ રીતે આ બધી વસ્તુ છે? એના કરતાં અમારા ગ્રામ પંચાયતમાં હતું ને તો કોઈ દિવસ પાણી આવ્યું નથી, SMCમાં પડ્યા પછી વધારે તકલીફ ચાલુ થઈ ગઈ અને હજુ તો SMC એ અમારી કુંભારીયા ગામની બધી જેટલી જગ્યા છે ને, તેની જગ્યા પર મેટ્રોવાળાનો પેલા જે માટીના થર ઊભા કરાવી દીધા. ‘તમારે જે કરવું હોય તે કરો પણ અમને આમાં નિકાલ જોઈએ’ બીજું, અહીંયા જેટલી લાઇન ખોદાઈ ને, એ બધાનું અંદરનું મોરમ હોત વેચીને, માટી બધી વેચીને બધી ખાઈ ગયા એ પૈસા હોત. તો એક જ આ વસ્તુ રિપીટ થવાનું? કે પાણી ભરાય, રાહત પેકેજ થશે, સાફ-સફાઈ થશે, SMC વાળા છોકરાઓને દોડાવવાનું. એમાં એ બિચારા નાના-નાના જ છે એ લોકો, તો એ લોકોના માટે એવરી યર આ જ પ્રોબ્લેમ? અમે લોકો તો નુકસાન... અમે લોકો અમારા ઘરનું બધું અમારી શોપ છે, દુકાન છે, બધું અમારે જાતે જ કરવાનું. પણ આ વસ્તુનું એક તો નિરાકરણ જોઈએ કે નહીં? એટલે અમારી આ એક જ રિક્વેસ્ટ માનો, તમારે જે કરવું હોય તે, પણ અમને આમાં નિકાલ જોવે. 10 દિવસ પહેલાં અહીં 7 ફૂટ જેટલા પાણી ભરાયા હતા સ્થાનિક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં 2થી 5 વર્ષમાં એકાદ વાર ઉપરવાસના કે ભારે સ્થાનિક વરસાદને કારણે પાણી આવતું હતું પરંતુ, છેલ્લા 2થી 4 વર્ષથી દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. હાલમાં જ છેલ્લા 10 થી 15 દિવસના ગાળામાં બીજી વખત ગામમાં પાણી ભરાયા છે. 10 દિવસ પહેલાં અહીં 7 ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને અત્યારે પણ માત્ર 4 કલાકના વરસાદમાં જ ફરી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થાય છે ને સરકાર 6800ની સહાય આપી સંતોષ માની લે છે કુંભારીયા વિસ્તારમાં આવેલી ખાડી કિનારે થયેલાં ગેરકાયદેસર બાંધકામોને કારણે ગામના પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. આ બાબતે કલેક્ટર સાહેબ તેમજ ચેરિટી કમિશનરને પણ લેખિત અરજીઓ આપીને રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી કે અરજી ધ્યાને લેવામાં આવી નથી. આ સમસ્યા ખાસ કરીને આ વિસ્તાર સુરત મહાનગરપાલિકા હેઠળ આવ્યા પછી વધુ ગંભીર બની છે. પાણી ભરાવાને કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આટલા મોટા નુકસાન સામે સરકાર માત્ર ₹6,800 ની સહાય આપીને સંતોષ માની રહી છે, જે સ્થાનિકો માટે પૂરતી નથી. કુંભારીયા ગામની લગભગ અડધી વસ્તી આ સમસ્યાથી પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને ST, SC અને OBC સમાજના લોકો રહે છે એવા પાદર ફળિયું, હરિજન વાસ, કોળી વાડ, હળપતિ વાડ, PWD અને પીપળા ફળિયું જેવા વિસ્તારોમાં કાયમ માટે પાણી ભરાવાની વિકટ સમસ્યા ઊભી થાય છે, જેના કારણે આખું કુંભારીયા ગામ બેટમાં ફેરવાઈ જાય છે. ભાજપના નાના-મોટા નેતાઓ ફક્ત અહીં આવી આંટા મારી ચાલ્યા જાય છે નેતાની તો વાત જ છોડો. અત્યારના નેતા... ખબર નથી અહીંયા જે હાલના આપણા સંસદ છે, એ ખબર નથી એમણે કુંભારીયામાં મુલાકાત લીધી હશે. અમારા ધારાસભ્ય છે ઈશ્વરભાઈ પરમાર બારડોલીના એ પણ કોઈ દિવસ જોવા નથી આવ્યા, ફક્ત વોટ લેવા માટે જ આવે છે. કોર્પોરેટર પણ કોઈ આવ્યા નથી. ગઈકાલે વિધિબેન ફક્ત આવેલા, બે-ચાર કલાક ઉડતી મુલાકાત લઈને એ પણ નીકળી ગયા છે. અને જે પણ નેતાઓ છે, ભાજપના નેતા મોટા-મોટા છે... જે તે સંઘવી સાહેબ છે, એ પણ સારોલી જેવા વિસ્તારમાં આવીને મુલાકાત લઈને જતા રહ્યા છે. બાકી અમારા કુંભારીયા ગામમાં જે ખાસ અસરગ્રસ્ત છે, મેઈન પૂર અસરગ્રસ્ત વિસ્તાર કહેવાય, એની તો કોઈ દિવસ મુલાકાત જ નથી લીધી એ લોકોએ.
    Click here to Read More
    Previous Article
    લશ્કરના 2 આતંકવાદીઓના ઘર IED લગાવીને તોડી પાડ્યા:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં હેડ કોન્સ્ટેબલની હત્યામાં સામેલ હતા
    Next Article
    સુરતમાં ખાડીપૂરના રૌદ્ર રૂપ વચ્ચે ફાયર બ્રિગેડનું મેગા રેસ્ક્યુ ઓપરેશન:ગર્ભવતી મહિલા, બાળકો અને વૃદ્ધો સહિત 5થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment