Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જ્યાં સુધી ભાડું કે વૈકલ્પિક આવાસ નહીં મળે, હટીશું નહીં':ભેસ્તાન આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રહીશો રસ્તા પર આવ્યા, સુરત મનપાની બેધારી નીતિ સામે સવાલ

    10 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને 'ઝૂંપડપટ્ટી મુક્ત શહેર'ના નામે પાકા મકાનો તો ફાળવી દેવાયા, પરંતુ તંત્રની કથિત લાપરવાઈ અને લોટપાણીયા બાંધકામને કારણે આજે સેંકડો પરિવારો રસ્તા પર આવી ગયા છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભીમનગર આવાસ (TP-22, ફાઈનલ પ્લોટ નં. 23) અને સરસ્વતી આવાસ (TP-22, ફાઈનલ પ્લોટ નં. 70) ના સેંકડો રહીશો આજે પોતાની પડતર માંગણીઓ અને વહીવટી તંત્રના અન્યાય સામે સુરત મનપાની કચેરી ‘તાપી ભવન’ ખાતે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 10 વર્ષથી મોતના ઓથાર હેઠળ જીવતા પરિવારો આંદોલન કરી રહેલા સ્થાનિક રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે, પાલિકા તંત્ર દ્વારા તેમના વર્ષો જૂના ઝૂંપડા હટાવીને જે પાકા આવાસો આપવામાં આવ્યા હતા, તેની બાંધકામ ગુણવત્તા એટલી હલકી કક્ષાની હતી કે મકાનો માત્ર એક જ વર્ષમાં જર્જરિત થઈ ગયા હતા. છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અવારનવાર સ્લેબના પોપડા પડવા છતાં મનપાના સંવેદનહીન તંત્ર દ્વારા રહીશોની રજૂઆતોને સતત નજરઅંદાજ કરવામાં આવી રહી છે. હવે તંત્ર આ જર્જરિત મકાનો ખાલી કરવા દબાણ કરે છે, પરંતુ વૈકલ્પિક આવાસ કે ભાડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરોના સ્વાર્થ ખાતર ગરીબોને કાયમી ધોરણે બેઘર કરવાનું આ મોટું કાવતરું છે. ધોધમાર વરસાદમાં પણ અડગ રહ્યા પ્રદર્શનકારીઓ આજે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. રહીશો જ્યારે તાપી ભવન બહાર મનપા વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સામાન્ય રીતે આવા સમયે ભીડ વિખેરાઈ જતી હોય છે, પરંતુ વર્ષોથી અન્યાય સહન કરી રહેલા પુરુષો, મહિલાઓ અને વૃદ્ધો જરાય ડગ્યા નહોતા અને પલળતા પલળતા પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. "પાકા મકાન કરતાં તો અમારા ઝૂંપડા સારા હતા" : સ્થાનિક મહિલા વર્ષ 2016થી ન્યાયની લડત લડી રહેલા સ્થાનિક મહિલા હેમાબેન ભીખુભાઈ રાઠોડે તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે નાના-નાના છોકરાઓને લઈને અંદર રહીએ છીએ. અધિકારીઓ આવે છે અને માત્ર નોટિસ આપીને નીચેથી જ ચાલ્યા જાય છે. અમારી માંગણી એટલી જ છે કે, કાં તો અમને ભાડું આપો અથવા રહેવા માટે જગ્યા આપો. આવા પાકા મકાનો કરતાં તો અમારા ઝૂંપડા સારા હતા, જ્યાં અમે સુરક્ષિત તો હતા! ભૂતકાળમાં અહીં બિલ્ડિંગની દુર્ઘટનામાં બે છોકરીઓ મરી ગઈ, તો કયો સાહેબ સસ્પેન્ડ થઈ ગયો? જો તંત્રમાં થોડી પણ ઇન્સાનિયત હોય તો તેમણે અમારી જવાબદારી સમજવી જોઈએ. અન્ય વિસ્તારોના ટેન્ડરો બે-બે વર્ષમાં પાસ થઈ જાય છે, તો અમારા કેમ નથી થતા? જો અમને ન્યાય નહીં મળે તો અમે આ જર્જરિત બિલ્ડિંગમાં જ દબાઈને મરી જવા તૈયાર છીએ." “70થી 80 પત્રો લખવા છતાં તંત્ર મચક આપતું નથી”: સામાજિક કાર્યકર્તા આ લડતમાં રહીશોની સાથે ઉભેલા સામાજિક કાર્યકર્તા મનોજ ચાંદલાએ તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 10 વર્ષથી ભેસ્તાનના સરસ્વતી અને ભીમનગર આવાસના રીડેવલોપમેન્ટ માટે અને રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા (ઘર અથવા ભાડું) આપવા માટે લડી રહ્યા છીએ. ભીમનગર આવાસ હજુ ખાલી નથી કરાવાયું, ત્યાંના લોકો પોતાની જવાબદારી પર મોતના મુખમાં જીવી રહ્યા છે. અમે મનપાને અત્યાર સુધીમાં 70થી 80 જેટલા પત્રો લખ્યા છે, છતાં અધિકારીઓ કોઈ મચક આપતા નથી. સરસ્વતી આવાસનું ડિમોલિશન કરીને 2021માં જે વૈકલ્પિક આવાસ આપેલા, તે પણ જર્જરિત નીકળ્યા અને 2024માં તેને પણ ખાલી કરવાની નોટિસો ફટકારી દેવાઈ!” વધુમાં તેઓએ જણાવ્યું કે, “તંત્ર કાયમ બહાનાબાજી કરે છે કે આવાસ માટે જગ્યા નથી. પરંતુ જ્યારે સરસ્વતી આવાસમાં એક માસૂમ બાળકીનું મોત થયું, ત્યારે તાત્કાલિક વડોદ આવાસ દેખાઈ ગયું. જ્યાં સુધી અમને પાકી વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી.”
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં નદીમાં તણાવાથી યુવકનું મોત:સુરતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વાપીમાં 4 ઇંચ; પાણી ભરાતા મુંબઈ રેલ વ્યવહારને અસર, ટ્રેનોનો સમય બદલાયો
    Next Article
    મુંબઈમાં ભારે વરસાદ: રેલ વ્યવહાર ખોરવાયો:અજમેર-દાદર એક્સપ્રેસ નવસારી સ્ટેશન પર અટવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment