Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડધો કલાક મોઢામાં માણસનો હાથ પકડીને બેઠો રહ્યો સિંહ:પંપાળ્યો તો છોડી દીધો, આખરે સિંહે માણસને ખાધો કેમ નહીં?

    1 day ago

    પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા. તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા. તેનો ડાબો હાથ પોતાના મોઢામાં પકડી લીધો. જોનારાના જીવ પડીકે બંધાઈ ગયા. અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો. છેલ્લા એક મહિનામાં સાવજોએ 4 માણસોનો શિકાર કર્યો છે. ત્યારે આ ઘટનામાં સિંહે માલધારીને કેમ છોડી દીધો, તેના ચાર સિનારિયો જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં... 6 જુલાઈ, સોમવારે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ આ ઘટના બની. પાલિતાણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, સોનપરી ગામમાંથી સિંહ મારણ કરીને બાજુના મોટા ગરાજિયા ગામમાં આવી ચડ્યા હતા. સિંહ-સિંહણ મળીને ત્રણ પ્રાણીને ગામના લોકોએ જોયા હતા, જેમાંથી બે પોતાના વિસ્તાર તરફ નીકળી ગયા હતા. એક સિંહ પાછળ રહી ગયો હતો અને મોટા ગરાજિયા ગામમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે અચાનક ભડક્યો. સિંહે આ ત્રણ કારણોથી ભડક્યો હોઈ શકે સિંહે માલધારીને જ ઢાલ બનાવ્યો મોટા ગરાજિયા ગામના લોકોએ પણ લોકલ મીડિયા સામે એવું કહ્યું છે કે, એક સિંહ ને બીજા બે સિંહ-સિંહણ હતા. ત્રણેય સોનપરી ગામની દિશામાંથી મારણ કરીને આવતા હતા. એનો મતલબ એ થયો કે સિંહનું પેટ ભરેલું હતું અને એટલે માણસને છોડી દીધો. પર્યાવરણવિદ્દ અને સિંહની હરકતના અભ્યાસુ વિનોદભાઈ પંડ્યાએ કહ્યું કે, સિંહની શિકારની વૃત્તિ છે, તે મારણ કરે છે એ બઘું સાચું પણ સિંહની પ્રકૃતિ ચોપગા જાનવરોને જ મારવાની છે. માણસને મારીને શિકાર કરવાની વૃત્તિ સિંહની ક્યારેય રહી જ નથી. સિંહ મોટાભાગે અંધારામાં રાતના સમયે શિકાર કરે છે. મોટા ગરાજિયા ગામમાં સિંહ પહોંચ્યો ત્યારે સવાર પડી ગઈ હતી. ગામના લોકોની ચહલ-પહલ તેજ થઈ ગઈ હતી. લોકોએ સિંહને જોઈએ દેકારો કર્યો ન હોત તો એ શાંતિથી પોતાના વિસ્તારમાં જતો રહેત. બધાએ દેકારો કર્યો એટલે જ તેણે હુમલો કર્યો. 891 સાવજોની વસ્તી સામે ગીરનું જંગલ નાનું પડે છે. સિંહ ગીરની બહાર રહેવા લાગ્યા છે એટલે ભવિષ્યમાં પણ સિંહ-માણસ વચ્ચે કોન્ફિ્લક્ટની સંખ્યા વધવાની જ. વિનોદભાઈ આગળ કહે છે, જૂન મહિનામાં જે ચાર ઘટનામાં સિંહે માણસનો શિકાર કર્યો તે ઘટનામાં સિંહને વગોવી દેવાયા છે. પણ આ એક ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે તમે સિંહ સાથે જેવો વ્યવહાર કરો તેવો વ્યવહાર તે કરે જ છે. માલધારીનો એક હાથ સિંહના મોઢામાં દબાયેલો હતો પણ બીજા હાથેથી સિંહને પંપાળ્યો અને ઈમોશનલ ફિલિંગ આપી. ત્યારે જ સિંહે બીજા હાથની પકડ ઢીલી મૂકી ને માલધારી હેમખેમ છૂટી શક્યો. સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના પૂર્વ મેમ્બર અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાએ કહ્યું કે, સિંહનો મૂળભૂત સ્વભાવ માણસને ખાવાનો નથી. સિંહ અને માલધારી પરિવારો વર્ષોથી ગીરમાં સાથે રહે છે. કોઈ એવું કારણ હોય તો જ સિંહ માણસ પર હુમલો કરે છે પણ માણસને પછાડીને તેનું વાછરડાંની જેમ મારણ કરે એવું ક્યારેય જોયું નથી. આ કિસ્સામાં પણ તેણે માણસ પર હુમલો કરીને પછાડ્યો પછી છોડી દીધો. સિંહ ટેરેટરીવાળું એનિમલ છે. તે હંમેશા સેલ્ફ ડિફેન્સમાં જ હુમલો કરે છે. તેને એમ લાગે કે મને આ લોકો હેરાન કરશે, તો જ એ હુમલો કરે. ભૂષણભાઈ પંડ્યાએ એમ પણ કહ્યું કે, ગીર જંગલ નાનું બનતું જાય છે એવું નથી, ગેરકાયદે હોમસ્ટે, રિસોર્ટની ભરમારના કારણે સિંહોના કોરિડોર બ્લોક થઈ ગયા છે. એટલે તે ગ્રેટર ગીર તરફ આગળ વધી રહ્યા છે. ગ્રેટર ગીર એટલે ગીર જંગલ બહારનો ગામડાંનો વિસ્તાર. ગીર ફોરેસ્ટનો એરિયા 1412.13 સ્ક્વેર કિલોમીટરનો છે પણ હું એમ માનું છું કે આ વિસ્તાર હવે ગીર જંગલ નથી રહ્યું, ગીરને જ ઝૂ બનાવી દેવાયું છે. ગીરમાં સિંહ છંછેડાયેલા છે, તેનું સૌથી મોટું કારણ ગેરકાયદે લાયન શો છે. દર મહિને બે વીડિયો એવા વાયરલ થાય છે જેમાં સિંહની પજવણી થતી હોય. રાત્રે શિકારના સમયે તેના પર વાહનની લાઈટ ફેંકવી, હોર્ન વગાડવા, તેની પાછળ વાહન દોડાવવું.. સિંહોને છંછેડવાનું વધી ગયું છે. એટલે સિંહ માણસ પ્રત્યે ચીડાયેલા તો રહેવાના જ. પછી આ રીતે તેનો ગુસ્સો નીકળે છે. આ કિસ્સામાં એવું જ થયું છે. માણસ પ્રત્યેની એક ચીડના કારણે માલધારી પર હુમલો કર્યો. સવાર થઈ ચૂકી હતી અને લોકોની ભીડ એકઠી થઈ હતી એટલે ભીડના ડરથી માલધારીને છોડી દીધો. ચાર દાયકાથી સિંહોના સંવર્ધન માટે કામ કરી રહેલા દીવના સિંહપ્રેમી રમેશભાઈ રાવલે કહ્યું કે, મેં તો વીડિયો જોયો નથી પણ તમે જે વાત કરો છો, તેના પરથી એટલું કહી શકું કે સિંહની પકડ ઢીલી પડી હશે એટલે છોડી દીધો, નહીંતર માણસનો શિકાર કરી જ નાખત. એક તો સિંહે પોતાના આગળના પગેથી માણસના બે પગ દબાવી દીધા હતા. જેથી તે લાતો ન મારે. તે માણસને પોતાનો શિકાર માનતો હતો, તે છટકી ન જાય એટલે એક હાથ તેણે મોઢામાં દબાવી રાખ્યો હતો. સિંહના દાંત એટલા તિક્ષ્ણ હોય છે કે હાથના હાડકાંની આરપાર નીકળી જાય. એ પકડ સરખી નહીં આવી હોય એટલે ધીમેધીમે છોડી દીધી. તેનો છોડવાનો જ ઈરાદો જ હોત તો અડધો કલાક દબાવી ન રાખત. મેં ગીરમાં ને ગીર બહાર એટલા કિસ્સા જોયા છે કે સિંહે ગાયનો શિકાર કર્યો હોય. ગરદનેથી ગાયને પકડી હોય પણ પકડ સરખી ન આવી હોય તો અડધો કે એક કલાક સુધી ગાયની ગરદન મોઢામાં પકડીને બેઠો રહે. ઘણા એવું પણ માને છે કે સિંહ શિકાર ન કરે. એવું નથી. સિંહ એકલો હોય અથવા બે-ત્રણ નર સિંહ સાથે હોય તો એ શિકાર કરે છે. પરિવાર સાથે હોય ત્યારે સિંહણ શિકાર કરે ને સાવજ મારણ ખાય છે. હું તો સિંહના સ્વભાવને બહુ નજીકથી જાણું છું. એટલે એટલું તો કહી જ શકું કે સિંહે જે હાથ દબોચ્યો, તેની પકડ ઢીલી પડી હશે નહીંતર શિકાર થઈ જ ગયો હોત. પાલિતાણાના મોટા ગોરાજિયા ગામની એક ઘટનાના 4 સિનારિયો સમજ્યા પછી એ પણ સમજવું જરૂરી છે કે સિંહ અને માણસોના સંબંધો કેવા રહ્યા છે. શું સિંહ અને માણસોના સંબંધોમાં તિરાડ પડી રહી છે? સિંહ અને માણસોની દોસ્તી તૂટી રહી છે? મે-જૂન મહિનામાં સિંહોએ માણસનો શિકાર કર્યો હોય તેવી 4 ઘટના બની જતાં જતાં… સિંહ અને માણસની દોસ્તીની મિસાલની કહાની... સાસણથી 16 કિમી દૂર મોણપરી નામનું ગામ છે. ત્યાં પાણીના ઘણા ઘૂના છે. એટલે એ ગામને ઘૂનાવાળી મોણપરી કહે છે. આ ગામમાં દરબાર માત્રાવાળા થઈ ગયા. નદીના કાંઠે જ એમની વાડી હતી. એક દિવસ દરબાર વાડીમાં બેઠા હતા. એવામાં સિંહ-સિંહણનું જોડું પાણી પીવા આવ્યું. એકાએક નદીના પાણીમાંથી વિશાળ મગર નીકળીને સિંહણને પાણીમાં તાણી ગયો. સિંહે સિંહણને બચાવવાના પ્રયાસો કર્યા પણ વ્યર્થ. સિંહણને મારવાનો બદલો લેવા સિંહે પાણી પીવાનું નાટક કર્યું. મગર સિંહ તરફ આવ્યો. બંને વચ્ચે જોરદાર યુદ્ધ થયું. એક કલાકની જંગમાં સિંહે મગરને મારી નાખ્યો. સિંહ પણ ઘાયલ થઈને જમીન પર ફસડાઈ પડ્યો. આ બધું દરબાર માત્રાવાળા જોતા હતા. તે શૂરવીર હતા. હિંમત કરીને સિંહની નજીક ગયા. ભેગા થઈ ગયેલા ગામના લોકોએ તેમને રોક્યા પણ તે માન્યા નહીં. દરબારે આયુર્વેદિક પાંદડાંને મસળીને લૂગદી બનાવીને સિંહના ઘા પર લગાવી. સિંહ પર પાણી છાંટ્યું પણ તે ઊભો થઈ શક્યો નહીં. દરબારે સતત ચાર દિવસ સિંહની સેવા કરી. સિંહ ચાલતો થઈ ગયો. સિંહને દરબાર સાથે દોસ્તી બંધાઈ ગઈ. દરબાર પલંગ પર સૂતા હોય ને સિંહ પલંગ નીચે બેઠો હોય. એકવાર દરબાર માત્રાવાળા વાડી પાસે તેના ઘરની ડેલીએ સૂતા હતા. પાંચ-છ દુશ્મનો દરબારને મારવા આવ્યા. એ દરબાર પર હુમલો કરવાની તૈયારીમાં હતા ત્યાં સિંહ ત્રાડ પાડીને ઊભો થયો. બે વ્યક્તિને તો છલાંગ મારીને મારી જ નાખ્યા. બાકીના ભાગી ગયા. ઉંમર થતાં દરબાર બીમાર પડ્યા. બીમારીના કારણે દરબાર માત્રાવાળાનું નિધન થયું. સિંહ મૃતદેહ પાસે બેઠો રહ્યો. સ્મશાનયાત્રા નીકળી ત્યારે ડાઘુઓની સાથે સ્મશાન સુધી ગયો. અગ્નિદાહ પછી ગામના લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા પણ સિંહ સ્મશાનમાં બેઠો રહ્યો. ચિતા શાંત થઈ પછી સ્મૃતિઓ લઈને ગાઢ જંગલમાં અદ્રશ્ય થઈ ગયો… (આ કિસ્સો દીવના સિંહપ્રેમી રમેશભાઈ રાવલે નોંધ્યો છે.)
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: India’s push for cleaner transport hits roadblocks amid E25 rethink, EV challenges
    Next Article
    મુંબઈ વરસાદથી નવસારી-વલસાડમાં ટ્રેનો અટકી:દિવસભર ફસાયેલા મુસાફરોને ભાજપે મોડી રાત્રે ફૂડ પેકેટ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment