Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિનેશે કોમલને ઊંચકીને સાબરમતીમાં ફેંકી દીધી:નજરે જોનારા મિત્રને કહ્યું- તને પણ મારી નાખીશ, સવારે પોલીસ સ્ટેશન જઇ રડવા લાગ્યો

    2 days ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે એક બાતમીદારે પોલીસને બાતમી આપી કે 9 વર્ષ પહેલાં મિનેશ સોલંકી નામના યુવાને પોતાની પત્ની કોમલની સાબરમતી નદીમાં ફેંકીને હત્યા કરી નાખી હતી અને પછી પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ બાતમી મળ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 9 વર્ષ પહેલાં નોંધાયેલી ફરિયાદ મગાવી, સાબરમતી નદીમાંથી જે લાશ મળી હતી તેના ફોટો પણ મેળવ્યા અને કોમલના પરિવારને બોલાવી લાશની ઓળખ કરાવી. જેમાં સ્પષ્ટ થયું કે એ સમયે જે લાશને બિનવારસી માનીને અંતિમ સંસ્કાર કરી નખાયા હતા તે લાશ કોમલની જ હતી. આના પછી પોલીસે મિનેશને ઉઠાવી લીધો અને તેની પૂછપરછ શરૂ કરી. હવે આગળ વાંચો.... પહેલાં તો મિનેશે કોમલ વિશે કંઇપણ જાણતા હોવાનો ઇન્કાર કર્યો. તેને એમ હતું કે પોલીસ કદાચ તેની વાત માની લેશે પણ એવું ન થયું. 10 મિનિટમાં જ તેણે સ્વીકારી લીધું કે હા, મેં જ કોમલની હત્યા કરી છે. તે નાની નાની બાબતોમાં મારી સાથે ઝઘડતી હતી. હું બહુ સહન કરતો હતો. છેવટે કાયમી શાંતિ માટે આ પગલું ભર્યું હતું. બસ આ શબ્દો પછી પોલીસે તેની વિગતવાર પૂછપરછ શરૂ કરી. જેમાં મિનેશ પોલીસ સામે એક પછી એક ખુલાસા કરતો ગયો. વર્ષ 2014ની વાત છે. મિનેશ કાલુપુરમાં રહેતો હતો. તે દરજીકામ કરતો હતો. કોમલ પણ કાલુપુરમાં આવેલી પંચભાઇની પોળમાં રહેતી હતી. એક જ વિસ્તારમાં રહેતા હોવાથી બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તેની બન્નેને ખબર જ ન પડી. આ સમય દરમિયાન એ જ વિસ્તારમાં રહેતો એક યુવાન ભાવેશ (બદલેલું નામ) બન્નેનો કોમન ફ્રેન્ડ બન્યો. જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ મિનેશ અને કોમલનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. બન્નેને એકબીજા વગર ચાલતું નહીં. એક દિવસ પણ જો તેમની મુલાકાત ન થાય તો તે બેબાકળા બની જતાં. પરિવારજનોની જાણ બહાર બન્ને મળવા લાગ્યા. ધીમે ધીમે એકબીજા સાથે જિંદગી વિતાવવાના સપનાં જોવા લાગ્યા પણ તેમને ખબર નહોતી કે તેમના આ સપનાને પરિવાર ક્યારેય નહીં સ્વીકારે. એક દિવસ બન્નેએ નક્કી કર્યું કે પોતાના ઘરે પ્રેમ સંબંધની જાણ કરી દેવી અને લગ્ન માટે મંજૂરી માગવી. બન્નેએ પોતાના ઘરે જાણ કરી પણ પરિવારે તેમનો પ્રેમ સંબંધ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. બન્ને કોઇપણ ભોગે લગ્ન કરવા માંગતા હતા એટલે તેમણે ભાગીને લગ્ન કર્યા. પ્રેમ લગ્ન બાદ કોમલના માતાપિતા તેને જરૂર પૂરતું જ બોલાવતા હતા. લગ્ન બાદ બન્ને ખુશ હોવા જોઇતા હતા પણ તેવું ન થયું. કહેવાય છે ને કે એકનો એક સમય હંમેશા નથી રહેતો. લગ્ન પહેલાંનો પ્રેમ ક્યાંય ભૂલાઇ ગયો. થોડા જ સમયમાં બન્ને વચ્ચે નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા. ક્યારેક કોમલ મિનેશ પર શંકા પણ કરતી એટલે મિનેશની સહનશક્તિએ જવાબ દઇ દીધો. તે આ ઝઘડાઓથી કંટાળી ગયો હતો. મિનેશ ઘણીવાર પોતાના કોમન ફ્રેન્ડ ભાવેશને બધી વાત કરતો. ભાવેશ પોતાનાથી બનતા પ્રયત્ન કરતો અને બન્નેને સમજાવતો તેમ છતાં ઝઘડા ઓછા થવાનું નામ જ નહોતા લેતા. કોમલની હત્યા થઇ તેના 2 દિવસ પહેલાંની વાત છે. એક દિવસ બન્ને વચ્ચે ફરીથી ઝઘડો થયો. આ વખતે મિનેશે કોમલની હત્યા કરી નાખવાનો પ્લાન બનાવી લીધો. તેણે દર વખતની જેમ આ વખતે પણ ભાવેશને ઝઘડાની વાત કરી હતી. જેના પછી ભાવેશ, મિનેશ અને કોમલે મળીને નક્કી કર્યું કે આપણે ત્રણેય એક દિવસ મળીશું અને ઝઘડાનું સમાધાન કરીશું. 25 જૂન, 2017 રવિવાર હવે રથયાત્રાનો દિવસ આવ્યો.મિનેશને પોતાનો પ્લાન પાર પાડવા માટે આ દિવસ યોગ્ય લાગ્યો. તેણે કોમલને કહ્યું કે આજે આપણે ફરવા જઇશું. કોમલે પૂછ્યું- ક્યાં જઇશું? મિનેશે તેને આખા દિવસનો પ્લાન કહ્યો. જે સાંભળીને કોમલ તો ખુશ થઇ ગઇ. તેને ખબર નહોતી કે એ પ્લાન ફરવાનો નહીં પણ મરવાનો હતો. આખું અમદાવાદ કોટ વિસ્તારમાંથી નીકળી રહેલી રથયાત્રાના ભક્તિભાવમાં ડૂબેલું હતું ત્યારે બન્ને પતિ-પત્ની શહેરમાં ફરતા હતા. આખો દિવસ ફરીને રાત્રે નવેક વાગ્યા આસપાસ બન્ને દધિચી બ્રિજ નીચે થઇને ઇસ્ટ રિવર ફ્રન્ટ પર જઇને બેઠા. તેમણે ભાવેશને પણ બોલાવી લીધો હતો. આ સમયે ત્યાં લોકોની બહુ ઓછી હાજરી હતી. એમ પણ વેસ્ટ રિવર ફ્રન્ટની સરખામણીએ ઇસ્ટ રિવર ફ્રન્ટમાં ઘણા ઓછા લોકો ફરવા જતાં હોય છે. કોમલ અને ભાવેશ માટે રિવર ફ્રન્ટ પર બેસવા આવવાનું કારણ ઝઘડાનું સમાધાન હતું. જ્યારે મિનેશના મગજમાં કંઇક જુદું જ રંધાઇ રહ્યું હતું. અહીં બેઠા પછી ત્રણેય વચ્ચે ઝઘડાની વાત શરૂ થઇ. ભાવેશે કોમલ-મિનેશને સમજાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બન્ને એકબીજા પર આરોપ નાખતા રહ્યાં પણ ભાવેશે કુનેહથી કામ લીધું અને ધીરે ધીરે એક એક વાતમાં કોણે શું કરવું અને શું ન કરવું તે કહેતો ગયો. છેવટે તેને લાગ્યું કે બન્ને માની ગયા છે અને તેમની વચ્ચે સમાધાન થઇ ગયું છે. જેથી બન્નેને થોડી સ્પેસ મળી રહે તે માટે તે થોડે દૂર જતો રહ્યો. હવે મિનેશ અને કોમલ ઊભા થઇ ગયા હતા. વાતો વાતોમાં રાતના 11 વાગી ચૂક્યા હતા. રિવરફ્રન્ટ પર આ 3 સિવાય દૂર દૂર સુધી કોઇ જ દેખાતું નહોતું. ચારેતરફ સન્નાટો હતો. ભાવેશ દૂર ગયોને થોડી જ વાર થઇ હશે કે તેને પાણીમાં કશુંક પડવાનો જોરદાર અવાજ આવ્યો. તેણે ચોંકીને પાછળ જોયું તો જ્યાં મિનેશ અને કોમલ જ્યાં ઊભા હતા ત્યાંથી મિનેશ થોડો આઘો ખસી ગયો હતો અને કોમલ દેખાતી નહોતી. તે હજુ તો વિચારતો હતો કે કોમલ ક્યાં ગઇ હશે એટલામાં તો ભાવેશના કાનમાં કોમલનો અવાજ પડ્યો. તે કહી રહી હતી કે બચાવો.... બચાવો.... આ અવાજ સાંભળીને ભાવેશ દોડીને મિનેશ પાસે પહોંચ્યો અને જોયું તો કોમલ નદીમાં ડૂબી રહી હતી. ડૂબતી કોમલની નજર પણ ભાવેશ પર પડી. તેણે ભાવલા મને બચાવ, ભાવલા મને બચાવ તેવું કહ્યું પણ ભાવેશ આ દૃશ્ય જોઇને જાણે કે દિગ્મૂઢ બની ગયો હતો. તે પાળી પકડીને કોમલને ડૂબતી જોઇ રહ્યો. શું કરવું અને શું ન કરવું તેનું તેને કોઇ ભાન જ નહોતું. તેના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા હતા. આટલી વારમાં તો મિનેશ ભાવેશની નજીક આવ્યો. તેણે જે કહ્યું અને કર્યું તેનાથી ભાવેશને આંચકો લાગ્યો. મિનેશની આંખોમાં ક્રૂરતા હતી. તેણે ભાવેશની બોચી પકડી અને પોતાનું મોઢું તેના કાન પાસે લઇ જઇને ધમકીના સ્વરૂપમાં બોલ્યો- જો તે કોઇને પણ આ વિશે વાત કરી તો હું તારી પણ આવી જ હાલત કરીશ. જો તુ પોલીસમાં ગયો તો આપણા બન્નેની સરખી જ હાલત થશે. ફક્ત હું જ નહીં મારી સાથે તુ પણ જેલમાં જઇશ. હવે ભાવેશને ખ્યાલ આવી ગયો હતો કે મિનેશે જ ધક્કો મારીને કોમલને નદીમાં ફેંકી દીધી હતી. થોડી જ વારમાં કોમલનો અવાજ આવતો બંધ થઇ ગયો અને તે નદીમાં ડૂબી ગઇ. ભાવેશ અને મિનેશ તરત જ ત્યાંથી જતાં રહ્યાં. ઘરે જઇને ભાવેશ આખી રાત સૂઇ ન શક્યો. ડૂબતી કોમલના દ્રશ્યો તેની આંખ સામેથી હટતા નહોતા પણ મિનેશે આપેલી ધમકીના કારણે તે ડરી ગયો હતો એટલે તેણે આ વાતને ભૂલી જવાનું જ નક્કી કરી લીધું. આ તરફ કોમલની હત્યા બાદ મિનેશ પોતાના પ્લાન પ્રમાણે આગળ વધી રહ્યો હતો. બીજા દિવસે સવારે તે કાલુપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અને પત્ની ગુમ થઇ ગઇ હોવાની ફરિયાદ નોંધાવી. તેણે પોલીસને કહ્યું કે- સાહેબ, મારી પત્ની ગઇકાલથી ગાયબ છે. તેને ઘણી શોધી પણ નથી મળતી. આટલું બોલીને તે રડવા લાગ્યો. જેથી પોલીસને પણ તેની વાત પર વિશ્વાસ આવે. તે એટલો ચાલાક હતો કે કદાચ કોઇ કોમલ અંગે તેને પૂછે તો એવું કહેતો કે એ તો ક્યાંક ભાગી ગઇ છે. પોતાની વાતને સાચી સાબિત કરવા તે લોકોને એવું પણ કહેતો કે મેં તો પત્ની ગુમ થયાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાવી છે. જો કે સત્ય શું છે તે પોતે સારી રીતે જાણતો હતો. કાલુપુર પોલીસે પણ કોમલને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે ન મળી. ક્યાંથી મળે? કેમ કે તે તો નદીમાં ડૂબીને મરી ચૂકી હતી. મિનેશને પણ કોમલની લાશ મળી કે નહીં તે અંગે કોઇ ખબર નહોતી. કોમલની હત્યા કર્યા બાદ મિનેશે બીજો સંસાર માંડ્યો હતો. તે કાલુપુર છોડીને હાથીજણ રહેવા જતો રહ્યો હતો. મિનેશને લાગ્યું કે તે કાયદાના સકંજામાંથી બચી ગયો છે અને આ ઘટનાની કોઇને ખબર નથી પણ છેવટે તેના પાપનો ઘડો ભરાઇ જ ગયો અને પોલીસને 9 વર્ષ પહેલાંની ઘટના અંગે ખબર પડી ગઇ. આ પણ વાંચો મિનેશે કોમલને ઊંચકીને સાબરમતીમાં ફેંકી દીધી, પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    શંકરાચાર્ય યૌન શોષણ કેસ આશુતોષ મહારાજનું જ ષડયંત્ર:સિક્રેટ કેમેરા સામે બટુક પલટાયો, કહ્યું- આશુતોષે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી ખોટા નિવેદનો લેવડાવ્યા
    Next Article
    લોકોએ નેતાને પાણીમાં ડૂબાડ્યા:સાંસદ બુલડોઝરની ઉપર ચઢી ગયા; …તો AAPના આટલા નેતાઓની ટિકિટ પાક્કી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment