Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસીબતમાં પણ મોજીલા ‘સુરતીઓ’:ભારે વરસાદ-પૂરની સ્થિતિમાં પણ જીવંત રાખ્યો અસલ મિજાજ; તરતા સોફા-ગાદલા પર 'રાજાશાહી' મોજ અને ચા-નાસ્તાની જ્યાફત

    4 days ago

    કુદરતી આફતો ગમે તેટલી મોટી હોય, પણ સુરતીઓના હસતા ચહેરા અને જીવવાની જીજીવિષા સામે તે હંમેશા નાની સાબિત થાય છે. સુરત અને સુરતીઓ પોતાની અનોખી જીવનશૈલી અને હસમુખા સ્વભાવ માટે જાણીતા છે. સુરત પર જ્યારે પણ કોઈ આફત આવે છે, ત્યારે સુરતીઓ ડરવાને બદલે તેનો સામનો એક અનોખા અને હકારાત્મક અંદાજમાં કરે છે. તાજેતરમાં શહેરમાં ખાબકેલા ભારે વરસાદ અને તેને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે પણ સુરતીઓએ સાબિત કરી દીધું કે, આવું તો માત્ર સુરતીઓ જ કરી શકે! મુસીબતના આ સમયમાં પણ સોશિયલ મીડિયા પર સુરતીલાલાઓના એવા અદભુત નજારા વાયરલ થયા છે, જે જોઈને કોઈ પણ કહી ઉઠે કે ભાઈ, આનું નામ જ સુરત! સ્વિમિંગ પુલ બનેલા રસ્તાઓ અને વોલિબોલની રમઝટ શહેરના પોશ વિસ્તારોથી લઈને કોટ વિસ્તાર સુધીના રસ્તાઓ જ્યારે ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા, ત્યારે સુરતી યુવાનોએ તેને હોલીડે રિસોર્ટ સમજી લીધો હતો. રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના 'સ્વિમિંગ પુલ'માં યુવાનોએ ડૂબકીઓ લગાવી હતી. એટલું જ નહીં, ધોધમાર વરસાદની વચ્ચે રસ્તા પર જ નેટ બાંધીને યુવાનો પાણીમાં વોલિબોલ રમતા નજરે પડ્યા હતા. આપત્તિને અવસરમાં કેવી રીતે બદલવી, તે સુરતીઓ પાસેથી શીખવા જેવું છે. ભરેલા પાણીમાં સોફા અને ગાદલા પર 'રાજાશાહી' મોજો સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે કેટલાક મોજીલા સુરતીઓ ઘરની બહાર રસ્તા પર તરતા સોફા અને ગાદલા નાખીને આરામ ફરમાવતા દેખાયા. પાણીની વચ્ચે સોફા પર બેસીને જાણે કોઈ આલીશાન રિસોર્ટમાં બેઠા હોય તેમ લહેર માણતા સુરતીઓનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આપત્તિમાં પણ અટકી નહીં શરણાઈઓ: વરરાજા પરણવા નીકળ્યા વરસતા વરસાદ અને ચારેય તરફ ભરાયેલા પાણી પણ સુરતી વરરાજાના ઉત્સાહને રોકી શક્યા નથી. આવી કપરી પરિસ્થિતિમાં પણ વરરાજા ધામધૂમથી પરણવા નીકળ્યા હતા. જ્યાં લક્ઝરી ગાડીઓ ફેઈલ થઈ ગઈ, ત્યાં વરરાજાએ પરંપરાગત અંદાજ અપનાવ્યો. વાહન બંધ થઈ જતાં વરરાજાએ ઘોડેસવારી કરી તો કેટલાક વિસ્તારોમાં વરરાજા અને જાનૈયાઓ તરાપાની હોડી બનાવી લગ્નમંડપ સુધી પહોંચ્યા હતા. આટલું જ નહીં, ધોધમાર વરસાદની વચ્ચે જાનૈયાઓ રસ્તા પર ગરબા રમતા પણ જોવા મળ્યા હતા. ખાણી-પીણીના શોખીન: પાણીમાં ચાની મજા અને સુરતી નાસ્તો સુરતીઓ અને ખાણી-પીણીનો સંબંધ જગજાહેર છે. 'સુરતનું જમણ' એમ જ વખણાતું નથી. પૂરના પાણીની વચ્ચે પણ સુરતીઓએ ગરમાગરમ ચા અને સુરતી નાસ્તા (લોચો, ખમણ)ની લિજ્જત માણવાનું ચૂક્યા નહોતા. કમર સુધીના પાણીમાં ઉભા રહીને હાથમાં ચાની ચુસ્કી લેતા સુરતીલાલાઓનો મિજાજ અદભુત હતો. કેટલાક વેપારીઓ તો આવી સ્થિતિમાં પણ પાણીમાં રેકડી લઈને ફરવા નીકળી પડ્યા હતા જેથી લોકોને ખાવા-પીવાની તકલીફ ન પડે. જીવદયા અને કિંમતી સામાનની અનોખી સફર સુરતીઓ માત્ર મોજ મસ્તી જ નથી કરતા, પરંતુ મુસીબતમાં એકબીજાની અને અબોલ જીવોની વહારે પણ આવે છે. પૂરના પાણીમાં એક યુવાન પોતાના પાલતુ કૂતરાને તેડીને તેનો જીવ બચાવતો જોવા મળ્યો હતો. બીજી તરફ, વરસાદના કારણે એક પાલતુ શ્વાન રસ્તો ભૂલો પડી ગયો હતો, જેને સ્થાનિક લોકોએ આશરો આપી સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યો હતો. આ સાથે જ, લોકો પોતાના ઘરની કિંમતી તિજોરી અને કબાટને પાણીથી બચાવવા માટે માથે કે ખભે ઊંચકીને સલામત સ્થળે ખસેડતા નજરે પડ્યા હતા. જુગાડ ટેકનોલોજી: એક જ મોટી છત્રીમાં આઠ લોકો અને ખભે બાઈક જ્યારે મુસીબત મોટી હોય ત્યારે સુરતીઓનો જુગાડ પણ મોટો હોય છે. અચાનક આવેલા વરસાદમાં જ્યારે છત્રી ન મળી, ત્યારે આઠ લોકોએ ભેગા મળીને એક જ વિશાળ કદની મોટી છત્રી નીચે આખો ગૃપ વોક કર્યો હતો. બીજી તરફ, રસ્તા પર પાણી ભરાવાને કારણે બાઈક બંધ થઈ જતાં, એક રિંપુષ્ટ સુરતીલાલાએ તો આખી બાઈક જ પોતાના ખભે નાખીને ચાલવાનું શરૂ કરી દીધું હતું! પૂરના પાણીમાં માછીમારી અને હોડીની સવારી શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તકનો લાભ લઈને કેટલાક ઉત્સાહી સુરતીઓએ માછીમારી શરૂ કરી દીધી હતી. જ્યારે ટ્રાફિક વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ, ત્યારે લોકોએ લાકડા અને ટ્યુબની મદદથી દેશી તરાપા (હોડી) બનાવી લીધી હતી અને તેના પર સવાર થઈને આખા વિસ્તારની સફરે નીકળી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક:રેન્જ IGP રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં વિવિધ ધર્મના આગેવાનો સાથે ચર્ચા, 10-11 જુલાઈએ જનજાગૃતિના કાર્યક્રમો
    Next Article
    મોરબીમાં લૂંટેરી દુલ્હન સામે પોલીસ ફરિયાદ:લગ્નના 8 દિવસ બાદ કોઈને કહ્યા વગર દુલ્હન ફરાર, મેરેજ કરવા પીડિતે વચેટિયાને 1 લાખ આપ્યાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment