Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્યાં દીપડો ઘૂસ્યો તે સોસાયટીમાં રાત્રે પહોંચ્યું ભાસ્કર:કોઈ ચાલવા નીકળતું નથી, સિક્યુરિટી ગાર્ડ ડરમાં ડ્યુટી કરે છે, બહાર સૂતા લોકોને ઘરમાં મોકલાયા; ઘુમા-શેલા-બોપલમાં ‘કર્ફ્યુ’

    2 days ago

    19 જુલાઈની રાત્રે જ્યારે લોકો ફિફા વર્લ્ડ કપની ફાઇનલ જોવામાં મગ્ન હતા, તે સમયે મોડી રાત્રે અંદાજિત 2 વાગ્યે અમદાવાદના ઘુમાની પોશ સોસાયટી શરણદીપમાં દીપડો કોટ કૂદીને ઘૂસ્યો. બસ પછી શું?, સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં દીપડાના CCTV ફરતા થયા ને પછી વાત વાયુવેગે ફેલાતા ઘુમા-શેલા-બોપલમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. સવાર પડતાં જ વનવિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ સોસાયટીમાં પહોંચીને દીપડાને પકડવાની કવાયત શરૂ કરી. આખો દિવસ આસપાસના વિસ્તારમાં વનવિભાગ મથ્યું પણ દીપડો હજુ સુધી પકડાયો નથી. સૂર્ય આથમતા જ રાત્રે ઝગમગતો ઘુમા-શેલા-બોપલ વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. સ્થિતિની ગંભીરતા જોતા દિવ્ય ભાસ્કરના રિપોર્ટર પણ જ્યાં દીપડો ઘૂસ્યો હતો તે શરણદીપ સોસાયટીમાં રાત્રે પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ તેઓ અવાક રહી ગયા. એક સમયે રાત્રે ધમધમતી, લોકોની ચહલપહલ જોવા મળતી સોસાયટી એકદમ ભેંકાર હતી. ના કોઈ ચાલતું હતુ, ના બાળકોનો કિલકિલાટ કે ના સોસાયટીના ગ્રુપની ચર્ચાઓ, કંઈજ એટલે કંઇજ જોવા મળતું નહોતું. હાથમાં ડંડો ને ટોર્ચ અને ઝૂંડમાં ફરતા સિક્યુરિટી ગાર્ડ પણ દીપડાના ડરથી ફફડતા જોવા મળ્યા. ડરના માહોલ વચ્ચે વનવિભાગે પણ ઘુમા-શેલા-બોપલમાં કોમ્બિંગ કર્યું અને બહાર સૂતા લોકોને ઘરમાં મોકલ્યા હતા. એકલ દોકલ ટુ-વ્હીલર પર જતાં લોકોને સાવધાન કરાયા અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના બાદ 20 જુલાઈના રોજ વન વિભાગે ઘુમા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં પેટ્રોલિંગ કર્યું હતું. વન વિભાગની અલગ અલગ ટીમો બનાવી ઘુમાના આસપાસની અવાવરૂ જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. વન વિભાગે તમામ અવાવરું જગ્યા પર દીપડાનું ટ્રેકિંગ કર્યું હતું. દીપડો દેખાયો તેની આસપાસની સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 9 વાગ્યા બાદ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જે લોકો ઘુમાથી શેલા તરફ એકલ દોકલ ટુ-વ્હીલર પર જતાં હતા તેમને સાવધાન કરવામાં આવ્યા હતા. સોસાયટીની આસપાસ પાછળના ભાગે પાંજરા મૂકી દીપડાને પકડવા કવાયત કરવામાં આવી હતી. જ્યાં રાત્રે ચહલપહલ જોવા મળતી ત્યાં ભેંકાર વાતાવરણ સામાન્ય દિવસોમાં જ્યાં રાત્રે 12 વાગ્યા સુધી લોકો પરિવાર સાથે વોકિંગ કરતા, બાળકો સાયકલ ચલાવતા અને સોસાયટીમાં લોકોની ભીડ જોવા મળતી હતી, ત્યાં હવે અજંપાભરી શાંતિ જોવા મળી હતી. દિવ્ય ભાસ્કર જ્યારે રાત્રે 10 વાગ્યે સોસાયટીમાં પહોંચ્યું ત્યારે તમામ ઘરના દરવાજા બંધ જોવા મળ્યા હતા. લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. સોસાયટીના રસ્તાઓ, જે રોજિંદા જીવનની ચહલપહલથી ધમધમતા રહેતા હતા, તે સુમસામ બની ગયા હતા. શરણદીપ સોસાયટીમાં કર્ફ્યુ જેવો માહોલ દીપડો પાંજરે ન પુરાતા રહેવાસીઓના ચહેરા પર સ્પષ્ટ ડર જોવા મળતો હતો. ઘણા લોકો ઘરની બાલ્કનીમાંથી બહારની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા તો કેટલાકે તો અંધારું થયા બાદ બાળકોને ઘરની બહાર પણ જવા દીધા નહોતા. સ્થાનિક લોકોમાં ડર એટલો છે કે રાત્રે 10 વાગ્યા પછી જાણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. લોકોની અવરજવરથી જીવંત લાગતો વિસ્તાર હવે ભેંકાર લાગી રહ્યો છે. સિક્યુરિટી ગાર્ડ જીવના જોખમે બજાવી રહ્યા છે ફરજ સિક્યુરિટી ગાર્ડ કે જેની જવાબદારી સોસાયટીમાં રહેતા લોકોની સુરક્ષાની દેખરેખ કરવાની છે. પરંતુ દીપડાના ડરના કારણે સિક્યુરિટી ગાર્ડ પણ ડરી ડરીને ફરજ બજાવતા હોવાનું જોવા મળ્યું હતું. દીપડાને જોયા બાદ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ પણ સતત એલર્ટ મોડમાં આવી ગયા છે. રાત્રિના સમયે સોસાયટીમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને દરેક અવર જવર પર ખાસ નજર રાખવામાં આવી હતી. હાથમાં ટોર્ચ અને લાકડી લઈને જીવના જોખમે ડરના માહોલ વચ્ચે સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવી રહ્યા હતા. દીપડાના ડરના કારણે અત્યારે પણ ધ્રુજી રહ્યા છીએ: હમીરભાઈ પહેલી વખત દીપડાને દેખનાર હમીરભાઈ નામના સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, અમે રાત્રે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા. તે દરમિયાન અંદાજે 1 વાગ્યા આસપાસ દીપડાને જોયો હતો. અત્યારે ડર પણ ખૂબ જ લાગી રહ્યો છે. અમે 10 જેટલા ગાર્ડ અત્યારે ફરજ બજાવી રહ્યા છીએ. દીપડાના ડરના કારણે અત્યારે પણ ધ્રુજી રહ્યા છીએ. ક્યાંથી નીકળશે અને ક્યાંથી આવી જશે તેનો ડર લાગી રહ્યો છે. નોકરી કરીએ છીએ દંડા લઈને પણ ચક્કર મારવા પડે છે. કોઈ ચાલવા માટે પણ બહાર આવતું નથી: દશરથભાઈ દશરથભાઈએ જણાવ્યું હતું કે, એક વખત દીપડો દેખાયા બાદ હવે ખૂબ ડર લાગી રહ્યો છે. અત્યારે એકદમ શાંત માહોલ થઈ ગયો છે. કોઈ ચાલવા માટે પણ બહાર આવી રહ્યું નથી. તેમજ સવારથી વન વિભાગની ટીમ પણ અહીંયા જ છે. ક્યાંકથી ફરી દીપડો નીકળીને બહાર આવી જશે તેવા વિચાર આવે છે. જલ્દી પકડાઈ જાય તો સારું છે. એકલા નીકળતા પણ ખૂબ ડર લાગી રહ્યો છે: ગફુરભાઈ ગફુરભાઈએ જણાવ્યું હતું કે, દીપડો જોવા મળ્યો હતો જેથી હવે એકલા નીકળતા પણ ખૂબ ડર લાગી રહ્યો છે. તેમજ એકલા માણસથી તો રહેવાય એવું પણ નથી, બીજો કોઈ જોડે હોય તો રહેવાય. લાઇટ અને દંડા લઈને અત્યારે નીકળીએ છીએ. એકલા નીકળીએ તો ડરતા ડરતા જવું પડે છે. બીજી કોઈક જગ્યાએથી દીપડો બહાર નીકળશે તેવો ડર લાગી રહ્યો છે. ટુ-વ્હીલર લઈને બહાર નીકળતા નથી: ક્રિયા સ્થાનિક રિયાએ જણાવ્યું હતું કે, અમારા સોસાયટીના ગ્રુપમાં દીપડો દેખાયો હોવાનો વીડિયો આવ્યો હતો. રાત્રે ક્લબ હાઉસમાં દીપડો જોવા મળ્યો હતો. જેના કારણે લોકો પોતાના ઘરમાં પણ ચેક કરે છે કે ક્યાંક દીપડો ઘૂસી તો નથી ગયો. ટુ-વ્હીલર લઈને પણ બહાર નીકળી રહ્યા નથી. તેમજ બાળકોને પણ બહાર જવા દેવામાં આવતા નથી. દીપડો હજુ પકડાયો નથી જેના કારણે સાવચેતી રાખી રહ્યા છીએ. ડરના કારણે રહેવામાં ખૂબ તકલીફ પડી રહી છે. ચાલતા નીકળી શકતા નથી: ગીતાબેન સ્થાનિક ગીતાબેને જણાવ્યું હતું કે, અત્યારે બહાર નીકળતા પણ ખૂબ જ ડર લાગી રહ્યો છે. ચાલતા પણ નીકળી શકતા નથી. ડરના કારણે રાત્રે પણ બહાર નીકળી શકતા નથી. ગાડી લઈને જ બહાર નીકળવું પડી રહ્યું છે. આસપાસના 4 વિસ્તારમાં મારણ સાથે પાંજરા મૂક્યા દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમ સવારથી જ તહેનાત છે. જે જગ્યાએ દીપડો જોવા મળ્યો હતો તે જગ્યાએ એક પાંજરું મૂકવામાં આવ્યું છે. તો અન્ય આસપાસના 4 જેટલા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં મારણ સાથે પાંજરા મૂકવામાં આવ્યા છે. તેમજ દીપડાની અન્ય કોઈ જગ્યાએ જાણ મળે તો પાંજરા સાથે એક ગાડી પણ વન વિભાગ દ્વારા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આખી રાત સુધી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સોસાયટીના ગેટ પર બેસીને આસપાસના વિસ્તારની ચહલ પહલ પર નજર રાખી રહ્યા હતા. બહાર સૂતા લોકોને ઘરમાં મોકલાયા 12 વાગતા જ વન વિભાગની ટીમ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઘુમાની આસપાસના વિસ્તારમાં રસ્તા પર સૂતેલા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. રસ્તા પર અને ઘરની બહાર સૂતેલા લોકોને જગાડી ઘરમાં પરત મોકલવામાં આવ્યા હતા. ઝૂંપડપટ્ટીમાં મોટી સંખ્યામાં લોકો બહાર જ સૂઈ રહ્યા હતા. જેથી દીપડો ન પકડાય ત્યાં સુધી બહાર ન સુવા માટે પણ વન વિભાગની ટીમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. એક કલાક સુધી ચેકિંગ કરીને આસપાસના વિસ્તારોમાં બહાર સૂતા લોકોને જગાડીને અંદર મોકલવામાં આવ્યા હતા. તેમજ લોકોને નોનવેજ ખાઈને તેનો વેસ્ટ બહાર ન ફેકવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. આસપાસની કન્ટ્રક્શન સાઈડ, સ્ક્રેપની દુકાન બહાર સૂતેલા લોકોને રૂમ અને કેબિનમાં સુવા સૂચના આપવામાં આવી હતી. રાત્રે કોમ્બિંગ કર્યું: RFO સાણંદ રેન્જના RFO એચ.આઈ. દેસાઈએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ દીપડો દેખાયો હતો તેના આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે લોકો બહાર ખુલ્લામાં સૂઈ રહ્યા હતા તેમને અંદર સુવા માટે સૂચન કરવામાં આવ્યું છે. બાળકોને ઢોરની સલામતી રાખવા માટે પણ લોકોને સૂચન કરવામાં આવ્યું છે. નોનવેજ ખાઈને લોકો બહાર નાખતા તે ન નાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દરેક વ્યક્તિ સુરક્ષિત રહે તે માટે કોમ્બિંગ કરવામાં આવ્યું છે. દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. આઇડેન્ટીફાઇ કરેલી જગ્યા પર પણ પાંજરા મૂકવામાં આવ્યા છે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને પૂરતા પગલા લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બે કલાકમાં બે ઇંચ, ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી:નવસારીમાં કાવેરી નદી બે કાંઠે વહેતા મહાદેવ મંદિર ડૂબ્યું; આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
    Next Article
    અમદાવાદમાં બે ગેરકાયદે ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડા જપ્ત:બેની ધરપકડ, વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ ‘ઝબકી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment